ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૫

વ્યવહાર અને સત્સંગ

પ્રેમજી સુતારને પ્રથમ ભીડ જેવું, તે મહારાજે રોટલા ભેળા કર્યા તેની વાત કરી જે, ગઢડામાં ગુર્જર સુતાર પ્રેમજી હતા તે વ્યવહારે બહુ દુર્બળ. મહારાજ કહે, “કેમ છે, પ્રેમજી!” ત્યારે હાથ જોડીને કહે, “મહારાજ, રોટલા-લૂગડાનું પૂરું થાતું નથી. માંડ માંડ પૂરું થાય છે.” મહારાજ કહે, “કંઠી-માળાયું ઉતારો તો તમારો નિર્વાહ ચાલે ને અમે સંત-હરિભક્તોને પેરવાની આજ્ઞા કરેલી છે.” ત્યારે પ્રેમજી કહે, “મને આવડે નહિ.” ત્યારે મહારાજે ત્રણ પાંખડીની શારડી કરવાનું બતાવ્યું કે લુહાર પાસે આવી કરાવી ઉતારો તો આવડશે. પછી શારડી કરાવીને કાચલીની કંઠી ઉતારી મહારાજને આપી. તે જોઈ મહારાજ ને સંત-હરિભક્તો સહુ રાજી થયા. પછી મહારાજ કહે, “કાચલીની ન પહેરાય. તુળસી કે સુખડની હોય તો પહેરાય માટે તેની બનાવો.” ત્યારે પ્રેમજી કહે, “મહારાજ, આ દેશમાં તુળસી કે સુખડ ન મળે.” ત્યારે મહારાજ કહે, “સુરતમાં ઘણું સુખડ મળશે.” પછી સુખડ લેવા સુરત ગયા. તે ભાવનગરથી વહાણમાં બેઠા ત્યાં એક બ્રાહ્મણ પણ બેઠો, તે પ્રેમજીની કેડમાં રૂપિયાની વાંસળી ભાળીને ધ્યાનમાં રાખી. તે વહાણ ચાલ્યું ને રાત પડી એટલે પ્રેમજીભક્ત સ્વામિનારાયણના નામની ધૂન કરવા લાગ્યા. પેલો બ્રાહ્મણ ધૂન સાંભળી ચીડાણો ને કહેવા લાગ્યો કે, “સ્વામિનારાયણ તે વળી કોણ છે ને આ શું બડબડ કરી રહ્યો છે?” તે સાંભળી પ્રેમજી ભક્ત ધીમે અવાજે નામસ્મરણ કરવા લાગ્યો તે પણ બ્રાહ્મણથી સહન ન થયું ને ગુસ્સે થઈને બોલ્યો જે, “તારો સ્વામિનારાયણ ખરો હશે તો આજ તને રાતમાં ખબર પડશે.” ત્યારે પ્રેમજી કહે, “તારાથી થાય તે કરજે.” પછી રાતના અગિયારનો સુમાર થયો ને પ્રેમજી નિદ્રામાં એટલે બ્રાહ્મણે અડદના દાણા મંત્રીને માથે છાંટવા માંડ્યા, કારણ કે તે બ્રાહ્મણ મ્લેચ્છવિદ્યામાં પૂરો હતો ને તેના મનમાં બહુ ગર્વ હતો. આવા પ્રયોગથી ઘણાની પ્રાણ હત્યા કરેલી. તે લગભગ અધશેર અડદ તેમના ઉપર છાંટ્યા ને કહે, “હવે એ ઠેકાણે થઈ ગયો હશે.” પણ સવારના ચારે પ્રેમજી જાગૃત થયો તે નામસ્મરણ કરતાં પથારીમાં જુવે તો અડદ વેરાયેલા જોયા તે બધા ભેગા કરી લૂગડાને છેડે બાંધી લીધા તે જોઈ બ્રાહ્મણ ભયભીત થયો કે, “આ શું કહેવાય? આ રીતે મેં ઘણાના જીવ લીધા છે ને આને કાંઈ ન થયું?” પછી વહાણમાંથી ઊતરી ધર્મશાળામાં ગયા ત્યાં પ્રેમજીએ નાહી પૂજાપાઠ કરીને રસોઈ કરી તેમાં અડદ બાફ્યા ને પછી જમ્યો. તે જોઈ બ્રાહ્મણ તો આશ્ચર્ય પામ્યો ને કહે, “આ મારાથી મ્લેચ્છવિદ્યામાં વધારે પ્રવીણ હોવો જોઈએ.” પછી પ્રેમજી બ્રાહ્મણને કહે, “હવે મારા સ્વામિનારાયણનો ચમત્કાર તને બતાવું?” ત્યારે બ્રાહ્મણ પગમાં પડ્યો ને કહે, “મારી ભૂલ થઈ. મારો અપરાધ માફ કરો,” એટલે પ્રેમજી કહે, “‘આજથી કોઈ પણ જીવની હિંસા નહિ કરું,’ એમ પાણી મેલ એટલે માફ જ છે.” પછી પાણી મૂક્યું જે, “આજથી કોઈ જીવની હિંસા નહીં કરું,” ને કહે, “મને તમારા સ્વામિનારાયણ ક્યાં છે તે કહો. મારે તેમનાં દર્શન કરવાં છે.” ત્યારે કહે, “કાઠિયાવાડમાં ગઢડા ગામ છે ત્યાં રહે છે ને હું ત્યાં જ રહું છું.” પછી સુખડનું વહાણ ભરીને તે બ્રાહ્મણને સાથે લઈ શ્રીજી મહારાજ પાસે લઈ ગયો ને કહ્યું જે, “આ અમારા સ્વામિનારાયણ પોતે.” પછી પગે લાગ્યો ઉપરની વાત કરીને મહારાજ પાસે માફી માગી ને કહે, “મહારાજ, મને આપનો આશ્રિત કરો.” પછી મહારાજે તેને વર્તમાન ધરાવ્યાં. ને પ્રેમજી સુતાર સુખડની માળા-કંઠીઓ બનાવવા લાગ્યો ને સૌ હરિજનો લેવા લાગ્યા. તે કંઠીનો અડધો ને માળાનો રૂપિયો. પછી તો રૂપિયા થયા ત્યારે મહારાજને દર્શને આવવું પણ પડતું મૂક્યું. (૫૨)

પ્રકરણ/વાત: ૧૫/૧૨૮

Vat Selection


Type: Keywords Exact phrase