કળશ ૮

વિશ્રામ ૨૭

ઉપજાતિવૃત્ત

વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, કહું પ્રતિષ્ઠાનિ વિશેષ વાત;

એકાદશી મંગળવાર જ્યારે, ચડાવિયા શીખર કુંભ ત્યારે. ૧

શ્રીપેટલાદી વ્રજલાલ શેઠ, જેનો ઘણો નેહ અપાર નેટ;1

તેણે ઈંડું કાંચનનું ઘડાવ્યું, સૌથી ઉંચે તે શિખરે ચડાવ્યું. ૨

ધ્વજા તહાં સુંદર પંચરંગી, ચડાવિ રાજા ઉનડ2 ઉમંગી;

કિરીટની3 ઊપર જેમ તોરો, તેવો દિસે તે ધ્વજ ચિત્તચોરો. ૩

જેમાં ભરેલા જરિયાન બૂટ્ટા, ક્યાંઈ સમીપે વળી ક્યાંઇ છૂટા;

કારીગરી એવિ દિસે કરેલી, ધ્વજા શું તે સ્વર્ગથિ ઊતરેલી. ૪

તે જીતનો શું શુભ વાવટો છે, કે તેહ તેના જયનો પટો છે;

ભવાબ્ધિનૌકા શઢ હોય સારો, તેવો દિસે તે ધ્વજ શોભનારો. ૫

ધ્વજા ફરકે કહું તેહ કેવી, જાણે કરે છે સમશા જ એવી;

અહો જનો આ સ્થળ સર્વ આવો, કલ્યાણની જો ઉર આશ લાવો. ૬

બીજી ધજા સૂરતના નિવાસી, લાવ્યા હતા તે પણ ખૂબ ખાસી;

મેરાઈ આત્મા પછિ રામ નામ, તેણે કરેલું અદભૂત કામ. ૭

તે કામમાં ખર્ચ ઘણું થયેલું, સંઘે મળીને ધન વાવરેલું;

મહાપ્રભૂને મનમાં રિઝાવા, સત્સંગિ સૌ સૂરતવાસિ લાવ્યા. ૮

ત્રિજી ધજા ભક્ત વડોદરાના, લાવ્યા હતા તે પણ તે સમાના;

બે સંઘમાં ત્યાં ઉપાજ્યો વિવાદ, તેનું કહ્યું કારણ જેમ યાદ. ૯

પ્રાસાદની4 દક્ષિણ દીશમાંય, મૂર્તી હરિકૃષ્ણ તણી તહાંય;

સ્થાપીત જૈને કરશે નિવાસ, એવી થઈ વાત બધે પ્રકાશ. ૧૦

જે મૂર્તિનું ધ્યાન ધરી હમેશ, સત્સંગિ સૌ ચિંતવશે વિશેષ;

સર્વોપરી ઇષ્ટ છબી ગણાશે, પ્રેમે પૂજા માનસિ તો કરાશે. ૧૧

પ્રત્યક્ષમૂર્તિ નહિ પ્રાપ્ત જેને, તે મૂર્તિ તો જીવનદોરિ તેને;

એનો જ મોટો મહિમા મનાશે, કલ્યાણ તો તેહ થકી જ થાશે. ૧૨

ચડાવિયે તે શિખરે ધ્વજાય, તે કામ સર્વોપરિ તો ગણાય;

તે આપણે કામ જરૂર કીજે, બે લોકમાં અક્ષય કીર્તિ લીજે. ૧૩

વડોદરા સૂરતના નિવાસી, બે સંઘનાને દૃઢ વાત ભાસી;

જ્યાં જાય છે એક ધ્વજા ચડાવા, આડા તહાં તો જન અન્ય આવ્યા. ૧૪

એકે કહ્યું કે ચડશે અમારી, બિજે કહ્યું જે ન ચડે તમારી;

અમે ઉભા આગળથી જ આવી, ધજા તમે પાછળથી મગાવી. ૧૫

રોળાં:

કહે સૂરતી સંઘ અમે સૂરતથી આવ્યા,

કરિ નિશ્ચે નિરધાર ધજા ત્યાંથી આ લાવ્યા;

દક્ષિણ શિખરે આજ ધજા ચડશે જ અમારી,

ઉત્તર શિખરે એમ ચડાવો ધજા તમારી. ૧૬

વટપત્તનના વાસિ તરત બોલ્યા તે ટાણે,

આ શીખરને કાજ અમે પણ એ જ પ્રમાણે;

પ્રથમ કરી પરિયાણ ધજા ત્યાંથી કરિ લાવ્યા,

તે માટે તમ થકી નહીં હઠિયે જ હઠાવ્યા. ૧૭

કહે સુરતના ભક્ત સુણો હરિજન વટપુરના,

તજો તમે આ તરત મમત્વ તમારા ઉરનાં;

કહું એક દૃષ્ટાંત મર્મ તે મનમાં લાવો,

એક સમે અનકોટ દિવસ સૂરતમાં આવ્યો. ૧૮

તે દિવસે જે શાક પ્રભુને નહીં ધરાય,

બાર માસ પર્યંત શાક તે નહીં ખવાય;

ચૌટામાં હરિભક્ત શાક લેવા સંચરિયો,

પાપડિયો પાશેર હતિ ત્યાં લેવા ઠરિયો. ૧૯

આવ્યો વૈષ્ણવ એક માગિ પાપડિયો તેણે,

બે જણને સંવાદ થયો વદતાં મુખ વેણે;

પૈસા બેથી પ્રથમ માગતાં મૂલે ચડિયા,

એક થકી તે એક હઠે નહિ એવા અડિયા.5 ૨૦

હરિભક્તે હરિઅર્થ ઘણી હીમત ત્યાં કીધી,

રૂપૈયા પંચાસ આપિ પાપડિયો લીધી;

જુવાન હરિભક્ત સુરતના મમતી6 એવા,

ભારે મમત ભરાય હઠાવ્યા હઠે ન તેવા. ૨૧

તે માટે તે સાથે મમત મૂકો નિજ મનનો,

ચડે ધજાનો દંડ નકી સૂરતના જનનો;

વટપત્તનના વાસિ કહે મન મમત ન આણો,

અમ પુર તણા જુવાન એહ ઓછા નવ જાણો. ૨૨

શત આવે શ્રીમંત હઠાવ્યા અમે ન હઠિયે,

દેવાને દેવાર્થ કહો તો દ્રવ્ય પરઠિયે;

ચડશે ધજા અમારિ ધારિ છે તે ઠેકાણે,

તે માટે અમ સાથ મમત મૂકો આ ટાણે. ૨૩

કહે સુરતના જન સુરજ આથમણો ઉગે,

પર્વત વાણી વદે રહે બ્રહ્મા મુખ મુંગે;

નદીયોનાં જે નીર ચાલતાં ઉલટાં ચાલે,

અગ્નિ ઉષ્ણતા તજે તડિત7 ચંચળતા ટાળે. ૨૪

તજે ધરાધર8 ધરા9 રામશર10 ચોટ11 જ ચૂકે,

તોય સુરતના જન મમત મનનો નવ મૂકે;

માટે મૂકો મમત થવા દ્યો ધાર્યું અમારું,

વધી પડે વિક્ષેપ તેહ સમજો નહિ સારું. ૨૫

ઉપજાતિવૃત્ત

એવી રિતે વાદ થયો અઘાત, પહોંચિ તે તો પ્રભુ પાસ વાત;

નિત્યાખ્ય સ્વામી મુનિ બ્રહ્મ સાથે, ત્યાં મોકલ્યા શ્રીવૃષવંશનાથે. ૨૬

લાગ્યા જઈ બે સમજાવવાને, બેમાંથિ એકે કશુંયે ન માને;

કહે મુનિ બ્રહ્મ સુણો ઉમંગે, ન વાદ કીજે હરિભક્ત સંગે. ૨૭

હરિભક્ત સાથે હારી છૂટવા વિષે

જે હાર્ય પામે હરિભક્ત સાથ, તેને રિઝે દેવ ત્રિલોકનાથ;

તે તો નહીં હાર્ય સુવર્ણહાર, શોભા વધે તે થકિ તો અપાર. ૨૮

માતા પિતા કે ગુરુ સંત સંગે, જે માનવી વાદ વદે ઉમંગે;

તેનાથિ જીત્યો જન એ જ હાર્યો, હારી છુટ્યો એ જ જિત્યો જ ધારો. ૨૯

સદ્ધર્મ અર્થે ધન જે ગયું છે, ગયું નહીં જાણ સદા રહ્યું છે;

યુદ્ધે મુવો તે જન જીવતો છે, હાર્યો હરીભક્તથિ તે જિત્યો છે. ૩૦

જેઓ નમે છે હરિભક્ત પાસ, તે પામશે ઊર્ધ્વગતી નિવાસ;

નીચું ફુવારે જળ ઉતરે છે, તે તેટલી ઉંચિ ગતી કરે છે. ૩૧

પ્રભૂ તણા ભક્ત તુલાનિ12 તુલ્ય, તોળી કરે તે જન કેરું મુલ્ય;

નમે નહીં તે હલકું જ જાણો, નમ્યાથિ ભારેપણું તે પ્રમાણો. ૩૨

સદા નમે છે ફળવાન વૃક્ષ, સદા નમે છે કુળવાન દક્ષ;13

નમે નહીં સૂકલ કાષ્ઠ કોય, નમે નહીં જે જન મૂર્ખ હોય. ૩૩

જૈને નમે જે હરિભક્ત સામે, તો પુણ્ય પોતે પળ માંહિ પામે;

નવાણને14 કુંભ જઈ નમે છે, નમ્યા પ્રમાણે જળ તે લહે છે. ૩૪

હરી તણાં છે હરિભક્ત અંગ, ન વાદ કીજે કદિ તેહ સંગ;

માહાત્મ્ય જાણી નમિયે જ નિત્ય, જો તે પ્રભૂ ઊપર હોય પ્રીત. ૩૫

વિમુખથી ન હારવા વિષે

નિત્યાખ્ય સ્વામી ઉચર્યા ઉમંગે, ન હારિયે કૃષ્ણવિમૂખ સંગે;

તે આપણી જો દૃઢતા મુકાવે, ન મૂકિયે જો કદિ જીવ જાવે. ૩૬

જો કોઇ નિંદા હરિની ઉચારે, તો લાવિયે ઊપર બોલ ત્યારે;

એવા કુસંગીથિ કદી દબાઈ, હાહા ન કીજે મન હાર્ય ખાઈ. ૩૭

ન હારિયે ઇંદ્રિયજૂથ સાથે, ન હારિયે સંકટ પામિ માથે;

એવે સમે હીમત રાખિ હૈયે, પોતા તણી ટેક તજી ન દૈયે. ૩૮

અધર્મનો સર્ગ અદર્શ આવે, તજાવવા ધર્મ દિલે ડરાવે;

તે આગળ જે ડરિ હારિ જાય, નામર્દ નિશ્ચે નર તે ગણાય. ૩૯

સત્સંગિનાં ચિહ્ન છુપાવિ રાખે, શિથીલ વાણી વદનેથિ ભાખે;

કુસંગિથી જે દિલમાં દબાય, છતે નરે વ્યંઢળ15 તે ગણાય. ૪૦

ક્ષત્રી ડરે જે રણમાં જઈને, દુઃખે ડરે જેહ જતી થઈને;

નાતાં શિયાળે દ્વિજ જે ડરે છે, ધિક્કાર એને જન ઉચ્ચરે છે. ૪૧

પ્રહ્લાદને ધર્મ તજાવવાને, અસૂરનો માર્ગ મનાવવાને;

મહા મહા દુઃખ દિધાં પિતાએ, તથાપિ તે તો ન ડર્યો જરાયે. ૪૨

પ્રહ્લાદ જેવા દૃઢ ભક્તરાજ, સત્સંગમાં છે અગણીત આજ;

સગા કુટુંબી બહુ દુઃખ દે છે, તથાપિ સત્સંગ સદા સજે છે. ૪૩

વૈતાલીય

વળિ તે મુનિએ તહાં કહ્યું, સુણિ લેજો સુરતી જનો સહુ;

અહિં ઉત્તર મંદિરે હરી, પ્રતિમાઓ પધરાવશે ખરી. ૪૪

નિજ બાળસ્વરૂપની બની, છબિ તેમાં શુભ વાસુદેવની;

પ્રભુજી પધરાવશે અહો, છબિ તે શ્રીહરિકૃષ્ણની કહો. ૪૫

પ્રતિમા હરિકૃષ્ણ નામની, ગણિએ તે પણ મેઘશ્યામની;

છબિયો નહિ જૂદિ જાણવી, હરિની છે ગણિ પ્રીતિ આણવી. ૪૬

સમજી મનમાં કરો મજા, સરખું પુણ્ય ગણી ધરો ધજા;

હઠિલાઇ તજો હવે તમે, કહિયે વાક્ય ખરેખરું અમે. ૪૭

કરવા હરિ રાજિ હોય તો, નમજો ભક્તસમીપ કોય તો;

રુદયે હરિ રાજિ તો થશે, મનવાંછ્યું વરદાન આપશે. ૪૮

મતિસાગર સૂરતી જનો, સમજ્યા મર્મ મુનીનિ વાતનો;

ઉચર્યા મુનિ પાસ તેટલું, હરિ આપે વરદાન એટલું. ૪૯

પ્રભુયે સુરતે પધારવું, પુર માહાત્મ્ય વળી વધારવું;

વિચરે અમ ઘેર આવિને, મુનિનાં મંડળ સાથ લાવિને. ૫૦

હરિ એ વરદાન આપશે, સુરતી ભક્ત સહૂ ખુશી થશે;

મનમાં નિરમાન લાવિયે, ઉચરે ત્યાં જ ધજા ચડાવિયે. ૫૧

પછિ સૌ પ્રભુ આગળ ગયા, પ્રણમીને સમિપે ઉભા રહ્યા;

મુનિયે બધિ વાત ત્યાં કહી, હરિયે તે સહુ સાંભળી સહી. ૫૨

સુરતી જનને હરી કહે, વર માગો તમ ચિત્ત જે ચહે;

વર આપિશ હું ખુશી થઈ, મુદ16 પામો મનમાનતું લઈ. ૫૩

જન સૂરતના તહાં કહે, અતિ ઇચ્છા ઉર એટલી રહે;

પ્રભુ સૂરતમાં પધારવું, પુર માહાત્મ્ય વળી વધારવું. ૫૪

સુણિ રાજિ થયા જ શ્રીહરી, વર દીધો પ્રભુ તે દયા કરી;

પુર સૂરતમાં પધારશું, વળિ ત્યાંનો મહિમા વધારશું. ૫૫

સુરતી જન તે રિઝ્યા ઘણા, નહિ આનંદ વિષે રહી મણા;

દિશ ઉત્તર મંદિરે જઈ, શિખરે ત્યાં જ ધજા ધરી લઈ. ૫૬

સુરતી17 જનની અહોનિશે, સુરતી18 શ્રીહરિને વિષે દિસે;

સુરતી19 સતશાસ્ત્રમાં ધરે, સુરતીર્થ20 સ્થળ દ્રવ્ય વાવરે. ૫૭

વટપત્તનના જને મળી, ધરિ ત્રીજે શિખરે ધજા ભલી;

દ્વિજ ઠાકર રૂપરામ છે, શુભ જેનું ઉમરેઠ ધામ છે. ૫૮

કરમાં ધરિને ધજા ઘણી, સમિપે જૈ પ્રણમ્યા પ્રભૂ ભણી;

ઉચર્યા વિનતી અવાજથી, કૃત મેં નીયમ એક આજથી. ૫૯

મુજ વંશપરંપરા સદા, પ્રતિવર્ષે ધ્વજ લાવિને મુદા;

શુભ આ શિખરે ચડાવવી, કદિયે ભૂલ નહીં જ લાવવી. ૬૦

રહેશે મુજ દેહ જ્યાં લગી, ધ્વજ લૈ આવિશ હું જ ત્યાં લગી;

કુળમાં સતપુત્ર જે થશે, પ્રતિવર્ષે ધ્વજ તે ચડાવશે. ૬૧

સુણિ શ્રીહરિ બોલિયા તહાં, ધ્વજ ધારો ધ્વજ છે ચડ્યા જહાં;

વળિ ત્યાં શિખરો છે ઊપરે, ધ્વજ ધારો જઇ આપને કરે. ૬૨

હનુમાન ગણેશ થાપણું, ધ્વજ તે સ્થાન ધરોજિ આપશું;

પછિ ત્યાં જઈ તેહ ઠાકરે, ધ્વજ આરોપ કર્યા સઆદરે. ૬૩

સુણ ભૂ૫ ભલી ધજા સજી, સુત ગોવિંદજિ તેહના હજી;

પ્રતિવર્ષ વિષે ચડાવવા, નવ ભૂલે વરતાલ આવવા. ૬૪

ઉપજાતિવૃત્ત (સુપુત્રલક્ષણ)

પિતૃપ્રતિજ્ઞા સુત જે ન પાળે, તથા પિતાનું ઋણ જે ન વાળે;

તીર્થે પિતૃશ્રાદ્ધ કરે ન જેહ, નિર્વંશિ જાણો મૃત તાત તેહ. ૬૫

માતાપિતાનું પરલોકમાંય, કલ્યાણ જે કૃત્ય કર્યાંથિ થાય;

જે પુત્ર એવું ન કરે જ કામ, તે પુત્રનું નક્કિ કુપુત્ર નામ. ૬૬

ક્ષેત્રાદિ કૃષ્ણાર્પણ જે ધરેલું, કે કોઈને દાન કદી કરેલું;

તે પાછું લેવા સુત જે ચહાય, તે પુત્ર નિશ્ચે નરકે જ જાય. ૬૭

જે પુત્રનું પોષણ નિત્ય કીધું, કુપુત્ર થૈ તેહ વિસારિ દીધું;

માતાપિતા કેરિ સજે ન સેવા, સદા વસે જૈ નરકે જ એવા. ૬૮

માતાપિતાને સુત ગાળ દે છે, માતાપિતાનો શિર શાપ લે છે;

તે પુત્રની શાપિત બુદ્ધિ થાય, મોક્ષે જવાનો ન સુજે ઉપાય. ૬૯

જે બાળકે બાળપણે કહેલાં, કુવાક્ય તે તો સઘળાં સહેલાં;

પિતા પછી વૃદ્ધપણાથિ ભાખે, કુપુત્ર તે તો નહિ બોલ સાંખે. ૭૦

દુકાળમાં જો લવ અન્ન હોય, માતાપિતા દે સુતને જ તોય;

વૃદ્ધાપણે તે સુત જો ન પાળે, એ જાણવો રાક્ષસ એહ કાળે. ૭૧

જો થાય અગ્ની તણિ વૃષ્ટિ ક્યારે, તો છત્ર થૈન સુતને ઉગારે;

માતાપિતાને પછિ દુઃખ દે છે, તેને મહાપાપિ સહૂ કહે છે. ૭૨

ગોવિંદરામાખ્ય સપૂત એહ, પાળે પ્રતિજ્ઞા સ્વપિતાનિ તેહ;

વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, હવે કહું મંદિર કેરિ વાત. ૭૩

પુષ્પિતાગ્રાવૃત્ત

પછિ દશ દિગપાળની દિશાયે, ધ્વજ સહ ધારિ પતાક તેહ ત્યાંયે;

હરિવર જળ હાથ માંહિ લીધું, અરપણ મંદિર દેવ અર્થ કીધું. ૭૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીલક્ષ્મીનારાયણ-મંદિરે-ધ્વજાપતાકાદિઆરોપણનામ સપ્તવિંશતિતમો વિશ્રામઃ ॥૨૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે