વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૬૨

સં. ૧૯૯૨ના અધિક ભાદરવા માસમાં અમદાવાદ મુકામે શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં અલૌકિક પારાયણ યોજાઈ હતી. આ પ્રસંગે જુનાગઢ દેશના ગુણાતીત જ્ઞાનના અભ્યાસી શ્રી અર્જુનભાઈ રણછોડભાઈ ચાવડા પણ કથાલાભ લેવા આવતા. તેઓએ જૂનાગઢના સમર્થ સંતો સ્વામી નારણદાસજી, સ્વામી ત્યાગવલ્લભદાસજી તથા પીપલાણાના જોગી સ્વામી ધર્મપ્રસાદદાસજી વગેરેનો પણ સમાગમ કરેલો.

એક વાર ગોંડળના જૂના સ્વામિનારાયણ મંદિરમાં અર્જુનભાઈ દર્શન માટે ગયા હતા. ત્યાં સભામાં આ જ વચનામૃત ગઢડા પ્રથમ ૬૨ વંચાતું હતું. તે પરથી તેઓએ નારણદાસ સ્વામીને પૂછ્યું, “સ્વામી! સત્યશૌચાદિક કલ્યાણકારી ગુણ જો સંતમાં આવે તો તે સંત ભગવાનનું સ્વરૂપ ગણાય કે નહીં?”

ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર નારણદાસ સ્વામીએ કહેલું, “એવા કલ્યાણકારી ગુણો જે સત્પુરુષમાં હોય તે સત્પુરુષ ભગવાનનું સ્વરૂપ જરૂર ગણાય.” ઘણા વખત પહેલાં સાંભળેલી આ વાત અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજની વાણી સાંભળી અર્જુનભાઈને સત્ય લાગી અને થયું કે: નક્કી આ શાસ્ત્રીજી મહારાજ ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છે.

બાદ તેઓએ શાસ્ત્રીજી મહારાજને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તેના ખુલાસા કરી શાસ્ત્રીજી મહારાજે કહ્યું, “મારે તમને પાંચ – સાત વચનામૃતો સમજાવવા છે. માટે બોચાસણ સમૈયે આવજો.” તેથી અર્જુનભાઈ બોચાસણ ગયેલા અને આ વચનામૃત ગઢડા પ્રથમ ૬૨ મુજબ તેઓને ભગવાનના ઓગણચાલીસ કલ્યાણકારી ગુણો શાસ્ત્રીજી મહારાજમાં પ્રગટ છે તેવો નિશ્ચય થઈ ગયો. ગુણાતીત જ્ઞાનના જાણકાર અર્જુનભાઈને આટલાં વર્ષની તપશ્ચર્યાને અંતે સાચી વસ્તુ પ્રાપ્ત થયાનો અતિશય આનંદ થયેલો.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૧૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ