ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૬

સાંખ્યવિચાર

જેટલા કંસારા, જેટલા સોની, જેટલા વાંઝા, એ કોઈના જીવને શાંતિ નથી. ને નામનો પાર આવે નહીં ને કેટલાંકને સીમાડાનો પાર આવ્યો નહીં ને કેટલાકને રોગનો પાર આવ્યો નહીં. આ બેઠા છે તેમાં એક એક રોગ સૌને હશે ને આ હરિદર્શનાનંદ વૈદ છે તે પણ ખોં ખોં કરે છે. (૨૧)

પ્રકરણ/વાત: ૧૧/૧૬

બપોરે વાત કરી જે, આ દેહ પડી જાશે ને ગીરનાર જેવડી ખોટ્યું રહી જાશે ને ખોટ્ય મૂક્યા વિના ધામમાં નહીં જ રહેવાય. આ જીવ કરોડું કલ્પથી જન્મ ધરે છે ને આ દેહની આયુષ્ય તો ચપટી જેટલી છે. તે ખાધાપીધામાં ને લીધાદીધામાં ને દીકરામાં ને ચેલામાં ને મંડળ બાંધવામાં ને ઘર કરવામાં વહી જાશે. (૨૨)

પ્રકરણ/વાત: ૧૧/૧૬૯

કાળ આપણને છેતરતો જાય છે તે આપણને ખબર પડતી નથી પણ મરી જવાશે. માટે કાળને છેતરીને પ્રભુ ભજી લેવા. (૨૩)

પ્રકરણ/વાત: ૧૨/૧૬

નોતરું તો એક પરમેશ્વરનું જ સાચું છે. હમણાં તાવ આવે તો ખવાય નહિ. તે ઉપર વાત કરી જે, દીપડીમાં રામાનુજાનંદ સ્વામીએ ‘સખી આનંદની વાત કહું આજ રે’ એ થાળ બોલીને નૈવેદ્ય ધર્યું ત્યાં ટાઢિયો તાવ આવ્યો તે ખવાણું નહિ. માટે નોતરું તો એક પરમેશ્વરનું જ સાચું છે, તે પરમેશ્વર ખાવા દે તો જ ખવાય. (૨૪)

પ્રકરણ/વાત: ૧૨/૨૦

ખાવું, ઊંઘવું ને સ્ત્રી એ ત્રણ બંધન તો બહુ મોટાં છે, એવું બંધન બીજું કાંઈ નથી. માટે ભગવાન સામું જોઈ રહેવું. ને દેહ તો કોઈનો રહ્યો નથી. કેટલાક ભણનારા નાના નાના મરી ગયા, તેમનું નામ કપીલેશ્વરાનંદ, શિવાનંદ, આત્માનંદ, જોગાનંદ. (૨૫)

પ્રકરણ/વાત: ૧૨/૩૧

જ્ઞાન નથી એટલે ખબર પડતી નથી, તે શું જે, કાળરૂપી બારવટિયો જીવને ઉપાડી જાય છે તેની ખબર નથી. બારવટિયો આવતો હોય તો ઊંઘ ન આવે ને આમાં આવી જાય છે. પણ જો કાળ દેખાતો હોય તો ઊંઘ ન આવે. એક રાજાને કાળ દેખાતો તે જ્યાં જાય ત્યાં વાંસે ને વાંસે. પછી કહે, “કાળના ભયથી મારી રક્ષા કરે તેને શરણે જાઉં,” એવો વિચાર કરી ખડિયામાં સોનાની મહોરું ભરી ચાલ્યો, તે જ્યાં જાય ત્યાં વાંસે ને વાંસે. તે વગડામાં કાંટાની વાડ ને એક ઝુપડી દીઠી તે માંયલી કોરે ગયો ત્યાં વાડ બહાર કાળ છેટે ઊંભો રહ્યો. પછી તેણે વિચાર્યું જે, ‘આમાં કોઈ મોટા પુરુષ હશે ખરા, કેમ જે, કાળ છેટે ઊભો રહ્યો,’ એમ ધારી અંદર ગયો ને બ્રહ્માનંદ નામના સંન્યાસી દીઠા તે દંડવત્ કરી પગે લાગી કહ્યું જે, “મહારાજ, મને શિષ્ય કરો.” ત્યારે તે કહે જે, “જ્ઞાન સાંભળ્યા મોર શિષ્ય થવાય નહિ.” એટલે રાજા કહે, “આટલું તો જ્ઞાન થયું છે જે, મારી વાંસે કાળ ફરતો હતો તે આંહી આવ્યો એટલે કાળ બહાર ઊભો રહ્યો છે માટે મને શિષ્ય કરો.” તેને શિષ્ય કર્યો. રાજાએ કહ્યું જે, “હું તમને આ સોનામહોર ગુરુદક્ષિણામાં આપું છું.” સંન્યાસી કહે, “હું રાખું તો મારું ભૂંડું થાય ને તારી પાસે રાખ તો તારું પણ ભૂંડું થાય માટે ગંગામાં નાખ એટલે પાપ જાય.” પછે ગંગામાં નાખ્યું ને સુખે ભગવાન ભજ્યા. એવા નિસ્પૃહી હોય તેનાથી કાળ ભાગે છે. માટે જેને કાળનો ભય હોય તેને કથામાં નિદ્રા ન આવે. (૨૬)

પ્રકરણ/વાત: ૧૨/૯૦

સાંખ્ય વિચારે કરીને ખોટું કર્યું હોય તો તેમાં માલ ન જણાય. કાલ ખાધું તે આજ ગયું. બીજી વિદ્યાયું ભણે છે તે વ્યર્થ છે, માટે સાંભળવા જેવા ને મનન કરવા જેવા આ ભગવાન જ છે. (૨૭)

પ્રકરણ/વાત: ૧૨/૧૨૮

આ દેહ છે તે ગારાનું છે, માટે દેહને બળે બળ તે ખોટું છે. જ્યારે જ્ઞાન થાય ત્યારે જેમ રેતીના કૂબાનો, કાચલી ને ચયાના ઘોડાનો નિષેધ થઈ જાય ને જેમ કુકરે રમે કે કોડિયે રમે તેમાં જીતે તો જેમ રૂપિયા જીતીને આનંદ થાય એટલો આનંદ થાય છે, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે રાજી ન થવાય. તેમ જ્યાં સુધી સત્યતા મનાય છે ત્યાં સુધી તેમાં આનંદ છે ને જેમ ઝાંઝવાના જળમાં બ્રાહ્મણને આનંદ હતો પણ ટળી ગયો તેમ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વનો નિષેધ થઈ જાય. પછી કોઈ વાતની, ખાવાની કે જોવાની ઇચ્છા રહે નહિ. પણ જો આંટીએ કરીને તજે તો તેનું બીજ જાય નહિ. ને મોરે રાજ મેલીને વનમાં ગયા તે શું જ્ઞાન વિના મુકાણું હશે? પણ ચટકીનો વૈરાગ્ય હોય તો ટકે નહિ. પોતાના કદ વિના આગળ બેસવું તેમાં ઠેકડી થાય ને કાંઈ સમજાય નહિ, ને જ્ઞાન થાય ત્યારે તો હાથી ને ગધેડો બરાબર થઈ જાય. મહારાજે કોઈ વાતની દેહની સુવાણ્ય રહેવા દીધી નથી. (૨૮)

૧. જેમ ભાલદેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો તેને સામો રબારી મળ્યો. તેણે પૂછ્યું જે, “મહારાજ, રાજી કેમ થયા છો?” ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો જે, “રાજી ન થઈએ? દસ ગાઉ ચાલ્યા આવ્યા છીએ ને જળ પાસે આવ્યાં છે, તે નહાશું-ધોશું ને ટીમણ કરશું.” ત્યારે તે રબારી બોલ્યો જે, “હૈયું ફોડ્ય મા, જોડા પહેરીને ચાલ્યો આવું છું ને પાણી તો ઝાંઝવાનાં બળે છે!” ત્યારે તે બ્રાહ્મણના મનસૂબા સર્વે ખોટા થઈ ગયા. – સ્વામીની વાત ૩/૪૪

પ્રકરણ/વાત: ૧૨/૧૪૮

સ્થૂળ દેહ છે તે તો નિયમે કરીને જિતાય પણ સૂક્ષ્મ દેહ છે તે અંદર મહાપીડા કરે છે. તેને જીત્યા વિના કેમ સુખ થાય? જીવનો સ્વભાવ તો ખાટલામાં પડ્યો પડ્યો ભૂંડા મનસૂબા કરે એવો છે.

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અર્થજી;

તે વરણ આશ્રમથી અંતે, કરશે અનર્થજી.

જ્ઞાન વિના તો ભગવાનને છાતી સાથે બીડી રાખે તોયે સુખ ન થાય. પેટમાં ઓસડ જાય ત્યારે દુઃખ જાય તેમ જ્ઞાન વિના સૂક્ષ્મ દેહનો રોગ ન જાય. તે જ્ઞાન શું જે, દેહાદિક ચાર નાશવંત ને દુઃખ રૂપ છે, એવો વિચાર જ્યારે જીવમાં ઊતરે ત્યારે સૂક્ષ્મ દેહનો રોગ જાય. સૂક્ષ્મ દેહનું બહુ બળ છે તે જ્ઞાન વિના તો ટળે જ હિ. મૂર્ખને લોઢામાં લીટા, સમજણ હોય તેને લોટમાં લીટા અને જ્ઞાનીને પાણીમાં લીટા. જીવ તો એવા જ હોય. તેનું કાંઈ નહિ. માટે આપણે સાંખ્ય શીખવું. (૨૯)

૧. સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત વૈરાગ્યનું પદ ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ – કીર્તન મુક્તાવલી ૧/૪૮૦

પ્રકરણ/વાત: ૧૩/૭૪

મધ્યનું ૨૪મું વચનામૃત વંચાવ્યું ને વાત કરી જે, ભટ્ટજી સાંખ્યવાળા તે ક્યાંઈ પ્રીતિ જ ન થાય ને પર્વતભાઈને સાંખ્ય સહિત જોગ તે બીજામાં પ્રીતિ કરવા જાય તોય બીજે પ્રીતિ થાય નહિ. આ બેઠા છીએ તેમાં વરસ કેડે કોઈ દેહ હોય કે ન હોય. રામદાસજી કારખાનું ચલાવતા જાય ને સાંખ્ય નિષેધ કરતા જાય. (૩૦)

પ્રકરણ/વાત: ૧૩/૮૦

Vat Selection


Type: Keywords Exact phrase