॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૫: ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું

પ્રસંગ

પ્રસંગ ૧

સં. ૧૯૬૯, સારંગપુર. સ્વામીશ્રીના સંતો સવારે વહેલા ઊઠી પ્રસાદીને કૂવે (હાલ જે આપણા મંદિરમાં કૂવો છે અને જેના ઉપર પંપ ગોઠવ્યો છે) રોજ નાહવા જતા અને નાહીને પાણીનાં માટલાં ભરી પીઠાવાળે ઓરડે લાવતા.

એક દિવસ પરોઢિયે સાધુ હરિકૃષ્ણદાસ કૂવે નાહીને માથે પાણીનું ભરેલું માટલું ઊંચકીને પીઠાવાળે ઓરડે આવતા હતા. એટલામાં ઝીંઝરના દરબાર રાણાભાઈ નાહવા જતા હતા તે તેમને સામા મળ્યા. આ સાધુને આ પ્રમાણે પાણીનાં માટલાં ઊંચકી જતાં જોઈ, દરબાર બોલ્યા, “સાધુ! શું કામ હેરાન થાઓ છો? માથે પાણીનાં માટલાં, પગમાં જોડા નહિ. આવો મમત શું કામ રાખો છો? ચાલો, અમારા મંદિરમાં, રાજધાની ભોગવવાની છે, રાજધાની.”

તેમના આવા અણસમજણના શબ્દો સાંભળી હરિકૃષ્ણદાસે તેમને કહ્યું, “તમે અમારા સ્વામી ભેગા થાઓ અને સમાગમ કરો તો તમને ખબર પડે કે અમે આ મમત્વે કરીને કરીએ છીએ કે મહારાજને રાજી કરવા કરીએ છીએ. તમે ઓરડે આવો તો અમારા સ્વામી તમને સમજણ પાડશે. વળી, અમારે સાધુને તો સેવા જ કરવાની હોય! રાજધાની ભોગવવી હોત તો ઘર શું કામ મૂકત?”

દરબારને આ શબ્દો લાગી ગયા. પોતે પૂર્વના મુમુક્ષુ હતા, એટલે તરત જ તેમણે કહ્યું, “હું હમણાં નાહીને ઓરડે આવું છું.” એમ કહી પોતે નાહવા ગયા.

હરિકૃષ્ણદાસે ઓરડે આવીને સ્વામીશ્રીને આ વાત કરી. તેમણે દરબારને આપેલા જવાબથી સ્વામીશ્રી રાજી થયા અને કહ્યું, “આવો મહિમા સમજાય અને ખપ જાગે ત્યારે મોટાપુરુષને રાજી કરતાં આવડ્યું કહેવાય.”

ઝીંઝરના દરબાર રાણાભાઈ નાહીને ઓરડે આવ્યા. શાસ્ત્રીજી મહારાજને દંડવત્ કરીને સ્વામીશ્રી સન્મુખ પોતે બેઠા અને હાથ જોડીને કહ્યું, “આપના વિષે મેં ઘણી ઘણી વાતો સાંભળી છે, પણ ‘બહાર નીકળી ગયા છે, બંડિયા છે.’ એવા વિરોધી શબ્દોથી અત્યાર સુધી દર્શન કરવા નહોતો આવતો.”

સ્વામીશ્રી તેમના તરફ સહેજ હસ્યા અને પછી કહ્યું, “તમે તો પૂર્વના સંસ્કારી છો, એટલે અહીં અવાયું છે.” એમ કહી હરિકૃષ્ણદાસને કહ્યું, “લાવો, વચનામૃતનો ચોપડો.”

પછી તેમની પાસે ‘અક્ષરનાં બે સ્વરૂપ’ના નિરૂપણનું વચનામૃત (ગઢડા પ્રથમ ૨૧) તથા ‘ભગવાનના ભક્તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી’ (ગઢડા પ્રથમ ૭૧); વળી ‘ભગવાનના સંતની સેવા બહુ મોટાં પુણ્યવાળાને મળે છે પણ થોડાં પુણ્યવાળાને મળતી નથી’ (ગઢડા મધ્ય ૫૯); તેમ જ ‘ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય અને તે બે જન્મે કે ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનાર હોય, તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે, એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.’ (વચનામૃત વરતાલ ૫) – આ બધાં વચનામૃત વંચાવી, મહારાજના ઉત્તમ ભક્ત અને સંત તો ગુણાતીતાનંદ સ્વામી જ છે, ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષરનો અવતાર છે અને અક્ષરધામ સહિત મહારાજના સ્વરૂપની ઉપાસના કરવી, તે જ ઉપાસનાનો સનાતન સત્ય સિદ્ધાંત છે, તે સમજાવ્યું.

વચનામૃતના આધારે સ્પષ્ટ અને સિદ્ધાંતની વાત સાંભળી, રાણાભાઈને આ શુદ્ધ ઉપાસનાની વાત સમજાઈ ગઈ.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૩૮૩]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase