વચનામૃત ઇતિહાસ

ગઢડા પ્રથમ ૧

સં. ૧૮૭૬ના માગશર સુદિ ચતુર્થીને દિવસ શ્રીહરિ ગઢડામાં પોતાના ભવનના ચોકમાં પલંગ ઉપર બિરાજમાન હતા. રાત્રિ દોઢ પહોર ગઈ ત્યારે મુક્તમુનિ સરોદો લઈને બિહાગ રાગનાં કીર્તન ગાવા લાગ્યા. શ્રીહરિની આજુબાજુ દસ-બાર પાર્ષદો સૂતેલા હતા. તેઓ બોલ્યા, “બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મુક્તમુનિનો સ્વર ધીમો છે. બ્રહ્માનંદ સ્વામીનો અવાજ મોટો છે.”

પછી પચ્છમ ગામના દેવજી ભક્તને શ્રીહરિએ કહ્યું, “જુઓ, કોણ ગાય છે?” ત્યારે તેમને સંતની જગ્યામાં દ્વાર પાસે જઈ, પૂછીને બ્રહ્માનંદ ગાન કરે છે તેમ કહ્યું. ત્યારે શ્રીહરિ કહે, “ચાલો, બ્રહ્મમુનિ ગાય છે કે નહીં તે સત્ય કરીએ.”

ગાનનું નિમિત્ત લઈ શ્રીહરિ મુક્તમુનિને દર્શન દેવા પધાર્યા. અન્ય મુનિઓ સૂતેલા હતા. એક મુક્તમુનિ પ્રેમમગ્ન થઈ ગાતા હતા. સદ્‌ગુરુ આધારાનંદ સ્વામી પણ તેમની સાથે ગાતા હતા. શ્રીહરિ આવ્યા તે જાણી બંને તત્કાળ ઊઠ્યા. ચોક વચ્ચે ચોતરા ઉપર ગાદિ-તકિયો નાંખી દીધો. તે ઉપર શ્રીહરિ વિરાજમાન થયા અને કહે, “કોણ ગાન કરે છે તે જોવા અમે આવ્યા છીએ.” બધા સંતો કહેવા લાગ્યા, “મુક્તમુનિ હંમેશના નિયમ મુજબ ગાઈ રહ્યા હતા.” શ્રીહરિ કહે, “કીર્તન ઉપર અમને બહુ ભાવ છે. સાંભળતાં તૃપ્તિ થતી નથી. એવો જ કથામાં અમને ભાવ છે.”

તે પછી આ ગઢડા પ્રથમ પ્રકરણના પ્રથમ વચનામૃત પ્રમાણે વિસ્તારથી વાત કહી.

[હરિચરિત્રામૃતસાગર: ૨૧/૧]

વચનામૃત પ્રથમ ૧માં સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, “ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે?”

આ પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીજીમહારાજ જણાવે છે, “... ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઇરછાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે... એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે.”

અહીં આ પ્રશ્નોત્તર વાંચતાં આપણને વિચાર થાય છે કે શ્રીજીમહારાજ મધ્યરાત્રિએ સામે ચાલીને દર્શનલાભ આપવા પધાર્યા છે ત્યારે મુક્તાનંદ સ્વામી ધામગમન સંબંધી પ્રશ્ન શા માટે પૂછી રહ્યા છે? વળી, આ પ્રશ્ન આગળથી ચાલી આવતી વાતના અનુસંધાનમાં પુછાયો હોય તેવું પણ નથી. કારણ કે મુક્તાનંદ સ્વામીએ પૂછેલા આ પ્રશ્નની પૂર્વે ભગવાનમાં અખંડ વૃત્તિ અને માયા સંબંધી વિષયો છેડાયા છે. તો મુક્તાનંદ સ્વામી જેવા શાણા સંતે આગળથી ચાલી આવતી વાતનો તંતુ પકડ્યા સિવાય આવો પ્રશ્ન શા માટે પૂછ્યો હશે?

અહીં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન તત્કાલીન વાર્તાલાપમાં ભલે અસંગત લાગે પણ તે તત્કાલીન ઇતિહાસ સાથે અતિ સુસંગત છે. જ્યારે શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત ઉદ્‌બોધ્યું તે કાળમાં ગઢડામાં જે ઘટના બની છે તેનું વર્ણન આ રીતે નોંધાયું છે:

આ અરસામાં દાદા ખાચરનાં બહેન પાંચુબાની નાની દીકરી હીરાબાને મંદવાડ આવ્યો. મંદવાડ ગંભીર હતો એટલે સૌ શોકાતુર બની ગયા હતા. મહારાજને આ સમાચાર મળ્યા. એટલે મહારાજ પાંચુબાના દક્ષિણાદા બારના ઓરડામાં પધાર્યા. ત્યાં સૌને ધીરજ આપી. મહારાજે કહ્યું, “આ હીરાબા તેમનાં પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતાં. અમે વનવિચરણ દરમ્યાન તેમને ઘેર ગયા હતા. તેમણે બહુ સેવા કરી હતી. તે પુણ્યના ફળરૂપે તેને આ સત્સંગમાં તમારે ત્યાં જન્મ થયો. અમારી મૂર્તિનું સુખ લેવાની તેમની ઇરછા હતી. તે સુખ લીધું અને હવે ધામમાં જશે. માટે કોઈ શોક કરશો નહીં.”

આટલું કહીને મહારાજ અક્ષર ઓરડીમાં પધાર્યા અને તરત જ હીરાબા ધામમાં પધાર્યા. દરબારમાં સૌ રુદન કરવા લાગ્યા.

મહારાજે અક્ષર ઓરડીમાં બાઈઓનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે બ્રહ્મચારીને પૂછ્યું, “આ કોણ રૂએ છે?” ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, “મહારાજ! પાંચુબાનાં દીકરી હીરાબા ધામમાં ગયાં એટલે સૌ રડે છે.”

મહારાજે કહ્યું, “એમને તો અમે અમારા અક્ષરધામમાં બેસાર્યા છે તો આવા મંગળ પ્રસંગે રોવાનું હોય કે આનંદ માણવાનો હોય?” એટલું કહીને મહારાજ ઉદાસ થઈ ગયા.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૭૭]

અહીં વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે હીરાબાના નાની વયમાં ધામગમનથી દાદા ખાચરના ઘરમાં શોકનાં વાદળો છવાયાં છે. દાદા ખાચરના કુટુંબીઓ પર ફરી વળેલી વિષાદની આ ઝાંયથી મુક્તાનંદ સ્વામીને જરૂર દુઃખ થયું હશે. તેથી દાદા ખાચરના કુટુંબીઓને કોઈ પણ રીતે આ દુઃખમાં સાંત્વન મળે તે હેતુસર તેઓએ સત્સંગીની મરણોત્તર ગતિ વિષે આ પ્રશ્ન પૂછ્યો હશે, “ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે?” શ્રીજીમહારાજના મુખે પુનઃ હીરાબાની સદ્‌ગતિની વાત સાંભળી રડતા કુટુંબીઓને રાહત મળે તે હેતુ આ પ્રશ્ન પૂછવા પાછળ હશે.

મુક્તાનંદ સ્વામી દ્વારા પુછાયેલ પ્રશ્ન બાદ તરત જ હરજી ઠક્કર શ્રીજીમહારાજને પૂછે છે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે?”

હરજી ઠક્કરના આ પ્રશ્નની પાર્શ્વભૂ પણ સમજવા જેવી છે. તે સમયે દાદા ખાચરનાં બહેન પાંચબાનાં દીકરી હીરાબાના ધામગમનથી દરબારમાં સૌ શોકાતુર હતા. શ્રીજીમહારાજના સેવક મૂળજી બ્રહ્મચારી રાબેતા મુજબ મહારાજ માટે થાળ લેવા દરબારમાં જાય છે ત્યારે થાળમાં ભડકું આવ્યું. થાળ ઢાંકેલો હતો એટલે બ્રહ્મચારીને કાંઈ ખબર પડી નહીં, પરંતુ અક્ષર ઓરડીમાં આવી મહારાજ પાસે થાળ મૂક્યો અને ઉપરનું વસ્ત્ર કાઢ્યું ત્યારે ખબર પડી કે થાળમાં ફક્ત ભડકું જ છે. મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું, “બ્રહ્મચારી! આ શું?” બ્રહ્મચારી પણ મૂંઝાયા. પછી તેમને યાદ આવી ગયું. તેમણે કહ્યું, “મહારાજ! હીરાબા ધામમાં ગયાં છે એટલે દરબારમાં સૌ શોક પાળતા હશે. તેથી આ ભડકું થાળમાં આવ્યું હશે.”

આ સાંભળી મહારાજ હસ્યા. તેમણે કહ્યું, “આવું કેટલા દિવસ ચાલશે?” બ્રહ્મચારીએ કહ્યું, “મહારાજ! તેર-ચૌદ દિવસ તો ખરું!” અહીં કૌટુંબિક શોકનો ધક્કો ભગવાનની સેવાને લાગેલો દેખાય છે. હરજી ઠક્કર આ વિગતથી વાકેફ હશે. કારણ કે તેઓ ત્યાં જ રહેતા હતા. આ જોઈ તેઓના મનમાં પ્રશ્ન ઊઠ્યો હશે કે શ્રીજીમહારાજ સં. ૧૮૬૦-૬૧થી ગઢડા આવીને વસ્યા છે અને આજે તેમના સાંનિધ્યમાં સોળ વર્ષ વીતી ગયાં છે. તેથી “ઘણા દિવસ સુધી સત્સંગ કરે...” એવો શબ્દપ્રયોગ કરી હરજી ઠક્કર પૂછે છે, “દેહનાં સંબંધી જેવી પ્રીતિ ભગવાનમાં કેમ થઈ નહીં?”

વળી, સદ્‌ગુરુઓ થકી પરંપરાગત એવી પણ વાત પ્રચલિત છે કે હીરાબા તેમના પૂર્વજન્મમાં હરજી ઠક્કરનાં માતુશ્રી જાનબાઈ હતાં. તેમને મહારાજને પોતાના હાથે રસોઈ કરી જમાડવાનો સંકલ્પ હતો, તેથી હીરાબા સ્વરૂપે જન્મ લીધો હતો.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૭૭]

આ હકીકતને પ્રમાણભૂત ગણીએ તો હરજી ઠક્કર આ વિગતથી માહિતગાર તો હશે જ. ખોવાયેલી વ્યક્તિ કે વસ્તુ મળતાં મનુષ્યને કેવો આનંદ થાય છે એ આપણા સૌના અનુભવની વાત છે. વિરહ પ્રેમને ધાર કાઢી આપતો હોય છે. વસ્તુ કે વ્યક્તિ એક વાર વિખૂટી પડી ગયા પછી મળે ત્યારે આપણું ચિત્ત તેમાં બમણા સ્નેહથી જોડાઈ જાય છે. તો હરજી ઠક્કરને તો વિખૂટી પડેલી માતા મળ્યા જેવી વાત બની હતી.

દાદા ખાચરના કુટુંબીઓને તો હીરાબાનો સંબંધ પાંચેક વર્ષનો હતો. હરજી ઠક્કરને તો જન્મજૂનો સંબંધ હીરાબા સાથે હતો. તેથી હીરાબાના ધામગમનથી વિશેષ વિષાદ તો તેઓને થવો જોઈતો હતો. તેઓ હીરાબાના અવસાનથી વ્યથિત નથી અને દરબારમાં સૌ કુટુંબીઓ આ ઘટનાથી એવા ઘવાયા કે ભગવાનની સેવામાં પણ શિથિલતા આવી ગઈ! આથી હરજી ઠક્કરના મનમાં પ્રશ્ન ઉદ્‌ભવ્યો હશે, “હીરાબાના ધામગમનથી ગમગીન બનું તો હું બનું. આ સૌ શા સારુ આટલા વિચલિત થઈ ગયા કે શ્રીજીમહારાજને ભડકું પીરસી બેઠા?” આ મનોમંથનમાંથી તેઓએ આ પ્રશ્ના અહીં પૂછ્યો હશે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ