॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૫: અન્વય-વ્યતિરેકનું

પ્રસંગ

સં. ૧૯૬૬, સારંગપુર. જળઝીલણીના સમૈયાના બીજા દિવસે બારસનાં પારણાં કરતાં શાસ્ત્રીજી મહારાજ પોતાના પત્તરમાંથી પ્રસાદી આપતા હતા. તે વખતે સંતવલ્લભદાસ સ્વામીએ એક પ્રશ્ન પૂછ્યો, “સ્વામી બાપા! એક તલના અર્ધા દાણાની પ્રસાદીમાંથી ૮૪ વૈષ્ણવ થયા. વળી, ભગતજી મહારાજને સ્વામીએ ધાણીના ગાંગડાની પ્રસાદી આપી ત્યારે ભગતજી મહારાજે સ્વામીને પૂછ્યું, ‘ખરા રાજીપાની છે કે સર્વને આપી એવી છે?’ ત્યારે સ્વામીએ કહ્યું, ‘ખરા રાજીપાની છે.’ પછી ભગતજીએ પૂછ્યું, ‘સ્વામી! મારા કામ, ક્રોધ, લોભ, સ્વાદ અને માન બળી ગયા?’ એમ ગાંગડા મુખમાં મૂકતા જાય ને પૂછતા જાય. સ્વામીએ કહ્યું, ‘હા, બળી ગયા.’ તેમ આજે તો પત્તર ભરી ભરીને પ્રસાદી આપો છો તો પણ દોષ કેમ ટળતા નથી?” ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, “એ તો લેનારની અને આપનારની ભાવના ઉપર ફળ મળે છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૬૧]

પ્રસંગ ૧

સં. ૧૯૫૩, જૂનાગઢ. એક વખત શાસ્ત્રીજી મહારાજે ભગતજીને પ્રશ્ન પૂછ્યો, “બ્રહ્મરૂપ થયેલા સંતનાં જે દર્શન તે ભગવાનનાં દર્શન તુલ્ય છે – એમ વચનામૃતમાં ઘણે ઠેકાણે કહ્યું છે, ત્યારે એવા સંતનાં દર્શન થયા પછી એને આત્મામાં સ્થિતિ કરી દર્શન પામવાની શી જરૂર છે?”

સ્વામીશ્રીનો આ પ્રશ્ન સાંભળીને ભગતજી બે ઘડી તો તેમના તરફ કરુણાદૃષ્ટિએ જોઈ રહ્યા અને પછી વાત કરી, “સાધુરામ! એ જે બહાર દર્શન થાય છે તે તો અનંત જન્મનાં સાધનના ફળરૂપે થાય છે. પરંતુ એ મૂર્તિને આત્મામાં પ્રગટ કરી અને તેના જ સામી દૃષ્ટિ અખંડ રહે એ સિદ્ધદશા છે. શ્રીજીમહારાજે પણ મોટેરા મોટેરા મુક્તોને કેમ વર્તવું જોઈએ તે વાત કરતાં કહ્યું, ‘જ્યારે ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિષે જે આકાશ તેને વિષે વર્તે છે, ત્યારે તે અતિ પ્રકાશમાન તેજને વિષે ભગવાનની મૂર્તિ દેખાય છે.’ એવી રીતે ઇન્દ્રિયોની વૃત્તિઓ પ્રતિલોમ થઈને મૂર્તિને વિષે અખંડ રહે ત્યારે સિદ્ધદશા થઈ કહેવાય.

“શ્રીજીમહારાજે આ જ વચનામૃતમાં આગળ કહ્યું છે, ‘એ સ્વરૂપને તમે પણ દેખો છો. પણ તમારા પરિપૂર્ણ સમજ્યામાં આવતું નથી.’ એટલે એ સ્વરૂપને દેખ્યું એટલે યથાર્થ સમજાયું એમ ન માનવું. જ્યારે એ સ્વરૂપ અંતરમાં પરિપૂર્ણ દેખાશે ત્યારે જ ઇન્દ્રિયોની વૃત્તિઓની બાહ્યવૃત્તિ ટળી જશે અને અખંડ અંતર્દૃષ્ટિ વર્તશે. એને સાક્ષાત્કારની સ્થિતિ કહીએ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ‘બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે.’

“આમાં પણ એ પ્રગટ મૂર્તિને પોતાના અંતરમાં જે જુએ તે જ તેને યથાર્થ જાણે તેમ કહ્યું છે. માટે દેહ છતાં કે દેહ મૂકીને પણ, એ સ્થિતિ કર્યે જ છૂટકો છે. એવી સ્થિતિવાળા કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે હતા.”

એટલી વાત કરીને પછી બોલ્યા, “શાસ્ત્રવાદીઓ અથવા પંડિતોમાં કોઈકને જ આ વાત સમજ્યામાં આવે છે. બીજાને તો ગમ જ પડતી નથી. માટે આપણે તો ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’ એમ કરવું. મોટાપુરુષના વચનમાં વિશ્વાસ એ જ મોટામાં મોટું સાધન સાક્ષાત્કાર સ્થિતિ પામવાનું છે.” એટલી વાત કરીને ભગતજી પોતાને ઉતારે પધાર્યા.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૧૮૬]

પ્રસંગ ૨

સંવત ૧૯૮૨. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનો શતવાર્ષિક પાટોત્સવ – લક્ષ્મીવાડીમાં શાસ્ત્રીજી મહારાજ તથા હરિભક્તોનો ઉતારો – શાસ્ત્રીજી મહારાજ સર્વે હરિભક્તોને પીરસતા હતા ત્યારે હરિભક્તો વાતો કરતા હતા, “ગંગાજળિયામાં મહારાજ સૌને હજુ દર્શન દે છે.” એટલી વાત થતી હતી ત્યારે શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું, “તમે દર્શન કર્યાં?” એટલે રામચંદ્રભાઈ જમતાં જમતાં બોલ્યા, “અમારે તો સાક્ષાત્ દર્શન થાય છે એટલે એ કૂવામાં ડોકિયું કરવા ક્યાં જઈએ?” પછી કોઈકે કહ્યું, “આજે ‘સો સો વર્ષોનાં વહાણાં વહી ગયાં’ એ કીર્તન સાંભળીને આખી સભા રડી.” ત્યારે સ્વામીશ્રી પીરસતા હતા તે ઊભા રહી ગયા અને બોલ્યા, “એ બધા મહારાજને ગયા જાણે છે, પણ મહારાજ આજ પ્રગટ જ છે. એ સ્વરૂપની ઓળખાણ નથી એટલે અજ્ઞાનમાં સૌ અટવાય છે અને રડે છે.” સ્વામીશ્રીના આ દિવ્યભાવના શબ્દોનો મર્મ સૌ સમજી ગયા.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૫૭૨]

પ્રસંગ ૩

સંવત ૧૯૫૦, વાંસદા, સારંગપુર ૧૦મું વચનામૃત વંચાવી ભગતજીએ કહ્યું, “આવી રીતે નિરંતર પોતે શરીર અને ભગવાન શરીરી છે એમ ધારવું.” આમ ઘણી વાતો કરીને દીવાનજીને મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો અને રાજી થઈ કોલ આપ્યો, “જાઓ, શ્રીજીમહારાજ અંતકાળે તેડવા આવશે.” ત્યારે દીવાનસાહેબે કહ્યું, “મહારાજ! મેં તો શ્રીજીમહારાજને દીઠા જ નથી. તે શી રીતે ઓળખીશ?” ત્યારે ભગતજી હસતાં હસતાં બોલ્યા, “આ ડોસો તમારી સાથે બોલે છે તે સાથે આવશે. એટલે ઓળખશો.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૩૫૧]

પ્રસંગ ૪

તા. ૧૬/૧૨/૧૯૬૯, ગોંડલ. સભામાં સારંગપુરનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. અંતર્દૃષ્ટિ અને બાહ્યદૃષ્ટિ ઉપર અર્જુનભાઈ ચાવડા વાત કરતા હતા. તાત્ત્વિક વાતો ચાલતી હતી. તેઓ બોલી રહ્યા પછી યોગીજી મહારાજે અંબાલાલભાઈ (અમદાવાદવાળા)ને કહ્યું, “તમે ગુજરાતીમાં બોલો, આ કાકા સંસ્કૃતમાં બોલ્યા.”

અંબાલાલભાઈ સ્વામીશ્રીનો અભિપ્રાય સમજી ગયા અને તેમણે વચનામૃતના ભાવાર્થમાં, તેમની સાદી સરળ ભાષામાં પ્રગટ સંતનો મહિમા સમજાવ્યો.

વચનામૃતમાં આગળ શબ્દો આવ્યા, “એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.” એટલે સ્વામીશ્રીએ ફરીથી અંબાલાલભાઈને આજ્ઞા કરી, “આ ગુજરાતીમાં સમજાવો.”

“બાપાનાં દર્શને સાક્ષાત્ ભગવાનનું દર્શન થયું.” એ ભાવાર્થ ફરીથી અંબાલાલભાઈએ તેમની સરળ ભાષામાં સમજાવ્યો.

આ વાતને સમર્થન આપતા હોય એમ સ્વામીશ્રી બોલ્યા, “એવા સંત એકાંતિક જ્યાં હોય ત્યાં ભગવાન પ્રગટ છે. સંતો ઘણા છે. એકાંતિક સંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ હોય. એની વાત છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૪૯૭]

પ્રસંગ ૫

પ્રશ્ન: “અક્ષરધામ જતાં કેટલી વાર લાગે?”

યોગીજી મહારાજ કહે, “અંતર્દૃષ્ટિવાળાને અણુમાત્ર છેટે નથી ને બાહ્યદૃષ્ટિવાળાને મતે લાખો ગાઉ છેટે છે. સારંગપુરના દસમા વચનામૃત મુજબ આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ. આપણે કેફ રાખવો. ‘ન ગઈ ગંગા, ગોદાવરી, કાશી, ઘેર બેઠાં મળ્યા અક્ષરવાસી.”

[યોગીવાણી: ૨૫/૭]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase