વચનામૃત પ્રસંગ

ગઢડા અંત્ય ૨૧

પ્રસંગ ૧

સં ૧૯૪૫, મહુવા. યજ્ઞપુરુષદાસજીએ વચનામૃત ગઢડા પ્રથમ ૨૭ તથા પ્રસંગો દ્વારા ભગતજી મહારાજ વર્તમાન કાળે પ્રગટ એકાંતિક ભક્ત છે એવી વાતો કરી ત્યારે યજ્ઞપુરુષદાસજી બોલ્યા, “જુઓ ગઢડા અંત્ય ૨૧માં કહ્યું છે કે જેમ સોનાનો દોરો છએ ઋતુમાં સરખો રહે, પણ ઉનાળાના તાપમાં ઢીલો થાય નહીં; તેમ સત્પુરુષમાંથી જેનું મન પાછું હઠે એવા દૃઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારા સગાંવહાલાં છે. તે જ અમારી નાત છે. અને આ દેહે એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે; માટે વિચાર કરો કે સત્સંગમાં જેવું અને જેટલું ભગતજીનું અપમાન થયું છે તેવું તો કોઈનું થતું સાંભળ્યું નથી તો પણ સાધુ-સત્સંગીથી લગાર પણ ભાવ ઓછો થયો છે?”

ત્યારે વિઠ્ઠલભાઈએ કહ્યું, “ખરેખર! આ વચનામૃત તો સંપૂર્ણ ભગતજી ઉપર જ ઊતરે છે; કાં જે તેમના જેવું અપમાન તો કોઈનું થયું દીઠું નથી અને સાંભળ્યું પણ નથી, તે આખો સત્સંગ જાણે છે. માટે આ વચનામૃત પ્રમાણે ભગતજી પરમ એકાંતિક છે, એમ નક્કી થાય છે.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૨૫૩]

 

પ્રસંગ ૨

સં. ૧૯૫૨માં જળઝીલણીના સમૈયે ગઢડામાં ભગતજી મહારાજ આચાર્ય મહારાજના ઉતારે પધાર્યા હતા. અહીં બપોરે બે વાગે આચાર્યશ્રીએ વચનામૃત ગઢડા પ્રથમ ૨૭ તથા વચનામૃત ગઢડા અંત્ય ૨૧ મોતી ભગત પાસે વંચાવેલા. તે વખતે તેઓએ કહેલું, “આ બે વચનામૃતો તો ભગતજી પર ઊતરે છે. કારણ, ભગવત્પ્રસાદજી મહારાજ જ્યારે મહુવે ગયા હતા ત્યારે પવિત્રાનંદ સ્વામી ભગતજીનો તિરસ્કાર કરતા, પણ ખરા ઉનાળાના તાપમાં રેતીમાં, તંબુ સામે ભગતજી બેસતા અને સાંજે કથા પછી ઊઠતા. એમ સંતોનાં દર્શન અને કથાવાર્તાની આવી આસક્તિ તો એક એમાં જ દીઠી. તેમની આવી અતિ નિર્માનીપણાની સાધુતાની સ્થિતિ જોઈ સર્વેને નિશ્ચય થયો કે ‘આવા પુરુષ તો એ એક જ.’ હું પણ એમની સ્થિતિ જોઈ આશ્ચર્ય પામી ગયો. કારણ કે સોયનો દોરો હોય એ જ છએ ઋતુમાં સરખો રહે અને બીજા તો ઉનાળાના તાપે ઢીલા થઈ જાય. એમ સત્સંગમાં અપમાનરૂપી ઉનાળાના તાપે કરીને તો જે એવી સ્થિતિવાળા હોય તેનું સમું રહે, પણ બીજા તો સત્સંગ મૂકીને ચાલ્યા જાય.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૪૩૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ