૧૯. ગુરુ

 

મેઘપુરમાં શ્રીહરિ મુક્તમુનિને કહે, “અંધારી રાત્રિ હોય તે સૂર્યનો ઉદય થયા વિના ટળે નહિ. સૂર્યને ઠેકાણે ધર્મની વાત છે. ધર્મને અમે પિતા માન્યા છે, અને ધર્મની પત્ની ભક્તિને અમે માતા માની છે. તેમના પુત્ર, જ્ઞાન, વૈરાગ્યને અમે ભાઈ માન્યા છે. તે બધું અમારું કુટુંબ છે. અધર્મ વંશનું મૂળ ઉખાડવા અમે પ્રગટ થયા છીએ.”1•

શ્રીહરિએ મેઘપુરમાં વાત કરતાં કહ્યું, “ગાફલનો વિશ્વાસ અને સંગ કરવો નહિ. ગાફલ નર જ્યાં ત્યાં વિશ્વાસ મૂકે છે અને માર ખાય છે. ભગવાનમાં ચિત્ત રાખતા હોય એવા પુરુષનો સદા સંગ કરવો. પાણીને ગાળીને પીવું તેમ સમજીને ગુરુ કરવા. જોઈ તપાસીને સંગ કરે તેને પસ્તાવાનું રહેતું નથી.”2

શ્રીહરિએ ગુંદાળા ગામના લોકોને વાત કરતાં કહ્યું, “મિથ્યા ગુરુ જીવને યમપુરીના દુઃખથી છોડાવી શકતા નથી. સાચા ગુરુ હોય તે જ છોડાવી શકે છે, માટે તેમનો આશ્રય કરવો.”3

લોયામાં રાજાઓનો ભાવ જોઈ શ્રીહરિએ રાજી થઈને અમૃતવચનો કહ્યાં, “જગતનો જીવ જેવા તેવા ગુરુમાં વળગી જાય છે, તે ગુરુની તપાસ કરતો નથી. ગુરુ પોતાની રુચિ અનુસાર શિષ્યને વર્તાવે છે, પણ મોક્ષદાતા ગુરુની રીત જુદી છે. મિથ્યા ભગવાન અનેક હોય છે. તે વર્તન જોતાં જણાઈ આવે છે.

“સૂર્ય ગ્રહ છે તેમ બીજા પણ અનંત ગ્રહો છે પણ તેનાથી અંધકાર ટળતો નથી. સૂર્ય ઊગે પછી અન્ય ગ્રહની મહત્તા રહેતી નથી. તેમ સાચા ગુરુ મળે પછી ખોટા ઓળખાય છે. સાચા ગુરુ ધર્મની વૃદ્ધિ કરે છે. અધર્મનું ખંડન કરે છે. નીતિ-નિયમ અનુસાર સૌને વર્તાવે છે. અનીતિમાં ક્યારેય પ્રીતિ રાખતા નથી.

“નારી અને ધન દેખી તેમાં તણાતા નથી. ચક્રવર્તી રાજમાં પણ લોભાતા નથી. પાતાળથી પ્રકૃતિપુરુષ સુધી સૌમાં દુઃખ દેખે છે. જ્ઞાન વિના કશામાં લાભ જોતા નથી. લોકમાં કોઈને ઘણું બધું પ્રાપ્ત થયેલું જુએ, પણ તેને ભગવાનની સમજ ન હોય તો બધું શૂન્ય ગણે છે.

“અક્ષરધામમાં રહેલી ભગવાનની મૂર્તિને સદા સાકાર માને છે. બીજાને સ્વધર્મમાં વર્તાવી ભગવાનનું જ્ઞાન દૃઢ કરાવે છે. તેના હૃદયમાં હરિ વગર કોઈને સ્થાન આપતા નથી. ઉત્તમ વિષય પ્રાપ્ત થાય તો તરત ત્યાંથી અળગા થઈ જાય છે. અળગા થવાની મુખ્ય નિશાની એ કે મનવાંછિત કશુંક નાશ પામે ત્યારે રંચમાત્ર દુઃખ ન થાય.

“ખાન-પાન કે સ્ત્રી-દ્રવ્ય કાજે ક્યારે યત્ન કરતા નથી.

“કોઈ સન્માન ન કરે તોપણ મન મગન રહે છે. આવું જીવથી ન થાય. સિદ્ધ પણ આવું વર્તી ન શકે. મુક્તને પણ માનની રુચિ ટળતી નથી (એટલે કે આવા ગુરુ મુક્તથી પણ પર છે, અક્ષરબ્રહ્મ છે.) એ નિશાની જોઈ સાચા ગુરુની ખાતરી કરવી.

“બીજું પણ અનંત પ્રકારનું સામર્થ્ય તેમાં રહેલું છે. એવા ગુરુ નિશ્ચય ભગવાન તુલ્ય છે, એમ બધાના અંતરમાં સાક્ષી કબૂલે છે.”4•

અલૈયા ગામેથી શ્રીહરિએ હરિભક્તોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો તેમાં લખ્યું કે: “જીવનું હિત કરે તે સાચા ગુરુ છે. એવા ગરુના આશ્રયે શિષ્ય ક્યારેય દુઃખ પામતા નથી. આ લોક-પરલોકનું હિત બતાવે તે સાચા ગુરુ છે. પરલોક સુધારવો એ જ મનુષ્ય-દેહનું ફળ છે. શુક, સનકાદિક, નારદ, પ્રહ્‌લાદ, પ્રિયવ્રત વગેરેનો એ મત છે. તે સિવાયનું બધું ડહાપણ નકામું છે. પ્રભુ ભજતો હોય તેને ડારો દે તે જમદૂત કરતાં વધુ હત્યારો છે.”5

માંડવીમાં શ્રીહરિએ પુરજનોને વાત કરતાં કહ્યું, “શુદ્ધ વર્તન વિન મોક્ષ ન હોવે, અનંત જન્મ પઢિ પઢિ ખોવે. શુદ્ધ ગુરુ મિલે બિન જબહૂ, શુદ્ધ મોક્ષ ન પાવત કબહૂ. - શુદ્ધ વર્તન વિના અનંત જન્મ સુધી શાસ્ત્રો ભણે, પણ તેનો મોક્ષ થતો નથી. શુદ્ધ ગુરુ મળ્યા વિના શુદ્ધ મોક્ષ ક્યારેય થતો નથી.

વિષયમાં રાગ હોય અને તે ધર્મ-ભક્તિ-વૈરાગ્ય અને જ્ઞાનનો બોધ કરે, આત્મનિષ્ઠા દેખાડે, નારીને રાક્ષસી કહે, પિંડ બ્રહ્માંડને ખોટાં કહે, ઉપરથી બહુ ત્યાગ રાખે, શરીર સૂકવી નાંખે, વિષયની નિંદા કરે, છતાં પણ તેના મોક્ષનું કાચું છે. ઉપરના તેવા બધા આચારથી લોકો તેને આધીન થાય અને તેથી તે જે જે કહે તેને સાચું માને, અને સેવા કરે અને તેનો અભાવ લે નહિ એમ તે પૂજા તો કરે છે, પણ તે ખુવાર થાય છે. ગુરુ પરમેશ્વરના દાસ થઈને તેની ઉપાસના કરે છે. પરમેશ્વરના બાંધેલા નિયમમાં ગુરુ વર્તે છે ત્યારે તેનો જશ સકલ લોકમાં વધે છે. ગુરુ થઈને પરમેશ્વરના બાંધેલા નિયમ લેશ પણ લોપે તો તે દંડને પાત્ર બને છે. આ અમારો મત છે.”6

શ્રીહરિએ જીવેન્દ્રને કહ્યું, “કસબી લુહારને પાકું લોઢું મળે તો તેજદાર તલવારનું નિર્માણ થાય, તે જ રીત મોક્ષમાર્ગમાં જાણવી. ગુરુ લુહાર છે ને શિષ્ય લોઢું છે. ગુરુ કસબી ન હોય ને શિષ્ય કાચો હોય તો મોક્ષનું કામ સરતું નથી. એક હાથથી તાળી પડે નહીં. ગુરુ ધર્મ, જ્ઞાનાદિક ગુણે યુક્ત હોવા જોઈએ. શિષ્ય પાકો વિશ્વાસી હોય ને તે ગુરુના વચન પ્રમાણે દેહને વર્તાવે તો તેની કીર્તિ વધે છે.”7

માવાભક્ત પ્રત્યે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાન કે ભગવાનના સાચા સંત જ્યારે પ્રગટ થાય છે ને જ્યારે તેના મુખે શાસ્ત્ર સાંભળે છે, ત્યારે જીવનો ઉદ્ધાર થાય છે. બાકી સ્ત્રી અને ધનમાં લપટાયેલા એવા ગુરુઓનો પાર નથી. તેનું શરણું લેવાથી કોઈ ભવજળ પાર ઊતરી શકતું નથી. ત્યાગી હોય ને ગુરુપદ સરસ શોભાવતો હોય, પણ ધન-સ્ત્રીનો યોગ જ્યારે થાય છે ત્યારે ભ્રષ્ટ થઈ જાય છે. શાસ્ત્રમાં ઠેર-ઠેર એનાં દૃષ્ટાંતો છે. જે ગુરુપદે આવે છે તેને ધન અને સ્ત્રી તો પ્રથમથી જ મળી જાય છે. ધન અને સ્ત્રીનો ત્યાગ રાખનાર ગુરુ મળવા કઠણ છે. ધન ને સ્ત્રીના પ્રસંગે કરીને ભગવાન લોપાય નહિ, બાકી મોટા મોટાને નારી-ધને ફજેત કર્યા છે. અગ્નિ અને ઝેરીલા સાપનું વિષ તેનો સ્પર્શ કર્યા વિના ચઢતું નથી, પણ નારી અને ધનરૂપી વિષ તો દેખવા માત્રે ચઢે છે. પલકમાં સૂધ-બૂધ ભુલાવી દે છે. વિષ ચઢે પછી કોઈ નિયમ રહેતો નથી.

“શાસ્ત્રોમાં લખેલાં ઉદાહરણો ગુરુએ નજર સામે રાખવાં અને પોતાના ત્યાગી શિષ્યોને અવાર-નવાર તેની વાત કરવી. ગુરુ એવા હોય કે તેનું વર્તન જોઈ ત્યાગી સાધુ ક્યારેય સ્ત્રી-ધનમાં આસક્ત ન થાય. ગુરુ પોતાના ત્યાગી શિષ્યને આ બધી વાતો કરતા તો હોય છે, પણ એ ત્યાગીઓ તેને કાને ધરતા નથી, વારી ફેરીને ફેંકી દે છે, ગુરુ સંપૂર્ણ ત્યાગ પાળે પછી ત્યાગની વાતો કરે તો શિષ્યને માન્યામાં આવે છે. ધન અને સ્ત્રીથી સંપૂર્ણ દૂર રહે તેને પૂરો ત્યાગી જાણવો. તરતા ન આવડતું હોય તે બીજાને શું તારે?

“સાચા સંતો તો ઈશ્વરની પેઠે સમર્થ થકી જરણા કરે છે. આકાશની જેમ નિર્લેપ રહે છે. તેને ક્યારેય કોઈ દાગ લાગતો નથી.” આ સાંભળી માવા ભક્તે કહ્યું, “મોટા મોટા સંતો અને અવતારોનો ગણતા પાર આવે નહિ. તે બધાનું બીજ તમે છો, મહારાજ!”8•

કણભા ગામે ઝવેરીદાસના ભવનમાં દીનબંધુ શ્રીહરિ હેતે કરીને હરિભક્તોને કહેવા લાગ્યા, “તમારાં ધન્ય ભાગ્ય છે કે તમને સત્સંગ મળ્યો છે. સત્સંગ વિના અભિમાની જનો દુઃખ પામે છે અને કુમાર્ગમાં જઈને નાક, કાન, શિર કપાવે છે. તેને દુઃખનો પાર નથી. દુઃખ ભોગવવા છતાં કુમાર્ગને તજી શકતા નથી, જગતમાં જેટલા મતમાં ગુરુપદે આચાર્ય થયા છે, તેને પણ રુચતું હોવાથી પોતાના શિષ્યોને કુમાર્ગથી પાછા વાળતા નથી. આચાર્યગુરુઓ ફેલમાં રાચે, પોતાને ને બીજાને બ્રહ્મ માને, પણ હકીકતે તે બ્રહ્મ નથી, મિથ્યા ગુરુ થઈને જન્મ વગોવે છે. બ્રહ્મસ્વરૂપ ગુરુ તો જુદા જ છે. એવા ગુરુનું પ્રથમ લક્ષણ એ છે કે પોતે બ્રહ્મચર્યવ્રતનું દૃઢપણે પાલન કરે ને બીજા પાસે કરાવે.

“બીજું, પોતે ફેલ ન કરે, કેફ ન કરે કે વ્યસન ન રાખે. ત્રીજું, મન-કર્મ-વચને થતી હિંસામાત્રનો ત્યાગ રાખે ને બીજા પાસે ત્યાગ રખાવે. અર્થાત્ અહિંસા ધર્મમાં દૃઢ વર્તે. આવું વર્તન ગુરુનું બ્રહ્મસ્વરૂપપણું દર્શાવે છે. ચોથું એ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ - અર્થાત્ એકાંતિક ધર્મ પોતે પૂર્ણ રીતે ધારણ કરે ને એમાં પોતે શૂરા હોય એવા ગુરુને બ્રહ્મસ્વરૂપ ગુરુ જાણવા.

“વળી, પાંચમું લક્ષણ એ કે દિવસ-રાત ભગવાન સંબંધી જ ક્રિયા કરે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ફેલાવે. કથા-કીર્તનમાં મગ્ન રહે. તેમાં ક્યારેય તૃપ્તિ ન પામે, પરંતુ દિન-પ્રતિદિન તેમાં અધિક ચઢતો ને ચઢતો રંગ રહે.

“છઠું લક્ષણ એ કે ભગવાનનાં લીલા ચરિત્રો રૂપી મહાસાગરમાં નિમગ્ન રહે, તેમાંથી ક્યારેય બહાર ન નીકળે. મીન જે રીતે સિંધુમાં મગ્ન રહી આનંદ કરે, નાચે-કૂદે, ક્રીડા કરે પણ તેમાંથી બહાર પલમાત્ર નીકળે તો પ્રાણ ખૂએ, આનંદ ઊડી જાય તેમ આવા બ્રહ્મસ્વરૂપ સદ્‌ગુરુ ભગવાનમાં રહીને બધી દેહક્રિયા કરે. આ તેની ઉત્કૃષ્ટ બ્રહ્મદશા કહી છે. વળી, સાતમું લક્ષણ એ કે ભગવાન સિવાય બીજી વાત મુખે ઉચ્ચારે નહિ.

“બ્રહ્મસ્થિતિનાં આવાં અપાર લક્ષણોથી યુક્ત ગુરુને મુમુક્ષુએ ઓળખવા. ગ્રંથોમાં પણ શુક-સનકાદિક, શિવજી, જડભરત, કપિલ, દત્તાત્રેયને એવી બ્રહ્મદશા હતી. તેમના જેવાં ચરિત્ર જેમાં હોય તેવા ગુરુનાં લક્ષણ ઓળખવાં. એવાં લક્ષણ ન હોય ને પોતાને બ્રહ્મ કહેવડાવતો હોય પણ એમ કોઈ બ્રહ્મ થઈ શકતું નથી. આ મર્મ સુબુદ્ધિ જન પામી જાય છે. કુબુદ્ધિજન તો એ માર્ગે ચાલી જ શકતા નથી.”9•

ઝીંઝાવદરમાં શ્રીહરિએ અલર્ક નૃપ પ્રત્યે વાત કરતાં કહ્યું, “જેમનું મન ધન-નારીમાં બંધાય નહિ, તે સાચા ગુરુ કહેવાય. જગતમાં ત્યાગી અને ગૃહી બે પ્રકારના ગુરુઓ છે. તેમાં ત્યાગી ગુરુની રીત ન્યારી છે. તે ધન માટે દોડાદોડ કરે નહિ અને ગૃહી ગુરુ ધન-નારી માટે જેટલો ઉદ્યમ કરે તેટલો તેમાં દોષ કહેવાય, પણ નિર્લોભ વર્તન જે રાખે તેને શિષ્યો બહુ ધન આપે. ઘેર ઘેર જે ધન માગે તે લોભી ગુરુ કહેવાય.”10•

ઝીંઝાવદરમાં શ્રીહરિએ અલર્ક રાજાને વાત કરતાં કહ્યું, “જે ગુરુ ધનનો સંગ્રહ નહિ કરીને શિષ્યોને ખવડાવે તે સાચા કહેવાય અને ધન-નારીમાં બંધાય નહિ. જે ધન માગે તે લોભી ગુરુ કહેવાય.”11

શ્રીહરિએ માંડવીમાં વેદાંતી પાસે વાત કરતાં કહ્યું, “સત્સંગ વિના જ્ઞાન કથે તે મિથ્યા જ્ઞાની છે. મનુષ્યમાત્રને અજ્ઞાનરૂપી તમસ વળગ્યું છે, તે બ્રહ્મરૂપ ગુરુ મળ્યા વિના જતું નથી.”

‘જનમાત્ર જો કહાવત જેતે, બ્રહ્મરૂપ ગુરુ મિલે વિન તેતે.

અજ્ઞાન તમ નહિં જાવત દેખે, સબ બાત કું એક કર લેખે.’12

જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વેદઋષિની વાત કરી હતી. એ સઘળી વાર્તા મુક્તમુનિએ યાદ રાખીને ઉત્તમ નૃપને કહી, “આદર્શ શિષ્ય હોય તે ગુરુની આજ્ઞામાં દેહને ગણકારે નહિ, ભૂખ-તરસ જુએ નહિ, ઠંડી-ગરમીને ગણકારે નહિ, મનનો એક પળ વિશ્વાસ ન કરે અને પ્રેમથી ગુરુને મન અર્પણ કરી મંડ્યો રહે. ગુરુ સુખ-દુઃખનું ક્યારેય પૂછે નહિ, તો પણ ગુરુનો અવગુણ ન આવે. લાંબો સમય આ રીતે સેવા કરે એવા શિષ્ય પર ગુરુ પ્રસન્ન થાય છે અને મોક્ષ કરે છે.

“ગુરુ યોગ્ય કહે કે અયોગ્ય - એ ટેલચાકરી તેની પરીક્ષા છે. ગુરુ શિષ્યની એ રીતે બહુવિધ પરીક્ષા કરે છે. ગુરુ નિર્દયપણે તેને સેવામાં જોતરે છે, તોપણ તેમાં ક્યારેય પાછો પગ ન ભરે. ગુરુની સેવા દેવ જાણીને કરે. જેમ વેદ નામના મુમુક્ષુએ ગુરુની એ રીતે સેવા કરી તો ગુરુનો રાજીપો થઈ ગયો. ગુરુસેવાથી વેદ બ્રહ્મરૂપ થઈ ગયો. ગુરુની સેવાનું એવું માહાત્મ્ય છે.

“વેદની જેમ હરિજન પણ ગુરુની સેવા કરે તો બ્રહ્મરૂપ થઈ જાય.

“ગુરુ-સંતનો દોષ જે લે છે તે સત્સંગ કરતો ઘટતો જાય છે. ગુરુ-સંતને જેવી દૃષ્ટિથી જુએ તેવા ગુણ શિષ્યમાં આવે છે. ગુરુને દેવ સમાન જાણીને સેવવા. એ રીતે હરિભક્ત સેવા કરે તો વધે ને બ્રહ્મરૂપ થાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ એકાંતિક ધર્મ ગુરુમાં વસે છે તે શિષ્યમાં પણ વસે.

“ગુરુની જેમ એ પણ પુરુષોત્તમ ભગવાનને રહેવાનું સદન બની જાય.

“ગુરુ-સંતનો દોષ ન જુએ તો દિન દિન પ્રતિ વૃદ્ધિ પામે છે. સત્સંગ કરતાં કરતાં શુભ વિચાર પ્રગટ થાય છે.”13•

જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણી પ્રત્યે વાત કરી, “ગુરુ-સંતમાં નિર્દોષબુદ્ધિ રાખી તેને બ્રહ્મરૂપ જાણીને સેવે તો તે મુમુક્ષુ ભગવાનના ધામને પામે છે. ગુરુની સેવા વગર ધામ મળતું નથી.”

‘યૂં ગુરુ સંત કું જોઉ, સેવે બ્રહ્મરૂપ જાનિ જેહિ;

હરિધામ લહે સોઉ, સેવ બિન ધામ ન લહત.’14

જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણી પ્રત્યે વાત કરતાં કહ્યું, “જેને જેવા ગુરુ મળે તેવો તેને કરી દે. ગુરુના મહિમાનું મૂળ તેનું દૈવત છે. જેવી શિષ્યની બુદ્ધિ હોય તેવા ગુરુ તેને મળે છે. બ્રહ્મવિદ્યા અપાર છે અને અમાયિક છે. તે અમાયિક ગુરુ મળ્યા વગર સિદ્ધ થતી નથી. બ્રહ્મવિદ્યાની જેટલી કંઈ વાત કહેવાય છે તે અમાયિક ગુરુ થકી શિખાય છે. માયિક ગુરુથી કદી શિખાતી નથી. અમાયિક ગુરુની ઓળખાણ એ છે કે ચૌદ લોકના જેટલા પંચવિષય છે તેમાં પોતે સાર માનતા નથી. પ્રકૃતિ પુરુષ સુધીના આશ્ચર્યકારી સઘળા લોકને કાળનું ભક્ષણ માને છે. વળી, ભગવાન વિના કોઈને સત્ય દેખતા નથી. ભગવાન પોતાની ઇચ્છાએ કરીને પૃથ્વી પર આવે તો પણ તે સદા અમાયિક છે. તેનું સ્વરૂપ અને ચરિત્ર પણ અમાયિક છે. અમાયિક ગુરુ ભગવાનને ક્યારેય માયિક જેવા કહેતા નથી અને દેખતા પણ નથી. જે અમાયિક છે (અર્થાત્ માયાથી પર અક્ષરબ્રહ્મ-પરબ્રહ્મ છે) તે સૌને અમાયિક જુએ છે. અમાયિક જોવા તે સવળી સમજણ છે ને તે જેટલી સિદ્ધ થાય તે મોક્ષ આપનારી બને છે. દીન થઈને ભગવાનના ચરિત્રમાત્રનું ગાન કરવામાં મગન રહે તેમાં ઉપનિષદ માત્ર આવી ગયાં. અને એને જ બ્રહ્મવિદ્યા કહે છે. ભગવાનના સંબંધમાં આવતી જેટલી કંઈ વાત છે તે બધી જ બ્રહ્મવિદ્યા છે.” એટલી વાત કરીને શ્રીહરિ અશ્વ પર બેઠા. સંતો-હરિજનો મગન થકા હરિગુણ ગાતા ચાલ્યા.”15•

માણાવદરમાં ગજેન્દ્રનૃપને શ્રીહરિએ કહ્યું, “ગુરુઓ જગતમાં ઘણા છે, પણ સમર્થની વાત જ ન્યારી છે. જેનાથી સમર્થ હોય તેની વાત તે વિચારી જુએ ત્યારે સમજ્યામાં આવે. વિચારે નહિ તેને કંઈ ખબર પડતી નથી. એટલે પ્રતાપ પણ દેખ્યામાં આવતો નથી. સમર્થ હોય તેનું સામર્થ્ય ઢાંક્યું રહેતું નથી, પ્રગટ દેખાઈ આવે છે. તે સૌને પોતાને વશ વર્તાવે છે. વર્તન ઉપરથી જેને જેવો ખપ હોય તે જણાય છે. સુવર્ણની કસોટી જેમ અગ્નિ છે, તેમ ગુરુની કસોટી વર્તન છે. વર્તન ઉપરથી તેનું સ્વરૂપ ઓળખાય છે. જેમ સાત સામેલિયો બળદ હોય તે તેના કાર્ય પરથી ઓળખાઈ આવે છે. વિવિધ ધૂંસરીએ જોડવાથી સાત સામેલિયાની કુશળતા પરખાય છે, તેમ સત્સંગમાં ત્યાગી-ગૃહી જેટલા કંઈ આશ્રિતો છે તેને પ્રસન્ન મનથી એક રહેણીમાં વર્તાવવા તે સમર્થ ગુરુ વિના શક્ય થતું નથી. સમર્થ ગુરુ સૌને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તાવે છે.

“ધાતુ, કાષ્ઠ, પાષાણ ને માટી - તેમાં એક પણ ઘાટ દેખાતો નથી, પરંતુ કુશળ શિલ્પી તેમાં અનેક ઘાટ રચે છે એવો તેનો પ્રતાપ છે. જગતમાં અનેક પ્રકારની ક્રિયા પ્રવર્તે છે, તેના પ્રેરક ગુરુઓ જુદા જુદા છે. તેવી જ રીતે મોક્ષદાતા ગુરુ જગતમાં એક જ પ્રગટ હોય છે. એ મોક્ષદાતા ગુરુને શરણે જે મનુષ્ય આવે છે, તે પછી ત્યાગી હોય કે ગૃહસ્થ - સર્વેને તે ભવસાગર પાર કરાવે છે. એ ગુરુના વચનમાં એવો પ્રતાપ રહ્યો છે કે એમના વચને જીવનાં અનંત જન્મોનાં પાપ છૂટે છે. સમર્થ ગુરુ વિના જીવને જન્મોનાં પાપથી રહિત કરવો અશક્ય છે. આ તેમની પ્રત્યક્ષ પરખ છે.

“પાપ છૂટે તેની પરખ એ છે કે ગમે તેવો પાતકી હોય પણ આવા મોક્ષદાતા સદ્‌ગુરુની કૃપાદૃષ્ટિથી તેનું પરિવર્તન થઈ જાય છે. તેની મતિ ધર્મમાં રહેતી હોય. મોક્ષપ્રદ ધર્મનું પાલન તેને રુચે. મોક્ષરૂપ ભક્તિ પ્રિય લાગતી હોય તથા જ્ઞાન વૈરાગ્યમાં અતિ અનુરાગ હોય. તેણે કરીને તેની બધી ક્રિયા ગુરુપ્રતાપે પવિત્ર થઈ જાય છે અને અંતર-બાહ્ય શુદ્ધિ વર્તે છે. બાહ્યશુદ્ધિ હોય પણ અંતર મલિન હોય તો? પરંતુ મોક્ષદાતા ગુરુ જેને મળે છે તેની સઘળી ક્રિયામાં એક રાગ હોય છે. તે ક્રિયા જોવાથી માલૂમ પડે.”16•

ઉમરેઠમાં વિદ્વાનોની સભામાં શ્રીહરિ કહે, “બ્રહ્મના ગુણ પાત્ર વિના ટકતા નથી. પાત્ર વિના આવે તો ઉન્મત્ત થઈ જાય. પાપ કે પુણ્ય બ્રહ્મને સ્પર્શતાં નથી તેમ છતાં એવા પુરુષ પાપમાત્રથી છેટે રહે છે. બીજાને પણ માંસ, મદિરા, પરસ્ત્રીનો સંગ આદિ પાપથી છોડાવીને નિર્ભય કરે છે.

“વિષય પ્રાપ્ત થાય ત્યારે બ્રહ્મનિષ્ઠપણું પરખાય છે. બ્રહ્મના ગુણ જેમાં આવ્યા હોય તે પુરુષને વિષયમાત્ર અસાર થઈ જાય છે. બ્રહ્મજ્ઞાની જો વિષયાસક્ત હોય તો તે બ્રહ્મદ્રોહી છે ને મારો દ્રોહી છે એમ શ્રીકૃષ્ણ કહે છે.

“એકથી લાખ સાધન કરે પણ તેનું ફળ એટલું જ છે કે વિષયથી રાગ તોડી, આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવી. આત્મનિષ્ઠ થઈ ભગવાનમાં પ્રીતિ કરે છે તેને અમે બ્રહ્મનિષ્ઠ કહીએ છીએ. આટલી વાત નવીન છે.”17•

શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ કહી, “ગુરુનાં ધર્મયુક્ત વચન તે ગુરુરૂપે છે એમ માનવું. ગુરુરૂપી સૂર્ય વિના જે જ્ઞાન છે તે અંધારામાં દર્પણ ધરવા જેવું છે. કક્કો લખેલો હોય અને બે નેત્રથી જુએ છતાં કહેનાર ગુરુ ન હોય તો અક્ષરજ્ઞાન થાય નહિ. સત્પુરુષના સંગ વિનાનું જ્ઞાન, આંધળો આપમેળે માર્ગ પામવા મથે તેના જેવું છે. નિયમ-ધર્મ વિનાનાં જ્ઞાન બધે એવાં જ છે, જે દીવો લઈને કૂવામાં પડે છે. સાચા ગુરુ તેને જ્ઞાનનું નેત્ર ખોલી આપે છે. આંખો પણ હોય અને સૂર્ય પણ હોય છતાં નેત્રની જ્યોતિ ન હોય તો કંઈ દેખાતું નથી. ગુરુ જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરી આપે છે, પછી માયિક વસ્તુમાત્ર તેને તુચ્છ થઈ જાય છે.”18

હળવદમાં નારાયણજી વિપ્રને ઘરે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ગાઢ વનમાં ભોમિયા વિના અજાણ્યાને રસ્તો જડે નહિ, તેમ શાસ્ત્રના વિવિધ શબ્દો જોઈને પંડિતો પણ નહિ સમજીને નાસ્તિક થઈ જાય છે. મહાસિંધુ તરવો હોય તો આપ બળે તરાય નહિ. પાંખવાળાં પ્રાણીઓ પણ પાર થઈ શકે નહિ, પણ સિદ્ધ ગતિ પામેલા સાગરને ઉલ્લંઘી જાય છે. સિદ્ધ ગુરુ નાવ સમાન છે. નાવમાં બેસે તે સમુદ્ર તરે.”19

શ્રીહરિએ ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને વાત કરતાં કહ્યું, “જેવા ગુરુ મળે એવા ગુણ પ્રાપ્ત થાય છે. લોભના પાશથી સૌ જીવ બંધાયેલા છે. ભવબંધન કરાવનારો લોભ છે. સાચા ગુરુ મળે તો ભવબંધન દૂર થાય.”

‘ભવબંધન દૂર ન હોત, સાચે ગુરુ કે જ્ઞાન બિન;

ચિંતામનિ તન ખોત, ભવબંધન માનત નિધિ મહા.’20

શ્રીહરિએ ભૂપને કુશલકુંવરબાઈની વાત કરતાં કહ્યું, “સત્યને જાણ્યા વિના રાણીએ પોતાના રાજ્યમાં ધન-નારીમાં બંધાયેલાને ગુરુ કરી રાખ્યા અને તેનાથી મોક્ષ માન્યો હતો. પછી અમારા સાધુને જોઈ તેમને સત્ય-અસત્ય સમજાયું. રાણીએ સંસારથી બંધાયેલા કથાકારને કહ્યું, ‘મને એ વાતનું આશ્ચર્ય છે કે સ્ત્રી-ધનમાં બંધાયેલા ગુરુ હોય તે બંધાયેલાને કેવી રીતે છોડી શકે? નિર્બંધ ગુરુ મળે તો જ છોડાવે. બંધાયેલાને બાંધેલાએ છોડ્યો હોય તેવું મેં આજ સુધી જાણ્યું નથી. શિષ્ય અને ગુરુ બંને નેત્ર વિનાના અંધ હોય, તે એકબીજાને સહારે માર્ગ પર ચાલે પછી કૂવામાં જ પડે. તેમાં સંદેહ નથી.’ પછી તે કથાકાર આવીને સંતનાં ચરણમાં પડ્યો. અને કહ્યું, ‘તમારા જેવા સંત આજ સુધી અહીં આવ્યા નથી.’”21

ઉગામેડીના પટેલને શ્રીહરિ કહે, “લૌકિક ગુરુ મળે તે લૌકિક વાત શીખવે. એ પોતે જ અલૌકિક વાત સુણી ન શકે તો તેના શિષ્ય ક્યાંથી તે સાંભળે! અલૌકિક ગુરુના મુખે અલૌકિક વાત સાંભળે ત્યારે મોક્ષ થાય છે. તે વિના મોક્ષ ક્યારેય થાય નહિ.”22

શ્રીહરિએ ભાઈરામદાસજી પર પત્ર લખ્યો એમાં કહ્યું, “સ્ત્રી, ધન અને પંચવિષય પર જેને તાન હોય તે કુસંગી ગુરુ છે. એવાનો યોગ થાય તો મુમુક્ષુની શુભમતિ પલટાઈને અશુભ થઈ જાય છે. વિષયી ગુરુ તો પથ્થરની નાવ જેવા છે. તે પોતે તો ડૂબે છે, પણ પોતાને વળગેલાને પણ ડુબાડે છે.”23

કરજીસણમાં શ્રીહરિએ ગુરુના સાધુસ્વભાવની વાત કરતાં કહ્યું, “મનનું રાજ્ય હોય ત્યાં સુધી જન્મમરણ ટળે નહિ. જ્યારે ગુરુ કહે તેમ કરે ત્યારે મનનું રાજ્ય રહેતું નથી. ગુરુ બધી મોક્ષની વાત જાણે છે. તે ભગવાનને ઓળખે છે. હરિથી અધિક કાંઈ માનતા નથી. વિષમ દેશકાળમાં પણ જેમની એકની એક મતિ રહે, પણ રંગ પલટાય નહિ તે સાચા ગુરુ કહેવાય. જ્યાં લગી રંગ પલટાય છે, ત્યાં સુધી ગુરુમાં કચાશ છે.”24

આદરજમાં રતુ ખાંટને ઘરે શ્રીહરિએ હરિભક્તોને વાત કરતાં કહ્યું, “ગુરુ વિના કોઈ વાતનું જ્ઞાન થાય નહિ અને અજ્ઞાન ટળે નહિ અને મહામાયાના અંધારે અટવાયા કરે. ભગવાન વિના બીજામાં સુખ જણાય છે તે જ દુઃખ છે.

“સાચા સંત મળે છે તે મોક્ષનો માર્ગ દેખાડે છે. તેમનામાં અપાર વિદ્યા રહી છે. તેમાં મોક્ષની વિદ્યા અધિક છે, તે શીખવે છે. મુમુક્ષુ મોક્ષને માર્ગે ચાલે નહિ ત્યાં સુધી તેને એક પણ વાત તે કરતા નથી. ભગવાન સિવાય સઘળું અસાર કરી દેખાડે તે સાચા સંત છે. જે ભગવાન અને જગતને સમાન કહે છે તે ગ્રંથ અને સંત અસત્ જાણવા.”25•

લોયામાં સંતો સન્મુખ શ્રીહરિ પોતાના હૃદયની વાત ફરી કહેવા લાગ્યા, “સમર્થ ગુરુ હોય તે દેશકાળમાં લોપાય નહિ. વિષમ દેશકાળે પણ પોતાનું દૈવત ઝાંખું ન પડે. દૈવત વગરનો હોય તે દેશકાળમાં લેવાઈ જતો હોય એવાનું વચન કોઈ ન માને. ગુરુમાં દેખાતું એ દૈવત ધર્મનું છે, ભક્તિનું છે, જ્ઞાન-વૈરાગ્યનું છે. આ ચારે ગુણ ગુરુમાં સંપૂર્ણપણે દેખીને મોક્ષના ખપવાળો શિષ્ય તેનું વચન માને છે.

“ગુરુને પણ ધર્માદિનો ખપ હોય છે. ખપ વગરનો ગુરુ ‘ગુરુ’ કહેવાય નહિ. ધર્મપાલનનો ખપ હોય એવા ગુરુ અને શિષ્ય બન્ને મળવા દુર્લભ છે. એવા ગુરુ સૂર્ય સમાન છે. કનક-કામિનીરૂપી સિંધુમાં દેવ, મનુષ્ય ને પ્રાણી સર્વે ડૂબકાં ખાય છે, દુઃખ ભોગવે છે, તેને ઉગારનાર આવા ગુરુ છે. ગુરુ તેને સત્ય વાતનું ભગવાનનું જ્ઞાન આપે છે, કારણ કે એના હૃદયમાં સ્પષ્ટ છે કે જેમાં ભગવાનનો સંબંધ નથી તેમાં દુઃખ જ ભર્યું છે. જેટલું કંઈ સુખ છે તે ભગવાનની વાતમાં રહ્યું છે.

“સાચા ગુરુને જીવનો મોક્ષ કરવાનું જ એક તાન હોય છે. અને જે જીવ મોક્ષનું જતન કરે તેને જ તે બુદ્ધિશાળી માને છે.”26

પંચાળામાં શ્રીજીમહારાજે સાચા ખોટા ગુરુની વિક્તિ સમજાવતાં કહ્યું, “સાચા ગુરુ મળે ને તેને સન્મુખ થાય તો દોષમાત્ર ટાળી દે. સાચા ગુરુ વિના મોક્ષનો સાચો માર્ગ કોટિ યુગે પણ મળે નહિ. મોક્ષની ઇચ્છા હોય તેણે સાચા ગુરુની કીર્તિનું (મહિમાનું) ગાન કરવું. ડહાપણ તજી નિષ્કપટ થઈ ગુરુ કહે તેમ કરવું. જે સાચા ગુરુ છે તે ભગવાન સાથે નેહ દૃઢ કરાવે છે. સુખમાત્ર શ્રીહરિમાં દેખે છે.”27

શ્રીહરિએ મોક્ષદાતા ગુરુનાં લક્ષણ મુક્તમુનિને કહેલાં તે તેમણે ઉત્તમ નૃપને કહેતાં કહ્યું, “ઇન્દ્રિયો-અંતઃકરણને જેણે જીતી લીધાં છે એવાને કોઈથી જીતી ન શકાય, એવા અજીત ગુરુ જ્યાં છે ત્યાં કલ્યાણ રહ્યું છે. એવા ગુરુ સમાગમે કરીને ઓળખાય છે. લોભને જીતી લીધો છે તેણે કરીને મોક્ષદાતા ગુરુનું દૈવત જાણ્યામાં આવે છે.”28

શ્રીહરિએ વસોમાં વાત કરતાં કહ્યું, “જેટલા ગુરુ અને શિષ્ય ધર્મ-નિયમ રહિત છે તેને ઠગ જાણવા. ભગવાનના સાચા ભક્ત જે સત્પુરુષ છે તેમનાં વચનને સત્યપણે ગ્રહણ કરી સત્પુરુષના માર્ગે જો ચાલે તો તેનો ઉદ્ધાર થાય.”

‘ભગવાનહુ કે જેહુ, ભક્ત લાયે રહેઉ યહ,

ગુરુ-શિષ્ય હિ જેતેઉ, નિયમ બિન રહે ઠગહિ સબ.

સત્પુરુષ હિ તાકે, સત્ય બચન રહેઉ બહુત,

ચલત મગ જબ વાકે, ઉધ્ધાર હોવત રહે તબ.’29

સુરતમાં શ્રીહરિ કહે, “ગુરુ થઈને શિષ્યને સાચી વાત દેખાડે નહિ તે ગુરુ પથ્થરના વહાણ સમાન છે.”30

શ્રીહરિ સુરતથી આવીને ગઢપુરમાં વિરાજ્યા અને સુરતમાં રહેલા ભૂમાનંદ અને ગોવિંદાનંદ વગેરે સંતો પર પત્ર લખાવ્યો, તેમાં કહ્યું, “જે ગુરુ ધર્મ રાખે અને રખાવે તે જ સાચા ગુરુ કહેવાય. ધર્મ વિનાના ગુરુ તથા સંપ્રદાય શબની સમાન જાણવા. ગુરુ થતાં પહેલાં ગુરુના ધર્મ જાણવા જરૂરી છે. તે શ્રીકૃષ્ણે ભાગવતના એકાદશના સ્કંધમાં પ્રભાસમાં ઉદ્ધવ પ્રત્યે હેતે કરીને કહ્યા છે. એમાં કહેલી વાર્તા પ્રમાણે સાચા ગુરુને પરખવા. જેને ભગવાનના સ્વરૂપનું, બ્રહ્મનું જ્ઞાન નથી એવા ગુરુ બની બેસે તો નિત્ય એક બ્રહ્માંડનો નાશ કર્યાનું પાપ તેને લાગે છે. સ્ત્રીનો સંગ કરનાર ગુરુને રાજા પણ કપાળમાં બળબળતો ડામ દઈ તડીપાર કરે છે. કામી ગુરુને કૂતરા જેવા કહ્યા છે, લોભીને ચાંડાલ કહ્યા છે. તેનો સંગ કરનારને વારંવાર કાળ કોળિયો કરે છે.”31

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

મુક્તમુનિએ ઉત્તમ નૃપને શ્રીહરિએ કહેલી વાત કરતાં કહ્યું, “ભગવાનની વાત ગુરુથી સમજાય છે. તેમાં પણ જેને જેટલી આસ્તિકતા ને મોક્ષનો ખપ હોય તેને તેટલી તે વાત સમજાય છે. દેશકાળની વાતનો પાકો અભ્યાસ હોય તે જ્ઞાની ગુરુ છે, એવા ગુરુ કોઈક જ હોય છે.32

‘નૃપ યહ બાત કરત મેં જોઈ, તાકી ગમ નહીં હેં કોઈ.

શ્રીહરિ મો પર કૃપા કીને, જિતની બાત સો જનાઈ દીને.

સો મેં કહત હૂઁ નૃપતિ તોઈ, જિતની સ્મૃતિ હરિ દિયે મોઈ.’

મુક્તમુનિ કહે છે, “હે નૃપ! હું જે આ વાત કરું છું તેની કોઈને ગમ નથી. શ્રીહરિએ મારા પર કૃપા કરી જે કંઈ મર્મની વાત હતી તે મને કહી દીધી છે. તેમાંથી જે કંઈ મારા સ્મરણમાં છે તે તમને કહું છું:

“અગમ વાત કહેવી દુષ્કર છે. એ બધાના અંતરમાં બેસતી નથી. જે આસ્તિક છે, મોક્ષના ખપવાળો છે, સુબુદ્ધિ છે, કપટ-કુટિલતાથી રહિત છે તેને આ વાત તરત મનાઈ જાય.

“શ્રીહરિએ મને કહ્યું હતું કે પરાવિદ્યા - બ્રહ્મવિદ્યા સર્વ કળાઓમાં કઠણ કળા છે. બ્રહ્મનિષ્ઠ ગુરુ થકી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય છે. એ વિદ્યા શીખવાનો વિચાર આવવો જોઈએ. સાથે બ્રહ્મનિષ્ઠ ગુરુ મળવા જોઈએ. દેશ, કાળ આદિ વાતનો જેને પરિપક્વ અભ્યાસ હોય એવા ગુરુને બ્રહ્મનિષ્ઠ જ્ઞાની જાણવા. બ્રહ્મનિષ્ઠ સિવાયના અન્ય ગુરુઓ ગર્દભ તુલ્ય જાણવા, જેમ ગર્દભનો શબ્દ સુણી ત્રાસ ઊપજે.

“જ્ઞાન આવડ્યું તે ગુરુ તો કહેવાય, પણ બ્રહ્મનિષ્ઠ ગુરુના ગુણ તેનાથી જુદા જ છે. હરિ એવા ગુરુમાં પ્રગટ રહે છે. તેને ઓછા મનુષ્ય પરખી શકે છે. હીરાના પરખુ ઝવેરી કોઈક જ હોય, વધુ ન હોય. હરિ પ્રગટ હોય ત્યારે કોઈ વાતનો મેળ રહે નહિ. એક જ એ એવા છે કે પોતે જે ચાહે તે કરવાને સમર્થ છે. સમર્થને કોઈ મેળ ન હોય તે જે કરે તે બધું સત્ય જ સત્ય થાય છે. બીજો કોઈ એની દેશી કરી શકે નહિ. દેખાદેખીથી પણ એમના જેવું કરી ન શકે. કરવા જાય તો હાંસી થાય. લોકમાં પણ દેખાય છે કે જે માપનું પાત્ર હોય તેમાં તેટલું જ સમાય, માપ્યા વિના તેમાં કોઈ વસ્તુ ભરીએ તો તે સહેજે ઊભરાઈને બહાર પડે છે.”33

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ - આ ચાર જેનામાં દૃઢપણે હોય તેવા ગુરુ થકી પૂર્વજન્મનાં પાપ બળે છે. જેમ રાત્રિનો અંધકાર સૂર્ય વિના ન ટળે, તેમ એકાંતિક ગુરુ વિના પૂર્વ જન્મનાં પાપ ન બળે.

‘ભક્તિ વૈરાગ્ય અરુ જ્ઞાન, ધર્મ જુત ગુરુ હોત જેહિ;

તિનસે હોત પાપ હાન, સૂર્ય જ્યું તમકું હરત સબ.’34

શિષ્ય લોકનિંદિત પાપકર્મ કરે તો ગુરુએ તેને પંક્તિ બહાર કરવો, નહીં તો તેનું પાપ બધાને લાગે. ગુરુએ શિષ્યને પ્રાયશ્ચિત્ત કરાવવું. અને જો તે પોતાનું વચન ન માને તો તેવા શિષ્યોનો ત્યાગ કરવો, પણ તેની સાથે વૈર ન કરવું. તેમજ પાપી શિષ્યોનો લોભ ન રાખવો. શાંતિથી તેનો ત્યાગ કરવો. વૈર કરે તો વધુ બગાડ થાય. ગુરુએ બધાયનો મોક્ષ સુધરે તેવો ઉપાય કરવો. બીજા જનો જે કહે તથા પોતાને જે ભાસે તે બન્નેનો વિચાર કરી ગુરુએ કરવું. પ્રીતિ રાખી શિષ્યને ધર્મ પળાવવા અને જીવ ઉપર દયા કરવી. સમુદ્ર, મેઘ અને આકાશની પેઠે ગુરુએ મોટા દિલના, નમ્ર, નિર્લેપ અને સર્વના હિતકર્તા બનવું. પિતાનું જેમ અપાર દ્રવ્ય હોય તેને કપૂત ઉડાડી દે, પછી ભીખ માંગવી પડે, તેમ બ્રહ્મવિદ્યાની ગાદી પર બેઠેલા ગુરુ બ્રહ્મવિદ્યા વિનાના હોય તો ધીરે ધીરે ક્ષીણ થઈ જાય. જેનું દ્રવ્ય સંત, હરિભક્ત, વિપ્ર અને ભગવાનને અર્થે વપરાયું તે જ ખરું દ્રવ્ય કમાયા છે. બીજાનું ધન તો નિર્બીજ છે. તેમ બ્રહ્મવિદ્યા વિનાના ગુરુ નિર્બીજ છે. તેમના શિષ્યો પણ તેમની દેશી શીખે. ગુરુ લોભી હોય તો તે પણ લોભી થાય. ક્રોધી-કામી હોય તો તેવા ગુણો શિષ્યોમાં આવે. બેય મોક્ષનો માર્ગ ભૂલ્યા છે. એક આંધળો છે ને બીજો બહેરો છે. બહેરાએ આંધળાનો વિશ્વાસ રાખ્યો છે, તે ખાડામાં લઈ જઈને નાખે કારણ કે તેને રસ્તો દેખાતો નથી. આ સત્સંગમાં જેવા ગુરુ છે તેવા ચૌદે ભુવનમાં નથી. જેનાં ભાગ્ય ઉદય થયાં હોય તેને તે ગુરુ મળે.35

જેવા ગુરુ હોય તેવા તેના શિષ્ય પાકે. ગુરુ વૃક્ષ છે તો શિષ્ય તેનાં ફળ-ફૂલ છે. ફળ-ફૂલના ગુણ જોઈ વૃક્ષના ગુણ પર દૃષ્ટિ જાય છે. જેના પર અમૃતફળ પાકે તેનો મહિમા જુદો જ કહેવાય. વિષફળ જોઈ તેવા વૃક્ષથી સૌ દૂર રહે છે. તે જ રીતે ગુરુની પરીક્ષા તેના શિષ્ય પરથી થાય છે. સંસારમાં પ્રીતિ કરાવવાવાળા ગુરુઓ ઠેર ઠેર અપાર છે. પશુ-પંખીથી લઈ બ્રહ્માંડના દેવો-દૈત્યો ને મનુષ્યો સૌને સંસારમાં પ્રીતિ છે. અને એ પ્રીતિને જ ભવબંધન કહ્યું છે - એવી પ્રીતિ ભગવાનમાં થઈ જાય તેનું જન્મમરણ અને સર્વવ્યાધિ ટળે છે. એ પ્રીતિ કરાવનાર ગુરુ પરબ્રહ્મરૂપ છે એ વિના બીજા જે કંઈ ગુરુઓ છે તેને ઉદર ભરવાનું તાન છે. વળી, તેના શિષ્યોને પણ એવું જ ઉદરભરણનું તાન છે. માટે એવા ગુરુ અને શિષ્યને પશુ સમાન જાણવા.36

સત્સંગના જેટલા નિયમ છે તેમાં તત્પર રહેતા હોય અને જે રીતે ભગવાનનાં વચન છે તેમાં ફેર ન પાડતા હોય એવા ગુરુવરને સેવે ત્યારે મોક્ષ થાય. ગુરુ પર શિષ્યનો જેવો ભાવ રહે તેટલી સંભાવના ગુરુ કરે. ગુરુ-શિષ્યનો પરસ્પર સ્નેહ દિન-પ્રતિદિન તો જ વધતો રહે, જો શિષ્ય ગુરુ પાસે નિષ્કપટ વર્તે. જે શિષ્ય મન ચોરે છે તે ઘટતો ઘટતો અતિશય ઘટી જાય છે. ગુરુનાં લક્ષણ યથાર્થ હોય તે સાચા ગુરુ કહેવાય. ત્યાગીની રીત ત્યાગી રાખે અને ગૃહસ્થની રીત ગૃહસ્થ રાખે. બન્ને પ્રકારના ગુરુ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેમાં ધન-સ્ત્રીવાળા જે ગુરુ છે તે ભવ-બ્રહ્મા સમાન સમર્થ હોય તોપણ બદ્ધ ગુરુ કહેવાય છે. બદ્ધગુરુથી જનોનાં બંધન તૂટી ન શકે એ શાસ્ત્રનો સિદ્ધાંત છે.37•

જગતમાં જે ગુરુ થઈને બેઠા છે, પણ મોક્ષનું રહસ્ય નથી સમજતા તો તે ઘોર અંધારા જેવા છે, અને નિયમ-ધર્મનો અભાવ હોવાથી જમપુરીમાં જાય છે. જેવો ગુરુનો મોક્ષ થાય, તેવો જ શિષ્યનો પણ થાય. આમાં કાંઈ પણ સંશય નથી, તે પ્રત્યક્ષ જણાય છે. જે ગુરુને ભગવાનનું યથાર્થ જ્ઞાન હોય, પોતે ધર્મ-નિયમમાં દૃઢ વર્તે અને શિષ્યને પણ વરતાવે. એવા ગુરુ પોતાનો અને શિષ્યનો ઉદ્ધાર કરી શકે, એમાં સંશય નહિ. એવો જ્યાં સત્સંગ હોય ત્યાં શ્રીહરિ અવશ્ય પ્રગટ હોય છે. જેટલું જેમાં દૈવત હોય તે આચરણે કરીને દેખ્યામાં આવે. ચક્રવર્તી નામ પાડ્યું તેથી ચક્રવર્તી થાય નહિ. ગુરુ અને સંત નામ પડવાથી તેવા થવાતું નથી. જેમ સૂર્યનો પ્રકાશ જ સૂર્યનું પ્રમાણ છે તેમ સાચા ગુરુનું પ્રમાણ તેમનામાં રહેલા સદ્‌ગુણો છે.38•

સૌ જનનું કલ્યાણ ઇચ્છે, પોતાનું કોઈ બૂરું કરે તેનું પણ હિત ઇચ્છે, તે ઉત્તમ ગુરુ છે ને તેવા જનો શ્રીહરિને અતિ વહાલા છે. શ્રીહરિ તેમની પાસે જ રહે છે. આવા ગુરુ કુટિલતા, ઈર્ષ્યા, મત્સર આદિથી રહિત તથા નિષ્કપટ, નિર્દંભ, નિષ્કામ, નિર્લોભ આદિ ગુણોથી યુક્ત હોય છે ને તે જ પરમ ગુરુ ગણાય. તેનાથી જીવોનું કલ્યાણ થાય. તેવાને ભગવાન સમીપમાં છે. બીજાને દેખાય કે ન દેખાય તો પણ ભગવાન એમની પાસે છે એ અનુભવ સૌને થાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અર્થાત્ એકાંતિક ધર્મના એ ધારક છે. અને ધન-સ્ત્રીનો ત્યાગ રાખે એ જ સાચો ત્યાગી છે. આ ઉદ્ધવ સ્વામીનો મત છે તે અમને પ્રિય લાગે છે.39•

નારી-પુત્ર અને સમૃદ્ધિ સુખ માટે મિથ્યા ગુરુને લોકો પૂજે છે. જે માયાનું સુખ ઇચ્છે છે તે સર્વે માયિકજનોને આવા માયિક મિથ્યા ગુરુ મળી જાય છે. મિથ્યા ગુરુ પોતાનું પેટ ભરવા મૂર્તિને પૂજે છે.

શ્રીહરિ સર્વોપરી ભગવાન છે, તેના તુલ્ય અવર બીજો થઈ શકવાને સમર્થ નથી, છતાં તેને સમાન બીજાને કહે છે તેને મિથ્યા ગુરુ જાણવા.

‘સર્વોપરિ ભગવાન હિ, તા સમ અવર ન કોઈ;

હરિ સમ કહે અવર જેહિ, મિથ્યા ગુરુ હેં તેહિ.’40

ગુરુ બે પ્રકારના છે - લૌકિક અને અલૌકિક. જેને સત્સંગ થાય છે તેને આ ભેદ દેખ્યામાં આવે છે. લૌકિક ગુરુને જે વળગે છે તે શિષ્ય લૌકિક જેવા જ રહે છે. તેમાંથી કોઈને પણ એકેય નિયમનું પાલન હોતું નથી. મોટો મહેલ હોય પણ અંદર ક્યાંય દીપકનો પ્રકાશ ન હોય તો તે શોભતો નથી એમ લૌકિકની રીત જાણવી. જેને વિવેક દૃષ્ટિ છે, તેને સત્ય-અસત્ય યથાર્થપણે દેખાય છે.41

જેના અંતરમાં શુદ્ધ મોક્ષનો અંકુર ઉદય થાય છે તે નિયમ-ધર્મ વિનાના ગુરુને પાપી સમજીને તેનાથી દૂર રહે છે. નિયમધર્મયુક્ત ગુરુને પ્રગટ શ્રીહરિ પર એક તાન રહે છે. તેઓ ભગવાનને સદા સાકાર માને છે. એવા ગુરુ મોક્ષના દાતા છે.42•

ભરતખંડ કર્મભૂમિ છે. તેમાં જીવને મનુષ્યતન મળે છે ત્યારે મોક્ષ સરળ બને છે. સંત તેને જ્ઞાનરૂપી નેત્ર લગાડી આપે છે. ગુરુ અને સંત બન્ને એક છે. તેના વચનમાં વર્ત્યો જાય તે પરમપદને પામે છે.43

જે ગુરુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ રહિત હોય તો તેને તૂટેલા વહાણ જેવો જાણવો. ફૂટેલું નાવ સાગર પાર કરતું નથી, વચ્ચે જ ડુબાડે છે, તેમ એવા ગુરુને જે વળગે છે તેને જન્મમરણ, ચોરાશી ને જમપુરીમાં દુઃખ ભોગવવાં પડે છે.44

અજાણ્યે પણ સાચા સંતની સેવા થઈ જાય તો તેની સહાયતા થાય છે, પણ સાચા સંતની સેવા ભાગ્ય વિના મળતી નથી. એની સેવા મળે તો તેમાં સાધનમાત્ર આવી ગયાં.45

જ્ઞાન વિનાના ગુરુ તો નરકનું દ્વાર છે. વિષયમાત્ર તેમાં રહ્યા હોય છે, એવાને હજારો લોકો ગુરુ માને છે અને અભાવ લેતા નથી. જે ગુરુ વિષયનું ખંડન કરી તેમાંથી પ્રીતિ તોડાવતા હોય તેને સાચા ગુરુ કહેવાય.

વિષય ઉપર દોડ રાખે તે ગુરુ ને શિષ્ય બન્ને બંધનમાં છે. જેટલા વિષયથી દૂર રહે એટલો તેમાં ભગવાનનો નિવાસ થાય છે ને એટલું અજ્ઞાનરૂપી અંધારું દૂર થાય છે.46

ભગવાન અને સાચા સંત વિષયીજનને મળવા દુર્લભ છે, કારણ કે વિષયીજન વિષયમાં જ સુખ માને છે ને વિષય માટે જ જપ-તપાદિ કરે છે. મરણનો ભય ત્યાગ કરીને વિષય માટે પરદેશમાં જવા જહાજમાં બેસી સમુદ્ર ઓળંગે છે. કેટલાંય વહાણ ડૂબે છે, પણ તેનો ડર રાખતા નથી.47

કેટલાય પ્રકારના ગુરુઓ છે તેમાં મોક્ષના દાતા ગુરુને ઓળખવા તે કઠણમાં કઠણ વાત છે. નિર્બંધ ગુરુ મળવા દુર્લભ છે. જેને શ્રીહરિ સિવાય બીજી વાત ન હોય તે સર્વોપરી ગુરુ છે. એવા ગુરુ વિના બીજા ગુરુઓ બધા જ વ્યાવહારિક જાણવા. વ્યાવહારિક ગુરુથી મોક્ષ ન થાય.48

સાધુતાની રીત લોપે નહિ, સાધુતામાં જ હિત માને, એ સાચા સંત છે. તે ભગવાનને સર્વથી અધિક દેખે છે. એવા સંતમાં ભગવાન નિવાસ કરીને રહે છે. એકપળ પણ તેમનાથી દૂર જતા નથી. ભગવાનનો નિવાસ એ સંતમાં છે એ તેમના વર્તનથી સૌને પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. એ સંતની આંખોમાં અને વચનમાં પણ ભગવાનનો વાસ દેખાઈ આવે છે. પોતે પદાર્થ માટે ક્યારેય ક્ષોભ કરતા નથી. પોતાને જનો માને કે ન માને, તેણે કરીને પોતાની સ્થિતિમાં ફેર પડતો નથી. પોતાની પ્રતિષ્ઠા વધારવા ક્યારેય વિચાર કરતા નથી. સંતો-ભક્તોની પ્રતિષ્ઠા વધે એવો પ્રયત્ન દિન દિન પ્રત્યે કરે છે, તેમાં મગન રહે છે. જ્ઞાનનાં દ્વાર ખોલે છે.49•