વચનામૃત પ્રસંગ

ગઢડા અંત્ય ૧૭

આશાભાઈ, ઈશ્વરભાઈ તથા મોતીભાઈ એ ત્રણેયની જમીનનો ભેગો વહીવટ હતો. એક વાર તેઓ શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કરવા પોતાના ગામ પુરુષોત્તમપુરાથી એક ગાઉ દૂર રઢુ આવ્યા હતા. આશાભાઈએ રહેવા તથા કપાસ, અનાજ વગેરેના ગંજ ભરવા માટે નવીન આલીશાન બંગલો બનાવ્યો હતો. સંવત ૧૯૮૫ના આ વર્ષે વિષમ દેશકાળ છતાં છસો મણ કપાસ, સાતસો મણ ચણા, અને એક હજાર મણ ઘઉં તથા બીજી પરચૂરણ વસ્તુઓ વેંચાણ માટે પોતાના આ બંગલામાં સંઘરી હતી.

એક સાંજે તેમના વચલા પુત્ર રમણભાઈએ દીવા પ્રગટાવતી વખતે રમતમાં, સળગેલી દીવાસળી ફેંકી. પાસે પડેલા કપાસનાં ગંજમાં આ દીવાસળી પડી અને બંગલા સહિત બધો માલ-સામાન ભસ્મિભૂત થઈ ગયો.

આ સમાચાર રઢુમાં સૌને મળ્યા પણ આશાભાઈના મુખની રેખા પણ ન ફરકી. પછી શાસ્ત્રીજી મહારાજે ઈશ્વરભાઈ અને મોતીભાઈને પુરુષોત્તમપુરા મોકલ્યા. ત્યાં જઈને તેમણે જોયું તો કાંઈ બચ્યું નહોતું. પછી રઢુથી મણ ખીચડી મંગાવી સૌને જમાડ્યા.

મોતીભાઈ રઢુ પહોંચ્યા એટલે શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું, “કેટલું બચ્યું છે?”

ખૂબ જ ધીરજ રાખી મોતીભાઈએ હાથ જોડી કહ્યું, “બાપા! કાંઈ બચ્યું નથી. ઊલટું, કાલ રાત્રે મણ ખીચડી લાવ્યા ત્યારે સૌ જમ્યાં.” આટલું બોલ્યા ત્યાં તેમની આંખમાં ઝળઝળિયાં ભરાઈ ગયાં.

સ્વામીશ્રીએ તેમનો વાંસો થાબડી ધીરજ આપી. પછી મોતીભાઈએ કહ્યું, “સ્વામી! દસ વર્ષ પરાની સેવા કરી, પણ પરાની દશા વળી નહીં.”

સ્વામીશ્રીએ તેમને સાંત્વન આપ્યું અને કહ્યું, “તમારાં તમામ પાપ બળી ગયાં. હવે સારું થશે.”

મોતીભાઈએ હાથ જોડી પૂછ્યું, “સ્વામી! આપના સંબંધમાં આટલાં વર્ષોથી આવ્યા પછી પણ પાપ રહ્યાં હશે ખરાં?”

ત્યારે સ્વામીશ્રીએ હસીને ઉત્તર આપ્યો, “ભગવાનના એકાંતિક ભક્તને તો ભગવાન સિવાય બીજે ઠેકાણે પ્રીતિ કે વાસના રહે તે જ પાપ કહેવાય. (વચનામૃત ગઢડા અંત્ય ૧૭) બંગલો બળી ગયો તેમાં સાંખ્યજ્ઞાન મહારાજે કરાવી દીધું. હવે સંપત્તિ વધશે તો પણ સાંખ્યજ્ઞાન થયું છે એટલે વાસના નહિ રહે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૫૮૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ