વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૮

તા. ૨૪/૨/૧૯૬૩, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા અંત્ય ૮ પર યોગીજી મહારાજે વાત કરી, “ઇન્દ્રિયો હરાઈ ફરતી હોય તે દુઃખિયો રહે. મોક્ષભાગીને પશ્ચાત્તાપ થાય. દુઃખ થયું તે જ પ્રાયશ્ચિત્ત. ભગવાન ને સંતની કૃપા થાય તો ઇન્દ્રિયો ધોડે જ નહીં. એક જ વાનું કયું રાખવું? મિત્રપણું. તો પાંચેય વાનાં આવી જાય. હેત થયું હોય તો કઠણ વચન કહે, ધર્મ પળાવે, પણ કોઈનો અભાવ ન આવવા દે. મિત્રભાવ એ જ મુદ્દો.

“અક્ષરપુરુષોત્તમનો સંબંધ ન હોય તે ભગત જ નથી. બીજા (પરોક્ષવાળા) તો માર્ગે ચાલ્યા છે. સો જન્મની કસર ટાળવા માટે જે ભક્ત કહ્યા તે ગુણાતીત. અભાવ ન લેવાય. મહિમા સમજાય તે માટે બધાને ભક્ત કહ્યા. આપણા દોષ જોવા, ને આપણી ભૂલ કાઢવી. રહે ભેગો ને મન નોખું રાખે કે ‘ત્યાં જ કલ્યાણ ભાળ્યું છે?’ એમ ઘરે ભજન કરે કે, ‘ઘરે મૂર્તિયું છે’ એમ માને, એ મન નોખું પડ્યું. મંદિર છાંડી જાય. સમાગમમાં ન આવે. ‘ત્યાં જ કલ્યાણ ભાળ્યું છે?’ તે બેપરવાઈપણું. કોઈ જાતનો દોષ ન લેવો. મન નોખું પડે તે અડધું-પડધું વિઘન; પણ બેપરવાઈવાળો તો ઠામૂકો જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૪]

 

તા. ૧૩/૧૧/૧૯૬૭, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા અંત્ય ૮નું નિરૂપણ કરતાં યોગીજી મહારાજે કહ્યું, “કેટલાક ભગવાન અને સંતથી ઉદાસ થાય છે, તેને સત્પુરુષનો સંગ મળે તે ન ગમે. વિમુખનો સંગ કરે. વિમુખ શું? ધર્મ-નિયમ ન પાળતો હોય તે વિમુખ. એવા ધર્મ-નિયમમાં નથી, તે સંસ્થાએ બહાર કાઢેલા વિમુખ છે. મહારાજ છતાંય એમ જ હતું. મહારાજ અંતર્યામી હતા. તોય રોળાનંદ જેવાને કેમ સાધુ કર્યા હશે? ધણી કહેવાય. ચાહે સો કરે. તેનો વાંક તો કઢાય જ નહીં. પણ એવા રોળાનંદ, નિર્વિકલ્પાનંદ જેવાનાં લક્ષણ સારાં નહીં. વૃત્તિ બગડેલી, નસીબ એવાં થઈ ગયાં તો સ્વામીની (શાસ્ત્રીજી મહારાજની) સંસ્થા છોડીને નીકળી ગયા. દ્રોહ કર્યો.

“રોળાનંદને ગોલીટા દાવ રમવાનું કોણે કહ્યું? મહારાજે. સાધુ કોણે બનાવ્યો? મહારાજે. પછી સુરાખાચરને કહીને કઢાવી નાખ્યો. મહારાજનો અને સત્પુરુષનો સીધું કહેવાનો કાયદો નહીં. એમને ધીરજ કે ભગવાન ભેગો રહ્યો છે તો શુદ્ધ થાય. પણ શીંગડિયા વછનાગનું સેવન કરે તો શુદ્ધ થાય? તેવા અહીં રહે, ભગવાન ભેગા રહે તોય શુદ્ધ ન થાય. એવો ને એવો જ ઝેરી રહે. આસુરીભાવ બદલે જ નહીં. સત્પુરુષ દૈવીને શુદ્ધ કરે. બીજાને ક્યાં શુદ્ધ કરવા જાય?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૩૫]

 

૨૪-૫-૧૯૬૮, નડિયાદ. સ્વામીશ્રીએ પોતાના ૭૭મા જન્મોત્સવ દિને શુભ આશીર્વાદ પાઠવતાં કહ્યું, “... ગ. છે. ૮ના વચનામૃતમાં મહારાજે સદા સુખિયા થવાના ઉપાયો બતાવ્યા છે. દૃઢ વૈરાગ્ય ને દૃઢ સ્વધર્મે કરીને ઇન્દ્રિયો વશ કરવી. સ્વધર્મ શું? સદાચાર. શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. બીજું, ભગવાન ને ભગવાનના ભક્તમાં અતિશય પ્રીતિ. થોડી લખી હોય તો બાધ હતો? પણ દેહ કરતાં વધારે એટલે અતિશય શબ્દ મૂક્યો.

“ભગવાન ને સંતથી ઉદાસ ન થવું. તાપ પડતો હોય તો ‘કોણ સભામાં જાય છે?’ એમ ન કરવું. ઘણા ઠંડી હવા ખાવા સિમલા જાય છે. આવી હવા - ભીડાની હવા - તે જ હવા.

“ગોંડલ બાપુને કોઈએ પૂછ્યું, ‘બીજા બધા પોરબંદર હવા ખાવા જાય છે. તમે કેમ જતા નથી?’ ત્યારે બાપુ વાત કરતા હતા, ‘આપણે કાઠિયાવાડના માણસને તડકો એ જ હવા.’

“ઘણાં એમ કહે, ‘એકાંતે-નિરાંતે દર્શન કરી આવશું. સમૈયામાં શું જવું?’ ભીડામાં વસ્તુ ન મળી, પણ નિરાંત તો ઘેર છે જ. ભીડો વેઠવો ને દરેકનો ગુણ લેવો, એ જ ખરી સેવા છે.

“ભગવાન ને ભગવાનના ભક્તથી ઉદાસ ન થવું. ઉદાસ શું? પહેલી ગાડી પકડે. ‘પાણીનો છાંટોય ન મળ્યો.’ ઘરમાં કોઈ ઉદાસ થયો! કોઈ ઘરથી ઉદાસ થઈને સાધુ થવા નથી આવતો. ધોકા ખાય તોય પડી રહે. દાદાખાચર ઉદાસ ન થયા. મહારાજને ત્રીસ વરસ રાખ્યા ને લાખો રૂપિયા ખર્ચ્યા.

“પાંચમી કલમ - ભગવાન ને ભક્તના સંગે જ રાજી રહે. આ બધો સંગ કહેવાય. છઠ્ઠી કલમ - કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ. ભગવાનનો દ્રોહ કરતા હોય તે વિમુખ કહેવાય. આ છ ઉપાય કરે તે આ લોક ને પરલોકમાં સદાય સુખિયો રહે છે. આ છ કલમમાં જે ત્રીજી કલમ છે, જે ભગવાન ને ભગવાનના ભક્તમાં મિત્રભાવ રાખવો, તેમાં બધું આવી જાય છે..."

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૫/૫૪]

 

તા. ૧૩/૧૧/૧૯૭૦, રાજકોટ. પારાયણ પ્રસંગે વચનામૃત ગઢડા અંત્ય ૮ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “આજે પારાયણ વંચાય છે. ગીતા-ભાગવતની યાદી રહે. પણ આ વચનામતની યાદી ન રહે. આ તો વેદવાક્ય કહેવાય. જેને શ્રીજીમહારાજની પ્રેરણા હોય તેને ૨૬૨ વચનામૃત મોઢે હોય. અત્યારે વચનામૃતની પારાયણ ચાલે છે. તો તેમાં કહ્યા છે તેવા ગુણ શીખવા. જો વાંચે નહીં અને વિચારે પણ નહીં, તો સાર સમજ્યામાં ન આવે. મહારાજની વાણી અને મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાણી સર્વોપરી છે. તેની પારાયણ કરાવવી તે ઉત્તમ ગણાય. વ્યવહારમાં પૈસા જાય તે ઉત્તમ ન ગણાય. ભગવાનની સેવામાં જાય તે ઉત્તમ. ‘સદાય સુખિયા રહેવાનું’ – આ વચનામૃત શાસ્ત્રીજી મહારાજ વંચાવતા. તે સાંભળી, યાદ રાખીને અમલમાં મૂકજો. ‘શ્રીજીમહારાજનો કથાનો ઇશક તે ગાદી-તકિયા જાતે નખાવ્યાં અને વાત કરવી શરૂ કરી. સુગંધીમાન પુષ્પ કાનમાં લટકાવ્યાં. શોભા બહુ સારી થઈ.

“સદાય સુખિયો એટલે કો’ક દા’ડો સુખી ને કો’ક દા’ડો દુઃખી એમ ને? ના, જિંદગી પર્યંત સુખિયો તે સદાય સુખિયો કહેવાય. સ્વામિનારાયણની નિષ્ઠા થઈ તે ભગત કહેવાય. આપણે બધા સુખ લેવા સત્સંગ કરીએ છીએ. તો કાયમ સુખિયા કેમ રહેવાય? તે પ્રશ્ન છે. તે દી’ મુક્તાનંદ, નિત્યાનંદ વગેરે મોટા મોટા સાધુઓ બેઠા હતા. ઝીણકા ઝીણકા નહીં. બધા વિદ્વાન હતા, પણ યથાર્થ ઉત્તર આપી શક્યા નહીં. પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર કરતાં કહ્યું કે ભગવાનના ભક્તને એક તો દૃઢ વૈરાગ્ય હોય. દૃઢ વૈરાગ્ય એટલે શું? પ્રકૃતિપુરુષના કાર્યમાં અનાસક્તિરૂપ વૈરાગ્ય તે દૃઢ વૈરાગ્ય. મહારાજ ને સ્વામી વિના ક્યાંય સાંધો નહીં. ‘તુમ બી આવજા’ - ‘તુમ બી આવજા’ એમ નહીં. મહારાજને વિષે પતિવ્રતાપણું રાખવું. એમના સમજી બધાને બોલાવવા. સંસારમાં અનાસક્તિ તો રહે, પણ મહારાજ વિષે પતિવ્રતાપણું રાખવું તે અઘરું છે. અઢાર સાંધા હોય તે પતિવ્રતાપણું નહીં. એક જણ પાંચ જમિયા દાતારની, પાંચ મેલડીની, પાંચ ગણપતિની, પાંચ મહાદેવની માળા ફેરવતો. પછી સાધુએ આગ્રહ કર્યો તેથી તેણે કહ્યું, ‘બહુ બાટક્યા છો તો જાવ પાંચ સ્વામિનારાયણનીય ફેરવીશ.’ હવે આને કોણ તેડવા આવે? કોઈ એક ધણી જ નહીં. દૃઢ નિષ્ઠા હોય તો મહારાજ તેડવા આવે. ‘શ્રીજીમહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે,’ એમ નિષ્ઠા કરવી. માટે દૃઢ વૈરાગ્ય રાખવો.

“સાધુતાના ગુણ શીખવા. નહીં તો અહીં કોઈ બે શબ્દ બોલે તો ‘જય સ્વામિનારાયણ’ એમ કહી પહેલી ગાડી પકડે. પછી સંસારમાં પાટા લાગે તોય છોડે નહીં.

“વળી, મહારાજે કહ્યું કે અતિશય દૃઢ સ્વધર્મ હોય, સ્વધર્મ નકરો કીધો હોત તો ન ચાલત? પણ અતિશય દૃઢ સ્વધર્મ કીધો. શ્રીજીમહારાજને પુરુષોત્તમ માની પંચ વર્તમાન બરાબર પાળવાં. તેમનાં નાનાં-મોટાં વચન પાળવાં. અણગળ પાણી ન પીવાય. નાટક-સિનેમા ન જોવાય. બજારનું સુખડું-ચવાણું ન ખવાય. ‘સ્વામિનારાયણના થઈ કેમ લોજમાં ગ્યા?’ એમ કોઈ કહે તેવું ન કરવું. આ તો સંતને પડ્યા મૂકી સરકસ જોવા વહ્યા જાય તે ક્યાં સ્વધર્મ દૃઢ થયો? અમારે પણ શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ – આ ત્રણ ગ્રંથ પાળવા તે અમારો સ્વધર્મ. આમ, બે વાનાં કીધાં – દૃઢ વૈરાગ્ય ને સ્વધર્મ. આ બે સાધને કરીને જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને એટલે પોતે જાતે વશ કર્યાં હોય પછી અનીતિ કરવાનો સંકલ્પ ન ઊઠે.

“બીજું સાધન એ કહ્યું કે જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય. દેખાડવાની પ્રીતિ નહીં, પરંતુ તે વિના રહી ન શકાય તે પ્રીતિ. શિર સાટે વચન પાળવું, અને આજ્ઞા ન લોપાય તે પ્રીતિ, માહાત્મ્યજ્ઞાને સહિત સ્નેહ રાખવો. જેથી ભગવાન અને સંતમાં મનુષ્યભાવ કોઈ દી’ ન આવે. અડધું વચનામૃત વાંચવું, પણ હૃદયમાં ઉતારવું. કટ કટ આખું ન વાંચવું. ભમલી ભરી જવી.”

પછી એક હરિભક્તને ઉદ્દેશી કહ્યું, “ઘણાને સત્સંગ કરાવે છે પણ આટલું કરી લ્યે તો મહારાજ તેડવા આવે. સાંધા તેટલા વાંધા. એક શાસ્ત્રીજી મહારાજ એ જ આપણા ગુરુ, તે સિવાય બીજા ગમે તેટલા સદ્‌ગુરુ હોય તેને માથાના મુગટ માનવા. પણ ‘શાસ્ત્રીજી મહારાજ આપણા ગુરુ છે ને શ્રીજીમહારાજ સર્વોપરી, અવતારના અવતારી છે ને મૂળ અક્ષરમૂર્તિ સ્વામી શ્રીજીમહારાજને રહેવાનું ધામ છે’ તે નિષ્ઠા કરવી. આપણે જ્ઞાન ઘણું સાંભળીએ છીએ, પણ આ સાચું જ્ઞાન છે. દૃઢ પ્રીતિ હોય તેને કાંઈ ભીડો પડે તો, ‘સ્વામી! મારાથી આ નહીં થાય,’ એમ ન કહે. વચનામૃત લોયાના ત્રીજા પ્રમાણે – જેને મહિમા હોય તે માથું આપી દે.

“ત્રીજું સાધન એ કહ્યું કે જેને ભગવાન ને ભગવાનના ભક્ત વિષે અતિશય મિત્રભાવ વર્તતો હોય.” મિત્રભાવ ઉપર રાજાના કુંવર ને કારભારીના દીકરાના મિત્રભાવની વિગતે વાત કરી બોલ્યા, “આ તો આપણા ગળા ઉપર કોઈ ચડી બેસે તો ‘જય સ્વામિનારાયણ.’ મિત્રતા રહે જ નહીં. આપણે ઘણા મિત્રો જગતમાં હોય છે, પણ ભગવાન ને સંતમાં આવો મિત્રભાવ કરવો. ચોથું સાધન એ કહ્યું કે જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્તથી ઉદાસ થાય નહીં. આ તો કારસામાં લ્યે તો મનમાં એમ થાય કે ‘સાધુએ ભીડામાં લીધા ને થાકી ગયા.’ એમ વિચારી ઘર ભેગો થઈ જાય.

“દાદાખાચરે ત્રીસ વર્ષ સુધી મહારાજને પોતાના ઘેર રાખ્યા. મહારાજ જ્યારે સત્સંગીઓના આગ્રહથી થોડા દિવસ પણ બીજે ગામ જાય તો રોવા મંડી પડે. માટે આપણને ભગવાન ને સંત ભીડો-કારસો આપે તો ઉદાસ ન થાવું. આ તો, ‘સાધુ માગ માગ કરે છે’ એમ વિચારી નાસી જાય. ઝીણાભાઈ, દાદાખાચર વગેરેને મહારાજે ગમે તેટલા કારસામાં લીધા તોય ઉદાસ ન થયા. તેમ આપણે જો ખરેખર સત્પુરુષને જાણ્યા હોય તો તે ગમે તેવો ભીડો આપે તોય ઉદાસ ન થાવું. ઘરે બૈરાં-છોકરાં સાત ખાસડાં મારે તોય કોઈ ઉદાસ થયો?

“પાંચમું સાધન મહારાજે બતાવ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે. અને છઠ્ઠું સાધન બતાવતાં કહ્યું કે કોઈ વિમુખ જીવની સોબત ન ગમે. ધર્મવાળા-નિષ્ઠાવાળાની વાતું ગમે. વિમુખ કોને કહેવાય? તે વચનામૃત મધ્ય ૬૦માં મહારાજે કહ્યું છે – જે બધા સાધુને સરખા કહે છે, અને જે પોતાની સારપ્ય રાખ્યા સારુ ભગવાન અને ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે ને સાંભળી રહે તે વિમુખ કહેવાય. વળી, જે ભગવાનને નિરાકાર જાણતો હોય, તે વિમુખ કહેવાય. ભગવાન તો સદા સાકાર જ છે. અહીં ને ધામમાં સાકાર જ છે. આમ, આ છ કલમ જે સિદ્ધ કરે તે આ લોક અને પરલોકમાં સદાય સુખિયો રહે.

“મહારાજે કહ્યું છે, આ પ્રમાણે વર્તે તેને લોકમાં અન્ન, વસ્ત્ર, આબરૂ અને ધન આપીશ અને દેહ મૂક્યા સમે ધામમાં તેડી જઈશ. માટે જો ઇન્દ્રિયો જીતીને વશ ન કરી હોય, તો મહારાજ કે સ્વામી ભેગો રહ્યો હોય તોય દુખિયો રહે છે. માળા ફેરવે, ધ્યાન ધરે કે મંદિરની સેવા કરે, પણ ઇન્દ્રિયો વશ કરીને કરવું. કંઈ અયોગ્ય ઘાટ થાય તો તેને બળતરા થાય કે ‘હું ભગવાનનો ભક્ત અને મને આ ઘાટ થયો!’ પછી તે માર્ગે ન જાય. ઘણા કહે છે, ‘ભગવાન આપણી ઇન્દ્રિયો વશ કેમ ન કરે? શું કામ મારું મન વિષયોમાં ભગવાન જાવા દે?’ પણ ‘મૂરખના જામ, તું શું કામ મનને વિષયમાં જાવા દે છે?’ ભગવાન કે સંતની પાસે બેઠો હોય તોય મન બહાર ફરતું હોય તે સુખિયા ક્યાંથી થવાય?

“મહારાજે આ વાત ત્રણ વખત ફેરવી ફેરવીને કહી. માટે જો આ પ્રમાણે વર્તે તો તે પછી સાધુ, બ્રહ્મચારી, પાળા, આચાર્ય કે ગૃહસ્થ ગમે તે આશ્રમમાં હોય પણ સદાય સુખિયો રહે છે. કોઈ આપણને બે શબ્દ કહે ને આપણે તે ખમી લઈએ તેમાં કાંઈ દુઃખ ખરું? પણ જો સામા બે શબ્દ કહીએ, તો ફોજદારી કેસ થાય. વડતાલમાં અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું ભરસભામાં અપમાન મોટા મોટા સદ્‌ગુરુઓએ કર્યું, પણ તેઓએ તે ખમી લીધું. પછી જ્યારે તેમને વાતો કરવાનો વારો આવ્યો ત્યારે લેશમાત્ર પણ ઝાંખા પડ્યા વગર ત્રણ કલાક મહારાજના મહિમાની ને ધર્મ-નિયમની વાતું કરી, પણ અપમાન થયા બાબતનો એક પણ શબ્દ તેમાં આવવા દીધો નહીં. ત્યારે પવિત્રાનંદ સ્વામીથી બોલાઈ ગયું, ‘વાહ વાહ, બેટી કો બાપ ગુણાતીત ખરા!’ આમ તેમનેય ગુણ આવી ગયો. પછી તો બધાએ સ્વામીને ધોતિયાં ઓઢાડ્યાં અને હાર પહેરાવ્યા. ત્યારે સ્વામી બોલ્યા, ‘મારે તો અપમાન અને સન્માન બેય સરખું છે.’ માટે આવું વર્તે તે ગુણાતીત.

“વચનામૃતમાં સંતોએ આપણા માટે પ્રશ્નો નાખ્યા છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ‘ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘન છે?’ મહારાજે ત્રણ વિઘન બતાવ્યાં. તેમાં પહેલું વિઘન, જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં. આપણે આપણામાં ક્રોધ કે માન હોય તો દેખીએ નહીં અને બીજામાં દેખવા જઈએ, તે અવળા સ્વભાવ કહેવાય. આપણી દાઢી સળગતી હોય તો ઓલવી લેવી, એટલે થઈ રહ્યું. બીજાનું ક્યાં જોવા જાવું?

“બીજું વિઘન એ કે ભગવાન ને સંતની ભેગો રહેતો હોય પણ મન નોખું રાખે. તેલ ને પાણી જેમ ભેગાં હોય તોય નોખાં રહે છે, તેમ રહે. પરંતુ આપણે તો સાકર અને દૂધની જેમ એકબીજા સાથે રસબસ થઈ રહે તેમ રહેવું. ‘રસબસ હોય રહી રસિયા સંગ, જ્યું મીસરી પય માંહી ભળી.’

“ત્રીજું વિઘન એ કે ભગવાનના ભક્ત થકી બેપરવાઈ થઈ જાય. સંત કંઈ ભીડો આપે તો કહી દે કે ‘મારે ઘેર મંદિર છે તે ત્યાં માળા ઘમકાવીશ,’ એમ થઈ જાય. પછી તો એમ પણ કહે, ‘શું ત્યાં કલ્યાણ છે?’ આમ, જેને બેપરવાઈપણું હોય તેને સંતની ક્રિયા ન ગમે. વચન સારું ન લાગે. સત્પુરુષ જો હેતથી કહે તોય તે જેને મન નોખું હોય તેને એમ થાય કે ‘હં... મને મરમ કર્યો?’ આ ત્રણે વિઘનમાં બેપરવાઈપણું તે અતિશય મોટું વિઘન છે. તે તો ઘેર જ વહ્યો જાય. દોષવાળો તો દોષ દેખાય તોય પડ્યો રહે; પણ બેપરવાઈવાળાને તો મન નોખું જ પડી જાય. ઘરભેગો થઈ જાય. જીવાખાચર, અલૈયાખાચર, નિર્વિકલ્પાનંદ એ બેપરવાઈવાળા હતા. જેનું મન નોખું પડે તે સત્સંગમાં રહે, પણ આ બેપરવાઈપણું તો જુદી જ ફૅશનનું. તે તો ફરી સામુંય ન જુએ. માટે આ ભક્તિમાં ત્રણ અતિશય મોટાં વિઘન છે. અતિશય ઉપર ભાર દીધો. માટે આ વિઘન સમાગમ કરીને ટાળવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૮૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ