॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

આશિર્વાદ પત્રો

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદ

“સ્વામી-શ્રીજી સત્ય છે.”

‘વચનામૃત’ શ્રીજીમહારાજની પરમ અમૃતવાણી છે. તેનું જે પાન કરશે તેમને શ્રીજીમહારાજ પોતાની પાસે બેસારશે. તે મોટા સંત કે’તા જે, વચનામૃતના ૧૦૮ પાઠ કરશે તેમને શ્રીજીમહારાજ સાક્ષાત્ દર્શન દેશે, એમ મોટા સદ્‌ગુરુ કે’તા.

તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને મહિમા – પાંચ વાર્તા સંબંધી વાત આવે છે. તેમાં મોક્ષનું દ્વાર સંતને જ કહેલા છે, તે અનાદિ સંત મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે કહ્યા છે. માટે વચનામૃતનો પાઠ બાર માસે કરશે, તે મૂળ અક્ષર સ્વામી કે’તા જે, દેવલોકમાં અમૃત પીવા જાય છે પણ આ જ વચનામૃત અમૃતપાન છે. તો હવે વચનામૃતની પ્રતો સૌને સ્વામી લખાવી આપતા. તો હવે છપાય છે તો આ માટે આ વચનામૃતનો ચોપડો ઘર દીઠ રાખવો.

એ જ દ. સાધુ જ્ઞાનજીવનદાસના

જયશ્રી સ્વામિનારાયણ વાંચશો.

તા. ૩-૧૦-’૬૯

મુંબાઈ.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ

સ્વામીશ્રીજી

તા. ૯-૭-૯૬

ઓરલાન્ડો

પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખનાં વચનોનો અમૂલ્ય ગ્રંથ વચનામૃત, અદ્‌ભુત આધ્યાત્મિક ગ્રંથ છે. સર્વે શાસ્ત્રોનું તેમાં દોહન છે. વચનામૃતમાં આધ્યાત્મિક માર્ગે ચાલતા મુમુક્ષુને જીવનમાં નડતા તમામ પ્રશ્નોનું ભગવાને અદ્‌ભુત નિરાકરણ કરેલ છે. તેમાં ભગવાનનો સાક્ષાત્કાર પામવા ઇચ્છતા કોઈપણ મુમુક્ષુને, સરળ ભાષામાં જીવનનું સાચું માર્ગદર્શન મળે છે.

ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાનું ધામ અને અક્ષરમુક્તો તથા પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને આ બ્રહ્માંડમાં પધાર્યા છે. તે વાત વચનામૃત ગઢડા પ્રથમના ૭૧ એકોતેરમાં વર્ણવી છે. વળી શ્રીજીમહારાજ પોતાનો સિદ્ધાંત સમજાવતાં કહે છે, “જે બ્રહ્મરૂપ થયો છે તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે.” (લોયા ૭) જીવોને બ્રહ્મરૂપ કરવા માટે શ્રીજીમહારાજ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પોતાની સાથે લાવ્યા. શ્રીજીમહારાજે એકાંતિક ધર્મનું પ્રવર્તન કર્યું અને પોતાના અક્ષરધામરૂપ એકાંતિક સંત દ્વારા એ કાર્ય ચાલુ રાખ્યું. વચનામૃતમાં શ્રીજીમહારાજના રહસ્યના અભિપ્રાયના શબ્દો સમજાવીને ગુણાતીતાનંદ સ્વામીએ શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી શ્રીજીમહારાજનું સ્વરૂપ જેમ છે તેમ સમજાવ્યું છે.

શ્રીજીમહારાજના મહાન પરમહંસો - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી, સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામી, સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી, સદ્‌ગુરુ શુકાનંદ સ્વામી વગેરેએ આ વચનામૃતનું સંપાદન કરીને મહાન સેવા કરી છે. સંપાદન કાર્યમાં એમણે ખૂબ જ ચોકસાઈ અને પ્રામાણિકતા રાખીને શ્રીજીમહારાજના શબ્દો જેમ છે તેમ સચવાય તેવો જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે. એમ છતાં બે-ત્રણ જગ્યાએ જ્યાં ગુણાતીતાનંદ સ્વામી પોતે હાજર હતા ને પોતાના કાનેથી સાંભળેલ તેવાં વચનામૃતોમાં ક્યાંક પાઠફેર રહી જવા પામ્યો છે. સ્વામીના મુખેથી એ વાત પરંપરાગત રીતે શાસ્ત્રીજી મહારાજને પણ મળેલી. તેઓ નીચેનાં ત્રણ વચનામૃતોનો ઉલ્લેખ ઘણીવાર કરતા.

ગુણાતીતાનંદ સ્વામી ઘણી વખત કહેતા કે ગઢડા મધ્યના તેર(૧૩)મા વચનામૃતમાં મહારાજના મૂળ શબ્દો નીચે મુજબ હતા:

“અને જ્યારે એવું અમારું સ્વરૂપ છે, તેને અતિ દૃઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય ને અમારા સ્વરૂપની દૃઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહિ.” આ શબ્દોમાં જ્યાં ‘અમારું’ તથા ‘અમારા’ શબ્દ છે ત્યાં હાલ ‘ભગવાનનું’ તથા ‘એ ભગવાનના’ એમ શબ્દો પાઠાંતર થયા છે.

વળી, સ્વામી ઘણી વખત કહેતા કે વડતાલ પ્રકરણના અઢાર(૧૮)મા વચનામૃતમાં છેલ્લા ફકરામાં મૂળ શબ્દો નીચે મુજબ હતા:

“તેમજ તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા ને તમારો સર્વેનો ભગવાન એવો જે હું, તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ ન કરવું.”

અહીં ‘ને તમારો સર્વેનો ભગવાન’ શબ્દો છે તે હાલના વચનામૃતમાં જોવા મળતા નથી. ઉપરાંત સ્વામી ગઢડા છેલ્લા પ્રકરણના ૩૧મા વચનામૃતમાં પણ નીચેના શબ્દો દર્શાવતા -

“એવા જે ભગવાન તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રકટ પ્રમાણ થકા તમારી સર્વેની દૃષ્ટિને ગોચર સાક્ષાત્‌પણે વર્તે છે. માટે તે જે ધામમાં રહી મૂર્તિ ને અમારી આ પ્રગટ મૂર્તિ તેમાં અધિકપણે સાદૃશ્યપણું છે. તે અમારી જે મનુષ્યરૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દૃષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજા વિષયમાત્રમાં અતિશય વૈરાગ્યને પામીને તે ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય.” અહીં જ્યાં ‘અમારી આ’ તથા ‘અમારી’ શબ્દો છે ત્યાં હાલના વચનામૃતમાં ‘શ્રીકૃષ્ણની’ તેવા શબ્દો છે.

શ્રીજીમહારાજ વચનામૃતમાં કહે છે કે આવી વાત શાસ્ત્રોમાં લખી હોય પણ પોતાની મેળે સમજાય નહીં, એકાંતિક સત્પુરુષથી જ સમજાય છે. પૂ. શાસ્ત્રીજી મહારાજ તથા પૂ. યોગીજી મહારાજ જેવા સત્પુરુષના મુખેથી એ વાત સમજીને અનેક સુખિયા થયા છે અને આજે પણ થાય છે.

આ સર્વોપરી ગ્રંથનો પાઠ કરનારને અંતરમાં શાંતિ થશે, વારંવાર પાઠ કરનારને આત્મા પરમાત્માનો વેગ લાગશે, ને અક્ષરધામની પ્રાપ્તિ થશે તે આશીર્વાદ છે.

શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ (પ્રમુખસ્વામી મહારાજ)ના

આશીર્વાદ સહ જય સ્વામિનારાયણ.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ