કસ્યાપિ પ્રાણિનો હિંસા નૈવ કાર્યાઽત્ર મામકૈઃ।
સૂક્ષ્મયૂકામત્કુણાદેરપિ બુદ્ધ્યા કદાચન॥
હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે - અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી.
દેવતાપિતૃયાગાર્થમપ્યજાદેશ્ચ હિંસનમ્।
ન કર્તવ્યમહિંસૈવ ધર્મઃ પ્રોક્તોઽસ્તિ યન્મહાન્॥
અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.
સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્યાઽપિવા ક્વચિત્।
મનુષ્યસ્ય તુ કસ્યાઽપિ હિંસા કાર્યા ન સર્વથા॥
અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.
આત્મઘાતસ્તુ તીર્થેઽપિ ન કર્તવ્યશ્ચ ન ક્રુધા।
અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિષોદ્બન્ધનાદિના॥
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો.
ન ભક્ષ્યં સર્વથા માંસં યજ્ઞશિષ્ટમપિ ક્વચિત્।
ન પેયં ચ સુરામદ્યમપિ દેવનિવેદિતમ્॥
અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું.
અકાર્યાચરણે ક્વાપિ જાતે સ્વસ્ય પરસ્ય વા।
અઙ્ગચ્છેદો ન કર્તવ્યઃ શસ્ત્રાદ્યૈશ્ચ ક્રુધાપિ વા॥
અને ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું.
સ્તેનકર્મ ન કર્તવ્યં ધર્માર્થમપિ કેનચિત્।
સસ્વામિકાષ્ઠપુષ્પાદિ ન ગ્રાહ્યં તદનાજ્ઞયા॥
અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.
વ્યભિચારો ન કર્તવ્યઃ પુમ્ભિઃ સ્ત્રીભિશ્ચ માં શ્રિતૈઃ।
દ્યૂતાદિ વ્યસનં ત્યાજ્યં નાદ્યં ભઙ્ગાદિમાદકમ્॥
અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જૂગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહિ.
અગ્રાહ્યાન્નેન પક્વં યદન્નં તદુદકં ચ ન।
જગન્નાથપુરં હિત્વા ગ્રાહ્યં કૃષ્ણપ્રસાદ્યપિ॥
અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ.
મિથ્યાપવાદઃ કસ્મિંશ્ચિદપિ સ્વાર્થસ્ય સિદ્ધયે।
નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયાઃ કદાચન॥
અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી.