વચનામૃત ઇતિહાસ

ગઢડા મધ્ય ૨૨

આ વચનામૃતમાં શ્રીજીમહારાજે પોતાના વૃત્તાંતની વાત કરતાં આમ જણાવ્યું છે, “અમે અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા ત્યારે હજારો માણસોનો મેળો ભરાયો હતો. પછી જ્યારે શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો ચોરાશી જમી રહ્યા પછી અમે સાબદા થઈને ચાલી નીસર્યા, તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જે, ‘જેટલાં માણસ દેખ્યાં છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી.’ પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું. તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા... અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો.”

વચનામૃતમાં આવતાં શ્રીજીમહારાજની આ માંદગીના વર્ણનની પાર્શ્વભૂમિમાં એક સમજવાલાયક ઇતિહાસ છુપાયેલો છે.

આ વચનામૃત ગઢડા મધ્ય ૨૨માં ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં પ્રતિષ્ઠા પ્રસંગે તથા ચોરાશી પ્રસંગે લાખો મનુષ્યો ભેગા થયા અને તે અંગે પોતાને પ્રવૃત્તિ કરવી પડી તેના સંકલ્પો હૈયામાં થયા અને તેનો મંદવાડ તેમને આવી ગયો એમ કહે છે, એ તો શ્રીજીમહારાજે પોતાના સ્વરૂપમાં મનુષ્યભાવ દેખાડ્યો. છે. કારણ કે જે અનંત કોટિ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વખતે પણ વ્યથિત થતા ન હોય તે આટલી નાની પ્રવૃત્તિમાં કેવી રીતે વિચલિત થાય?

શ્રીજીમહારાજના આ શબ્દોમાં રહસ્ય છે. નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કર્યા પછી સૌને એ જ દેવ મુખ્ય થઈ ગયા અને મહારાજનું સ્વરૂપ ગૌણ બની ગયું! તેથી મહારાજને અંતરમાં દુઃખ થયું કે મારા સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા વિના મુમુક્ષુઓનું આત્યંતિક કલ્યાણ થશે નહીં અને આ તો સૌ થડ મૂકીને ડાળે વળગ્યા જેવું થયું છે. અલ્પ ઉપાસનાના આ દોષમાંથી જીવોને મુક્ત કરવાનો આશય શ્રીજીમહારાજનો હતો. પરંતુ તે ભક્તો તો પોતાની પ્રકૃતિ અનુસાર દેવોની ઉપાસનામાં બંધાઈ ગયા. તેનું દુઃખ શ્રીજીમહારાજને હતું. આ વિચારનો મંદવાડ તેઓને હતો.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૩૩૨, ૩૩૩]

એટલું જ નહીં, નરનારાયણ દેવની પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ કરીને શ્રીજીમહારાજે મોટા મોટા સંતોને કહેલું, “આ નરનારાયણ ભરતખંડના રાજા છે. એટલે અમે ઘણા જીવોના સમાસ અર્થે અહીં પધરાવ્યા છે. પણ કોઈ ભરમાશો નહીં. બદરિકાશ્રમમાં એ અમારું ધ્યાન કરે છે.” તે જ વખતે કોઈક હરિભક્ત નરવીરની મૂર્તિ લઈને મહારાજના હાથમાં પ્રસાદીની કરવા મૂકવા લાગ્યો. ત્યારે મહારાજે ઊભા થઈને પોતાના તરફ નિર્દેશ કરીને કહેલું, “આ મૂર્તિનું બદરિકાશ્રમમાં ધ્યાન ધરાય છે.”

[નિર્ગુણદાસ સ્વામીની વાતો: પૃ. ૭૯]

આટઆટલાં પોતાની સર્વોપરી ઉપાસના કરવાના સ્પષ્ટ નિર્દેશ પછી પણ સૌને નરનારાયણ દેવનું મુખ્યપણું થઈ ગયું અને સૌ સનાતન ઉપાસનાનો માર્ગ ચૂકી ગયા તેનું દુઃખ શ્રીજીમહારાજને થયેલું. તેનો વ્યાધિ તેમને લાગુ પડેલો.

આથીયે વિશેષ, પ્રતિષ્ઠાવિધિ બાદ શ્રીજીમહારાજ આનંદાનંદ સ્વામીનો હાથ પકડીને મંદિરના ચોકમાં પધાર્યા ત્યારે મહારાજને જોઈ સૌએ શ્રીનરનારાયણ દેવની જયનો ઘોષ કર્યો. તે વખતે શ્રીજીમહારાજ આનંદ સ્વામીને દરવાજા પાસે ઉગમણી દિશામાં જે જગ્યાએ પોતે જ્ઞાનવાર્તા કરવા બિરાજતા (હાલ આ જગ્યાએ પ્રાસાદિક સ્થાનરૂપે રૂપચોકી છે) ત્યાં લઈ ગયા અને પૂછ્યું, “સ્વામી! કાંઈ સમજ્યા?” ત્યારે તેઓ કાંઈ ન સમજ્યા હોય તેમ મહારાજ સામું જોઈ રહ્યા.

તે સમયે શ્રીજીમહારાજ બોલેલા, “અનંત નરનારાયણ, કૃષ્ણનારાયણ, લક્ષ્મીનારાયણ અને વાસુદેવનારાયણ આ પ્રગટ સ્વામિનારાયણની ઉપાસના કરે છે. અમારા સ્વરૂપની એ મહત્તા અત્યારે સૌ ભૂલી ગયા છે. સૌને સહેજે પરોક્ષ સ્વરૂપમાં પ્રીતિ થાય. પણ એ વિભૂતિસ્વરૂપ છે. ભરતખંડના દેવ છે. તેમણે દુર્વાસાનો શાપ સાંભળી અમારા સ્વરૂપનું ધ્યાન કર્યું. અમે તેમને કહ્યું, ‘અમે જ સ્વયં પૃથ્વી પર પ્રગટ થઈ ભાગવતધર્મની પ્રતિષ્ઠા કરીશું.’ આ રહસ્ય અમે ઘણી વાર સંભળાવ્યું છે. પરંતુ સૌ કારણને ભૂલી ગયા અને કાર્યમાં જોડાઈ ગયા.”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૩૨૪]

આમ, વારંવાર પોતાના સ્વરૂપમાં જોડાવાની વાતો કરવા છતાં ઘણો મોટો સમુદાય આ રહસ્ય ભૂલી ગયો તેનું દુઃખ મહારાજને થયેલું. તેનો મંદવાડ તેઓને આવી ગયેલો.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ