૩૧. શ્રીહરિનાં ચરિત્રનું આચમન

 

શ્રીહરિનાં ચરિત્ર વિનાનાં બીજાં સાધનો વારંવાર ભટકાવનારાં થાય છે. હરિનાં ચરિત્ર સાંભળ્યાં વિના જીવતા સુધી અશ્વમેધ યજ્ઞ કરે, કોટિ ગોદાન કરે, તીર્થ-તપ કરે, તોપણ એક મનથી શ્રીહરિનાં ચરિત્ર એક દિવસ સાંભળે તે બરાબર થઈ શકે નહિ. (૯/૩૦) ભગવાનનાં ચરિત્ર-ગાન કરવામાં નિત્ય તાન રાખવું. ચરિત્ર આગળ બીજાં સાધન તુચ્છ છે. સૂર્ય અને પતંગિયા જેટલો તેમાં ભેદ છે. એમ ચરિત્રનો મહિમા સમજવો. (૧૨/૧૭) વિષયી જનને જેમ વિષયમાં તાન છે, તેમ પ્રત્યક્ષ ભગવાનના ચરિત્રમાં તાન રહે તે જ સાચી બ્રહ્મવિદ્યા છે. (૧૪/૪) ઇત્યાદિ ‘હરિચરિત્રામૃતસાગર’માં નોંધાયેલ સંદર્ભ ભક્તોને ભક્તિના માર્ગે ગતિશીલ કરે છે. અહીં એ લીલા ચરિત્રો પૈકી અમુકનો આસ્વાદ માણીએ.

 

ગઢડામાં પુષ્પદોલોત્સવ

ગઢપુરમાં મુક્તમુનિ, બ્રહ્મમુનિ, પ્રેમાનંદમુનિ વગેરે વીસ-પચીસ મુનિઓ ઝાંઝ, મૃદંગ સાથે સવારથી ઉત્સવ કરવા લાગ્યા. ભોજન જમતાં સુધી જ ઉત્સવ બંધ રહ્યો. જમ્યા પછી ચાર ઘડી શ્રીહરિ પલંગ પર બેઠા. બેય દરબારના ચોકમાં રંગમંડપ બનાવ્યા. રંગના બબ્બે હોજ કર્યા હતા. રંગના કેટલાંય પાત્ર તથા હોજ ભરાયા અને ગુલાલના ઢગલા થયા.

લીંબડાની ડાળે ફૂલનો હિંડોળો બાંધ્યો. બે ઘડી દિવસ ચઢતાં શ્રીહરિ તેમાં બેઠા અને સંત-હરિભક્તોની સભા થઈ ત્યારે શ્રીહરિએ કહ્યું કે હરિભક્તોએ પોતાના ગામમાં મર્યાદા રહિત કુસંગી લોકો સાથે હોળી રમવી નહિ. ભાંડ-ભવાઈ વિવાહ અને હુતાશનીના દિવસોમાં ભાભી વગેરે સ્ત્રીઓ સાથે મર્યાદા વિનાનું બોલે તે દારૂ પીધા સમાન છે.

હરિભક્ત હરિભક્તની રીતે વર્તે. હરિભક્ત અને કુસંગીમાં દિવસ અને રાત જેટલો ફેર છે. જેને બુદ્ધિ હોય તેને મોક્ષની રીત સમજાય છે. એમ વાત કરી શ્રીહરિ રંગ રમવા તૈયાર થયા.

હરિભક્તોને પોતાની પડખે રાખ્યા. સંતોનું એક જૂથ બનાવ્યું. જાતજાતનાં વાજિંત્ર વાગવાં લાગ્યાં. શ્રીહરિએ હિંડોળા ઉપર ઊભા રહીને પહેલી પિચકારી ચલાવી.

શ્રીહરિ અને હરિભક્તો, સંતો પર રંગ નાખતા અને સંતો તેમના પર નાખતા. એમ ભારે રંગની ઝડી મચી. અતિશય રંગ પડવાથી સહન ન થયો, ત્યારે શ્રીહરિ હિંડોળાની દોરીએ થઈ લીંબડાના ઝાડ પર ચઢી ગયા. તે કોઈના જાણ્યામાં પણ આવ્યું નહિ. પછી તપાસ કરતાં લીમડા પર ચઢેલા ધારીને લીમડા પર પિચકારીઓ નાખવા લાગ્યા. રંગ ખૂટતા સુધી રંગની ઝડી મચી. પછી ગુલાલ ઉડાડ્યો. બધું રંગ-રંગ થઈ ગયું. શ્રીહરિ નીચે ઊતર્યા. સંતોએ શોર કર્યો, “અમે જીત્યા, તમે હાર્યા.”

નિત્યાનંદમુનિએ શ્રીહરિને પ્રેમથી પકડી લીધા અને પૂર્વ શરત મુજબ શ્રીહરિના હાથમાંથી કનકનાં કડાં કાઢી લીધાં.

શ્રીહરિ કહે, “તમે સૌ સંતો જીત્યા. અમે અને હરિભક્તો તમારાથી ડરીએ છીએ. બધા જગતના તમે પૂજ્ય છો. ભૂપ અને દેવો પણ તમારાથી ડરે છે. તમારું અપમાન કરનારનું અતિ અપમાન થાય છે. તમે સનાતન ઋષિઓ છો. જનોના ઉદ્ધાર માટે પ્રગટ થયા છો. તમને પૂજે તેના ભાગ્યનો પાર નથી.” ત્યારે મુનિઓ હાથ જોડી બોલ્યા કે, “અમે તમારો અપરાધ કર્યો છે. તમારા હાથનાં કડાં કાઢી લીધાં. અમે તમારા છીએ. પ્રસન્ન રહેજો. તમારી સાથે રમવાનું ક્યાંથી મળે?” એમ કહી કડાં પહેરાવી દીધાં.1

 

ભક્તોના સંઘની રક્ષા

ચરોતર અને ગુજરાતના ભક્તો ગઢડે ફૂલદોલમાં આવ્યા હતા. તે સમૈયા પછી પાછા ફર્યા ત્યારે શ્રીહરિ ઘોડે ચઢી ભાલ દેશ સુધી તે સંઘની રક્ષા માટે ચાલ્યા. પાછલા પહોરના ચાલ્યા તે ઝીંઝાવદર નદી પર રાત રહ્યા, સવારમાં કારિયાણી પહોંચ્યા. ત્યાં રસોઈ જમી સાંજના ચાલ્યા તે સંધ્યા વખતે કુંડળ આવી નદી પર રાત રહ્યા. મધ્યરાત્રિએ ચંદ્રમા ઉદય થતાં રોજીદ થઈને ચોકડી આવ્યા. ત્યાંથી ખરડ આવી તળાવની પાળે ઊતર્યા.

સંઘમાં નાનાભાઈ વિપ્ર તથા કાશીદાસ પટેલ મુખ્ય હતા. ચારસો માણસોનો સંઘ હતો, તેને જમાડવા માટે ત્રણ મણની ખીચડી બનાવી, પણ આઠ મણ ખીચડીની તાણ પડી. પૂરી ખીચડી નહિ મળવાથી ભોજનમાં કસર રહી, સંત ભૂખ્યા રહેશે એમ જાણી હરિભક્તો બે મણ ઘી લાવ્યા. તોપણ શ્રીહરિને અડધી કસર દેખાઈ. તેથી કુંભારને ઘેરથી રામપાતર લાવ્યા. વાણિયાની દુકાનેથી બે મણ ઘી પ્રથમ મળ્યું હતું. લોકોને ઘેરથી મળે તેટલું ઘી પૈસા આપીને લેવડાવ્યું. તોય શ્રીહરિનું મન માન્યું નહિ. તેથી ભરવાડને ઘરે જઈ ત્યાંથી છ મણ ઘી લીધું ત્યારે મન માન્યું.

પછી ઉતારે આવી સંતની પંક્તિ કરાવી દોઢ-દોઢ પાશેર ખીચડી બધાને પીરસી. અને પછી ઘી પીરસવા લાગ્યા. ઘી સમાય તેવી ખીચડી કરી હતી. થીજેલું ઘી પીરસતા હતા. જેમ છૂટા હાથે દહીં જમાડે તે રીતે ઘી જમાડ્યું. એમ ખરડના તળાવની પાળે ઘીથી સંતોને તૃપ્ત કર્યા.

જમીને તરત ચાલ્યા. બધાની પાસે જળપાત્ર ભરાવી લીધા. રોજકા થઈ પચ્છમનો માર્ગ પૂછી ચાલ્યા. સાત ગાઉનું રણ ત્યાં આવેલું છે. વચ્ચે ફક્ત એક નાની તલાવડી આવે છે. શ્રીહરિ ત્યાં સુધી સંઘની સાથે આવ્યા. પછી શ્રીહરિ રામદાસ સ્વામી પાસે આવીને રજા માગવા લાગ્યા. અને કહ્યું કે અહીં સુધી અમો રક્ષા કરવા માટે આવ્યા, હવે પાછા વળીએ છીએ.

પછી આખા સંઘમાં ત્રણ વખત ફરી શ્રીહરિ જય સચ્ચિદાનંદ કહી પોતાની સાથે અલૈયા, સૂરા, સોમલા વગેરે પંદર સવારો સાથે ચાલી નીકળ્યા. શ્રીહરિનો પ્રેમ દેખી હરિભક્તોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. હૃદયને થોભી રાખ્યા છતાં ધીરજ રહી નહીં. જે સંતો સંઘમાં નહોતા અને આગળ ચાલતા હતા તે દર્શન વિના રહી જવાથી પસ્તાવા લાગ્યા.2

 

વડતાલમાં ફૂલદોલ

વડતાલમાં ફૂલદોલ યોજાયો. નિષ્કુળાનંદમુનિએ બાર બારણાનો હિંડોળો બનાવ્યો. સુંદર થાંભલા બનાવ્યા. કારીગરીનો પાર ન હતો. અલંકારોથી અમૂલ્ય હિંડોળા તળે સોનાની ઘુઘરમાળ બાંધી હતી. બે આંબા વચ્ચે તે અદ્‌ભુત શોભતો હતો. હરિભક્તોએ ગુલાલના ગંજ કરી દીધા. ચાર ઘડી દિવસ રહેતાં રામદાસજીએ શ્રીહરિને હિંડોળે બેસવા કહ્યું. તેથી હરિભક્તોના જયજયકાર સાથે શ્રીહરિ હિંડોળે ઉત્તરમુખે બેઠા. વાજિંત્ર વાગવાં લાગ્યાં.

સંતોને પૂજા કરવા શ્રીહરિએ બોલાવ્યા. સંતો શેર શેર ગુલાલ લઈને શ્રીહરિ આગળ ધરતા. શ્રીહરિ તેમાં ચરણ મૂકતા. એમ સંતોએ પૂજા કરી ગુલાલ પ્રસાદીભૂત કર્યો. સંતો એક એક સાકરનો ગાંગડો શ્રીહરિના મુખમાં મૂકતા. શ્રીહરિ તે બધાયની સાકર જમ્યા. પછી આરતી ધૂન થઈ રહી.

હરિભક્તો ફૂલના હાર લાવતા તે ચાલતે હિંડોળે શ્રીહરિ ઘણી ચાતુરીથી લેતા. વેગથી ચાલતા હિંડોળા પર શ્રીહરિ ઊભા રહેતા. જમણા હાથે થાંભલો ગ્રહણ કરી ડાબો હાથ છૂટો રાખતા અને હાર લેતા. હારથી હિંડોળો ભરાઈ ગયો. ક્યારેક હાથમાં રાખેલી છડી વડે હાર લેતા. ક્યારેક બે હાથથી બેઉ થાંભલા પકડી પગ વડે હાર લેતા. એમ દોઢ પ્રહર રાત્રિ સુધી હાર લીધા પછી બંધ કર્યું. પ્રસાદીના હાર સંત કાઠી અને ભક્તોને આપ્યા. ત્રણ લાખ ભક્તો ભેગા થયા હતા. પૂનમનો મહિમા સમજી સુરતના ભક્તો સુંદર મુગટ તથા જરીમય વસ્ત્રો લાવ્યા હતા, એ બધો પોષાક શ્રીહરિને પહેરાવ્યો તથા સોનાનાં આભૂષણ અંગોઅંગ પહેરાવ્યાં.

શ્રીહરિએ ઊભા રહીને માથે મુગટ ધાર્યો હતો તેથી મુગટની કલગી ઠેઠ હિંડોળે અડતી હતી. પછી શ્રીહરિ પશ્ચિમ મુખે ઊભા. મુક્તમુનિએ આવીને તેમને કેસર કુંકુમનો ચાંદલો કર્યો તથા દાઢીને મધ્ય કુંકુમનું બિંદુ કર્યું. ગાલ ઉપર એક એક બિંદુ કર્યું. તેથી મૂર્તિ બહુ મનોહર લાગતી હતી.

દર્શન કરનારા જનોની વૃત્તિ મૂર્તિમાં ચોંટી જતી. કેટલાકને સમાધિ થઈ જતી. કેટલાકને દિવ્ય દૃષ્ટિ થતી અને દિવ્ય ધામ દેખાતું ને પોતાના ભાવ પ્રમાણે દર્શન થતાં. એમ ચાર ઘડી શ્રીહરિએ મુગટ ધારણ કરી દર્શન દીધાં. હિંડોળામાં ઊભા ઊભા ચારે બાજુ ફરીને સૌનાં ચિત્ત ચોરતા. કેટલાક ભક્તો વૃક્ષ ઉપર ચઢી દર્શન કરતા. શ્રીહરિએ મુગટ ઉતાર્યો પછી સુરતની જરીની પાઘ માથે ધારણ કરી અને સોનાની કલમ જમણા કાને ઘાલી. અદ્‌ભુત શોભા બની. સૌને બોલાવી રંગનું આયોજન કર્યું. પશ્ચિમ તરફના રંગના હોજ ભક્તોના ઠરાવ્યા અને પૂર્વના સંતના ઠરાવ્યા. હરિભક્તોએ સંતો ઉપર જ પિચકારી નાખવી અને સંતોએ હરિભક્તો ઉપર નાખવી, પણ રંગખેલ થતાં સુધી ભેગાં થઈ જવું નહિ. એમ નિયમ કરી શ્રીહરિ પુરમાં જઈ સૂઈ ગયા.

સવારે ઊઠી સૌએ નિત્ય વિધિ કર્યો, પછી કુંડ પર ચાલ્યા. શ્રીહરિ પાર્ષદોને કહે કે અમારા ઉપર પિચકારી ભરી કોઈ રંગ નાખે તેની તમે તપાસ રાખજો. સંતો પિચકારી નાખશે તેનો વાંધો નથી. બીજા તો રંગ નાખનારા એવા છે કે મરે કે જીવે તેની પરવા રાખે નહિ. તમારે ઢાલનો કોટ બનાવી દેવો અને અમને બચાવી લેવા. એક જણ પર બધી પિચકારી છૂટે ત્યારે તે જણાયા વિના રહે નહિ. અમ ઉપર કોઈ પિચકારી ધરે તો તેને રોકવો, દૂર રાખવો ને જોરથી આવે તો પિચકારી લઈ લેવી.

શ્રીહરિએ બન્ને કુંડમાં ચરણ બોળી રંગ પ્રસાદીભૂત કર્યો. શ્રીહરિ તથા સૌએ કમર કસી, બોકાની વાળી. પાર્ષદો ઢાલ લઈ શ્રીહરિની રક્ષા કરવા લાગ્યા. હરિભક્તોએ પિચકારી ભરી સંતો ઉપર ચલાવી. કોઈ કોઈને દેખે નહિ તેટલા રંગની વૃષ્ટિ થઈ. બે ઘડીમાં રંગ ઉડાવી દીધો. પછી કૂવામાંથી નીક દ્વારા હોજમાં પાણી લાવ્યા. તેમાં ગુલાલ નાખી રંગ બનાવ્યો ને બે પહોર સુધી રંગે રમ્યા. શ્રીહરિએ પછી બંધ કરાવ્યું.

રંગમાં રસબસ થઈને શ્રીહરિ મંચ ઉપર ઊભા રહ્યા. અને રંગથી ભીંજાયેલા સંત અને હરિભક્ત ઉપર પોશે પોશે ગુલાલ ઉડાડવા લાગ્યા. સંત અને હરિભક્તો પણ હરિ સન્મુખ ઉડાડવા લાગ્યા. ગુલાલની ઝોળી ભરીને શ્રીહરિ ફેંકતા તેથી આકાશ અને ભૂમિ ગુલાલમય બની ગયાં. પછી શ્રીહરિ મૂળજી પટેલને કૂવે જઈને નાહ્યા. સંતો પણ સંતની જગ્યામાં આવ્યા. આજે સુરતના હરિભક્તોની રસોઈ હોવાથી તેમણે પૂજા કરી.3

 

શ્રીહરિનું અદ્‌ભુત વિચરણ

શ્રીહરિ વડથલ આવ્યા. પુરની બહાર ઉત્તર બાજુ વડની છાયામાં ઉતારો કર્યો. વડની ડાળે હિંડોળો બાંધ્યો હતો, ત્યાં બેઠા, સંતની સભા થઈ. અન્ય સવારો આંબાની છાયામાં ઊતર્યા. ભક્તો પાકી કેરીના ટોપલા લાવ્યા. શ્રીહરિએ એક-એક કેરી સૌને આપી, પોતે પણ જમ્યા. વિપ્ર હરિભક્તોએ રસ-રોટલીનો થાળ કરીને ઘેર ઘેર પધરાવી શ્રીહરિને જમાડ્યા અને પૂજા કરી. સંતની જગ્યામાં રસોઈ થઈ ત્યારે પંક્તિ કરાવી લાડુ પીરસ્યા. પછી હરિભક્તોએ સંતોને એક એક વસ્ત્ર ઓઢાડ્યું. વડ નીચે રાતે આરતી-ધૂન કરીને શ્રીહરિએ વાતો કરી. પછી ગરબીનાં પદ ગવરાવ્યાં. દસ ઘડી રાત્રિ ગઈ પછી ત્યાં જ વડ નીચે પોઢી ગયા. સંતો પણ નિયમ પૂરા કરી શ્રીહરિના ફરતે સૂઈ ગયા. કેટલાક ધ્યાનમાં બેઠા. પાર્ષદો વારા ફરતી ચોકી કરતા. ચાર ઘડી રાત રહેતાં સંતો નારાયણની ધૂન કરવા લાગ્યા. સવારે નિત્યવિધિ કરીને શ્રીહરિ હિંડોળા ઉપર બેઠા, સન્મુખ સંતો બેઠા ને ગરબીનાં પદ ગાવા લાગ્યા. કાળિદાસ વિપ્રે ખૂબ ઘી નાખી લાડુની રસોઈ કરાવી. કેરીનો રસ કાઢી પ્રથમ શ્રીહરિને જમાડ્યા.

સંતોની પંક્તિમાં લાડુ પીરસતાં શ્રીહરિ બોલતા, “લાડુ લો. ફરી અમે પીરસવા આવવાના નથી.” એમ વારે વારે બોલતા. પછી પાર્ષદો, કાઠી ભક્તો ને ઠાકોરોની પંક્તિમાં લાડુ પીરસ્યા. કાળિદાસે શ્રીહરિની પૂજા કરી. બપોર પછી ચાલ્યા તે ડડુસર આવ્યા.4

*

શ્રીહરિ ગાના ગામ આવ્યા. પુરના જનો દર્શન કરવા સારુ બજારમાં હાર લઈને ઊભા હતા. હરિભક્તોએ ઘેર ઘેર પધરાવી પૂજા કરી. શ્રીહરિ પુર બહાર સરોવર પર આવીને ઊતર્યા. અહીંના લોકો ચીણો ખાતા. ચીણાનો સ્વાદ જોવા માટે શ્રીહરિએ તેનો રોટલો કરાવ્યો. પહેલા ચોથિયું રોટલો જમ્યા અને બોલ્યા કે સરસ રોટલો છે. જમતાં કઠણ પડે તેમ નથી. ઘઉંથી ઊજળો છે ને કુસ્વાદ નથી. એમ કરી સંતને પ્રસાદી આપી. ચણા ચણા જેટલો પ્રસાદ પામી સંતો રાજી રાજી થયા.

મેઘવા, વહેરા થઈ બોચાસણ આવ્યા. કાશીદાસ વગેરે પાટીદાર ભક્તોએ પુરમાં પધરાવી પૂજા કરી. પછી શ્રીહરિ પુર બહાર તળાવની પાળે સંત સહિત ઊતર્યા. વડની છાયામાં પલંગનો હિંડોળો બાંધ્યો હતો, તેની પર બિરાજમાન થયા. કાશીદાસના ભવનમાં સંતોની પંક્તિ કરી લાડુ પીરસ્યા. પોતે જમ્યા. પછી તળાવ પર આવ્યા. થોડીવારમાં વાદળાં ચઢી આવ્યાં ને આંધી થઈ. સંતોને છાતીમાં ચરણ ચાંપી વિચરણમાં મોકલ્યા. ભણનારા સંતોને સાથે લઈ ચાલ્યા.

શ્રીહરિ કહે, “અમે આગળ જઈએ છીએ, તમે પાછળ આવજો.” સાથેના બાઈ-ભાઈના સંઘને પણ પાછળ આવવા કહ્યું. શ્રીહરિએ અશ્વ દોડાવ્યો. માથા પર ધારણ કરેલા તોરા માર્ગમાં નમેલી આંબાની ડાળીઓમાં ભરાઈને તૂટી ગયા. માર્ગમાં તોરાનાં ફૂલ વેરાયાં. સુંદરડાના ભક્તોએ કેરી આપી તે સંતોને વહેંચી. પાછળ જે સંતો અને હરિભક્તો રહ્યા તેમણે જેટલી જોઈએ તેટલી કેરી લીધી. માર્ગમાં વરસાદ વધારે થયો તેથી કેરીનો સ્વાદ આવ્યો નહિ. ચાલતાં ચાલતાં લપસી જવાતું. શ્રીહરિ બુધેજ પહોંચ્યા. હરિભક્તો મોડા પડ્યા. બુધેજના ખોડાભાઈએ બધા હરિભક્તોને કોરાં વસ્ત્ર પહેરવા આપ્યાં. ભીનાં સુકવાવી દીધાં. હરિભક્તોને દેખી શ્રીહરિ હસવા લાગ્યા. ઉકા ભગતને પૂછ્યું કે માર્ગમાં કેમ થયું? તે કહો.

ત્યારે ઉકા ભગત કહે, “માર્ગની શું વાત કહીએ? અમે જીવીશું ત્યાં સુધી ભુલાશે નહિ. એવી વિકટ વાત બની. કોઈ એકબીજાની સાથે રહી શક્યું નહિ. રાતે સઘન વાદળાં ઝામ્યાં. એવું અંધારું થયું કે એકબીજાને દેખે નહિ. બોલે ત્યારે માલૂમ પડે. બધા ડગલે પગલે લપસી પડતા. કેરી લીધી હતી તે માર્ગમાં છૂટી પડી, તેની ખબર પણ રહી નહિ.” શ્રીહરિ વાત સાંભળીને પલંગ પર આમતેમ લોટીને ખૂબ હસ્યા.

પ્રેમી ભક્તો ફાવે તેટલા ગાઉ દૂર રહેતા હોય, તોપણ કષ્ટ વેઠીને શ્રીહરિ તેમને ઘરે જતા. શ્રીહરિ પોતાને ત્યાં દિવસે, રાતે, વહેલા, મોડા ફાવે ત્યારે આવે તોપણ તે હરિભક્તોના ભાવમાં ફેર પડતો નહિ. એક રંગ રહેતો. જેમાં એક રંગ રહે અને ઘરમાં સંપ હોય તેને ઘરે શ્રીહરિ જતા.

ગોરાડ-ગોલાણા થઈ, સાબરમતી નદી ઊતરી, મોટીબોરુમાં વણિક ભક્તોને દર્શન દઈ ભોળાદ આવ્યા. ભોગાવો નદી ઊતરી પીપળી થાળ જમ્યા. દાદાભાઈને ત્યાં રાત રહી સવારે ચાલ્યા. ગાંફના ભક્તોને દર્શન દઈ ત્યાંથી ચાલ્યા ને બોલ્યા કે રણ ઊતરીશું પછી કાદવ બંધ થશે ને ચાલવાનું સુખ આવશે. ખરડ આવ્યા ત્યારે બોલ્યા કે હવે દુઃખ ન રહ્યું.

ઝીંઝર, પરવડી, ભીમનાથ, પોલારપુર થઈ સારંગપુર આવ્યા. અહીં સંઘ ભેગો થયો. પછી સંઘ સાથે ચાલ્યા. પીપલિયા દર્શન દીધાં. આમ, ગઢપુર દોઢ મહિને પહોંચ્યા. ઉત્તમ રાજા શ્રીહરિના વિયોગથી ગદ્‌ગદ કંઠ થઈ ગયા હતા.5

*

સુંદરિયાણામાં હિમરાજ શાહ સત્સંગી થયા હતા. શ્રીહરિ પધાર્યા ત્યારે પ્રથમ ડોસાખાચરને ઘરે ઊતર્યા. પછી હિમરાજ શાહનો થાળ જમીને તળાવ પર ઊતર્યા. અનાજનાં ખળાં હતાં ત્યાં મુકામ કરાવ્યો હતો. પહોર રાત બાકી રહી ત્યારે ચંદ્રના અજવાળે શ્રીહરિ તૈયાર થઈને ચાલ્યા. વચ્ચે લીમડીમાં ઘેલા ધાધલને જે મળે તે ટીમણ લાવવા માટે મોકલ્યા. સાથે બે પાર્ષદો પણ ગયા. હલવાઈની દુકાનેથી મોતિયા, જલેબી લીધાં અને શ્રીહરિ માટે પેંડા જુદા લીધા. ગાંઠિયા, કળી ને શેકેલા ચણા પણ લીધા. પછી ભલગામડાના તળાવ પર ઊતર્યા. સહુ સ્નાન પૂજા ત્યાં કરવા લાગ્યા. ગામમાં એક ગરાસિયા બાઈ હરિભક્ત હતી, તેણે શ્રીહરિને બેસવા સારુ ખાટલો મોકલ્યો, તેના ઉપર શ્રીહરિ બેઠા. સૌને ટીમણ કરાવ્યું ને શ્રીહરિ પોતે પેંડા જમ્યા. બાઈની ઇચ્છાથી શ્રીહરિએ તેને ઘરે પધરામણી કરી, બાઈ મર્યાદા પ્રમાણે પગે લાગી અને શ્રીહરિનાં ચરણમાં દસ રૂપિયા મૂક્યા. આગળ ચાલતાં શિયાણી આવ્યું. અહીં શ્રીહરિ તળાવ પર ઊતર્યા. ખબર સાંભળી ગામજનો દર્શને આવ્યા. તળાવ પાળે પાળિયાનાં દેરાં હતાં તેના પર પથ્થર પર શ્રીહરિ બેઠા. લીમડી શહેરના કેટલાક દરબારો કંઈક સંશય સાથે આવ્યા હતા ને શ્રીહરિએ સંશય હરવા ધોતી સિવાય બીજાં વસ્ત્ર ઉતારી નાખ્યાં. એમ વાત કર્યા વિના સૌનો સંશય ટાળ્યો. સૌ ભાવથી પગે લાગ્યા. શિવરામ ભટ્ટે શ્રીહરિ માટે ઘરે થાળ કરેલો તે બોલાવી ગયા. કાઠી અને પાળા માટે મેઘા પટેલ દહીં ને રોટલા લાવ્યા તે સૌ જમ્યા.6

*

શ્રીહરિએ ગાડીમાં બેસી ચાલ્યા. આખી રાત ચાલી બરોળ ગામ થઈ પહોર દિવસ ચઢતાં રોઝકા આવ્યા. હરિભક્તોએ વર્ણી પાસે રસોઈ કરાવી અને સૌ જમ્યા ને સૌ પાછલી બે ઘડી રાત રહેતાં ગાડીમાં બેસીને ચાલ્યા તે જીંજર આવી આખો દિવસ રહ્યા. ખોડાભાઈએ રસોઈ કરાવી તે સૌ જમ્યા. સરોવર પાળે પીપરના વૃક્ષ નીચે પલંગમાં પોઢી ગયા. બપોરે ચાર ઘડી ગામમાં ખોડાભાઈના બળદ બાંધવાના ઘરમાં પલંગ પર પોઢ્યા અને સાંજના સરોવર પર પોઢ્યા. નાના પ્રજ્ઞાનંદ અને નાના આધારાનંદ ચરણ ચાંપતા હતા. દોઢ પહોર સુધી ચાંપતા રહ્યા. શ્રીહરિ તેમને ચરણ ચોળવાનું શિખવાડતા. સંધ્યા વખતે ગાડીએ બેસી ચાલ્યા. મોટા કરીમ ગાડી હાંકતા. હરિની મરજી પ્રમાણે ગાડી હાંકતા. ભીમનાથ, પોલારપુર, કુંડળ થઈ કારિયાણી આવ્યા. આખો દિવસ ત્યાં રહ્યા ને સૌ રસોઈ જમ્યા. રાત થઈ ત્યારે ચાલ્યા તે ઝીંઝાવદર, ઉગામેડી થઈને ગઢપુર આવ્યા. ગઢપુરના ભક્તો દર્શન કરી સુખી થયા.7

 

પીરસવાની લીલા

વડતાલના નારાયણગિરિ ગોસાંઈ ગઢડે સંતોને રસોઈ દેવા આવ્યા. શ્રીહરિ જમ્યા. સંતોને જમાડ્યા. શ્રીહરિ સંતોને શીરો પીરસતા હતા ત્યારે ગોસાંઈ કહે, “જમાડવામાં કસર રાખશો નહિ...”

શ્રીહરિ કહે, “સંતોને ખૂબ જમાડ્યા છે. કાંઈ કસર રાખી નથી, તમારે કસર હોય તો શીરો દઈએ.” એમ કહી શ્રીહરિ તેમની તરફ ફર્યા. ગોસાંઈ દોડ્યા. શ્રીહરિ તેમની પાછળ શીરો ઉડાડતાં દોડ્યા. આમ, દિવસમાં બે-ત્રણ રમૂજી ચરિત્ર શ્રીહરિ કરતા.8

*

અણિયાળીમાં લખાજી નામના ભૂપે શ્રીહરિની ખૂબ સેવા કરી. સવારમાં બહુ ઠંડી પડી. શ્રીહરિ ઠંડા પાણીએ નાહીને ચાલ્યા. તે શિયાલ ગામ આવ્યા. ત્યાં મધુ નામે વણિક ભક્ત હતા તે રસોઈ આપવા માટે ઘી ભરીને પાત્ર લાવ્યા. ને શ્રીહરિને વિનંતી કરી કે મારો મનોરથ પૂરો કરો.

શ્રીહરિ સંઘમાં સાદ પાડીને બોલ્યા, “અમારી આજ્ઞા છે મધુનો ભાવ પૂરો કરો. જેને થીના ઘી પર રુચિ હોય તે આજે છૂટથી જમો. બરફી જેવાં ઘીનાં ચોસલાં કરી રાખ્યાં છે.” શ્રીહરિની આજ્ઞાથી સંત, વર્ણી, હરિભક્તો, પાર્ષદો ભાવે તેટલું ઘી જમ્યા. મધ્યરાત્રિ થતાં સુખડી તૈયાર કરી. ઘી ઉપર સુખડીનું ભોજન કરાવ્યું! જમવામાં જેણે વિચાર ન રાખ્યો તે મૂર્છિત થઈ ગયા. શ્રીહરિએ તેમને ગરમ પાણી મીઠું નાખી પાયું ને ઊલટી કરાવી જીવ બચાવ્યો. પુર બહાર જળ દેખીને રાત રહ્યા. સવારે શ્રીહરિ નાહ્યા ત્યારે પાણી હિમ થઈ ગયું હતું.9

*

મુક્તમુનિ અને બ્રહ્મમુનિ વર્તમાન સંબંધી એક એક પદ નિત્ય બોલતા. વર્તમાન બોલ્યા વિના સંત જમતા નહિ. શ્રીહરિએ શ્રાદ્ધપક્ષમાં અભયરાજાનું શ્રાદ્ધ કરાવ્યું. ઉત્તમના નવા ભવનમાં સંતની પંક્તિ બેસાડી, બહુ ચીજો જમાડી. શ્રીહરિએ ડંકો ભરી ભરી ખીર પીરસી. પીરસી રહ્યા ત્યારે બબ્બે પોશ સાકર આપી. કોઈ ના પાડે તો સાંભળતા નહિ. સાકર પીરસીને ઘીની તાંબડી લીધી. પાત્ર ભરાઈ જાય અને નીચે પડે ત્યારે બીજાને પીરસતા! એકધારે ઘી શ્રીહરિ પીરસતા. પછી રોટલી ને શાક પીરસ્યાં. પછી સૌને જમવાની રજા દીધી. સુખાનંદમુનિને ચાર પોશ સાકર દીધી.10

*

ચાતુર્માસમાં સંતો ધારણાં-પારણાં કરતા તેમને પારણાના દિવસે નિત્ય જમાડવાનો ઉત્તમની માતાએ નિયમ રાખ્યો હતો ને શ્રીહરિએ પીરસવાનો નિયમ રાખ્યો હતો. ઘઉંની સાતપડી રોટલી શ્રીહરિ બનાવડાવતા. પ્રથમ શ્રીહરિ તે પીરસતા. પૂર્વ મુખે ભવનમાં પંક્તિ થતી. શ્રીહરિ એ રોટલીને ચોળાવી દેતા પછી ગોળ પીરસીને ઘી પીરસતા. જેની જેટલી ઇચ્છા હોય તેને તેટલું ઘી પીરસતા. અડદની મોગર દાળ બનાવતા. પાપડ તથા અથાણાં પણ પીરસતા. જે દિવસે ખીચડી કરે ત્યારે પણ ખૂબ ઘી આપતા. ફૂલવડી ને વડી સાથે દહીંની કઢી કરાવી પીરસતા. ભાત કર્યો હોય ત્યારે ખૂબ દૂધ સાકર દેતા. જમ્યા પછી ઉત્તમ રાજા શ્રીહરિ તથા સંતોની પૂજા કરતા. એમ ઉત્તમે પૂજાનો નિયમ રાખ્યો હતો.11

*

ગઢપુરમાં હુતાશનીનો ઉત્સવ કર્યો. પૂર્ણાનંદ અને કૃપાનંદ હુતાશનીને દિવસે આવ્યા. તેમને શ્રીહરિએ કંસાર, ઘી, વડાં, ભજિયાં વગેરે જમાડ્યું. જીવુબાની રસોઈ હતી. સંતોને શ્રીહરિએ પોતાના પૂર્વ મુખેના ભવનમાં બોલાવી જમવા બેસાડ્યા. પોતે સાંગામાંચી પર બેસી દર્શન દેવા લાગ્યા.

શ્રીહરિએ બ્રહ્મચારીને કહ્યું, “તમે કંસાર પહેલો પીરસો અને પછી અમે ઘી પીરસીશું.” બ્રહ્મચારીએ અડધું પાત્ર કંસાર પીરસ્યો. શ્રીહરિએ ઘી પીરસી પાત્ર છલકાવી દીધું અને કહ્યું, “કંસારને ચોળીને એક રસ બનાવી દો. ઝાલાવાડના કણબી પાણીની પેઠે એક એક તાંબડી ઘી પી જાય છે તે જોતાં આ કાંઈ નથી. જમશો એટલું લેખે લાગશે. અમારું માહાત્મ્ય જેટલું સમજતા હશો એટલું જમાશે.” એમ કહી હસ્યા. પછી કહ્યું, “જમાય એટલું જમો. વધે તેની ચિંતા નથી. તમારી પ્રસાદીને ઘણા ઇચ્છે છે.” ત્યારે સંતને હિંમત આવી અને જમાય તેટલું જમ્યા.

શ્રીહરિએ કહ્યું, “હજી ત્રણ ચાર રસોઈ છે. હરિભક્તોને એમ સમજણ છે કે તેમને જમાડવાનો ફરી આવો સમય આવવાનો નથી. એમ સમજી અત્યંત પ્રેમથી જમાડે છે. કારણ કે પ્રીતની રીત સદાય એક ન રહે પણ ગુણ રહે ત્યાં સુધી પ્રીતિ રહે ને દેશકાળે કરીને દોષ દેખાય ત્યારે પ્રીતિ રહે નહિ.”12

 

શ્રીહરિના અંગમાં ટૂંટિયું

ગઢપુરમાં એકાદશી પછી શ્રીહરિએ ટૂંટિયાનો વ્યાધિ ગ્રહણ કર્યો. વ્યાધિ જોરદાર રહ્યો. મધ્ય દિવસ થયો અને જ્યારે કોઈ પાસે ન હતું ત્યારે ટૂંટિયું આવ્યું. તેને શ્રીહરિએ તેનું પરાક્રમ જોવા પોતામાં પ્રવેશ કરવા દીધો, પણ તે ધ્રૂજતું હતું. શ્રીહરિ કહે, “ટૂંટિયું બીજાને કેવી પીડા કરે છે તે મારે જોવી છે.” ત્યારે ટૂંટિયું કહે, “મને અપરાધ લાગે. હું જેમાં પ્રવેશ કરું છું તેની નાડીઓ ખેંચાય છે, રક્તનું પાણી થઈ જાય છે, નાડીના બંધ છૂટી જાય છે, મુખ અને મળ દ્વારથી પાણી ફુવારાની માફક છૂટે છે, તનમાં શીત વ્યાપે છે, સ્મૃતિ રહેતી નથી, અને એક-બે કે ત્રણ દિવસમાં બચે તો બચે.”

ટૂંટિયાના તીવ્ર, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણ પ્રકાર હોય છે, તીવ્ર વેગમાં તત્કાળ મૃત્યુ થાય છે, મધ્યમ અને કનિષ્ઠ પ્રકારમાં મૃત્યુ નજીક આવે છે.

પછી શ્રીહરિમાં ટૂંટિયાનો વેગ દેખાવા માંડ્યો. ઓખાલ-પખાલ બહુ થવા લાગી. અંદરથી તાવ પણ રહેવા લાગ્યો. જોનારને મોહ ઊપજે એવાં ચરિત્ર શ્રીહરિ કરવા લાગ્યા. મોહ ન ઊપજે એવા મુકુંદવર્ણી, નિર્ગુણાનંદ, વૈષ્ણવાનંદ, નિત્યાનંદ, શુકાનંદ, નિષ્કુળાનંદ સેવામાં રહ્યા. મોહ ઊપજે તેવાને પાસે જવા દેતા નહિ. પીવા માટે પાણીના અનેક કુંભ મંગાવ્યા. શ્રીહરિ પાણી વારંવાર પીવા લાગ્યા, તેમજ ઊલટી કરી બહાર પણ કાઢી નાખતા હતા.

શ્રીહરિએ જાણે ખરેખર દેહથી જુદા થવા નિર્ધાર્યું હોય તેવું થઈ ગયું. સત્સંગની કેવી સ્થિતિ થશે તેવો વિચાર ઊપજ્યો. શ્રીહરિ કહે, “શાસ્ત્ર, મંદિર અને ત્યાગી સંત એ સત્સંગનાં મૂળ છે. મૂળ વિના સત્સંગ ન રહે. આ વખતે અમારું તન ટકે તો દેહ રહે ત્યાં સુધી સત્સંગનાં મૂળ દૃઢ કરવાં.” એવો સંકલ્પ જ્યારે કર્યો ત્યારે તનની સ્મૃતિ આવી. સંધ્યા વખત થયો. ત્યારે પોતે દહીં, સાકર પીધું. બીજું કંઈ ખાતા નહિ. ખાય તો ટકતું નહિ, પછી પોતે બોલ્યા કે, “હવે અમારું તન છૂટશે નહિ, હરિજનના હિત માટે ટક્યું છે. દાદાખાચરના દરબારની પાછળ છૂટી જમીન છે, તેમાં વચમાં લીમડાના વૃક્ષની છાયા છે, ત્યાં ઘેલા નદી લાવી દો જેથી અમને અકળામણ થતી મટે.”

પછી ત્યાં હિમાળા જેવો શીતલ નિવાસ કરી દીધો. રેતી સઘળી જળથી ભીંજવી નાખી અને ચોકમાં બધે પાણી છાંટી દીધું. ચાર ઘડી રાત્રિ જ્યારે ગઈ અને ચંદ્ર ઉદય થયો અને લૂ વાતી બંધ થઈ ત્યારે શ્રીહરિ બોલ્યા કે, “હવે સંત હરિજનોને દર્શન કરવા દો. કોઈએ હજી ખાધું નથી.”

પછી તેમણે કહ્યું ત્યાં પલંગ મૂક્યો અને સૌએ દર્શન કર્યાં. દર્શન થવાથી જાણે તનમાં પ્રાણનો નવો જ સંચાર થયો હોય ને શું! તેમ સૌને થયું. પછી શ્રીહરિનો પલંગ જ્યાં હતો ત્યાં વિરણના વાળાની ટટ્ટીઓ બાંધી દીધી અને હરિજનો તેવા જ પંખા ભીંજવીને પવન ઢોળવા લાગ્યા. શ્રીહરિ ફક્ત કૌપીનભર હતા, શરીર બહુ દુર્બળ થઈ ગયું હતું. ત્રણ દિવસ ગયા પછી શ્રીહરિના કહેવાથી મુક્તાનંદ મુનિ, બ્રહ્માનંદ મુનિ, પ્રેમાનંદ મુનિ વાજાં લઈ કીર્તન બોલવા લાગ્યા. બે ઘડી કીર્તન સાંભળીને શ્રીહરિએ કીર્તન બંધ રખાવ્યાં અને બોલ્યા કે, “જે કીર્તનના પદમાં ભગવાન સંબંધી વાત હોય તેવાં કીર્તન જેવી અન્ય કોઈની વાત નથી. તેનાથી ભગવાનની મૂર્તિનો સંબંધ રહે છે. ભગવાનની કથા અને વાર્તા જીવને સુખદાયક છે ને મોક્ષરૂપ ફળ આપનારી છે. ભગવાનના જે ભક્ત છે તેને આવું મનાય છે.”

સંતો મુકામ પર ગયા ને સૌની વિનંતીથી શ્રીહરિ થોડી રબડી જમ્યા. પ્રથમ દિવસે નવટાંક, પછી એક એક ગ્રાસ વધારતા ગયા. આ પ્રમાણે દસ દિવસ પછી ઊઠવા બેસવાની શક્તિ આવી. પછી દસવીશ પગલાં ચાલવા માંડ્યું. મલમલનાં વસ્ત્ર ધારણ કરતા. સુરોખાર દશબાર ઘડા ભરી રખાતો, તેમાં શુદ્ધ જળ ભરેલાં નાનાં પાત્ર મૂકવામાં આવતાં, તેથી જળ હિમ જેવું ઠંડું રહેતું તે પીતા.

પછી શેરડી ખાવા માંડી. તે જોઈ નિષ્કુળાનંદ સ્વામીએ એક ગજ નાનું સરખું કોલું બનાવ્યું, તેમાં શેરડી પીલીને રસ કાઢીને એક કટોરો આપતા તે પીતા. દાડમના બે દાણા પણ ખાતા. કેરીને સંભારતા પણ ફળ નાનાં હતાં તેથી તે મળી શકી નહિ. ભાવનગરમાં રૂપાભાઈ અને રાજાભાઈ તથા ઝીણાભાઈ શ્રીમાળી વિપ્ર હતા. તેમણે શ્રીહરિને તાવ આવવા માંડ્યો ત્યારથી સુરતથી સોનેરી કેળાં મંગાવી મોકલેલાં તે શ્રીહરિ ભાવથી જમતા.

પછી એક દિવસ સંધ્યા વખત થયો ત્યારે સંતોને દર્શન દેવા સાધુની જગ્યામાં શ્રીહરિ પધાર્યા ને સંતોને રાજી કર્યા, પણ ગરમ પવન વાવા લાગ્યો એટલે ત્યાંથી ચાલી નીસર્યા. શ્રીહરિ કહે, “અગ્નિ જેવો ગરમ પવન અમને લાગે છે. વિચરણ કરતા સંતોને કહેશો કે તાપમાં ફરે નહિ. તેમાં મૃત્યુ થઈ જાય એવો કાળ વર્તે છે. એક વરસાદ થાય પછી બોલાવ્યા વિના પણ અમારે દર્શને આવવું.” એવો પત્ર લખાવ્યો.

ઉત્તમ રાજાના દરબારમાં ચોકમાં પાણી છંટાતું. સાંજે ત્યાં સભા થતી. હરિજનો ફૂલના હાર શ્રીહરિને પહેરાવતા. પોતાના નિવાસ સ્થાન નજીક એક કૂવો કરાવવા માંડેલો તેમાં ખૂબ પાણી આવ્યું. દશ દિવસમાં પથ્થરથી આ કૂવો ચણી દીધો. થોડા વખતમાં વરસાદ પણ આવ્યો અને ઉષ્ણકાળ વીતી ગયો.

શ્રીહરિનાં દર્શન માટે સંતો આવવા લાગ્યા. ત્યાં દ્વિતીય જેઠ માસમાં ભીમ એકાદશી આવી એટલે શ્રીહરિએ સભા બોલાવી. દાદાખાચરના દરબારમાં વાસુદેવનારાયણના ભવનના ચોકમાં ઘેલા નદીમાંથી રેતી લાવીને પાથરી અને જળનો છંટકાવ કર્યો. વાસુદેવનારાયણના ભવનના ચોકથી લીંબવૃક્ષ સુધી મંડપ રચીને છાંયો કર્યો હતો. દશ બાર માટીની ઘડીઓ જળથી ભરીને તેમાં વરિયાળી ઘૂંટીને નાખી ને તેને શીતળ બનાવ્યું હતું. વિરણના વાળા બાંધવામાં આવ્યા હતા. ત્યાં શ્રીહરિ સવાર-સાંજ સભા કરતા. ગરબીનાં કીર્તનો વાજાં સાથે ગવડાવતા. જેને તરસ લાગે તેણે આ શીતળ જળ પીવું અને જેને નિદ્રા આવે તેણે સભાની પાછળ જઈ ઊભા રહેવું. જો નિદ્રા આવે છતાં ન ઊઠે તો પાસે બેઠેલાએ ઉઠાડવા. ઊભા થયા છતાં નિદ્રા આવે તો દશ દંડવત્ કરવા અને દંડવત્ કરવા છતાં ઊંઘ આવે તો ઉન્મત્તગંગામાં નાહી આવવું, અને છતાં ઊંઘ આવે તો સભામાં ન આવવું તેવો આદેશ આપ્યો.13

 

ગઢપુરમાં દીપોત્સવ

સં. ૧૮૭૮ની દીપોત્સવી શ્રીહરિએ ગઢપુરમાં કરી. નિષ્કુળાનંદ મુનિએ વાસુદેવનારાયણના મંદિર આગળ વિચિત્ર શોભાએ યુક્ત દીપમાળા બાંધી, અપાર દીવાઓ પ્રગટાવ્યા. તે પંચદ્વારી દીપમાળાની વચ્ચે સિંહાસન પર શ્રીહરિ બિરાજ્યા. આગળ દીવાનાં બે ઝાડ (દીપદાન) પણ પ્રગટાવ્યાં. શોભાનો પાર રહ્યો નહિ. આરતી-ધૂન થયાં પછી મધ્યરાત્રિ સુધી ઉત્સવ થયો. દીપમાળાની ચારે બાજુ અમુક સંતો ફરતા ગાતા હતા. ગુણાતીતાનંદ, વિરક્તાનંદ, પ્રજ્ઞાનંદ, ગોવિંદમુનિ તથા નિષ્કામાનંદ મુનિને એક એક હજાર પદ કંઠે હતાં. મુનિને ફરતા દેખીને શ્રીહરિથી ન રહેવાયું. તેઓ પણ ઊભા થઈને સંતો સાથે ફરવા લાગ્યા ને કીર્તન ગાવા લાગ્યા. સુંદર વસ્ત્રાલંકાર પહેર્યાં હતાં. એમ શ્રીહરિ બહુ પ્રકારનો રસ ભક્તજનના આનંદ માટે પ્રગટ કરતા. એમ કરતાં સવાર થયું ત્યારે ઉત્સવ બંધ કર્યો, પછી શ્રીહરિ સૌ સંતો-ભક્તો સાથે ઉન્મત્તગંગામાં સ્નાન કરવા ગયા. પાછા વળતાં નાગાજણ અને હમીર નૃત્ય કરતા હતા, રાવળ રવાજ વગાડતા હતા. ઉત્તમના દરબારમાં સૌ આવ્યા. શ્રીહરિ ઓસરી પર સિંહાસનમાં બિરાજ્યા. સંતો ભક્તો પણ પૂજા-માળા કરીને આવી ગયા. શ્રીહરિએ અશ્વ મંગાવી નાગાજણ રાવળ જે ગાતો હતો તેને અર્પણ કર્યો. માણેકવર્ણનો ઘોડો હતો. બીજા જે જે ગાતા હતા તેમને પણ પાઘ બંધાવી અને એકેક ફૂલનો હાર આપ્યો. રાતે ગુણાતીતાનંદ મુનિ વગેરે જે સંતો ગાતા હતા તે સૌને હાર આપી મળ્યા.14

 

અમદાવાદમાં ચોરાશી

અમદાવાદમાં શ્રીહરિ ચોથને દિવસે નિત્યકર્મ કરી સભામાં વિરાજ્યા. મંદિરની સેવામાં જેમણે ભાગ લીધો હતો એવા શહેરના હરિભક્તોને શ્રીહરિએ હાર દઈ ચરણકમળ દીધાં અને સેવાનો મહિમા કહ્યો. શણગાર આરતી થયા પછી સરકારના હરદત્ત શાસ્ત્રીને બોલાવ્યા. તેમને શ્રીહરિએ કહ્યું કે તમે વ્યવસ્થાનું માથે રાખો તો અમે વિપ્રની ચોરાસી એક દિવસમાં કરાવીએ. ત્યારે હરદત્ત શાસ્ત્રી બોલ્યા કે, “તમે તો મહાજોગી છો. તેથી તમારી વાત થાય નહિ, પણ રાજાની વાત હું કહું. પહેલાં શ્રીનગરમાં એક રાજા થયો હતો, તે પણ છ માસથી પ્રયત્ન કરવા માંડ્યો ત્યારે ચોરાસી થઈ હતી. ત્યાર પછી કોઈએ ચોરાસી કરી નથી. તમે એક દિવસમાં ને તે પણ હાલ ને હાલ ચોરાસી કરવાનો વિચાર કરો છો પણ પાર પડશે નહિ.”

ત્યારે શ્રીહરિ કહે, “તમે વિપ્રને જમવાની હા પડાવો. અમે આજે જ કાંકરિયા સરોવર ઉપર સાંજ પહેલાં સામાન પહોંચતો કરીએ છીએ. સૌ પોતપોતાની ન્યાતનાં વાસણ લાવે, રાતે રસોઈ થાય અને પાંચમને દિવસે જમે.”

ત્યારે બધી જ્ઞાતિના આગેવાનોને બોલાવી જમવાનું પૂછ્યું. સૌએ હા પાડી ત્યારે જય બોલાવી. મધ્યાહ્‌ન કાળ થયો હતો. વિપ્રો આશ્ચર્ય પામતા અને કહેતા કે આજે સ્વામિનારાયણ પ્રભુ દેખવામાં આવશે. એમ ઉચ્ચારતાં સૌ ઘરે ગયા અને પોતપોતાની જ્ઞાતિનાં વાસણ ભેગાં કર્યાં.

શ્રીહરિએ સંત-હરિભક્તોને કહ્યું કે આટો, દાળ, ઘી, ગોળ, વગેરે માથે ઊપડે તેટલું ઉપાડીને લાવો. જ્યાં દેખો ત્યાંથી નામું માંડીને લાવો. એવી શરત કરજો કે ઘી, ગોળ, લોટ, દાળ ને ચોખા, એ પાંચ વસ્તુઓ વીસ મણ જેટલી ખરીદી હોય તો તેણે વધે તો દશ મણ પાછી લેવી, એમ લખાણ કરીને લાવવું. કારણ, આ તો અમાપ વાત છે, તે પાછું આપવાનો વખત પણ આવે.

પછી શ્રીહરિના કહ્યા પ્રમાણે બધો સામાન, મસાલા તથા કાષ્ઠ વગેરે પહોંચતું થયું. પછી બધી જ્ઞાતિના વિપ્રોને બોલાવવા ગયા. બધી જ્ઞાતિના વિપ્રો વાસણ લઈને આવ્યા. ચોરાસી ચોકા જુદા જુદા થયા. મણે અડધા મણ લેખે ઘી આપીને દરેક ચોકે લાડુ કરાવ્યા. ચોકે ચોકે સંતને દેખરેખ માટે મૂક્યા હતા. કાંકરિયાની દક્ષિણ બાજુ ચોકા હતા. ચોકાથી દક્ષિણ બાજુ સંઘ રહ્યો હતો. કેટલાક તો કાષ્ઠ લાગે નહિ ત્યારે ચૂલામાં ઘી નાખતા. સંત ના પાડે તો લડવા તૈયાર થતા. કોઈ વિપ્રો થીનું ઘી ખાતા. કેટલાક તળેલાં મૂઠિયાં ખાતા જતા. કેટલાક દિવેલને બદલે ઘીના કાકડા કરતા. એમ ઘી ખુટવાડવાનો ઉપાય કરતા. સંતો જ્યારે શ્રીહરિને આ વાત કહેતા ત્યારે શ્રીહરિ બોલતા કે ઘી ચોરે તો જ કહેવું. વિપ્રને જમવા માટે આ ઘી ભેગું કર્યું છે, માટે ખાવામાં ના પાડવી નહિ. પ્રસન્ન રહે એમ કરવું.

એક બ્રાહ્મણે ઘીનો દેગડો ભરેલો ચોરી લીધો ને ભોંયમાં દાટ્યો પછી ઘી નથી એમ કહ્યું. તે ચોકા ઉપર નિષ્કુળાનંદ મુનિ હતા. તેમણે વિપ્રને કહ્યું કે અહીં કોઈ ચોર તો આવ્યો નથી ને? ઘી ખૂટે શી રીતે?

ત્યારે વિપ્ર કહે, “અમે કાંઈ ઘી ચોરી ગયા નથી. તમે ઘી થોડું લાવ્યા હશો. માટે ઘી લાવો તો કઢાઈ ચાલશે.” એમ કહી કઢાઈ ઉતારી પાડી.

સંત કહે, “ઘી થઈ રહે એમ મનાતું નથી.”

ત્યારે વિપ્ર કહે, “અમે પી ગયા શું? લાવવું હોય તો લાવો.”

ત્યારે સંત કહે, “તમને ક્રોધ ન ચઢે તો અમે ઘી દેખાડીએ. કારણ કે વિપ્રના ક્રોધથી અમે ડરીએ છીએ.”

ત્યારે વિપ્ર કહે, “અમે તો જાણતા નથી. તમે ચોર્યું હશે, દેખાડો તો તમે ચોર સાચા, નહિ તો કાચા.”

ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને સંકટ થયું. ચોરી કરીને બીજાને માથે નાખે છે. ચોર શાહુકારને દંડે એમ થયું. નિષ્કુળાનંદ મુનિને ઠગનો અનુભવ થયો. કુબેરસિંગે પહેલાં કહ્યું હતું કે, શહેરમાં આવા બહુ ઠગ હોય છે. કેટલાક તો બજારમાં સંત-હરિભક્તની આગળ રૂપિયા નાખે અને જો કોઈ અડે તો ચોર છે એમ કહેવા માંડે. કોઈ સંત-હરિભક્ત અડે નહિ ત્યારે તેઓ મનમાં પસ્તાય અને બળી મરે... માટે કોઈ સંત-હરિજનને ઠગ મળે તો અમને કહેજો. ઠગની પાછળ અમે છીએ. ઠગને અમે સમજી લઈશું. એમ સંત-હરિભક્તને કહેલું તે નિષ્કુળાનંદ મુનિ જાણતા હતા.

તેમણે કુબેરસિંગને વિપ્રની વાત કહી તેથી તે આવીને વિપ્રને કહેવા લાગ્યા કે અમારા સંત ચોરીનો ત્યાગ કરાવે છે તે સરકાર સુધી પ્રસિદ્ધ છે. માટે ઘી તેં ચોરીને સંતાડ્યું છે. તમારે ચોરી ન કરવાનો નિયમ નથી. અમારા સંતો તો વિપ્રને જમાડવા હજારો મણ ઘી લાવ્યા છે. તે ચોરી શું કરવા કરે?

પછી સરકારી મનુષ્ય આવ્યો તેણે વિપ્રને કહ્યું કે ઘી સંતાડેલું કાઢી દો. વિપ્ર કહે, “અમે સંતાડ્યું નથી. દેખ્યા વિના ક્યાંથી કાઢે?” ત્યારે નિષ્કુળાનંદ મુનિએ દેખાડ્યું તેથી વિપ્રે આવીને તેમને કાંડે બચકું ભર્યું. સરકારી મનુષ્યે વિપ્રને પકડી લીધો. હાથ બાંધી દીધા. શ્રીહરિને જઈને વાત કરી, ત્યારે શ્રીહરિએ વિપ્રને છોડાવી અધિક ઘી અપાવ્યું. વિપ્રને પ્રસન્ન કર્યો અને બધાય વિપ્રોને સંભાળાવ્યું કે, “તમને પ્રસન્ન કરવા માટે અમે આ ચોરાશી કરી છે. માટે તમે ઘી, ગોળ, આનંદથી ફાવે તેટલાં જમો. અમે તેમાં રાજી છીએ. તમારે મુખે ભગવાન જમે છે એમ જાણીને જમાડીએ છીએ. તમે ભૂદેવ છો. માંસ, મદિરા, ચોરી, વ્યભિચાર તમે કરતા નથી. ત્યાગી તો વિપ્રોના પણ ગુરુ કહેવાય, છતાં વિપ્ર થઈને ત્યાગીનું અપમાન કરે તેને કેવો કહેવાય! તે શાસ્ત્રમાં સમજતા હો તે બોલો.”

ત્યારે વિપ્રો બોલ્યા કે, “વિપ્રની રીતમાં રહે તે વિપ્ર કહેવાય, નહિ તો નેત્ર વિનાના મનુષ્ય જેવો છે. આપ તો ભગવાન છો તે આ ચોરાસી કરી તે પરથી અમે જાણ્યું. શ્રીનગરની ચોરાસી કરવાની કોઈ હામ ભીડતું નથી. તમે તો એક પહોરમાં સામાન ભેગો કરી દીધો. તમે ધન તો રાખતા રખાવતા નથી. કરોડપતિ શાહુકારોએ ચોરાસી કરી નથી, પણ લોભના માર્યા ધન ભેગું કર્યા કરે છે. ચોરાસી કર્યા વિના ચોરાસીમાં ભટકે છે. તમે તો ચોરાસી મટાડનારા છો, છતાંય ઘણી ચોરાસી અને યજ્ઞ કર્યા. કેટલાય વિપ્રોને કન્યાદાન તથા ઉપવીત દેવડાવ્યાં. કેટલાયને અન્ન-વસ્ત્ર વાહનનાં દાન આપ્યાં છે. તમારા સમાન કોઈ ત્યાગી નથી. અપાર ધન-વાહન મળે છે છતાં નિર્લેપ રહો છો.” એમ સન્મતિ વિપ્રોએ કહ્યું.

એક શ્રીમાળી વિપ્ર સીધાનાં બે ગાડાં ભરીને પુરમાં લઈ ચાલ્યો. સંતોએ ના પાડી છતાં માન્યું નહિ. શ્રીહરિને વાત સંભળાવી ત્યારે શ્રીહરિ ગાડાં પાછા લાવવા ઘોડા પર બેસી આગળ દરવાજે ઊભા રહ્યા. ચાળીસ સવારો સાથે હતા. નારૂપંત નાના, ચીમનરાવ વગેરે દસબાર ગાયકવાડી ઘોડેસવારો હતા. ગાડાં પાછાં લાવ્યા. દિવસ ઊગતાં સરકારનાં મનુષ્ય આવ્યાં. તેમનો પણ ચોકો કરાવ્યો. લાડુ તૈયાર થયા. બે પહોર દિવસ નમ્યો ત્યારે પંક્તિ કરાવી.

વિપ્રો જમતાં નરનારાયણ અને સ્વામિનારાયણની જય બોલાવતા તાંબડી ભરી ભરીને લાડુમાં ઘી ફેરવતા. ઘીમાં લાડુ નરમ કરી સબડકે ખાતા. દાળ-ભાતને કોઈ અડકતું નહિ. કંઠ સુધી જમીને પ્રસન્ન થયા. શલોક બોલી આકાશ ગજાવતા. પાછલી એક ઘડી દિવસ રહ્યો ત્યાં સુધી વિપ્રો જમ્યા. વિપ્રની બાઈઓ પણ જમી.

શ્રીહરિ પોતાના તંબુમાં વિરાજમાન હતા. ચાર ઘડી રાત્રિ જતાં પલંગ પર ઉત્તર મુખે બેઠા હતા. ત્યાં લાલદાસ ભક્ત શ્રીહરિને સામાનનું નામું થયું હતું તે બતાવવા આવ્યા. ત્યારે દામોદર અને ભાણાભાઈને શ્રીહરિએ કહ્યું કે ગામોગામના હરિભક્તોને કહો કે કાલે અમે જવાના છીએ, પગે લાગવું હોય તો અત્યારે નિવૃત્તિ છે. ફરી આવો અવસર નહિ આવે. ત્યારે તે બન્ને જણે તે પ્રમાણે કહ્યું. તેથી સૌ આનંદ ભર્યા ભાવ પ્રમાણે પૂજા લઈને ચાલ્યા. અડધા રૂપિયાથી આરંભી હજાર રૂપિયા સુધીની ભેટ જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે આપતા. જેથી ખર્ચ થયેલું તે બધું પૂરું થઈ ગયું. ઉપર પાંચ રૂપિયા વધ્યા. પછી શ્રીહરિ સુખેથી પોઢી ગયા. ધારેલી વાત નિર્વિઘ્ને પૂરી થઈ.

બેસવાને માટે બે મંચ તૈયાર કર્યા હતા, તેમાંથી પૂર્વના મંચ પર પહોર દિન ચઢતાં શ્રીહરિ આવીને બેઠા. આંબલીની ઘાટી છાયા હતી, પશ્ચિમ મુખે શ્રીહરિ બેઠા. સભા થઈ ફૂલના હારમાં મૂર્તિ ગરકાવ હતી. પાછલો દોઢ પહોર દિવસ રહ્યો ત્યારે પણ તેવી રીતે સભા કરી.

તે વખતે ફકીર જેવા વેશમાં એક માણસ શ્રીહરિની સમીપે આવ્યો. એક કફની વિના પાસે કાંઈ હતું નહિ અને માથે એક વેંત લાંબા છૂટા કેશ હતા. ચાલીશ વર્ષની ઉમર હતી. શ્રીહરિનાં દર્શન ચાર ઘડી ઊભા રહીને કર્યાં. દર્શન કરતાં મટકું ભરતો નહિ. શ્રીહરિ પણ તેની સામું જોઈ રહ્યા. પરસ્પર કોઈ બોલ્યું નહિ. નેત્રની વૃત્તિથી પરસ્પર સમજી લીધું. શ્રીહરિ પાસે દસ-બાર કેળાંની લૂમ આવેલી હતી. તે જોગીને આપી. કોઈ મુક્ત જેવા અકળ જોગી શ્રીહરિની મરજી લેવા આવ્યા હતા. તે મરજી લઈને ચાલ્યા ગયા.

પછી શ્રીહરિ ચાલવા તૈયાર થયા. ઘી, ગોળ, આટો જ્યાં હતાં ત્યાં આવીને જોયું તો હતો તેટલો ને તેટલો જથ્થો દીઠો. શ્રીહરિએ આનંદમુનિને કહ્યું કે, “આ બધો સામાન સંભાળો, કામમાં આવે તેટલા સંત હરિભક્તોને મદદમાં રાખજો. વિપ્રોએ લાડુ કર્યા છે તે અડધોઅડધ વધ્યા છે. તે સૌ સંઘને તથા પુરના ભક્તોને જમાડજો અને વધે તો ભાતોમાં આપજો. ખોખરા મહેમદાવાદના લોકોને તથા કોઈ અન્નાર્થી હોય તેને જમાડજો.”

એટલી વાત કરી વિપ્રો ફરતાં પાંચ પ્રદક્ષિણા કરી શુકમુનિ, નિષ્કુળાનંદ મુનિ અને આધારાનંદ મુનિ ગઢપુર આવે એમ આનંદ મુનિને કહીને પાર્ષદો સાથે શ્રીહરિ ચાલી નીકળ્યા.15

 

શ્રીહરિની દૈનંદિની

હુતાશનીના સમૈયામાં હરિભક્તો ખજૂર, ખારેક, ટોપરાં લાવે તે શ્રીહરિ અડધો પ્રસાદ પાછો આપતા. સાકરના મોટા મોટા હાર પણ ભક્તો લાવતા. એમ આખો દિવસ શ્રીહરિની પૂજા થતી. કેટલાક ગુલાલના થાળ ભરીને લાવતા તે ઉડાડીને સંત-હરિભક્તોને ગુલાલમય કરી દેતા. કોઈ ગુલાલગોટા લાવતા તે પણ ઉડાડતા.16

ઉત્સવ ઉપર હરિભક્તો આવે ત્યારે શ્રીહરિને પગે લાગી શ્રીફળ તથા હાર અર્પણ કરતા.

શહેરના હરિભક્તો મેવા-મીઠાઈ લાવતા. શ્રીહરિ તેમને પ્રસન્ન કરવા થોડુંક જમતા. સૌ ઉતારા કરીને પગે લાગી સંત, વર્ણી, સંન્યાસી તથા ચારેય વર્ણના હરિભક્તો સભામાં પોતપોતાના વિભાગમાં બેસતા. સંતો વાજિંત્રો સાથે તથા ઝાંઝ-મૃદંગ વગાડી સાંજે વસંતનો ઉત્સવ કરતા. પછી આરતી-ધૂન થઈ રહે ત્યારે શ્રીહરિ વાત કરતા. શુકમુનિ પત્રલેખનની સેવામાં હતા. શ્રીહરિ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં ગાદી-તકિયા પર બેસી પત્રમાં જે વાત લખાવવી હોય તે બોલતા અને શુકમુનિ ધ્યાન રાખીને તે પ્રમાણે લખી લેતા. જેટલી વાત સમજાય નહિ તેટલી ફરી પૂછીને દૃઢ કરતા. દરેક પત્ર લખીને શ્રીહરિને વંચાવતા. સભામાં પણ વાંચી બતાવતા, અક્ષર અને ઉચ્ચાર સ્પષ્ટ હોવાથી બધી સભાને સારું લાગતું. ન સમજાય તેવી વાત શ્રીહરિ સમજાવતા.

દસ ઘડી રાત્રિ જાય ત્યારે શ્રીહરિ પોઢતા, અને બે ઘડી રાત્રિ રહે ત્યારે ઊઠીને નિત્યવિધિ કરતા. દાતણ કર્યા પછી માણકી ઉપર પલાણ મૂકી તેના પર બેસી ચોકમાં મધ્ય રહેલા લીમડાની ચારે બાજુ તેને નિત્ય ફેરવતા. હરિભક્તો દર્શન કરવા સારું ચારે બાજુ ઊભા રહેતા. બે-ત્રણ ઘડી ઘોડી ફેરવતા પછી સ્નાન કરી સભામાં પલંગ પર બેસતા. હરિભક્તો ભાવ પ્રમાણે શ્રીહરિની પૂજા કરતા. દોઢ પહોર દિવસ ચઢે ત્યાં સુધી પૂજા થતી. જનોની અપાર ભીડ થતી. રસોઈ તૈયાર થાય ત્યારે શ્રીહરિ પ્રથમ જમીને સંતોને જમવા બોલાવતા. સંત-પાર્ષદોની પંક્તિમાં શ્રીહરિ વારે વારે પીરસતા.17