॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૨: છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું

પ્રસંગ

પ્રસંગ ૧

એક વાર ગુણાતીતાનંદ સ્વામી કાળસરી ગામમા પધાર્યા હતા. અહીં બે દિવસ રોકાયા. તે દરમ્યાન એક દિવસ બપોરે જમીને માધવચરણદાસ સ્વામીએ વચનામૃત લોયા ૧૨મું વચનામૃત વાંચ્યું. તે સાંભળી ગુણાતીતાનંદ સ્વામી બોલેલા, “આ વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે જ છૂટકો છે.”

ત્યારે માધવચરણદાસે પૂછ્યું, “સ્વામી! અમને એ ક્યારે સમજાવશો?”

ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હસીને બોલ્યા, “તમે અને મનજી ઠક્કર બેઉ બહુ બુદ્ધિશાળી છો. પણ આ વચનામૃતમાં કહ્યું છે તે પ્રમાણે તો આ પ્રાગજી ભક્ત તથા જાગા ભક્ત સમજે છે. તે તેમને સૌ ગાંડાં કહે છે, પણ તેવું તમારાથી થવાય નહીં.”

ત્યારે માધવચરણદાસે ફરી પૂછ્યું, “તેઓ સમજે છે એવું અમને ક્યારે સમજાવશો?”

તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બોલેલા, “ભેગા ફરો અને અનુવૃત્તિ સાચવો તો તેમ સમજાશે અને આનંદ આવશે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૨૬૮]

પ્રસંગ ૨

સં. ૧૯૩૯માં સુરતમાં પુરુષોત્તમના અતિ ઉત્તમ અને તત્ત્વે સહિત નિર્વિકલ્પ નિશ્ચય ઉપર વાત કરતાં ભગતજી મહારાજે એક દિવસ કહ્યું, “‘નિજાત્માનં બ્રહ્મરૂપં’ એ શિક્ષાપત્રીના શ્લોકમાં મહારાજે ત્રણ દેહથી વિલક્ષણ એવું પોતાને બ્રહ્મનું સ્વરૂપ માનીને, પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાની કહી છે. એવી રીતે વર્તીને જે ભક્તિ કરતો હોય તેને જ પુરુષોત્તમ નારાયણનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય.” તે ઉપર લોયા ૧૨મું વચનામૃત વંચાવ્યું અને વાત કરી, “આપણે રોજ આરતી પછી ‘નિર્વિકલ્પ ઉત્તમ અતિ’ એ પ્રાર્થના બોલીએ છીએ. ધામરૂપ અક્ષર જે ગુણાતીતાનંદ સ્વામી – તેમના સાધર્મ્યપણાને પામ્યા વિના પુરુષોત્તમનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થઈ શકે જ નહીં. માટે ગુણાતીતાનંદ સ્વામીની ઉપેક્ષા કરીને પુરુષોત્તમનો નિશ્ચય નહીં જ થાય; પણ ભક્તે સહિત ભગવાનની ઉપાસના હશે અને બ્રહ્મસ્વરૂપ સત્પુરુષનો જોગ હશે તો જોતજોતામાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થઈ જશે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૫૮]

પ્રસંગ ૩

સં. ૧૯૩૯ની ફાગણ સુદ ત્રીજના દિવસે સુરતના સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠાનો સમૈયો હતો. આ પ્રસંગે ભગતજી મહારાજ ખાસ પધારેલા. સમૈયાની જવાબદારી શાસ્ત્રીજી મહારાજના શિરે હતી. અહીં એક વાર ભગતજી મહારાજે વચનામૃત લોયા ૧૨ના આધારે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરી. અક્ષરની અનિવાર્યતાની ચાવીરૂપ આ વચનામૃતની ગહનતા ભગતજી મહારાજની કથા દ્વારા શાસ્ત્રીજી મહારાજને સમજાઈ ગઈ.

એ અરસામાં સુરતના કેટલાક હરિભક્તો સંધ્યા આરતી પછી વિજ્ઞાનાનંદ સ્વામી પાસે આવીને બેઠેલા. તેઓએ પૂછ્યું, “સ્વામી! આપણે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની માંગણી રોજ સંધ્યા આરતીમાં કરીએ છીએ. તે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું?”

તે વખતે વિજ્ઞાનાનંદ સ્વામીએ જણાવ્યું, “વિકલ્પે રહિત જે નિરુત્થાનપણાનો નિશ્ચય તેને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય.” આ સંદર્ભમાં ભાગવતનાં કેટલાક પ્રમાણો પણ તેઓએ આપ્યા.

તે સમયે શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં હતા. તેઓએ વિજ્ઞાનાનંદ સ્વામીને પૂછ્યું, “સ્વામી! લોયાના ૧૨મા વચનામૃતમાં આ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે તેનું કેવી રીતે સમજવું?”

તે સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામીને આશ્ચર્ય થયું કે: “વચનામૃતમાંથી આનો ઉત્તર આ સાધુએ ક્યાંથી શોધી કાઢ્યો?” પછી વચનામૃતનો ચોપડો મંગાવીને ઉત્તર વાંચી જોયો. પછી તેમણે પૂછ્યું, “તમને આ વચનામૃત કોણે બતાવ્યું?” ત્યારે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજની વાત કરી. તે સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામી રાજી થયેલા.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૫૮]

પ્રસંગ ૪

સં. ૧૯૬૧. નડિયાદવાળા રામચંદ્ર ઠાકર કામ પ્રસંગે મહેમદાવાદ પાસે વાંઠવાળી ગયા હતા. શાસ્ત્રીજી મહારાજ તે વખતે ત્યાં હતા. રાત્રે મંદિરમાં રામચંદ્રભાઈ દર્શન કરવા ગયા. અહીં સભામાં સ્વામીશ્રી વચનામૃત લોયા ૧૨મું વચનામૃત વંચાવી વાત કરતા હતા. તે સાંભળવા તેઓ અનિચ્છાએ બેઠા.

આ વચનામૃતનું નિરૂપણ કરતાં સ્વામીશ્રીએ વાત કરી, “અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા સિવાય પુરુષોત્તમ નારાયણનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થઈ શકતો જ નથી. અક્ષરના સાધર્મ્યપણાને પામવા માટે જ, મહારાજ પોતાનું અક્ષરધામ ગઢડા પ્રથમ ૭૧ના વચનામૃત પ્રમાણે સાથે લઈને પધાર્યા છે. તે ધામની ઓળખાણ થશે તો જ જીવોનાં કલ્યાણ થશે. માટે અક્ષરને ઓળખી, તે રૂપ થઈને, પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી, તે જ શુદ્ધ ઉપાસના છે. તે અક્ષર કેવું છે? તો અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર છે. તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”

સ્વામીશ્રીના આ શબ્દો સાંભળી રામચંદ્ર ઠાકરને થયું, “આ લોકો વચનામૃતના શબ્દ જુદા ગોઠવીને વાત કરે છે. માટે ઘેર જઈ આપણી પ્રત જોઈને આ લોકોને ઉઘાડા કરવા.”

પછી પોતે જ્યારે નડિયાદ ગયા ત્યારે પોતાની વચનામૃતની પ્રત જોઈ, તો સ્વામીશ્રીની વાતો અને વચનામૃતના શબ્દોમાં કાંઈ પણ ફેરફાર ન જોયો. આથી તેમને સ્વામીશ્રીનો અતિશય ગુણ આવ્યો અને એમ લાગ્યું કે: “વચનામૃત તો બીજા ગુરુઓ પણ વંચાવે છે, પણ આવી વિક્તિએ સહિત શુદ્ધ સિદ્ધાંતની સમજણ હજુ સુધી કોઈએ આપી નથી. અક્ષરપુરુષોત્તમની ઉપાસનાનો સિદ્ધાંતો સાચો છે અને સ્વામીશ્રી બહુ મોટાપુરુષ છે.” એવી તેમને આ પ્રસંગથી પ્રતીતિ થઈ.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૨૬૮]

પ્રસંગ ૫

લોયાના ૧૨મા વચનામૃતની વાત કરતાં યોગીજી મહારાજ કહે, “અષ્ટાવરણે યુક્ત એવા જે કોટાનકોટિ બ્રહ્માંડો, જે અક્ષરને એક રૂંવાડે ઊડતાં ફરે છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, તે અક્ષરરૂપે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય... એવા મારે તમને સર્વને કરવા છે.” એમ કહી, એક પછી એક દરેક યુવકનો હાથ પકડી ખેંચતા જાય ને તેને કહેતા જાય, “એવા અક્ષરરૂપ તમને કરવા છે...”

[યોગીવાણી: ૨૯/૫]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase