વચનામૃત પ્રસંગ

વરતાલ ૧૯

સં. ૧૯૨૮માં ભગતજી મહારાજ વડતાલ બિરાજમાન હતા. આ અરસામાં કોઠારી શ્રી ગોવર્ધનભાઈના ભત્રીજા શ્રી ગિરધરભાઈને ભગતજીનો પ્રસંગ થયો. આ ગિરધરભાઈ પહેલેથી જ મુમુક્ષુ હતા અને સાધુતાના ગુણે યુક્ત હતા. વડતાલમાં શુકમુનિ સ્વામીના શિષ્ય ધર્મપ્રસાદદાસજીનો સમાગમ કરતા. સ્વામી ધર્મપ્રસાદદાસજીએ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરેલો જેથી તેમની વાતોમાં વારંવાર વચનામૃત વરતાલ ૧૯ પ્રમાણે “ભગવાન કે ભગવાનના મળેલા સંત મળે ત્યારે જ મોક્ષ થાય.” એમ આવતું તેથી ગિરધરભાઈએ એવા સત્પુરુષનો સમાગમ કરવાનો નિશ્ચય કર્યો. એવા સત્પુરુષ શોધવા પ્રથમ ગઢડા ગયા. ત્યાં માના ભગત પાસે ત્રણ માસ રહ્યા. મહાપુરુષદાસજી તથા રઘુવીરચરણદાસજીનો સમાગમ કર્યો, પણ શાંતિ ન થઈ.

અમદાવાદમાં નિર્ગુણદાસજીના સમાગમમાં બે માસ રહ્યા પણ સત્પુરુષ ન મળ્યા. ભુજમાં અચ્યુતદાસ પાસે રહ્યા કે જેઓ આત્માને અખંડ દેખતા છતાં ત્યાં પણ તેમનું મન માન્યું નહીં. છેલ્લે વડતાલ આવ્યા અને સત્પુરુષ મેળવવાનો તીવ્ર આલોચ, તેથી કોઠારનું કામ પતાવી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાસે એક પગે ઊભા રહી માળા ફેરવવાની શરૂઆત કરી. તેમના તપથી અને એક નિષ્ઠાથી પ્રસન્ન થઈ મહારાજે દર્શન દીધાં. ગિરધરભાઈએ મહારાજનાં દર્શન કરી સ્તુતિ કરી, “હે મહારાજ! આપની મૂર્તિનું અખંડ સુખ આવે અને હૃદયમાં આપ અખંડ બિરાજો અને સ્થિતિ કરી દ્યો.” મહારાજે તેમની અલૌકિક માંગણીથી પ્રસન્ન થઈ કહ્યું, “ભક્તરાજ એવી સ્થિતિ તો એવા પરમ એકાંતિક સત્પુરુષને સેવો તો થાય. એવા સત્પુરુષ જ જીવમાંથી અનંત જન્મના બડવાળ કાઢી, મૂળ અજ્ઞાનનો નાશ કરી જીવને શુદ્ધ કરી મારી મૂર્તિ હૃદયમાં સ્થાપી શકે છે. એવા સત્પુરુષ વર્તમાન કાળે પ્રાગજીભક્ત છે. તેને સેવો.” એમ કહી મહારાજ અંતર્ધાન થયા.

ગિરધરભાઈને કપડાં સીવનાર પ્રાગજી દરજી પર વિશ્વાસ ન આવ્યો અને મનમાં વિચાર્યું, “મહારાજે બીજા સદ્‌ગુરુ ન બતાવ્યા.” આથી ફરીથી એ જ પ્રમાણે તપ કર્યું.

મહારાજે એક મહિને ફરીથી દર્શન દીધાં. ગિરધરભાઈએ ફરી એ જ પ્રાર્થના કરી, “મહારાજ! અખંડ દર્શન રહે અને સ્થિતિ થાય એવું કરી આપો અને એકાંતિક બતાવો.” ત્યારે મહારાજે હસતાં હસતાં કહ્યું, “ભક્તરાજ! એકાંતિક તો પ્રાગજી ભક્ત છે. દરજીના સ્વાંગ નીચે મારી મૂર્તિ અખંડ ધારી એકાંતિક ધર્મ સિદ્ધ કરેલા એ બહુ મોટા પુરુષ છે. માટે વર્ણનું માન મૂકી તેમને શરણે જશો તો શાંતિ થશે.” આટલું કહી મહારાજ અંતર્ધાન થયા. ત્યારે તેમણે નિશ્ચય કરી લીધો કે “પ્રાગજી ભક્તને સંપૂર્ણ સેવી લેવા.” બીજે દિવસે ભગતજીની વાતો સાંભળી અંતર ભેદાઈ ગયું. પરિપૂર્ણ નિષ્ઠા થઈ. ભગતજીનો અખંડ સમાગમ કરવા લાગ્યા. ગોવર્ધનભાઈને લાગ્યું કે ગિરધરભાઈ હવે ધોળે લૂગડે રહેશે નહીં એટલે અદ્‌ભુતાનંદ સ્વામી પાસે દીક્ષા અપાવી વિજ્ઞાનદાસજી નામ પાડ્યું.

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૬૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ