share

॥ સ્વામીની વાતો ॥

અક્ષરબ્રહ્મ તત્ત્વ

 

શ્રુતિમાં કહ્યું છે: ‘ૐ બ્રહ્મવિદ્ આપ્નોતિ પરમ્ ।’

અર્થાત્ જે બ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મને પામે છે. (તૈત્તિરીયોપનિષદ; આનંદવલ્લી, અનુવાક્: ૧)

‘બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ ।’

અર્થાત્ બ્રહ્મને જાણનારો બ્રહ્મ થાય છે. (મુંડકોપનિષદ: ૩/૨/૯)

ભગવાન સ્વામિનારાયણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વ અનાદિ કહ્યાં છે. તેમાં ચોથું તત્ત્વ ‘બ્રહ્મ’ છે, જેને ‘અક્ષરબ્રહ્મ’ કે ‘મૂળ અક્ષર’ પણ કહે છે. વચનામૃતમાં તેનો નિર્દેશ કરતાં ભગવાન સ્વામિનારાયણ કહે છે: ‘....વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વ શાસ્ત્રોમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે.” (વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ: ૧૦). “....પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ પાંચ ભેદ તે અનાદિ છે.” (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ: ૭).

‘યદક્ષરં વેદવિદો વદન્તિ...’ ગીતાવચન અનુસાર વૈદિક શાસ્ત્રો જેને ‘અક્ષર’ કહે છે તે ‘અક્ષરબ્રહ્મ’ તત્ત્વની વિશદ છણાવટ કરીને ભગવાન સ્વામિનારાયણે મુક્તિમાર્ગમાં તેની અનિવાર્યતા સ્પષ્ટ કરી છે.

વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે અક્ષરનાં બે સ્વરૂપો વર્ણવ્યાં છે. અક્ષરબ્રહ્મ એક સ્વરૂપે અધો-ઊર્ધ્વ-પ્રમાણે રહિત ‘અક્ષરધામ’ તરીકે અનંત કોટિ મુક્તોને તથા પરબ્રહ્મને અખંડ ધારી રહ્યા છે. બીજા સ્વરૂપે પરબ્રહ્મની નિરંતર સેવા કરે છે.

ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ તત્ત્વનું માત્ર નિરૂપણ જ નથી કર્યું, પરંતુ શાસ્ત્રોમાં બહુચર્ચિત એ અક્ષરતત્ત્વને મૂર્તિમાન રૂપે પોતાની સાથે આ પૃથ્વી ઉપર લાવ્યા છે. (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ: ૭૧)

તેઓ કહે છે: “જે બ્રહ્મરૂપ થયો છે તેને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર છે.” (વચનામૃત લોયા પ્રકરણ: ૭)

વેદરસમાં પણ તેઓ કહે છે: “...હે પરમહંસો! જે જીવ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરે છે તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે.” (૨/૪)

વેદરસમાં બ્રહ્મરૂપ થવાનો મહિમા સુપેરે સમજાવતાં તેઓ કહે છે: “પોતાના જીવને અને અક્ષરબ્રહ્મને એક માનીને જે પુરુષોત્તમની ઉપાસના કરે છે, તે પુરુષને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે.”

વચનામૃત લોયા પ્રકરણ ૧૨માં કહ્યું: “અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”

આમ, ભગવાન સ્વામિનારાયણે પોતાના દર્શન-સિદ્ધાંતમાં બ્રહ્મરૂપ, અક્ષરરૂપ કે અક્ષરબ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવા પર અપાર ભાર મૂક્યો છે; પરંતુ બ્રહ્મરૂપ થવા માટે તેઓ કહે છે કે પ્રત્યક્ષ બ્રહ્મનો સંબંધ અનિવાર્ય છે. જીવોમાં રહેલ અનાદિ અજ્ઞાન, કારણ શરીર રૂપ વાસના તથા દેહભાવ કોઈ સાધનોથી ટળતાં નથી, પણ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મના સંગે જ નાશ પામે છે.

મુંડક ઉપનિષદ કહે છે: ‘બ્રહ્મ વેદ બ્રહ્મ એવ ભવતિ’ અર્થાત્ બ્રહ્મને જાણે છે તે જ બ્રહ્મરૂપ થાય છે. (મુંડક ઉપનિષદ: ૩/૨/૯)

શ્રીહરિ કહે છે: “એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે. એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે.” (વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ: ૩)

અહીં એક વાત સ્પષ્ટ છે કે આત્યંતિક મુક્તિની સાધનામાં ભગવાનની ઉપાસના જ મુખ્ય છે, એકડા સમાન છે, મોક્ષ માટેનો આ એકમાત્ર ઉપાય છે. પરંતુ અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. ત્યારે જ પરબ્રહ્મનું સ્વરૂપ સમજાય છે અને ત્યારે જ પરબ્રહ્મની યથાર્થ ઉપાસના થઈ શકે છે. અને તે માટે પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મનો મન-કર્મ અને વચને સંગ કરવો અનિવાર્ય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૩૧માં કહે છે: “એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે. ભગવાન સ્વામિનારાયણનો આ મૌલિક વૈદિક સિદ્ધાંત અને હૃદ્‌ગત અભિપ્રાય છે.

અક્ષરબ્રહ્મ સાથે જીવાત્માની એકતા કરી, પરબ્રહ્મની સેવા કરવાના ઉદ્દેશને મૂર્તિમાન રીતે સમજાવવા જ ભગવાન સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મને પૃથ્વી પર સાથે લાવ્યા અને હરિભક્તો-સંતો ને બીજા આગળ એ વાર્તા કરવાની આજ્ઞા કરી: “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે... માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.” (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ: ૭૧)

આ જ અક્ષરબ્રહ્મને શ્રીહરિ ‘પરમ એકાંતિક’, ‘પ્રગટ ગુરુરૂપહરિ’, ‘વડવાનળ જેવા મોટાપુરુષ’, ‘પરમ ભાગવત સંત’ જેવાં વિશેષણોથી વચનામૃતમાં ઓળખાવે છે. તેમના આશ્રયે અનંત કોટિ જીવો મુક્ત પદવી પ્રાપ્ત કરે છે, માયાને તરી બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની સેવા પામે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જ સૌને ઓળખાણ કરાવી હતી કે એ અક્ષરબ્રહ્મ એટલે સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામી.

તેમનાં ચરણોમાં વંદન કરીને, તેમના મહિમાનું ગાન કરીને, આવો, બ્રહ્મરૂપ થવાની યાત્રાને સાર્થક કરીએ અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાના અધિકારી થઈએ.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading