વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૫૦

ગુણાતીતાનંદ સ્વામી કહે, “મહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા? માટે બુદ્ધિ તો એટલી જ જે, મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહીં. તે મહારાજ કહેતા જે, ‘નાથ ભક્ત બુદ્ધિવાળા છે ને દીવાનજી મૂર્ખ છે.’”

[સ્વામીની વાતો: ૨/૨૩]

 

સં. ૧૯૪૩. મહેમદાવાદ. શાસ્ત્રીજી મહારાજ કહે, “જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તેથી જ જે મોક્ષના દ્વારરૂપ સત્પુરુષને ઓળખે છે અને ઓળખીને પોતાના કલ્યાણનું જતન કરે છે, તેની બુદ્ધિ લોક વ્યવહારમાં કે વિદ્વત્તામાં કદાચ થોડી જણાય, તો પણ તે કુશાગ્રબુદ્ધિવાળો જ છે. વળી, જેમાં વ્યાવહારિક ઝાઝી બુદ્ધિ હોય, વળી, વિદ્વત્તા પણ હોય, પણ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી, એટલે કે મોક્ષના દ્વારરૂપ સત્પુરુષને ઓળખી શકતો નથી તો તેની બુદ્ધિ દૂષિત છે. એમ જેને જેને ભગવાનના સ્વરૂપરૂપ સત્પુરુષ ઓળખાયા તે જ બુદ્ધિવાળો, તે જ ધર્મી અને તે જ જ્ઞાની છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૮૯]

 

કલ્યાણનું જતન

સભા પ્રસંગમાં સ્વામીશ્રીએ વાત કરી:

“દરેક પોતાની બુદ્ધિને સવાઈ માને છે. મોટા શેઠિયા, રાજા, બધા પોતાની બુદ્ધિને સવા શેર માને છે. બધાને આ લોકની જ મોટપ છે. શ્રીજીમહારાજ અમદાવાદ ગયા. ત્યાં પેશ્વાએ મહારાજને પૂછ્યું, ‘તમે આ સંપ્રદાય સ્થાપ્યો તેમાં મધ્યસ્થ કોણ છે? લલ્લુ બાદર કે મણકી જેવાએ તમારો સંપ્રદાય માન્ય કર્યો છે?’ આ સાંભળી મહારાજ બોલ્યા, ‘લલ્લુ બાદર કે બેચર મણકી અમારું શું જાણે? એ તો વ્યાવહારિક મોટપવાળા છે, તે અમારું શું પ્રમાણ કરવાના હતા? નવ યોગેશ્વર, સનકાદિક વગેરે અમારા મધ્યસ્થ છે.’ પેલો પેશ્વા આમાં શું સમજી શકે?

“શ્રીજીમહારાજનો આશરો કરવો, શ્રીજીમહારાજના એકાંતિક સંત હોય તેમાં આત્મબુદ્ધિ કરવી, અને ‘શ્રીજીમહારાજ જ એક આપણા ઇષ્ટદેવ છે, કર્તાહર્તા છે,’ એવો જે ભાવ બેસી જવો, તે જ કલ્યાણનું જતન કહેવાય. અને આવું કલ્યાણનું જે જતન કરે તે જ કુશાગ્ર બુદ્ધિવાળો છે.

“એક શેઠ હતા. તે રાત્રે સૂતા હતા, તેમને ઘેર સોનાનો ડાબલો હતો. રાત્રે ચોર આવ્યા. શેઠાણી જાગતાં હતાં. તેમણે શેઠને કહ્યું, ‘ઊઠો, ચોર ઘરમાં પેઠા.’ શેઠ સૂતાં સૂતાં કહે, ‘જાગું છું.’ ત્યાં તો ચોરે પટારો ઉઘાડ્યો. શેઠાણીએ શેઠને હલાવી કહ્યું, ‘ઊઠો, આ તો પટારો ઊઘાડ્યો.’ તોય શેઠ બોલ્યા, ‘જાગું છું.’ ત્યાં તો ચોર સોનાનો દાબડો લઈને ચાલવા માંડ્યા. શેઠાણીથી રહેવાયું નહિ. તેમણે શેઠને ઢંઢોળીને કહ્યું, ‘ઊઠો, ઊઠો, શું સૂઈ રહ્યા છો, ચોર તો આ દાબડો લઈને ચાલ્યા.’ છતાંય શેઠ સૂતાં સૂતાં બોલ્યા, ‘જાગું છું.’ તે આ જાગ્યા શા ખપના? ઊઠીને ચોરને પકડી પાડવો જોઈએ. જો જતન ન કર્યું તો દાબડી ગયો.

“ભગવાન કે સંત મળ્યા છે તેમાં દિવ્યભાવ લાવવો તે જતન કહેવાય. તેમાં મનુષ્યભાવ આવે તે જતન ગયું.

“મોક્ષ એટલે આત્યંતિક કલ્યાણ. કલ્યાણનો માર્ગ સત્પુરુષ છે. સત્પુરુષ એ રસ્તો બતાવનારા છે. એમાં વિશ્વાસ રાખવો. પરંતુ ‘સાધુ કહેતા ભલા અને આપણે સાંભળતા ભલા’ એમ થાય તો કલ્યાણના માર્ગમાંથી પડ્યો.

“ગોપીઓ જાડી બુદ્ધિવાળી હતી પણ ભગવાનને ઓળખ્યા. ઋષિઓએ કૃષ્ણ ભગવાનને ન ઓળખ્યા. લોકલને આગળ લીધી, મેલ પાછળ રહી ગયો. ભગવાનને ‘ગોપીજનવલ્લભાય નમઃ’ એમ કહેવાય છે. વેપાર-રોજગાર ચોવીસ કલાક બરાબર કરે અને કલ્યાણનું જતન ન કરે તો જાડી બુદ્ધિવાળા કહેવાય.

“નરસીં મે’તા ભગવાનના ભક્ત હતા. ચોવીસ કલાક ભજન કરતા. પણ હતા ત્યારે કોઈએ ઓળખ્યા નહિ. અત્યારે ત્યાં માથાં ઘસે છે, તે વખતે કોઈ પાણી પાવા નહોતા જતા. અત્યારે નાગરો કહે, ‘અમારા કુળમાં નરસીં મે’તા થઈ ગયા!’

“શાસ્ત્રીજી મહારાજ હતા ઘણા સાધુઓએ ન ઓળખ્યા. પછી કહે, ‘શાસ્ત્રીજી મહારાજ અમારા વંશના હતા.’ કલકત્તામાં નેવું લાખ માણસ છે, પણ કોઈ ભગવાન ભજવા નવરો નથી.

“માટે પોતાના કલ્યાણને અર્થે જે સાવધાનપણે વર્તે છે તે કુશાગ્ર બુદ્ધિવાળા છે. વીજળી ગાડીમાં બેસવું હોય તો સાવધાન રહેવું પડે. એક મિનિટ ઊભી રહે. થાથા-થાબડ જેવો હોય તે તો પડી જાય. મોટા રાજા હોય તોય જો સાવધાન ન રહે તો રહી જાય.

“આ જગતમાં જેણે ભગવાનને નથી ઓળખ્યા તે સર્વે મૂરખ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૨૪૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ