વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૨૭

સં. ૧૯૭૯, સારંગપુર. શાસ્ત્રીજી મહારાજની પ્રવૃત્તિમાં મંગળા આરતીની કથા પછી બહુધા મંદિરના કારખાનાના કામને જ વેગ આપવાનું કાર્ય ચાલતું. કથાવાર્તા અને સેવામાં અત્યંત વેગવાળા સાધુ હરિકૃષ્ણદાસને જ્ઞાનવાતોની રુચિ ઘણી જ રહેતી અને સંપ્રદાયમાં જ્ઞાનને જ ઘણું મહત્ત્વ આપ્યું છે એમ તેઓ સમજતા હતા. તેથી તેમણે એક વખત સ્વામીશ્રીને હાથ જોડી કહ્યું, “સ્વામી! પથરા ઊંચકેથી કાંઈ ઉપાસના પ્રવર્તશે? એ તો કથાવાર્તા કરી જ્ઞાન પ્રવર્તાવશો ત્યારે થશે.”

આ સાધુની જ્ઞાન માટેની આટલી ધગશ જોઈ, સ્વામીશ્રી તેમના તરફ કરુણાભીની દૃષ્ટિએ જોઈ રહ્યા. શુદ્ધ ઉપાસનામાં ભાગવત ધર્મ અને ભક્તિનિષ્ઠાનું જે મહત્ત્વ છે તે સમજાવતાં સ્વામીશ્રીએ તેમને વાત કરી, “શ્રીજીમહારાજે એકાંતિક ધર્મની સિદ્ધિ માટે ચાર પ્રકારની નિષ્ઠા દૃઢ કરવાની ખાસ આજ્ઞા કરી છે. ભાગવત ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્યનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા અને એ ચારે નિષ્ઠાવાળાનાં જુદાં જુદાં લક્ષણો પણ મહારાજે બતાવ્યાં છે. એ ચાર પ્રકારની નિષ્ઠા દૃઢ થાય ત્યારે જ એ પરમ ભાગવત સંત કહેવાય અને ત્યારે જ તેને એકાંતિક ધર્મ સિદ્ધ થયો ગણાય.

“કથાવાર્તા કરી જે સ્વરૂપોની નિષ્ઠા આપણે દૃઢ કરવાની છે તે બે સ્વરૂપો જ અહીં આપણે પધરાવ્યાં છે. તે બે સ્વરૂપનો જ યથાર્થ મહિમા જ્યારે અંતરમાં ઊતરશે ત્યારે જ સ્વરૂપનિષ્ઠા દૃઢ થશે.

“સ્વરૂપનિષ્ઠા દૃઢ હશે તો જ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આવશે. એ સ્વરૂપોની ઉપાસનામાં રહેવા સારુ જ મહારાજે ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે. ઉપાસનાનો નાશ થઈ જાય તો પાછળથી અંધપરંપરા ચાલે. એટલે કે શ્રીજીમહારાજનું અનાદિ ભગવાનપણું અંતરમાંથી નીકળી જાય અને ભગવાનના સ્વરૂપ સાથેનો સ્વામી-સેવકભાવ પણ ટળી જાય. પરિણામે, પોતે જ ગુરુ અને પ્રભુ થઈને પૂજાય. માટે ઉપાસના રહિતનું જ્ઞાન અભદ્ર છે. શ્રીજીમહારાજે પંચાળામાં ગુણાતીતાનંદ સ્વામીને બતાવીને કહ્યું, ‘હું જેવો કોઈ ભગવાન નથી ને આ જેવા કોઈ સાધુ નથી.’ એ બે સ્વરૂપનું શુદ્ધ સનાતન સર્વોપરી જ્ઞાન અને ઉપાસના પ્રવર્તે તે જ સેવા છે અને તે જ જ્ઞાનનો લક્ષ્યાર્થ છે.”

એટલી વાત કરીને પછી સ્વામીશ્રીએ કહ્યું, “સાધુરામ! શ્રીજી-સ્વામીની આવી સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવા માટે આપણે પથરા ઊંચકીએ અને દાખડા કરીએ છીએ, તેને સેવા-ભક્તિ માનીશું તો ભક્તિમાં સહાયરૂપ થશે, પણ તેને કેવળ પથરા જ ઊંચકીએ છીએ એમ માનીશું, તો તે કલ્યાણના માર્ગમાં જરૂર વિઘ્નરૂપ છે. માટે એવી ખોટી સમજણનો ત્યાગ કરીને ઉપાસના માટે થતાં મંદિરોનો મહિમા સમજવો.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૫૦૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ