॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૫૮: સંપ્રદાયની પુષ્ટિનું

નિરૂપણ

શ્રીજીમહારાજના પૃથ્વી ઉપરના પ્રાગટ્યના છ હેતુ

એક દિવસ સ્વામીશ્રી જૂનાગઢમાં જૂની ધર્મશાળામાં પીલપાયે આસન નખાવીને બિરાજ્યા હતા. સ્વામીશ્રી સન્મુખ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ હરિભક્તો, પાર્ષદો વગેરેની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે માધવચરણદાસ પાસે સ્વામીશ્રી ગ. મ. ૫૮મું વચનામૃત વંચાવતા હતા. તેમાં “જે હેતુ માટે પોતાના ઇષ્ટદેવનો જન્મ થયો હોય” એ શબ્દો આવ્યા, ત્યારે કેશવજીવનદાસજીએ સ્વામીશ્રીને પૂછ્યું, “સ્વામી! આ જે હેતુ કહ્યો તે કયો સમજવો?”

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું:

“શ્રીજીમહારાજ છ હેતુ સિદ્ધ કરવા આ પૃથ્વી ઉપર પોતાનું અક્ષરબ્રહ્મધામ, ચૈતન્યમૂર્તિ પાર્ષદો તથા સમગ્ર ઐશ્વર્ય લઈને પધાર્યા છે. તે છ હેતુની વાત મહારાજે ગોપાળાનંદ સ્વામીને કારિયાણીમાં કહી હતી તે તમોને કહીએ:

“પહેલો હેતુ તો એ છે કે સ્વયં પુરુષોત્તમ ભગવાન સર્વ અવતારના અવતારી છે, સર્વોપરી છે અને સદા દિવ્ય સાકાર મૂર્તિમાન થકા પોતાના અક્ષરધામને વિષે અનંત મુક્તો સહિત વિરાજમાન છે. તેમના સ્વરૂપની શુદ્ધ ઉપાસના આ લોકમાં પ્રવર્તાવવી.

“બીજો હેતુ એ છે કે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે ચાર નિર્ગુણ અને છ સગુણ એવી દસ દસ મૂર્તિઓ રહી છે તથા ઈશ્વરકોટી, પ્રધાનકોટી, મૂળ પુરુષકોટી તેમજ તેમના જે જે ભક્તો તે સર્વેને પોતાના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન આપીને તેમને અક્ષરધામને પમાડવા.

“ત્રીજો હેતુ એ છે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્ય જ્ઞાને સહિત પોતાના સ્વરૂપની અનન્ય ભક્તિ - એ ચારે ગુણસંપન્ન એવો જે એકાંતિક ધર્મ તેનું આ પૃથ્વી ઉપર રૂડી રીતે સ્થાપન કરવું.

“ચોથો હેતુ એ છે જે અક્ષરધામના અધિપતિ અક્ષરધામમાંથી પોતાના સમગ્ર ઐશ્વર્ય સહિત આ લોકમાં ભક્તિ-ધર્મને ઘેર મનુષ્યરૂપે અવતરીને પોતાના ભક્તોને પોતાની મૂર્તિનું સેવન, પૂજન અને દર્શનાદિકનું સુખ આપવું.

“પાંચમો હેતુ એ છે કે અનંત કાળથી યોગભ્રષ્ટ રહી વારંવાર પ્રગટ ભગવાનને પામવા સારુ નવલખો પર્વત તથા પુલહાશ્રમ વગેરે તીર્થોમાં રહી ઉગ્ર તપ કરતા યોગીઓને, પોતાના સ્વરૂપનું સાક્ષાત્ જ્ઞાન આપી તેમને દિવ્ય ગતિ પમાડવી.

“હવે છેલ્લો અને છઠ્ઠો હેતુ જે મહારાજે કહ્યો તે કહીએ જે, પોતાના સંબંધથી તથા પોતાના એકાંતિક ભક્તોના સંબંધથી સંસ્કાર પામેલા અનંત યોગભ્રષ્ટ જીવો આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે, તેમના આત્યંતિક કલ્યાણ સારુ પરમ એકાંતિક ધર્મ ધારણ કરનાર, મોક્ષના દ્વારરૂપ એવા સાધુ પૃથ્વી ઉપર સદા પ્રગટ રહે તથા મંદિરો કરી તેમાં દેવ પધરાવવા.”

એટલું કહી સ્વામીશ્રીએ કહ્યું, “આ પ્રમાણે શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામી આગળ વાત કરી હતી અને મહારાજે તેમને કહ્યું હતું કે, ‘આ વાત તમે સત્સંગમાં પ્રવર્તાવજો.’”

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧/૨૮૪]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase