વચનામૃત ઇતિહાસ

વરતાલ ૧૫

આ વચનામૃતમાં વડોદરાના શાસ્ત્રી શોભારામ પ્રશ્ન પૂછે છે, “હે મહારાજ! દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે તે અનાદિ છે કે કાંઈક યોગે કરીને થયા છે?”

પ્રશ્ન પૂછનાર શોભારામ શાસ્ત્રી વિષે લખાયું છે: “સત્સંગમાં ઉદર ભરવાની જેને આશા ન હતી પણ ભગવાનનો જ એક ખપ હતો તેવા પંડિત વિપ્ર શોભારામ શાસ્ત્રી હતા. તે વિદ્યામાં કુશળ હતા. વ્યાકરણાદિ ગ્રંથમાં હજાર શાસ્ત્રીમાં મુખ્ય કહેવાતા. ગાયકવાડ સરકાર પણ તેમને માનતા તથા કરોડાધિપતિ પણ તેમને માન આપતા. શોભારામ બહુ મોટા શાસ્ત્રી હોવા છતાં વિદ્યાનો છક કે અભિમાન કાંઈ રાખતા નહીં. સંતો જેને જેવી આવડે તેવી વાત કરે તો પણ શોભારામ શાસ્ત્રી બહુ ભાવથી સાંભળતા. લગાર પણ તર્ક કરતાં નહીં. જે પૂછે તેને સ્વામિનારાયણ ભગવાન છે તેમ કહેતા. નિષ્કપટી સત્સંગી હતા...”

[હરિચરિત્રામૃતસાગર: ૨૦/૨૦]

આવા શોભારામ શાસ્ત્રી જ્યારે શ્રીજીમહારાજ સં. ૧૮૮૨ના કાર્તિક વદિ ત્રીજના દિવસે વડોદરા પધાર્યા ત્યારે વડોદરામાં જ હતા. અહીં તેઓએ રાજ્યના દીવાન વિઠ્ઠલરાવ દેવાજી દ્વારા શ્રીજીમહારાજને જેર કરવા માટેના જે પેંતરા રચાયેલા તે તમામ જોયા-જાણ્યા-સાંભળ્યા હશે.

શ્રીજીમહારાજના વડોદરાના નિવાસ દરમ્યાન દીવાને ત્રણ માંત્રિકોને શ્રીજીમહારાજ પર મલિના પ્રયોગો કરવા મોકલ્યા હતા. તેમાં સફળતા ન મળતા ત્રણ હબસીઓને સાધુના વેશમાં કેડે ઝેર પાયેલા ખંજર ખોસાવી શ્રીજીમહારાજને પતાવી દેવા મોકલેલા. એટલું જ નહીં, શ્રીજીમહારાજ મસ્તુબાગમાં જ્યાં ઊતરેલા ત્યાંથી રાત્રે તેઓને કેદ કરવા અથવા મારી નાંખવાનો કારસો પણ રચેલો, પરંતુ રાત્રે મુશળધાર વરસાદ વરસી પડતાં આ યોજના પણ ઊંધી વળી ગઈ. ઉપરાછાપરી પરાજયો મળવા છતાં દીવાનની સાન ઠેકાણે ન આવી. તેથી તેણે વડોદરાથી વિદાય લેતી વખતે શ્રીજીમહારાજને પકડી લેવા ચાર સરદારો રોકેલા. પણ તેઓ હાથ ઘસતા રહી ગયા અને મહારાજ નીકળી ગયેલા.

માત્ર ત્રણેક દિવસના રોકાણમાં શ્રીજીમહારાજને પૂરા કરવાના ચાર-ચાર વાર થયેલા આવા હીના પ્રયત્નોથી શોભારામ શાસ્ત્રીના મનમાં વિચારવમળો ઘુમરાયા હશે. દીવાનની આસુરી વૃત્તિએ મૂકેલી માઝાને જોઈ શોભારામ તે અનુસંધાનમાં અહીં પ્રશ્ન પૂછતા હોય તેમ જણાય છે, કારણ કે ઉપરોક્ત ઘટનાક્રમ પછીના જ અરસામાં ઉદ્‌બોધાયેલું આ વચનામૃત છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ