વચનામૃત ઇતિહાસ

વરતાલ ૧૬

આ વચનામૃતમાં શોભારામ શાસ્ત્રી શ્રીજીમહારાજને સૂચન કરતાં જણાવે છે, “હે મહારાજ! તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય.”

શોભારામના આ સૂચનનો ઇતિહાસ પરંપરાગત એવો સાંભળવા મળે છે કે તે સમયે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને કોઈક અસાધ્ય રોગ થયો હતો. ઘણા ઉપચાર કરવા છતાં તે મટતો ન હતો. વળી, શ્રીજીમહારાજની વડોદરામાં પધરામણી દરમ્યાન મહારાજાનો શ્રીજીમહારાજ વિષેનો સદ્‌ભાવ શોભારામ શાસ્ત્રીએ જોયો હશે. એટલું જ નહીં, તેઓને સત્સંગ વધારવાની અભીપ્સા પણ રહેતી. તેઓ વિષે લખાયું છે, “... સત્સંગની વાત સાંભળી ન હતી ત્યાં સુધી સત્સંગથી મન જુદું રહેતું પણ સાંભળ્યા પછી દિવસે દિવસે સત્સંગનો રંગ ચઢતો જ રહ્યો અને જે પૂછે તેને સ્વામિનારાયણ ભગવાન છે એમ કહેતા. માને ન માને તે તેના ભાગ્યની વાત છે, પણ કહેવામાં કસર રાખતા નહીં.”

[હરિચરિત્રામૃતસાગર: ૨૭/૨૦-૨૧]

આમ, શોભારામ શાસ્ત્રીને સત્સંગ વધારવાની રુચિ હતી.

વળી, તેઓને એ પણ ખ્યાલ છે કે શ્રીજીમહારાજ ગમે તેવા અસાધ્ય દર્દ સંકલ્પમાત્રે ટાળી શકવા સમર્થ છે. કારણ કે શ્રીજીમહારાજના વડોદરાના નિવાસ દરમ્યાન આ અનુભવ તેઓએ કર્યો છે.

જ્યારે વડોદરાથી વિદાય લેતા શ્રીજીમહારાજની સવારી છીપવાડના લાંબે રસ્તે આવી ત્યારે એક સત્સંગી રણછોડ ભાવસારે તેની સ્ત્રીને કહેલું, “જો ઘેર બેઠા ગંગા આવી છે. મહારાજ હાથી પર બિરાજ્યા છે. માટે મૂર્તિ ધારીને દર્શન કરી લે!”

ત્યારે તેની સ્ત્રી રડતાં રડતાં બોલેલી, “તમારે તો આંખો છે તો દર્શન કરો છો. હું રહી આંધળી, મેં ભગવાનને દેખ્યા જ નથી તો મૂર્તિ શી રીતે ધારવી? માટે ભગવાન જો સાચા હોય તો મને દર્શન દે.”

તેણે આ કહ્યું તે જ વખતે તેના નેત્રની કીકી ઉપર વીસ વરસથી છારી બાઝી ગયેલી તે એકદમ દૂર થઈ ગઈ અને તેને દૃષ્ટિ મળી ગઈ.

ઉપરાંત જ્યારે શ્રીજીમહારાજની સવારી પાણીગેટથી આગળ વધી ત્યાં રાજમાર્ગની સડક ઉપર પાંચસો વર્ષથી સાત બાબી મુસલમાનોની સાત કબરો વચ્ચોવચ્ચ હતી. તેના છાપરામાંથી એક બુઢ્ઢો નાગો ફકીર નીકળ્યો. તેને જોઈ મહારાજે અંબાડીમાંથી જ પુષ્પની છાબડીમાંથી મૂઠી ભરી પુષ્પ તેના ઉપર ફેંક્યાં. તે બધાં જ પુષ્પો તેના ઉપર પડ્યાં કે તરત જ સફેદ જગન્નાથી કાપડની તેમાંથી અલફી બની ગઈ અને ફકીરના શરીરને પગની પાની સુધી ઢાંકી દીધું. આવા ચમત્કારો શ્રીજીમહારાજના જીવનમાં શોભારામે કૈંક જોયા છે.

આમ, એક તરફ ગાયકવાડ સરકારને રોગ છે અને તે ટાળવા શ્રીજીમહારાજ સમર્થ છે. બીજી બાજુ મહારાજાને શ્રીજીમહારાજ વિષે ઘણો સદ્‌ભાવ છે અને શોભારામને સત્સંગ વધારવાની લગની છે; અને એ પણ હકીકત છે કે જો ધર્મને રાજ્યાશ્રમ મળી જાય તો તેનો પ્રચાર-પ્રસાર થવામાં કોઈ વિલંબ લાગતો નથી. આ રીતે બધી બાજુથી સાનુકૂળતા હોવાથી શોભારામ શાસ્ત્રી શ્રીજીમહારાજને કહી રહ્યા છે, “તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય.”

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ