મનગંજન

ગ્રંથનો મહિમા

સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ મુમુક્ષુના અંતરનો એક્સ-રે આ ગ્રંથમાં મઢી દીધો છે. આ ગ્રંથની શૈલી રૂપક છે. આ દેહરૂપી નગરમાં જીવરૂપી રાજાના પરસ્પર વિરુદ્ધ વિચારધારાવાળા બે દીવાનો છે: (૧) નિજમન (૨) પરતકમન.

નિજમન એટલે જીવને અત્યંત અનુસરનાર ધર્મભૂત જ્ઞાન. અર્થાત્ જીવ પોતે જ. પરતકમન એટલે ઇન્દ્રિયો તથા વિષય સાથે ભળેલું - વાસનાવાળું મન.

નિજમન પ્રભુની આજ્ઞા પ્રમાણે રહેવા ઇચ્છે છે. પરતકમન મનમાન્યાં ભોગસુખ ઇચ્છે છે. તેને કારણે કાયમી યુદ્ધ ચાલુ રહે છે. તેમ કરતાં છેવટે લડાઈ ફાટી નીકળે છે. બન્ને પોત-પોતાના સૈનિકો લઈને યુદ્ધ કરે છે. પરંતુ શ્રીહરિ તથા સદ્‌ગુરુની કૃપાથી નિજમન જે જીવ તેનો જ્વલંત વિજય થાય છે. પરતકમન પગે પડી અભય માગે છે, પરંતુ જીવ તેનો જરાય વિશ્વાસ કરતો નથી. ગુનેગારની જેમ પાંજરામાં પૂરી તેની પાસેથી કામ લે છે. પછી જીવ કાયાનગરનો કાયદેસર રાજા બને છે, ને પોતાના રાજ્યમાં ભાગવતધર્મ પ્રમાણે શાસન ચલાવી સહુ કોઈને સુખિયા કરે છે.

આ રૂપક નિમિત્તે સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદસ્વામીએ – ભગવાનના ભક્તોએ – મન સાથે કેવો વૈરભાવ રાખવો (વચનામૃત વરતાલ ૧ પ્રમાણે); તેને જીતવા માટે કેવી સમજણ રાખવી; કોના બળે મન સામે જીત મેળવવી? આવી અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો છે. જે મોક્ષાર્થી માટે અત્યંત ઉપયોગી છે. ગ્રંથના સારરૂપે છેલ્લે સહુ કોઈને ભલામણ કરવામાં આવી છે કે:

ભજો જે કોય ભગવાનને, તે તજો સબે મનસંગ.
માનો નહિ શીખ મનની, જો ઈચ્છો સુખ અભંગ ॥ (૧૭૨)
કોટી ઉપાય જો કરતાં, જીત્યો મન નવ જાય!
જીતે તે જન જક્તમાં, જેહને સદ્‌ગુરુ સહાય ॥ (૧૭૩)

સદ્‌ગુરુની સહાય મન જિતાય તેવું નથી – તે સુક્ષ્મ વાત નિષ્કુળાનંદ સ્વામીએ કરી દીધી છે. માટે ઉત્તમ કોટીના સદ્‌ગુરુ

એટલે અનાદિ અક્ષરબ્રહ્મનો જ આશકો કરવાનો આદેશ છે.

કુલ ૧૮૭ દોહા તથા છંદનો આ નાનકડો બળવાન ગ્રંથ સંવત્ ૧૮૭૧ના શ્રાવણ સુદ સાતમના દિવસે પૂર્ણ થયો છે. પોતાના મનરૂપ દુશ્મનનો ગંજન એટલે કે પરાજય આ ગ્રંથમાં દર્શાવ્યો હોવાથી ‘મનગંજન’ એવું નામ સાર્થક છે.

SELECTION 🏠 home ગ્રંથ મહિમા મનગંજન