વચનામૃત ઇતિહાસ

ગઢડા મધ્ય ૨૩

આ વચનામૃતમાં શ્રીજીમહારાજ સાચા સંતની ઓળખ આપતાં જણાવે છે, “જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં. એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા...” વળી, શ્રીજીમહારાજ આગળ કહે છે, “માટે જેનું મન ભગવાનને વિષે આસક્ત થયું છે તે વિષયને યોગે કરીને ટાઢું-ઊનું થતું નથી, તેને જ સાધુ જાણવા.”

આ ટૂંકા વચનામૃતમાં પણ શ્રીજીમહારાજ બે વાર સાચા સંતનાં લક્ષણો જણાવી રહ્યાં છે. આ વચનામૃત ગઢડા મધ્ય ૨૩, સં. ૧૮૭૮ની જ્યેષ્ઠ સુદ ૧૧ એટલે કે ભીમ એકાદશીના દિવસનું છે. તે દિવસ પૂર્વે જે ઘટના બની હતી તેનું વર્ણન આ રીતે થયું છે:

એ અરસામાં દીવ બંદરથી એક હરિભક્ત મહારાજને મળવા ગઢડા આવ્યા. મહારાજને તેણે સમાચાર મોકલાવ્યા એટલે મહારાજે તરત જ તેને બોલાવ્યા. મહારાજને દંડવત્ કરી તે ઢોલિયા સન્મુખ બેસી ગયા. મહારાજે તેને પૂછ્યું, “કેમ એકાએક આવવું પડ્યું?”

તેણે હાથ જોડી કહ્યું, “મહારાજ! અમારા ગામમાં એક ઠગ આવ્યો છે. તે કહે છે, હું નરનો અવતાર છું અને નારાયણ સહજાનંદ સ્વામી તે મારા ભાઈ છે. આપણા સંપ્રદાયના તમામ સંતોનાં નામ તે જાણે છે તેમ જ આપણે પાળવાના નિયમો પણ તે જાણે છે. તેથી ભોળા માણસોને તેના વચનમાં શ્રદ્ધા બેસી ગઈ છે. તે કહે છે કે, સાંખ્યયોગી સ્ત્રીઓ તથા અન્ય સ્ત્રીઓએ સાધુની વાત ન સાંભળવી અને તેમનો સંબંધ પણ ન રાખવો, પણ અમારી વાત સાંભળવામાં કે સેવા કરવામાં બાધ નથી. આથી સ્ત્રીઓ તેની સેવા કરે છે, પણ આમાંથી અનિષ્ટ થવા સંભવ છે. મને થોડા વખત પહેલાં જ જાણવા મળ્યું કે તે રાજુલાનો રાજગોર બ્રાહ્મણ મૂળો છે.”

“તે કેટલા વખતથી ત્યાં આવ્યો છે?” મહારાજે પૂછ્યું.

“લગભગ મહિનો થઈ ગયો હશે. પરંતુ દીવમાં ફિરંગીનું રાજ્ય છે. પરવાનગી વગર કોઈથી ત્યાં આવી શકાતું નથી. એટલે સંતો ત્યાં આવતા નથી. તેથી સત્સંગ સંબંધી સાચી હકીકત લોકો જાણતા નથી.” તે હરિભક્તે જણાવ્યું.

આ સાંભળી મહારાજે કહ્યું, “આ મૂળો રાજગોર તો અગાઉ પ્રેમાબાઈને છેતરી ગયો હતો (આ પ્રસંગનો ઉલ્લેખ કારિયાણીના છઠ્ઠા વચનામૃતના ઇતિહાસમાં કરેલો છે). તો પણ તમે એને ઓળખી ન શક્યા?”

ત્યારે તે હરિભક્તે કહ્યું, “મહારાજ! એ જુદા જુદા વેશ ધારણ કરે છે અને બોલી પણ જુદી જુદી બોલે છે. તેથી અમે સૌ ભરમાઈ જઈએ છીએ.”

મહારાજે કહ્યું, “કાંઈ ચિંતા કરશો નહીં. વાળાક દેશમાં કૃપાનંદ સ્વામી તથા પૂર્ણાનંદ સ્વામી વિચરણ કરી રહ્યા છે. તેઓને અમે સંદેશો મોકલીશું. તેઓ ત્યાંથી સીધા ઊના જશે અને ઊનાથી હંસરાજ શેઠને લઈને દીવ આવશે. તેમને તે ઠગ જોશે કે તરત જ ત્યાંથી રવાના થઈ જશે.”

“પરંતુ, મહારાજ! હંસરાજ શેઠને પણ ફિરંગી લોકો આવવા દેશે નહીં.”

“તેની તમે ચિંતા કરશો નહીં. ત્યાં હરિભાઈ વાળંદ છે. તે ફિરંગીનો માનીતો છે. અમારી તેણે એક વખત સેવા કરી હતી. તેને અમારા નામે કહેજો કે તે ઘોઘલા જાય અને ત્યાંથી હંસરાજ શેઠને તથા સંતોને દીવ લઈ આવશે... હવે પ્રસાદ લઈને તમે જાઓ. ત્યાં જઈને બાઈઓને તેની ઠગવિધિથી ચેતાવી દેજો, નહીં તો તે બહુ અનિષ્ટ કરી બેસશે.”

આમ, કહી મહારાજે તે હરિભક્તને વિદાય કર્યા. ઘોડેસવાર મોકલી સંતોને પત્ર મોકલાવ્યો. આમ, સૌ દીવ પહોંચી ગયા. સંતો દીવમાં આવ્યા છે તે સમાચાર મૂળા રાજગોરને મળ્યા. તેથી તેણે ઉચાળા ભર્યા. કોઈને મળવા પણ રહ્યો નહીં. દીવ બંદરેથી સીધો વહાણમાં બેસી મુંબઈ જવા નીકળી ગયો.

સંતોની વાતોથી હરિભક્તોને શાંતિ થઈ. બહેનોને પણ લાગ્યું કે જો સંતો ન આવ્યા હોત તો આપણે પણ ભોળવાઈને શીલભ્રષ્ટ થઈ ગયાં હોત. હંસરાજ શેઠે દીવની સઘળી હકીકત મહારાજને પત્ર લખી જણાવી. મહારાજે તે પત્ર સભામાં વંચાવ્યો અને કહ્યું, “વિષયની વાસના પૂરી કરવા ભગવાનનો વેશ ધારણ કરીને પાપી જનો વિષય ભોગવે છે. માટે સત્સંગ કરવામાં ડહાપણ રાખવું પણ અતિ ભોળપણનો ત્યાગ કરવો.”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૩૫૪-૩૫૦]

ઉપરોક્ત પ્રસંગ વચનામૃત ગઢડા મધ્ય ૨૩ના ઉદ્‌બોધન પહેલાં જ બની ગયો છે. તેથી શ્રીજીમહારાજે આવા અસાધુથી સાવચેત રહેવા માટે આ વચનામૃત ગઢડા મધ્ય ૨૩માં સાચા સંતની વાત પુનરુક્તિનો દોષ વહોરીને પણ ભારપૂર્વક જણાવી દીધી છે. આમ, વચનામૃત ગઢડા મધ્ય ૨૩ના મૂળમાં મૂળા રાજગોરનો પ્રસંગ કારણરૂપે રહેલો જણાય છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ