॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૧: મુદ્દાનું

પ્રસંગ

પ્રસંગ ૧

સં. ૧૯૭૨, નડિયાદ. શાસ્ત્રીજી મહારાજ દોલતરામભાઈના આમંત્રણથી તેમને ઘેર સ્વામી નિર્ગુણદાસજી તથા બીજા સંત-હરિભક્તોને લઈને પધાર્યા. સં. ૧૯૬૨માં વડતાલથી બહાર નીકળ્યા પછી આજે દસ વર્ષ પછી દોલતરામભાઈને સ્વામીશ્રીનાં દર્શન થયાં. આથી તેમને અત્યંત આનંદ થયો.

સ્વામીશ્રીનો હાથ પકડી તેમણે કહ્યું, “સ્વામી! આ ઘર તો મહાપ્રસાદીનું છે. મારા પિતાએ અહીં ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ મોટા મોટા સદ્‌ગુરુઓને જમાડેલા અને તેમના પત્તરનું પ્રસાદીનું પાણી અને હરિભક્તોનાં જમેલાં પત્રાવળાં આ ફળિયામાં નખાવી, ઉપર ધૂળ નાખી, છો પાથરી છે. એવી આ મહાપ્રસાદીની જગ્યા છે.”

સ્વામીશ્રી તેમની વાત સાંભળી અત્યંત રાજી થયા અને કહ્યું, “આપના પિતાશ્રીને તો ગુણાતીતાનંદ સ્વામીનો અત્યંત મહિમા હતો. સ્વામી ધામમાં પધાર્યા તે જ વર્ષે સ્વામીની અહીં પધરામણી તેમણે કરાવી હતી.”

પછી દોલતરામભાઈએ સ્વામીશ્રી તથા સૌ સંતોને મેડે પધરાવ્યા અને ધોતિયાં ઓઢાડ્યાં.

પછી તેમણે સ્વામીશ્રીને કહ્યું, “સ્વામી! આપને ભેગા થવાનો વિચાર છે?”

સ્વામીશ્રીએ તરત જ કહ્યું, “અમારે ભેગા થવાનો વિચાર છે, પરંતુ ગઢડા મધ્ય ૨૧મું વચનામૃત વડતાલવાળા કબૂલ રાખે તો ભેગા થવામાં અમારે કોઈ વાંધો નથી.”

કોઈ પણ જાતના હઠાગ્રહ અને મમત્વ રહિતના આ ઉત્તરથી દોલતરામભાઈને સ્વામીશ્રી પ્રત્યે વિશેષ ભાવ થયો. તેમણે કહ્યું, “સ્વામીજી! હું જાણું છું કે આપ કોઈ પણ જાતના સિદ્ધાંત સિવાય બહાર પડો જ નહીં. માટે પ્રથમ તો ગઢડા મધ્ય ૨૧ની વાત તથા આપે જે સિદ્ધાંત નક્કી કર્યો હોય તે મને સમજાવો.” શાસ્ત્રીજી મહારાજે આ વચનામૃતના આધારે અક્ષરપુરુષોત્તમ ઉપાસના સમજાવી ત્યારે દોલતરામભાઈ બોલ્યા, “જે કાર્ય કરવા મહારાજને અવતાર ધરી ફરી આવવું પડે તે કાર્ય આપે કર્યું છે. આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિઓ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સુવર્ણની મૂર્તિ પધરાવશે એટલી તમારી મોટપ વધી જશે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૪૧૨]

પ્રસંગ ૨

સં. ૧૯૭૨. સારંગપુરમાં લીમડીના ઠાકોર સાહેબે મધ્યખંડમાં રાધાકૃષ્ણની મૂર્તિ પધરાવવાની વાત કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજે પૂર્ણભાવમાં આવી જવાબ આપ્યો કે અક્ષરપુરુષોત્તમ માટે જ મુંડાવ્યું છે. ઠાકોર સાહેબ હાથ જોડી નમી પડ્યા ત્યારે સ્વામીશ્રીએ સૌમ્ય સ્વરૂપ ધારણ કરી લીધું. પછી સ્વામીશ્રીએ વાત કરી, “જેને જે ઉપાસ્ય હોય તેની જ મૂર્તિની તે પ્રતિષ્ઠા કરે અને પૂજન, અર્ચન, ધ્યાન વગેરે કરે ત્યારે તે સાચો ઉપાસક કહેવાય. આપણને સાચા ઉપાસક થવા માટે કલ્યાણનો માર્ગ શ્રીજીમહારાજે ગઢડા મધ્ય ૨૧ના વચનામૃતમાં બતાવ્યો છે. તે પ્રમાણે પરોક્ષ રામકૃષ્ણાદિક અવતાર અને તેમના ભક્તો નારદ, સનકાદિક, ઉદ્ધવ, હનુમાનજી વગેરેનો જેટલો મહિમા સમજાય છે, તેટલો જ મહિમા પ્રત્યક્ષ ભગવાન જે સહજાનંદ સ્વામી અને તેમના ભક્ત અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આદિનો જો સમજાય તો કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. ઠાકોર સાહેબ! આપણી સાચી ઉપાસના આ છે. માટે સ્વામી અને નારાયણ અથવા અક્ષર અને પુરુષોત્તમનો મહિમા યથાર્થ સમજાય ત્યારે આપણે સાચા ઉપાસક કહેવાઈએ.”

એટલી વાત કરીને પછી બોલ્યા, “શ્રીજીમહારાજે પ્રગટ થઈ જીવોનાં આત્યંતિક કલ્યાણ માટે એકાંતિક ધર્મ સ્થાપિત કર્યો અને તેવા એકાંતિક ૫૦૦ પરમહંસો પણ પોતાની સાથે લાવ્યા. આજ પણ પોતાના સાક્ષાત્ સંબંધવાળા એકાંતિક સત્પુરુષ મહારાજ પોતાના આશ્રિતો માટે પૃથ્વી ઉપર મૂકતા ગયા છે. તો તેવા સત્પુરુષને લક્ષણે કરીને ઓળખી તેમને શરણે જવું કે જેથી મહારાજનો યથાર્થ નિશ્ચય થાય. મનુષ્ય જન્મમાં સત્પુરુષના સંબંધે કરીને અને તેમની સેવાએ કરીને જ શુભ સંસ્કાર બંધાય છે. માટે એવા સાચા સત્પુરુષને ઓળખી, તેમની સેવા મન, કર્મ, વચને કરી, એકાંતિક ધર્મ સિદ્ધ કરી લેવો એ જ મનુષ્યદેહનું સાચું કર્તવ્ય છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૪૨૭]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase