॥ સ્વામીની વાતો ॥
આશીર્વાદ
સ્વામીશ્રીજી
૩-૨-૯૦
કલકત્તા
મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે બ્રહ્મસૂત્રો. અને અંતર ભેદે. અંગ્રેજોનાં લોઢાં અડતામાં અળગું કરે તેમ માયાના ભાવથી રહિત કરી નાખે. અંતરમાં શાન્તિ રહે તેવી અદ્ભુત વાતો છે.
આત્મા-પરમાત્માનું જ્ઞાન દૃઢ થાય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ દૃઢ થાય ને અંતરે શાન્તિ થાય; માયાનું બંધન ન રહે, પરમાત્માનું દિવ્ય સુખ મળે.
શ્રીજીમહારાજનો સર્વોપરી મહિમા જેવો છે તેવો સમજાય બ્રહ્મરૂપ થવાય તેવી વાતો છે.
તો આવી અદ્ભુત વાતો છે જેમાં સાંખ્ય અને યોગનું પણ સહેજે જ્ઞાન થાય અને એક ભગવાન સિવાય કોઈમાં વૃત્તિ ન રહે અને દેહ-આત્માનો ભેદ પણ સમજાય ને અસત્ય જે દેહ ને દેહના સંબંધીમાંથી તેમ જ માયિક પદાર્થમાંથી વૃત્તિ તૂટીને મહારાજમાં વૃત્તિ અખંડ રહે તેવો પ્રતાપ વાતોમાં છે તો તેનું વાંચન નિરંતર કરવું જેથી અખંડ શાન્તિ થશે.
અમદાવાદ અક્ષરપુરુષોત્તમ મંદિરથી અક્ષરપીઠ દ્વારા આ વાતું છપાય છે તો તેમાં પૂ. ઈશ્વર સ્વામી તથા અન્ય સંતો સારી એવી મહેનત લઈને કાર્ય કરે છે તો આ ‘વાતું’ને સર્વ પોતે વસાવે ને ચિંતનપૂર્વક વાંચન કરે જેથી શ્રીજીમહારાજનો સિદ્ધાંત ને રહસ્ય સમજાશે તો સર્વેને આશીર્વાદ સહ જય સ્વામિનારાયણ.
– શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ
(પ્રમુખસ્વામી મહારાજ)