ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૯

વિષય

વિષય છે તે સારા ગુણ તાણી લે છે. ચીભડું જ્યારે પાકે ત્યારે ફાટે તેમ બહુ વિષય ભોગેવે તો વૃત્તિયું ફાટી જાય. પચ્છમમાં એક બાવે ગરાસીયાને બંધાણ કરાવ્યું તે બાયડી ખાસડાં મારે ત્યારે અફીણ આવે. ને બીજાને તો બાયડી બોલે જે, “આયો, બા, આયો!” ત્યારે અફીણ આવે. એમ કરતાં બાયડી મરી ગઈ ને અફીણ આવ્યું નહિ. પછી મસાણમાં જ્યાં બાળી હતી ત્યાં ગયો ને પોતે બોલ્યો, “આયો, બા આયો!” પછી અફીણ આવ્યું. તે રોજ મસાણમાં જાય ત્યારે અફીણ આવે. ને ત્રીજાને તો કસુંબો લઈ ઘોડીએ ચડે ને ઘોડી હણહણે ત્યારે કસુંબે આવે. પછી ઘોડી મરી ગઈ ને ઘોડું લેવા પૈસા પણ ન રહ્યા એટલે વંડી માથે દળી નાખી વંડીએ ચડે ને જાણે ઘોડીએ ચડ્યો છું, એમ માની હાથમાં રેન લઈ પગનાં ઠેબાં મારીને પોતે મોઢે હણહણે ત્યારે અફીણ આવે. એમાં દુઃખ છે પણ જીવને વિષયમાં દુઃખ દેખતાં આવડે નહિ. જેને સાંખ્ય વિચાર હોય કે ભગવાન સાથે સ્નેહ હોય તેને જો વિષય અંતરાય કરે તો તે વિષયનો ત્યાગ કરે. (૧૧)

પ્રકરણ/વાત: ૮/૧૮૨

દેહનું રક્ષણ કરીએ છીએ ને વિષયનું સંપાદન કરીએ છીએ તે બાવળને વાડ કરીએ છીએ પણ ઝીણાભાઈની પેઠે ખટકો રહેતો નથી, જે રખે ભગવાન વિના બીજામાં બંધન થાય! વિષયમાં દુઃખ દેખાતું નથી. ચિંતામણિ નાગણી વચ્ચે પડી હોય તેને લીધાનું મન થાય નહિ, તેમ વિષયમાં દુઃખ દેખાય તો વિષય ભોગવી શકાય નહિ. માટે જેને ભગવાન જોવા હોય તેને બીજું જોવું નહિ. ઘનશ્યામદાસજી ચાર વાગે ધ્યાન કરતા હતા, તે ધ્યાનમાં મોટા માથાવાળી ભેંસ સાંભરી ત્યારે અમે કહ્યું જે, “ઘનશ્યામદાસ, અત્યારે ભેંસ પાસે શું કામ છે?” ત્યારે કહે, “તુત કાણું નાખો છો? હું તો ધ્યાન કરું છું!” ત્યારે અમે કહ્યું, “દાદાખાચરની મોટા માથાવાળી ભેંસને સંભારો છો ને વળી તુતનું કહો છો?” ત્યારે અમને હાથ જોડીને કહ્યું જે, “હું તમને આજ સુધી ખંડિયા સમજતો પણ તમે ચક્રવર્તી ખરા!”

મનકી વૃત્તિ એક હે ભાવે તહાં લગાઓ;

ચાહે તો હરિકી ભક્તિ કરો ચાહે તો વિષય કમાઓ.

એક મ્યાનમાં બે તલવાર ન સમાય.

રામ ત્યાં નહિ કામ, કામ ત્યાં નહિ રામ;

તુલસી દોનું નવ રહે, રવિ રજની એક ઠામ.

ભગવાનમાં રહેવું હોય તેને બીજું જોવાય નહિ ને અડાય નહિ. તે ઉપર મુક્તાનંદ સ્વામી ને મીણબાઈની વાત કરી. (૧૨)

પ્રકરણ/વાત: ૮/૨૩૧

... સમજણવાળી ઉંમરની છોડી રાંડે તેને તેના ધણીનું કાયટું ભાવે નહિ તેમ ભગવાન ભૂલીને પછી ભક્ત વિષયનું ગ્રહણ કરે નહિ. (૧૩)

પ્રકરણ/વાત: ૮/૨૪૫

કોઈ વાતનું સરૂં આવે તેમ જણાતું નથી. આપણે બે-અઢી મહિના સુધી ગુજરાતમાં રહ્યા પણ પહેલો દહાડો છે. તે શું જે કાંઈ ખાધું જ નથી... (૧૪)

પ્રકરણ/વાત: ૮/૨૪૮

જીવ જે વેગે ચડ્યો તે વેગે ચાલ્યો જાય. તે જો વિધિ-નિષેધને માર્ગે ચાલ્યો કે ફેલને માર્ગે ચાલ્યો કે વિષયને મર્ગે ચાલ્યો તો પાછો જ વળે નહિ. અમે વડાળથી જૂનાગઢ આવતા હતા ત્યારે મજેવડીને દરવાજેથી ગામમાં જતા હતા ત્યાં એક છોકરો દોડતો આવતો હતો. તેને જોઈને અમે કહ્યું જે, “આ છોકરાને કાંઈ કામ નથી પણ અમથો દોડ્યો આવે છે.” પછી અમારી પાસે આવ્યો ત્યારે અમે કહ્યું જે, “ઊભો રહે, છોકરા. ક્યાં જાય છે?” તો કહે, “ક્યાંઈ નહિ.” પછી પાછો વળ્યો. એમ વિચાર્યા વિના જીવ મનના તરંગ ઉપર ફેલને માર્ગે ચાલ્યા જાય છે. માટે મોક્ષને માર્ગે ચાલે તેને બહુ બહુ વિવેક રાખ્યો જોઈએ. કામ્ય ક્રિયાયું છે તેમાં કાંઈ ફળ નથી. કારેલાના વેલામાં ફળ ઘણાં થાય પણ કડવાં તે મોંમાં ગરે નહિ પણ જેને ભાવે તેને કામ આવે, તેમ જેને વિષય ગમે તે ભોગવે પણ જેને વિષય ઝેર જેવા થઈ ગયા હોય તે ભોગવે નહિ. (૧૫)

પ્રકરણ/વાત: ૯/૧૨

કોઈક વાતે જો સેર વળી જાય તો પ્રભુ ન ભજાય ને મોહને માર્ગે ચડી જવાય. સમજણ હોય તો વધતાં વધતાં વધી જવાય ને સમજણ ન હોય તો ઘટતાં ઘટતાં ઘટી જવાય. માટે અતિક્રમણ જ્યાં થાય ત્યાં તો કેવળ દુઃખ જ થાય. સાધુને ખાધામાંથી દુઃખ થયું. તે વાત કરી જે, પ્રથમ પોંક ખૂબ ખાધો, પછી ખીચડી ખાધી, ત્યાર કેડે લાડવા ખાધા. પછી સર્વેના પેટ ચડ્યાં, તે જો થઈ છે ને માથે! પછી તો મીઠું પાયું ત્યારે સુખ થયું. (૧૬)

પ્રકરણ/વાત: ૯/૧૭

... એક જણો તળગાળા જોવા ગયો હતો. તે લઘુ કરવા જાવાનું થયું પણ જો ઊઠે તો માગ જાતો રહે તેથી બેસી રહ્યો. એટલે મૂત્રકચ્છની ગાંઠ બંધાઈ ગઈ ને સવારે મરી ગયો. એવો રાગ છે! માટે બે ઘડી આ સાધુનાં દર્શન થાય ને તેની વાત સંભળાય એ ધન્ય ભાગ્ય માનવાં. (૧૭)

પ્રકરણ/વાત: ૯/૫૪

... શંકરાચાર્ય ભીક્ષા માગવા ગયા ત્યાં એક બાઈ રેંટિયો ફેરવતી હતી ને રેંટિયો ભું ભું અવાજ કરતો હતો ત્યારે શંકરાચાર્ય બોલ્યા, “હે રેંટિયા, રો માં સ્ત્રીએ આંખ્યના કટાક્ષ વડે કરીને આખા બ્રહ્માંડના જીવને ભમાવ્યા છે અને તું તો તેના હાથમાં જ આવી ગયો છે, એટલે તારે રોવું એમાં શું કહેવું?” માટે એથી છેટે રહેવું. માટે શાસ્ત્ર પણ એમ કહે છે જે, કામમાં, લોભમાં ક્યાંઈ લેવાશો નહિ. તાવ આવે ત્યારે દેહ બળે પણ આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ બેય બળે! આ વાતુ તો ભગવદીની છે. દેહ પડવાનું કહીએ ત્યારે મનુષ્યને વસમું લાગે પણ એ રહે નહિ. ને લોકની ઘાંટી જે, બીજે જન્મે સ્ત્રી તે સ્ત્રી ને પુરુષ તે પુરુષ જ થાય છે, એ લોકનાં ડીંગળ છે. (૧૮)

૧. रे रे यन्त्र त्वं मा रोदीः कं कं न भ्रमयन्त्यमूः । भूचापोत्क्षेपमात्रेण कराकृष्टस्य का कथा ॥ ભગવાનની માયાએ રચેલાં એવાં સ્ત્રી, દ્રવ્ય, ઘરેણાં ને લૂગડાં તેમા મૂઢ પુરુષ ભોગબુદ્ધિએ કરીને મોહ પામે છે ને તેનો લોભ રાખે છે, એટલે પતંગિયો જેમ દીવામાં પડીને મરે છે, તેમ જીવ પણ તે સારુ મરી જાય છે.

પ્રકરણ/વાત: ૯/૭૪

એક ખૂંટિયે બહુ ખાધું તે પાડા સાથે ત્રણ મહિના સુધી લડ્યો ને એક પાડાને મારી નાખ્યો. માટે આપણે પૂર્વના હોય તેનું ખત કાઢવું ને વિચારવું જે ઇંદ્રિયોનું પોષણ કરવું તે ખૂંટિયાને તેલ પાયા જેવું છે ને આપણો જીવ જાવાની વાત છે. તે શું જે, એ આપણા પડખામાં શિંગડાં ભરાવે એવા છે. ક્રિપાનંદ સ્વામી કહેતા જે, “એક બીજાને મારી નાખે એવાં ખારીલા પાંચ પાડાને એક ઘરમાં પૂરી વચ્ચે પથારી કરી સૂતો, તે કાંઈ ક્ષેમકુશળ રહેવાનો છે?” તેમ જે પંચવિષયનો જોગ રાખશે તેનું ઠેકાણું નહિ રહે. આગળ મોટામોટાને ઘરે કાણ્યું બેઠી છે ને હમણાં પણ કેટલાકને ઘરે બેસે છે. માટે એ માર્ગે ચાલશે તેને ઘેર થોરનાં ડીંડલાં પડશો. જે વહાણ કવામાં ચાલ્યું તે જરૂર બૂડે, તેમ જો ઇંદ્રિયોમાં કવા વાયો તો ધર્મ-નિયમ સર્વે જાતાં રહેશે. જે તેમાં હેત કરે તેનું જ માથું કાપી નાખે... (૧૯)

પ્રકરણ/વાત: ૯/૮૧

ચંદ્ર ઠગે અરુ ઇંદ્ર ઠગે વિધિ ઈશ ઠગે જેહિ જક્ત પસારો,

જોગી ઠગે અરુ ભોગી ઠગે વનવાસી સંન્યાસીનકો એક ધારો;

ભેખ રુ શેષ તપેશ ઠગે સબ પંડિત જાન પ્રવીન સુચારો,

બ્રહ્મમુનિ કહે હાથ ન આવત યા મનસે કોઉ નાહિ ઠગારો.

માટે મન તથા ઇંદ્રિયું-અંતઃકરણનો વિશ્વાસ કરવો નહિ, પણ સમાગમ વિના એ વાત સૂઝે નહિ.

આંહીં જ્યારે ધૂડ જેવામાં લેવાય છે ત્યારે દેવલોકમાં કેમ નહિ લેવાય? ત્યાં તો અપસરાયું છે તે લેવાશે જ. મધ્યનું બાવીશનું વચનામૃત વંચાવીને વાત કરી જે, ઇંદ્રિયું-અંતઃકરણનું કહ્યું ન માનીએ ને એના દોર્યા ન દોરાઈએ તો એના ભૂકા કર્યા કહેવાય. પણ આટલો બધો જોગ કરી આપ્યો ને હવે ઇંદ્રિયુંના દોર્યા દોરાઈએ એ મોટી ખોટ. પૂર્વનું તો કોઈકને હશે, ઝાઝું તો ક્રિયમાણ નડે છે. (૨०)

(પ્રકરણ ૯/૮૧, ૯/૧૦૨)

પ્રકરણ/વાત: ૯/૮૧

Vat Selection


Type: Keywords Exact phrase