કળશ ૭

વિશ્રામ ૭૩

પૂર્વછાયો

જીત થઈ મુક્તાનંદની, કરી પત્રમાં વાત પ્રકાશ;

સૌ સતસંગીએ મોકલ્યા, લઈ જુસજીને પ્રભુ પાસ. ૧

ચોપાઈ

પત્ર વંચાવ્યો શ્રીજીએ જ્યારે, સર્વ રાજી થયા જન ત્યારે;

મહારાજે મુક્તાનંદ કેરી, કરી પોતે પ્રશંસા ઘણેરી. ૨

કહ્યું મુક્ત મુનિ છે સમર્થ, જેવો ધારે તે સારે છે અર્થ;

કરે થોડા દિવસ ક્યાંઈ વાસ, કરે સત્સંગમાં તે સમાસ. ૩

વાદે સુરગુરુ1 નહિ જીતનારો, વેદાંતાચાર્ય કોણ બિચારો;

સુણી મુક્ત મુનિની વડાઈ, આવી બે સાધુને અદેખાઈ. ૪

હરિયાનંદ એકનું નામ, નિર્વિકલ્પ બિજો તેહ ઠામ;

તેઓ બેયે એવું કહી દીધું, મોટું કામ એમાં તે શું કીધું. ૫

તહાં અમને જો મોકલ્યા હોત, જીતી લેત એના શિષ્ય સોત;

વેદાંતાચાર્ય છે નામ મોટું, તેને શાસ્ત્રનું જ્ઞાન છે છોટું. ૬

મોટો વાઘ શિયાળને મારે, એમાં શું કર્યું કામ વધારે?

જીત્યો વેદાંતીને મુક્તાનંદે, જીત્યો તારાને તે જેમ ચંદે. ૭

બોલ્યા શ્રીહરિ સાંભળી તેહ, જુઓ માનની મૂર્તિયો એહ;

આવું જો અભિમાન રખાશે, સતસંગમાં કેમ નભાશે? ૮

કર્યો શ્રીજીએ ચિત્ત વિચાર, થયા સ્વછંદી સંત અપાર;

નથી મોટાનું રાખતા માન, જાણે છે અને સર્વે સમાન. ૯

નથી અંકુશ કોઈનો માથે, એક સ્નેહ રાખે મુજ સાથે;

માટે આ સંગમાં નહિ ઠરવું, એકલા વનમાં જ વિચરવું. ૧૦

થયા એવું ધારીને ઉદાસી, ઝાંખી શોભા વદન કેરી ભાસી;

બેસતાં ચાલતાં અને જમતાં, જન કોઈનાં મુખ નથી ગમતાં. ૧૧

હાસ્યરસ કરી કોઈ હસાવે, પણ શ્રીજીને હસવું ન આવે;

વાત કોઈને કાંઈ ન કહે, અહોનિશ ઉદાસી જ રહે. ૧૨

એવા દેખીને શ્રીઅવિનાશ, થયા હરિજન સર્વ ઉદાસ;

મોટીબાએ પુછ્યું પછી એમ, કૃષ્ણ ઉદાસી દીસો છો કેમ. ૧૩

સેવામાં રહેતી હોય ખામી, કહો તે તમે અંતરજામી;

કાંઈ આજ્ઞા તોડી હોય અમે, અમને કહો તે પણ તમે. ૧૪

અતિ આગ્રહથી પુછ્યું જ્યારે, ત્રિભુવનપતિ બોલિયા ત્યારે;

બહુ દિન સતસંગમાં રહ્યા, હવે તો જશું વન માંહિ વહ્યા. ૧૫

મોટીબા કહે શ્યામ સુજાણ, તમે છો સતસંગના પ્રાણ;

જ્યારે પ્રાણ તો વનમાં વિચરશે, પછી મડદાં રહીને શું કરશે. ૧૬

આવી વાત પ્રસિદ્ધ જો થાશે, સુણતાં કૈંકના જીવ જાશે;

કહ્યાં એવાં વિશેષ વચન, પણ માવનું માન્યું ન મન. ૧૭

ત્યારે મોટા મોટાને બોલાવી, મોટીબાએ તે વાત સુણાવી;

સભામાં તો બેસે નહિ શ્યામ, રહે એકાંતમાં આઠે જામ. ૧૮

સુરો ખાચર ને બ્રહ્માનંદ, ઉદાસીને કરાવે આનંદ;

કરે હાસ્ય હરિને હસાવા, ન શક્યા તે ઉદાસી શમાવા. ૧૯

મોટા સંત ને સત્સંગી મળી, ગયા શ્રીજીની આગળ વળી;

બહુ વિનતિ કરી પુછી વાત, ત્યારે બોલિયા શ્રીજી સાક્ષાત. ૨૦

હવે તો અમે વનમાં વિચરશું, રહી એકાંતમાં ધ્યાન ધરશું;

બીજી જો વાત બોલશો તમે, માનનાર નથી હવે અમે. ૨૧

બોલ્યા ભક્ત કહો તમે જેમ, અમે આજ્ઞામાં વરતીયે એમ;

પણ અમને તજીને ન જાવું, ત્યારે શ્રીહરિ બોલિયા આવું. ૨૨

નથી વર્તવા કાંઈ કહેવું, અને નથી અમારે રહેવું;

પછી વાત તે સૌ જને જાણી, થયાં એકઠાં દિલગિરી આણી. ૨૩

બોલી બાઇયો સૌ મળી એમ, ગઢપુરથી જવા દૈયે કેમ;

નિંદા આપણી લોકમાં થાય, એમ સત્સંગમાં કહેવાય. ૨૪

ગઢપુરના હરિજન જેહ, સારી રીતે ન વર્તિયા તેહ;

કાંઈ વર્ત્યામાં ચૂક જણાઈ, ગયા તે થકી શ્યામ રિસાઈ. ૨૫

આખી કાઠીયાવાડના જન, રજા આપે તો જાય જીવન;

રજા આપે કદાપિ જો એહ, પાત્ર અપજશનાં થાય તેહ. ર૬

માટે મોટો સમૈયો ભરાવો, દેશ દેશના દાસ તેડાવો;

રજા સર્વજનો તણી લૈને, ભલે વનમાં વસે હરિ જૈને. ૨૭

ઉપજાતિ: આક્ષેપાલંકાર

તમે પ્રભુને જઈને કહેજો, સુખે તમે જૈ વનમાં રહેજો;

અમે તજીને તન ત્યાં જ જાશું, મૃગાદિરૂપે વનવાસી થાશું. ૨૮

ઉત્પત્તિ પાળી2 પ્રલયે કરો છો, ક્યાં પાપથી આપ દિલે ડરો છો;

માટે અમારા તજીને ઉચાટ,3 સુખેથિ લેજો વન કેરિ વાટ. ૨૯

ચોપાઈ

એવાં વાક્ય જઈને ઉચરજો, પ્રભુ રાજી રહે તેમ કરજો;

સમૈયો આંહિ ભરવા ઠરાવો, દેશદેશના ભક્ત તેડાવો. ૩૦

આપે સૌ મળીને જો રજાય, ભલે શ્રીહરિ વન માંહિ જાય;

તેથી દોષ ન કોઈને માથે, રજા આપી કહે સહુ સાથે. ૩૧

પછી તેઓએ જૈ પ્રભુ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ;

ત્યારે બોલ્યા મહાપ્રભુ પ્રીતે, કરશું અમે એવી જ રીતે. ૩૨

રજા સૌની લીધા પછી જાશું, વનવાસી સુખે જઈ થાશું;

પણ આંહિ સમૈયો જો થાય, વેગળેથી4 જને ન અવાય. ૩૩

સાધુ ને બ્રહ્મચારીયો જે છે, ગુજરાતમાં ક્યાંઈ ફરે છે;

સમૈયો ગુજરાતમાં થાય, તો ત્યાં સર્વ જનોથી અવાય. ૩૪

ગુજરાતમાં આદ્રજ ગામ, સમૈયો ભરવા જોગ્ય ઠામ;

માટે કરવો સમૈયો તો ત્યાંય, એવી ઇચ્છા છે મુજ મનમાંય. ૩૫

સુણી સૌ જન ઉચ્ચર્યા એમ, કરો જે આપને ગમે તેમ;

સમૈયો કરો આદ્રજ માંય, અમે પણ સહુ આવશું ત્યાંય. ૩૬

કંકોતરીયો તરત ત્યાં લખાવી, દેશોદેશ વિષે મોકલાવી;

કચ્છ હાલાર ને ઝાલાવાડ, ગુજરાત ને કાઠીયાવાડ. ૩૭

એમાં એવા લખ્યા સમાચાર, દિવાળીનો સમૈયો આ વાર;

કરશું અમે આદ્રજ ગામ, તહાં આવજો ભક્ત તમામ. ૩૮

સંત સર્વને ત્યાં જ તેડાવ્યા, હતા જ્યાં પત્ર ત્યાં મોકલાવ્યા;

એવામાં આસો પુનમ આવી, કરી ઉત્સવ સારી શોભાવી. ૩૯

થયું પડવેનું જ્યારે પ્રભાત, ચાલ્યા શ્રીગિરધર ગુજરાત;

વાત એવી થઈ ઠામ ઠામ, પાછા નહિ આવે પૂરણકામ. ૪૦

સાથે બહુ જન તેથી સિધાવ્યા, જઈ ન શકે વળાવા તે આવ્યા;

દીસે સર્વનાં વદન ઉદાસ, ફરી દર્શનની તજી આશ. ૪૧

નરનારીયો વૃદ્ધ ને બાળ, પ્રભુ સાથે ચાલ્યાં તતકાળ;

મુક્યાં કોઈએ ઘર તણાં કામ, આખું ખળભળ્યું ગઢપુર ગામ. ૪૨

એમ ગાઉ કે બે ગાઉ ગયા, પ્રભુ તે સ્થળમાં ઉભા રહ્યા;

દીઠા ચાલતાં નિર્બળ જેને, પ્રભુ પાછા વળો કહે તેને. ૪૩

પણ પાછા વળે નહિ કોઈ, રહે જીવનનું મુખ જોઈ;

કરી કાંઈ શકે ન ઉચ્ચાર, વહે આંખથી આંસુની ધાર. ૪૪

કોઈ તો કહે જ્યાં જશો તમે, તમ સાથે જ આવશું અમે;

કદી દેહ નહીં ચાલનારો, તો ત્યાં આવશે આત્મા અમારો. ૪૫

દુદાપર સુધી એ રીતે ગયા, દીનબંધુને ઉપજી દયા;

બોલ્યા ઉભા રહીને શ્રીરંગ, અતિ જેનાં અશક્ત છે અંગ. ૪૬

તેઓ પાછા વળી જાઓ તમે, સમૈયો કરી આવશું અમે;

આપી એ રીતે ધીરજ જ્યારે, તેઓ પાછા વળ્યા જન ત્યારે. ૪૭

ગયા બોટાદ શ્રીબહુનામી, ત્યાંથી કંથારિયે ગયા સ્વામી;

ત્યાંથી લીંબડી પાદર થૈને, રહ્યા તો ભલગામડે જૈને. ૪૮

ત્યાંથી શીયાણીયે ગયા શ્યામ, વસે ત્યાં ભટજી શિવરામ;

તેની સેવા કરી અંગિકાર, ગયા તાવીયે ત્યાંથી મુરાર. ૪૯

દદુકે જઈ દીનદયાળ, ચિખલે ગયા જનપ્રતિપાળ;

ઓળા ગામે ગયા અવિનાશી, ત્યાંથી ડાંગરવે સુખરાશી. ૫૦

કરજીસણમાં કૃપાનાથે, દીધાં દર્શન જૈ સંત સાથે;

વાલો ત્યાંથી ગયા વડુ ગામ, ઝુલાસણ ગયા સુંદરશ્યામ. ૫૧

ધમાસણ ગયા ધર્મકુમાર, ત્યાંથી આદ્રજ વિશ્વઆધાર;

રતુ ખાંટ ને બાદર ખાંટ, સતસંગ જેને શિર સાટ. ૫૨

એહ આદિક સન્મુખ આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

બાઇયો તો હવનબા પ્રમુખ, આવી દર્શનનું લેવા સુખ. ૫૩

કરી પૂજા ને પુષ્પે વધાવ્યા, પ્રભુને પુરમાં પધરાવ્યા;

આસપાસના ગામમાં જેહ, સંતો આવી રહ્યા હતા તેહ. ૫૪

તેઓ આદ્રજમાં સહુ આવ્યા, ભક્તિનંદનને મન ભાવ્યા;

હરિભક્ત રસોઈ કરાવી, જમ્યા શ્રીજી તથા સંત આવી. ૫૫

ગામથી દિશા ઉત્તરમાંય, તરુ આંબલિયાનાં છે ત્યાંય;

કૃપાનાથ સભા નિત કરતા, ધર્મજ્ઞાનની વાત ઉચરતા. ૫૬

પછી વળતો દિવસ જ્યાં કહાવ્યો, વટપત્તનનો સંઘ આવ્યો;

મુક્તાનંદ મુનિ સંઘ લૈને, આવ્યા ત્યાં થકી હરખિત થૈને. ૫૭

સંઘ સુરતનો પણ આવ્યો, ભેટ ધરવા ભલી ભલી લાવ્યો;

કચ્છ આદિકના હરિજન, આવ્યા સૌ કરવા દરશન. ૫૮

સભા શ્રીહરિ પાસે ભરાય, ધર્મ જ્ઞાનની વારતા થાય;

ઘણાં ઐશ્વર્ય શ્યામ દેખાડે, અતિ આશ્ચર્ય જનને પમાડે. ૫૯

પૂજા પ્રેમથી હરિજન કરે, છબિ નિરખીને અંતરે ધરે;

અન્નકૂટનો દિન થયો જ્યારે, અન્નકૂટ ભલો ભર્યો ત્યારે. ૬૦

ધર્યા શ્યામ સ્વરૂપ અનેક, રૂપ શોભે સભા માંહિ એક;

અન્નકૂટ જમે રૂપ બીજે, સૌની સંભાળ લે રૂપ ત્રીજે. ૬૧

એમ ઉત્સવનો દિન ગયો, અતિ આનંદ સર્વને થયો;

સભામાં બોલ્યા શ્રીઘનશ્યામ, જાઓ સર્વ હવે નિજ ગામ. ૬૨

ગામ ગામના મુખ્ય ગણાય, રહો તે હરિજન તો બધાય;

પછી સંઘ વિદાય તો થયા, મુખ્ય મુખ્ય હરિભક્ત રહ્યા. ૬૩

પુષ્પિતાગ્રાવૃત્ત

ઉર ધરિ કરુણા સુ એહ કાળે, અતિ સુખ આદ્રજમાં દિધું દયાળે;

સઉ જન મનમાં ચરિત્ર ધારે, વરસ ઘણાં વિતતાં નહીં વિસારે. ૬૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

આદ્રજગ્રામે અન્નકૂટોત્સવનામ ત્રિસપ્તતિતમો વિશ્રામઃ ॥૭૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે