॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૧: અખંડ વૃત્તિનું

નિરૂપણ

દિવ્યભાવ રાખે તો ગાઢ પ્રીતિ થાય

પછી ૫-૪૫ વાગે પટેલ સમાજમાં પધાર્યા. આજે પારાયણની પૂર્ણાહુતિ હતી. એ નિમિત્તે ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત વંચાવી વાત કરી:

“પહેલું વચનામૃત વાંચ્યું. છેલ્લો હરજી ઠક્કરનો પ્રશ્ન છે. સત્સંગ ઘણા વખતથી કરીએ છીએ, પણ ગાઢ પ્રીતિ કેમ થાતી નથી? ગાઢ પ્રીતિ એટલે ઘાટી પ્રીતિ. ઉપલક પ્રીતિ તો સૌને હોય, પણ જુસ્સાબંધ પ્રીતિ સંતમાં કેમ થાય? મહારાજ જવાબ આપે છે કે વાતના કરનારા સાધુનો અવગુણ લે છે. તેથી ગાઢ પ્રીતિ થાતી નથી. સ્વભાવ મુકાવવા સારુ સંત વાત કરે. દિવ્યભાવ રાખે તો ગાઢ પ્રીતિ થાય.

“ભગવાન ને સંતમાં અખંડ પ્રીતિ કરવાની જરૂર છે. વ્યવહારમાં, દીકરામાં કેવી પ્રીતિ છે?

“ભાલ દેશમાં એક દરબાર મૂળુભા હતા. તેમના છોકરાનો હાથ કમાડમાં કચરાણો ત્યાં દરબારે રાડ નાખી, ‘ઓય, મારા બાપલિયા!’ છોકરો તો કાંઈ બોલ્યો નહીં. કોઈએ પૂછ્યું, ‘દરબાર! તમે કાં રાડ પાડો?’ આનું નામ ગાઢ પ્રીતિ.

“ભગવાન અને સંતમાં ગાઢ પ્રીતિ કરવી. તો જ આપણું આત્યંતિક કલ્યાણ થાય. એવી પ્રીતિની વાત કરીએ:

“મહારાજે ભાદરાથી અઢાર જણને કાગળ લખ્યો: ‘બધાં કામ પડતાં મૂકીને, જ્યાં હો ત્યાંથી નીકળીને, જેતલપુર રામદાસ સ્વામી પાસે ત્યાગીની દીક્ષા લઈ ભુજ આવો.’

“આ કાગળ સુરા, અલૈયા, મામૈયા વગેરે મોટા મોટા દરબારો, બંધિયાવાળા ડોસાભાઈ વગેરે શેઠિયાઓ ઉપર પહોંચ્યો. બધા તૈયાર થઈ નીકળી પડ્યા. મેથાણના અજા પટેલના ભાણા કલ્યાણદાસનાં લગન થાતાં હતાં. ચોરીમાં બેઠા હતા. ત્યાં કાગળના સમાચાર આવ્યા. મહારાજે તેમનું નામ લખ્યું નહોતું, પણ અઢારનાં નામ લખી, ‘એ આદિ’ એમ શબ્દ લખ્યો હતો. એમ કહી પટેલે કહ્યું, ‘હું આદિમાં આવી ગયો.’ કહી બ્રાહ્મણને કહ્યું, ‘રાખ્ય.’ ત્રણ ફેરા ફર્યા હતા. ચોથે ફેરે વાડ ઠેકીને વયા ગયા.

“હિન્દુસ્તાનમાં આવું કાર્ય બન્યું નથી. બધા દીક્ષા લઈ ભુજ ગયા. ભુજમાં મહારાજ તેમને લેવા સામા આવ્યા. ‘અહોહો! મારી આજ્ઞા પાળી!’ મહારાજ આ નવા પરમહંસની મંડળીથી એક ગાઉ દૂર હતા, ત્યાંથી દંડવત્ કરતાં લેવા ગયા. સુરા, અલૈયા, વીરદાસ વગેરે પરમહંસો સામા દંડવત્ કરતાં આવતા હતા. મહારાજ તેમને બાથમાં ઘાલી મળ્યા. ભેટંભેટા થયા. મહારાજને હર્ષનાં આંસુ આવી ગયાં, ‘આવા દરબારો! મારી આજ્ઞા પાળીને આવ્યા.’ કલ્યાણદાસે અદ્‌ભુત કામ કર્યું હતું, તેથી મહારાજે તેમનું નામ ‘અદ્‌ભુતાનંદ’ પાડ્યું.

“અલૈયા ગામના બે દરબારને ત્યાં પણ કાગળ ગયેલો. તે તૈયાર થઈ ગયા. તેમની માએ કહ્યું, ‘આપણો બસેં વીઘાનો કપાસ છે, તે વીણી લઈને જાવ.’ બન્નેએ વિચાર્યું: ‘વીણી ક્યારે લેવાય? મહારાજની આજ્ઞા તો તરત જ આવવાની છે.’ તેથી ભરવાડને બોલાવી કહ્યું, ‘તારી બસેં ગાયો લાવ ને અમારા ઊભા કપાસમાં મૂકી દે.’ આમ, ખેતર બસેં વીઘાનું ભેળાવી દીધું ને પછી માને કહ્યું, ‘મા! ઓરડામાં કપાસ ભરી દીધો છે.’ માએ કહ્યું, ‘તો હવે જાવ.’ એકે પહેરેલું કેડિયું કાઢવા માંડ્યું. બીજાએ કહ્યું, ‘હવે ફરી ક્યાં પહેરવું છે?’ તે તોડીને હાલી નીકળ્યા.

“આ ગાઢ પ્રીતિ! આવી પ્રીતિ થઈ છે કે નહિ તે વિચારવું. જો થઈ છે તો ફર્સ્ટ નંબરમાં, જો ન થઈ હોય તો કરવી.

“‘સો શાણાએ એક મત’ એવું કરવું. જો ગાઢ પ્રીતિ થઈ જાય તો બેડો પાર. પછી આપણે થોડું ભણ્યા હોઈએ કે ઝાઝું ભણ્યા હોઈએ; આવડત ઝાઝી હોય કે થોડી હોય; થોડું કમાઈએ કે ઝાઝું કમાઈએ; તેનું કાંઈ નહિ. રોટલા તો ભગવાન ને સાધુને દેવા છે, તે દેશે, દેશે ને દેશે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૧૫૪]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase