ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૬

ત્યાગ-વૈરાગ્ય

... ફીફાદમાં ખોડા રાઠોડ ભક્તે કૃપાનંદ સ્વામીને કોરવાળું ધોતિયું ઓઢાડવા કર્યું, રોયો ને બહુ આગ્રહ કર્યો તોયે રાખ્યું નહિ. અને બાપુ શિવરામે ગોપાળાનંદ સ્વામીને રેશમી કોરનું ધોતિયું ઓઢાડ્યું ને કહ્યું જે, “આ ફાટે ત્યાં સુધી પહેરજો.” પછી ગોપાળાનંદ સ્વામી તુરત તડાતડ પહેરી બેઠા કે તે જ વખતે તે ફાટ્યું અને પછી કાઢી નાખ્યું... (૧૧)

પ્રકરણ/વાત: ૧૦/૨

વસોમાં મહારાજે હુતાશનીનો સમયો કર્યો. તે સમે પરમચૈતન્યાનંદ સ્વામીએ ઝીણી કોપીનો ફાડી પણ અમે તે ન લીધી ને જાડી લીધી. ત્યારે તે અમને પગે લાગ્યા ને બોલ્યા જે, “તમારા જેવી રુચિ મને પણ ગમે છે પણ હું તો રજોગુણી થઈ ગયો છું.” તેમ ખપવાળા ભગવદીને પોતાનો અવગુણ સૂઝે છે. માટે ભગવાનના ભક્તને એમ રાખવું. મહારાજે બહુ વિચાર કરી આજ્ઞા કરી છે. શિવલાલ ગૃહસ્થાશ્રમમાં હતા પણ તેનો જીવ ત્યાગી હતો. કોઈને કળાવા દે નહિ ને ત્યાગ રાખે અને કેટલાક ત્યાગી હોય ને રાગી હોય, તે ખોટું કહેવાય. માટે ત્રણ ગ્રંથ પ્રમાણે વરતી દેહ રાખવો. ન મળે ત્યારે તો સૌ ત્યાગી છે પણ મળે અને જે ત્યાગ રાખે ને પદાર્થ ફગાવી દે તે ત્યાગી ખરો! માટે ત્યાગીને દેહ-ગુજરાન ઉપરાંત પદાર્થ રહે તે સંન્યાસીના ઘરમાં સાંબેલું કહેવાય અને તે ધીરે ધીરે ગૃહસ્થની પેઠે ઘર બાંધશે. પ્રભવાનંદ સંન્યાસી અગિયાર શાક કરાવતા. દેહમાં કીડા પડે પણ ત્રણ ગ્રંથ ન લોપવા. આ દેહના અંતે તે ત્રણ વાનાં થાશે, તે કૃમિ, વિષ્ટા અને રાખ. એમ કાં તો કીડા પડી સડશે અને કોઈ જનાવર ખાશે તો વિષ્ટા થાશે ને કાં તો બાળી નાખશે તો રાખ થાશે. (૧૨)

૧. શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામશુદ્ધિ.

પ્રકરણ/વાત: ૧૦/૩

સુરાખાચરનું દૂધ અને અલૈયાનું છોટું તેનો મહારાજે ફજેતો કર્યો હતો જે, હરિજન આગળ મહારાજના નામથી મંગાવેલ તે હરિજન મહારાજ આગળ છોટું ને દૂધ આપી કહે જે, “તમે મંગાવ્યું હતું તે આવું મળે છે.” ત્યારે મહારાજ કહે કે, “અમે મંગાવ્યું નથી.” પછી સૌ સંત-હરિજનની સભામાં કહે કે, “જુવો, અમારા નામથી પોતાને જોઈએ તે મંગાવે છે.” એમ ત્યાગીમાં જરા હોય તો ઝાડ થાય ને જાણે જે રખાય નહીં તો પણ ફગાવી દે નહીં ને ત્યાગ પણ કરે નહીં, અને કેટલુંક તો દાબે દાબે વરતાય છે. તે કૃપાનંદ સ્વામી તો આઠ આઠ દિવસે પોતાના મંડળમાં સાધુની ઝોળિયું તપાસતા. તે દીર્ઘ દૃષ્ટિવાળા જાણે કે સાધુની ઝોળીમાં માગી માગીને ઘરવખરી ભરાય. (૧૩)

પ્રકરણ/વાત: ૧૦/૪

લુહારે રાજા સારુ બખતર કર્યું. પછી રાજાએ બાવળના ઠૂંઠાને બખતર ઓઢાડી પરીક્ષા કરવા તરવાર મારી તે કપાઈ ગયું. પછી ફરીથી નવું કરાવે અને કાપી નાખે અને નવું કરાવે. પછી એક વખત બખતર ઉપર તરવાર મારતાં પટેલે રાજાને પડખામાં શૂળ મારી તે ઘા પોચો પડ્યો ને બખતર ન કપાણું. ત્યારે પટેલે કહ્યું કે, “રણસંગ્રામમાં બાવળનાં ઠૂંઠાં ઊભાં ન હોય તે બખતર કપાય!” એમ જ્યારે વિષયનો જોગ થાય અને હરિજન કરગરે જે, “તમે આટલું અમારું અંગિકાર કરો,” એવી બરછિયું આવે ત્યારે ખબર પડે. તે ઉપર વાત કરી જે, વેરાગી સીમમાં હતો તેને ગામમાં લાવવા ભાવિક માર્ગીએ બાવાને પ્રાર્થના કરી. પ્રથમ સીમાડે લાવ્યો, પછી પાણીઆરીને શેઢે, પછી ગાયુંનું ધણ ઊભું રહે ત્યાં ગોંદરે, પછી ગામમાં ચોરે ને પછી ઘરમાં રાખ્યો. ત્યાં તો ગોળા ઉઘાડા તે બરછિયું લાગી ને મરાઈ ગયો. માટે ચારે કોરે વિષયના ઓસલા કુટાય છે તે આવવા માંડશે ત્યારે ધર્મ રહેવાનો જ નહિ ને નિયમ પણ રહેવાના નહિ. જો ખબરદારી રાખશે તો જ ત્યાગ રહેશે. (૧૪)

પ્રકરણ/વાત: ૧૦/૩૬

ત્યાગી હોય તેણે વર્ણાશ્રમનો વિચાર કરવો કે હવે મારો આશ્રમ બદલાયો છે. બ્રાહ્મણ સંન્યાસી થયો તે પોતાને ઘેર આવ્યો ને પોતાની ઝોળીમાંથી સીધું સામાન જે હતું તે આપી રસોઈ કરાવીને જમ્યો. ત્યાર પછી તેની સ્ત્રીએ કહ્યું કે જે, “તમારી ઝોળીમાં બધું છે પણ એક હું નથી તે મારો શો વાંક?” પછી તો તે વાત સાંભળીને ઘરે જ રહી ગયો. માટે ત્યાગીને પોતાના સગાંસંબંધીને ત્યાં અને વતનના ગામમાં જવું નહિ અને કોઈ પ્રકારે તેમનો પ્રસંગ રાખવો નહિ. અને જો લાળ રહેશે તો જરૂર વિઘ્ન લાગશે. આ તો અહીં આવી ભરાણા. તે કોઈક વાતે અવાણું છે પણ મોક્ષનો ખપ થોડો તેથી વિષયમાં લેવાઈ જવાય છે. ગંગામાં લપટ્યો, તે હર ગંગા! હર ગોદાવરી! કાંઈક શ્રદ્ધા ને કાંઈક જોરાવરી! (૧૫)

પ્રકરણ/વાત: ૧૦/૧૩૩

એક ગુરુ, માતા, પિતા ને ગરીબને દુઃખ થાય તો મતિ આસુરી ને શાપિત થઈ જાય એમ કહ્યું છે. પણ વૈરાગ્ય થાય ને માબાપને મૂકીને ત્યાગી થાય તેમાં માબાપ કોચવાય તો પણ એને એ નડે નહિ ને સ્ત્રી હોય તે પતિનો ત્યાગ કરે ત્યારે તેને શાસ્ત્રમાં પાતકી કહી છે. પણ જો વૈરાગ્ય થાય અને ભગવાન સારુ એના ધણીનો ત્યાગ કરે તો તેમાં તેને કોઈ દોષ લાગતો નથી. ભગવાનને અર્થે દેહ, ઇંદ્રિયો ને મન કામમાં આવે એમ કરવું. (૧૬)

પ્રકરણ/વાત: ૧૦/૨૪૭

મયારામ ભટ્ટે ગોવિંદરામને કહ્યું જે, “મારે ક્યાં દીકરો છે? હું તો તારા માટે હેરાન થાઉં છું. હું તો મહારાજ પાસે જઈને ત્યાગી થઈ રહીશ. પછી ખબર પડશે!” એથી ગોવિંદરામે તો ગોદડાંની અલફી કરીને પહેરીને ઘોડનો પાવરો માથે મૂકી ભટજીને કહે, “ભાઈ, હું તો જાઉં છું. જય શ્રી સ્વામિનારાયણ! છોકરાં તમને ભળાવ્યા. અને તમે તો જ્યારે ઘર છોડી સાધુ થાશો ત્યારે ખરા! પણ મારે તો વહેવાર જોઈતો નથી.” તે જોઈ ભટજીએ આકળા થઈ કહ્યું, “અરે, ગોવિંદરામ. આમ હોય! આપણી લાજ જાય. આવું થાય!” એમ ગોવિંદરામને ઘર મૂકવું કઠણ ન પડે ને ભટજીને વાર લાગે. વળી એક વખત યજમાનને ત્યાં ગોવિંદરામને રાંધવા મોકલ્યા. તે આ તો ઉપશમવાળા તે કીર્તનની કડી ગોઠવવામાં જ ધ્યાન રાખતા. તે ચૂરમું કરવા ઘીનું તાંસળું ભરી ઊનું કરેલ તેને બદલે ઊનું પાણી પડખે હતું તે નાખી લાડવા વાળ્યા, તે વાળતાં ખબર પડી. ને ખીચડીમાં ને દાળમાં બધું મીઠું નાખેલું તે મોઢામાં શેનું જાય? પછી જમવા બેઠા ને લાડવો ભાંગવા જાય ત્યાં તાંત ચાલી. તે કહે, “ગોવિંદરામ, આ શું કર્યું છે?” ત્યારે કહે, “લાડવા.” પછી પડખે ઘી પડેલ તે કહે, “ઘી તો આ રહ્યું ને શું નાખ્યું છે?” ત્યારે કહે, “પાણી આવી ગયું હશે! હવે જે થયું તે ખરું. જમો. સાધુ હમેશાં ખાય છે. અને આપણે એક દિવસમાં શું થાય?” એમ કહી ગોવિંદરામ તો હંમેશ જમતા એટલું જમી ગયા. ને ભટજીથી ન ખવાણું. એમ બેય ભાઈનાં અંગ જુદાં જુદાં હતાં. (૧૭)

પ્રકરણ/વાત: ૧૦/૨૬૮

... પ્રથમ જે હરિજન મહારાજના દર્શને આવે તે હરજી ઠક્કરને ત્યાં ઊતરતા. તેમાં એક બાઈ હરિજનને સંસારનો અતિ અભાવ પણ તેના સાસરિયાં રહેવા દે નહિ ને ઉપાધિ કરે. એક વખત તેનો સાસરો તેડવા આવ્યો ને બાઈએ મહારાજને વિનંતિ કરી જે, “મારે જાવું નથી.” તેથી મહારાજે તેના સાસરાને સમજાવી કહ્યું પણ માન્યું નહિ. પછી મહારાજે તે ડોશીને કહ્યું જે, “ધ્યાનમાં બેસો,” ને તેના સાસરાને કહ્યું જે, “જીવના ધણી અમે છીએ ને તેનું દેહ તમે લઈ જાઓ.” મહારાજ તે હરિજનના જીવને ધામમાં લઈ ગયા. પછી દેહ તેના સાસરાને સોંપી દીધું. તે બાળવું પડ્યું. (૧૮)

પ્રકરણ/વાત: ૧૦/૨૭૫

સુરતમાં મંડળ ગયાં તે સદ્‌ગુરુનાં મંડળ તો છ મહિના સુધી રહ્યાં ને અમે દોઢ મહિના સુધી રહ્યા, પણ સારાં ખાધાનાં આવે તે માંડ પૂરું કર્યું ને અમે તો પત્તર મૂકીને કાચલી રાખી. પછી થોડું ઘણું લઈએ ને શાક દાળ જમીને માંડ પૂરું કરીએ, માટે આપત્કાળે ખબર પડે. (૧૯)

પ્રકરણ/વાત: ૧૧/૧૧૯

... વિષય ખોટા ખોટા કર્યે વિષય ખોટા થાય નહિ; તે તો તેનો ત્યાગ કરવા માંડે ત્યારે થાય. જેમ વ્યાકરણના કીટ થાય છે તેમ બ્રહ્મવિદ્યાના કીટ થાય ત્યારે જ્ઞાન થાય. (૨૦)

પ્રકરણ/વાત: ૧૧/૨૦૧

Vat Selection


Type: Keywords Exact phrase