પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૩૯

 

દોહા

એમ કહી રીત કલ્યાણની, આ સમાની અગણિત ।

તે સૌએ શ્રવણે સાંભળી, અતિ ઉત્તમ પરમ પુનિત ॥૧॥

એહ રીતમાં જે આવી ગયા, તે થયા પૂરણકામ ।

તે તો તન જ્યારે તજશે, ત્યારે પામશે પ્રભુનું ધામ ॥૨॥

જેહ ધામને પામીને, પાછો ન પડે જન કોય ।

એવું અખંડ એ ધામ છે, ત્યાં સુખે વસે જન સોય ॥૩॥

તે ધામને ધામીયે ધારિયું, દેવા સ્વધામનું જો સુખ ।

જીવ જગતના જોઈને, દયા આણી ટાળવા દુઃખ ॥૪॥

ચોપાઈ

મારા ધામમાં આવવા સહુ રે, એવા કર્યા ઉપાય મેં બહુ રે ।

સર્વે ઉપાય કીધા છે સારા રે, તેમાં તરશે જીવ અપારા રે ॥૫॥

પણ છેલો છે આ જે ઉપાય રે, બહુ જીવ તરશે આ માંય રે ।

ધર્મવંશી આચારજ ધાર્યા રે, ગુરુ કરી ગાદીએ બેસાર્યા રે ॥૬॥

કામ કર્યું છે એહ સારું રે, મન માન્યું છે બહુ અમારું રે ।

કાં જે એ છે ધર્મનું કુળ રે, માટે એ વાતનું ઊંડું મૂળ રે ॥૭॥

જેવું અમારું કુળ મનાશે રે, તેને તુલ્ય બીજું કેમ થાશે રે ।

માટે વિચારીને વાત કીધી રે, ઘણું સમજીને ગાદી દીધી રે ॥૮॥

ધર્મવંશી તે ધર્મમાં રે’શે રે, અધર્મ વાતમાં પગ ન દેશે રે ।

ધર્મ પાળશે ને પળાવશે રે, અધર્મની રીત ટળાવશે રે ॥૯॥

આપ આપણે ધર્મ રાખશે રે, નર નારીનાં નિ’મ કૈ’ દાખશે1 રે ।

ત્યાગી ગૃહીના ધર્મ સૂચવી રે, કે’શે જૂજવા જૂજવા ચવી રે ॥૧૦॥

કાં જે બેઠા છે ધર્મની ગાદી રે, કે’શે ધર્મની રીતિ જે અનાદિ રે ।

તેણે સૌ રહેશે ધર્મધારી રે, ત્યાગી ગૃહી નર ને જે નારી રે ॥૧૧॥

ધર્મ અમને છે બહુ વા’લો રે, એમ કહે છે ધર્મનો લાલો રે ।

ધર્મવાળા સાથે હેત મારે રે, એમ વાલો કહે વારે વારે રે ॥૧૨॥

અધર્મી સાથે મારે અદેખાઈ2 રે, રે’ છે રાત દિવસ મનમાંઈ રે ।

અધર્મી જનની જેહ ભગતિ રે, નથી ગમતિ મને જો રતિ રે ॥૧૩॥

એના હાથનું અન્ન ન ભાવે રે, મર બહુ સારું કરી લાવે રે ।

અધર્મીના હાથનું જે પાણી રે, નથી પીતા તે અશુદ્ધ જાણી રે ॥૧૪॥

એનું ચંદન પૂજા ને હાર રે, નથી લેતા અમે કરી પ્યાર રે ।

લાવે અઘવંત3 સેવા સાજ4 રે, તેનો તર્ત કરું છું હું ત્યાજ5 રે ॥૧૫॥

ધર્મવાળા આપે અન્ન જળ રે, બહુ સ્વાદુ લાગે એ સકળ રે ।

ધર્મવાનનું ફળ દળ ફૂલ રે, જે દિયે તે જાણું છું અમૂલ રે ॥૧૬॥

માટે ધર્મવાળાની જે ભક્તિ રે, તે તો મને ગમે છે જો અતિ રે ।

માટે ધર્મવાળા જીવ જોઈ રે, કર્યા છે મેં આચારજ દોઈ રે ॥૧૭॥

એહ અધર્મ નહિ આચરશે રે, ઘણું અધર્મસર્ગથી6 ડરશે રે ।

ધર્મવંશીની ગાદિયે બેશી રે, વળી કા’વશે ધર્મ ઉપદેશી રે ॥૧૮॥

માટે એથી તરશે અપાર રે, નિશ્ચે જાણજો એ નિરધાર રે ।

બહુ કાળ લગી કલ્યાણ રે, થાશે નિશ્ચે જાણો નિરવાણ રે ॥૧૯॥

એવી ઇચ્છા છે જો અમારી રે, એવું ધામથી આવ્યા અમે ધારી રે ।

એમ બોલ્યા શ્રીહરિ હરખી રે, સુણી વાત લીધી છે જો લખી રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનચત્વારિંશઃ પ્રકારઃ ॥૩૯॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬