ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૫

વ્યવહાર અને સત્સંગ

ધન બહુ બળવાન છે. તે જેને રૂપીઆ મળે તેને નવરો થવા દે નહિ. તે પ્રેમજી સુતારને પ્રથમ રોટલાનું માંડ માંડ પૂરું થાતું. પછી મહારાજ કહે, “લીયો તમને રોટલાનો ઉપાય કરી દઈએ.” પછી ત્રણ પાંખડીવાળી શારડી કરાવીને માળા ઉતારતાં શીખવાડી ને હરિજન સૌને મહારાજે આજ્ઞા કરી જે જેને માળા જોતી હોય તે અરધો રૂપિયો દઈને લેજો. પછી સૌએ અરધો રૂપિયો આપી માળા લેવા માંડી એટલે પ્રેમજી સુતારના ઘરમાં દ્રવ્ય વધી ગયું. પછી દર્શને આવવા પણ નવરો થાય નહિ. એવું દ્રવ્યનું બળવાનપણું છે. તે જો દ્રવ્ય થાય તો દર્શને પણ ન આવે. (૧૧)

૧. અમૃત કળશ ૫/૫૨માં (પ્રકરણ ૧૫/૧૨૮માં) સ્વામીએ વિગતવાર આ પ્રસંગનું વર્ણન કર્યું છે.

પ્રકરણ/વાત: ૮/૧૧૬

... વહેવાર વધારવામાં દુઃખ છે. એક સાંઢીએ તપ કરીને ચારસેં ગાઉ લાંબી ડોક માગી તે ચારસો ગાઉમાં જ્યાં ચરવું હોય ત્યાં ચરે પણ રાત્રે વનમાં સૂતો ત્યાં વાઘ, નારડાં ને શિયાળિયાં મળ્યાં તે વચમાંથી ખાઈ ગયાં. પછી હેરાન થઈને મુવો. તેમ લાંબા વહેવારમાં દુઃખ છે. (૧૨)

પ્રકરણ/વાત: ૮/૧૮૯

પરણવા જાય છે તે ખેતરપાળને પગે લાગે છે, તે શા સારુ જે, વિઘ્ન ન આવે. તેમ આપણે પણ કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન કરે એવા હોય તેને પગે લાગીને છેટા રાખવા પણ કલ્યાણમાં વિઘ્ન આવવા દેવું નહિ ને સત્સંગે કરીને જીવને વાસિત કરવો. કોઈ વાતુ કરતા હોય તેને જોઈને કહે જે, “આને તો સ્વભાવ પડ્યો છે.” તે વણથળીમાં મેમણની ડોસીએ અમને કહ્યું જે, “આ બાવો તો સવારનો વઢ્યવઢ્ય જ કરે છે.” તે સાંભળી રઘુવીરજી મહારાજ ને નિત્યાનંદ સ્વામી હસ્યા. પણ આમ વાતુ કર્યા વિના તો કોઈનો ધર્મ રહેવાનો નથી. જ્યારે સુંદરદાસ પરણીને આવ્યો ત્યારે તેના ગુરુ દાદુને પગે લાગ્યો. ત્યાં દાદુએ તેની સ્ત્રી દીઠી, પછી જાણ્યું જે આ પરમેશ્વર ભજી રહ્યો! પછી કહ્યું જે, “ગયો! ગયો! ગયો!” ત્યારે સુંદરદાસ સમજ્યો જે આમાં પરમેશ્વર નહિ ભજાય તે નર્કે ગયો, એમ કહ્યું. તે વાત જીવમાં ઊતરી ગઈ ને વિચાર કરવા લાગ્યો. પછી ફરી આવીને પૂછ્યું એટલે દાદુએ કહ્યું તેમ તેણે કર્યું. આવી રીતે જીવના હૈયામાં શબ્દ લાગે છે પણ દેશકાળને માથે ન નાખવું. (૧૩)

પ્રકરણ/વાત: ૮/૨૦૧

જેને પ્રભુ ભજવા હોય તેને રમણીય પદાર્થ તો જોવું જ નહિ ને જુવે તો એના આઘાત લાગે. બહુ ક્રિયાએ કરીને સ્થૂળભાવ આવી જાય પછી કથાવાર્તામાં પણ મન રહે નહિ. માટે આપણે એમ શીખવું જે, ક્રિયા કરવી પણ તેમાં મન વળગવા દેવું નહિ. ઘનશ્યામાનંદ સ્વામી ફાળકો ફેરવતાં માનસીપૂજા કરતા. સર્વે ક્રિયા ભગવાનપરાયણ કરી મેલવી... (૧૪)

પ્રકરણ/વાત: ૮/૨૦૭

અભેસિંહભાઈ આગળ વાત કરી જે, ઘડી ભજન કરવું, કીર્તન ગવરાવવાં, ઘડી કથા સાંભળવી ને ઘડી ધ્યાન કરવું. એમ ને એમ કર્યા કરવું પણ ભગવાનની વિસ્મૃતિ થાવા દેવી નહિ. ધરમપુરવાળાં કુશળકુંવરબાઈ આઠ દિવસે રાજમાં આવતાં તો પણ વહેવાર ચાલ્યો જાતો. માટે એમ કરવું, કાં જે ભગવાન જેવો તો બીજા કોઈમાં માલ જ નથી. તમારે એમ સંકલ્પ થાતો નથી જે ઊંટ ભરીને બે મણ ફોતરાં લઈ જાઈએ પણ સોનું હોય તો તો ભરી જાઓ ખરા, પણ માલ તો ભગવાનમાં જ છે એમ સમજાણું હોય તો ભગવાન કેમ વીસરે? (૧૫)

પ્રકરણ/વાત: ૮/૨૭૨

પીપલાણાના નરસિંહ મહેતાના દીકરે સંધી વોરાવ્યા તે દુઃખ આવ્યું. કમીગઢના રૈયા દેસાઈએ ના કહ્યા છતાં રૂપિયા દઈને પટલાઈ લીધી તેમાંથી દુઃખ થયું. લાલભાઈએ સંધી રાખ્યો. પછી તેને અળસાવવા માંડ્યો તો કહે, “નહિ જાઉં.” પછી પાંચસે કોરી દીધી ત્યારે છૂટકો કર્યો. એમ દુર્જન સાથે વહેવાર કે લેણદેણ કર્યામાંથી ઘણાં દુઃખ આવે છે માટે વહેવાર શીખવો. જેવું મનુષ્ય તે પ્રમાણે તેને કામ બતાવવું. જલાભક્તને બજારે મોકલવા ને પુરુષોતમદાસને ઢોરમાં મોકલવા તે ન આવડ્યું કહેવાય. (૧૬)

પ્રકરણ/વાત: ૯/૫૦

બીજું કેટલાંય ટીલાં કાઢી છેતરવા આવશે. તેને આવડે બહુ, માટે સૌ જોઈ તપાસીને વિશ્વાસ કરજો. ગોંડળના વૈદ વિઠલજી બ્રાહ્મણે દામનગરમાં હરિજનને પોતાના વાંસાના મેલની વાળી આપી ને ૬૦ કોરી લઈ લીધી. વૈદ કહેશે જે, “વાયુ બહુ થઈ ગયું છે,” ત્યારે પ્રતીતિ આવી જાય છે, પણ ધુતા સલક્ષણા હોય, માટે વિચારવું. બગસરામાં સાઠ કોરી દઈને એક જણે કીમિયો કરાવ્યો તે ખોયું ને પછી રોયો. એટલા માટે વિચારજો. (૧૭)

પ્રકરણ/વાત: ૯/૭૩

આ લોકની સ્થિતિ રાખવી તેમાં ભગવદીને વિચારવું જે એ ક્યાં સુધી રહે? ને ડોસા-ડોસીનું ખરચ કરવું તેમાં પૂર્વાપરની ખબર રાખવી.

આપની પહોંચ વિચારકે, કર્તવ્ય કીજે ઓર;

તેતા પાંવ પસારીયે જેતી લાંબી સોર.

એક સુતાર ફેર પરણ્યો તે જીવ્યો ત્યાં સુધી રોટલો ન મળ્યો. ને રાજે પોકીએ પટલાઈ લીધી તે કાઠીએ મારી નાખ્યો. માટે હૈયાબળ કરવું પણ વિચારવું ને કોઈકનું માનવું. સાંભળીને વિચારે તે બુદ્ધિવાન કહેવાય. (૧૮)

પ્રકરણ/વાત: ૯/૮૦

ગજા વિના સ્વભાવ પાડે છે એ પણ ખરાબ થાવાના છે. ગરીબ હોય ને સાકર જોઈએ, ઢોલિયો જોઈએ ને સારું સારું ખાવા જોઈએ એ પણ અતિ દુઃખ થવાનું છે. કરજ કરીને ખાશે-પીશે તેના દુઃખનો પાર નહિ રહે. (૧૯)

પ્રકરણ/વાત: ૯/૮૩

... આજ તો ગૃહસ્થ પણ ઘણાખરા અંબરિષ જેવા છે. જુવોને, પક્ષી માળો મૂકી શકતાં નથી ને આ સર્વે ઘર મૂકીને આંહીં બેઠા ભજન કરે છે માટે અંબરિષથી ઓછા નથી. પંચાણવા કાળમાં સર્વે હરિજન મંદિરમાં દાણા નાખવા આવ્યા ને હાજો મેર તો વીંટી લઈને આવ્યો ને ગોપાળાનંદ સ્વામીને આપી, પછી સગાળ થયો ત્યારે માંડ માંડ પાછી રાખી. ભગવાનનો મહિમા અપાર છે પણ તે તો જેવું જેની ચાંચમાં બળ તે પ્રમાણે પાણી પીએ માટે માંહી રહીને પ્રભુ ભજી લેવા. ખરેખરા ડાહ્યા હોય ને ખરેખરા ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિની કેડ્યે ફરતા રહેવું. વહેવાર ગૌણ કરવો ને ભગવાન મુખ્ય કરવા. (૨૦)

૧. સુકાળ, સારું વર્ષ

પ્રકરણ/વાત: ૯/૮૬

Vat Selection


Type: Keywords Exact phrase