કળશ ૬

વિશ્રામ ૨૯

પૂર્વછાયો

જ્યારે હતા કુંડળ વિષે, અખિલેશ્વર અમર આરાધ્ય;

અમરા પટગરને થયો, કાંઈ શરીર રોગ અસાધ્ય.1

ચોપાઈ

અમરા પટગરને નિવાસ, તેને જોવા ગયા અવિનાશ;

ભક્ત સુતા હતા જેહ ઠામે, સુખ શાતા પૂછી ઘનશામે. ૨

પછિ ઓસરી માંહિ પધારી, શ્રીજી બેઠા સભા સજી સારી;

એવામાં રામ પટગર આવ્યા, ચાલ્યા બળદોને પાણી તે પાવા. ૩

વસ્ત્ર બાંધેલાં બળદને મુખે, જોઈ શામે પુછયું તેને સુખે;

કેમ બાંધ્યા બળદમુખ આમ, ત્યારે બોલ્યા તે પટગર રામ. ૪

વસ્ત્ર બળદને મોઢે બંધાય, તેથિ પાણિ ગળીને પીવાય;

બોલ્યા શ્રીજી તે સમજીને મર્મ, પશુ પક્ષીનો તે નહિ ધર્મ. ૫

જુદા માણસના ધર્મ જાણો, પશુ પક્ષીના જુદા પ્રમાણો;

માટે છોડી નાંખો પટ મુખથી, એને પાણી પીવા દેજો સુખથી. ૬

કહે પટગર અણગળ પીશે, તેનું કલ્યાણ શી રીતે દીસે?

સુણિ બોલિયા સંતના મિત્ર, દરબાર તમારો પવિત્ર. ૭

તેમાં જે પ્રાણિ ત્યાગશે દેહ, તર્ત કલ્યાણ પામશે તેહ;

વરદાન એવું સુણી રામ, પટ છોડીને કીધા પ્રણામ. ૮

બ્રહ્મચારીયે ત્યાં કર્યો થાળ, જમ્યા જુક્તિથી જન પ્રતિપાળ;

જમ્યા પાર્ષદ ને જમ્યા સંત, પીરશું પ્રીતથી ભગવંત. ૯

પછી આપે ગયા અવિનાશ, અમરા પટગર તણી પાસ;

પુષ્ટિ તેહને વાત વિચારી, કહો કેવિ ઇચ્છા છે તમારી? ૧૦

જવું ધામે કે અહિ રહેવું, રુચે છે તમને કહો કેવું;

ભાખે ત્યાં મુખે અમરોભાઈ, દેહ ભૌતિક છે દુઃખદાઈ. ૧૧

માટે તે તો કૃપાથિ તજાવો, મને આપ સમીપ રખાવો;

વસે જ્યાં મહામુક્ત તમારા, સદાકાળ સેવા સજનારા. ૧૨

મને તેમાં વસાવો સદાય, નિત્ય દર્શન આપનાં થાય;

એવું સાંભળીને દયા લાવી, તેની ભૌતિક કાયા તજાવી. ૧૩

દિવ્ય દેહ રાખ્યા નિજ પાસ, એના અંતરની પુરિ આશ;

પછી ચાલિયા પૂરણકામ, ગયા સારંગપુર ઘનશામ. ૧૪

જીવા ખાચરનો દરબાર, ઉતર્યા જઈ પ્રાણ આધાર;

સારી રીતથિ સન્માન કીધું, ભલા ભાવથી ભોજન દીધું. ૧૫

ઓશરી માંહિ ઢાળ્યો પલંગ, બેઠા તે પર રાખી ઉમંગ;

ભરવાડણિયો દશ બાર, આવી દર્શન કરવા તે વાર. ૧૬

ધર્યા ભૂષણ રૂપાનાં અંગે, વસ્ત્ર ઊનનાં શામળ રંગે;

કરી પ્રેમે પ્રભૂને પ્રણામ, બેઠી બાઇયો સૌ તેહ ઠામ. ૧૭

વાલે વાત વિચારી ત્યાં એવી, હશે આ સૌનિ સમજણ કેવી?

નથી તે કોઈ શાસ્ત્ર ભણેલી, નથી સંતની વાતો સુણેલી. ૧૮

મારો મહિમા શું જાણતી હશે? પરીક્ષા એની શી રીતે થશે;

પછી બોલિયા ત્યાં નરભ્રાત, સર્વ સાંભળો બાઇયો વાત. ૧૯

યજ્ઞ કરવો છે એક અમારે, તેમાં નાણાંનો ખપ છે વધારે;

ઘરાણાં તમે સર્વ ઉતારો, આપો અમને ધરમ કાજ ધારો. ૨૦

એવું સાંભળને સહુ નારી, રહી અંતર માંહી વિચારી;

હાજા ભક્તની ભારજા2 જેહ, અતિશે પામી ઉત્સાહ એહ. ૨૧

સાંકળી કોટમાંથી ઉતારી, સ્નેહે શ્રીજીની આગળ ધારી;

પગમાં હતી કાંબિયો3 જેહ, કાઢિ મૂકિ પ્રભૂ કને તેહ. ૨૨

કાઢી નાકીન વીંટિ તે કાળ, કાનના વેઢલા અને ઝાલ;4

કાઢ્યો હારડો રૂપાનો હતો, નાકાં ચોડિ રૂપૈયાનો થતો. ૨૩

પ્રભુ પાસ મુકી પગે લાગી, માની પોતાને બહૂ બડભાગી;

કહે શ્રીજી આ અર્પો છો અમને, તમારો પતિ ખીજશે તમને. ૨૪

કહે બાઈ તે ચિંતા મ ધારો, મારો સ્વામિ છે ભક્ત તમારો;

જ્યારે સાંભળશે તેહ વાત, અતિશે જ થશે રળિયાત. ૨૫

એવું સાંભળિ શ્રીજી વિચારે, આની સમજણ છે કેવી ભારે!

મોક્ષપદથી અધિક કાંઈ હોય, આપું તે આને બક્ષીસ તોય. ૨૬

પછી બાઇયો સૌ પગે લાગી, ઘેર ગૈ હરિની રજા માગી;

હાજે ભક્તે તે સાંભળિ વાત, વધ્યો ઉરમાં આનંદ અઘાત. ૨૭

ગયા તે પ્રભુ આગળ જ્યારે, તેને શ્રીહરિયે કહ્યું ત્યારે;

ભક્ત લ્યો આ ઘરાણાં તમારાં, નથી કાંઈ તે ખપના અમારાં. ૨૮

હાજો ભક્ત કહે હરિરાય, આપ્યાં તે પાછાં કેમ લેવાય?

થયાં તે તો ઘરાણાં તમારાં, ધન્ય ભાગ્ય ગણાય અમારાં. ૨૯

કહે કૃષ્ણ પ્રસાદિ કરીને, આપું તે લેવી હરખ ધરીને;

અતિ એમ આગ્રહ કરી દીધાં, ત્યારે જાણિ પ્રસાદિ તે લીધાં. ૩૦

સભા માંહી બેઠા હતા શામ, આવ્યો સૂરતી સંઘ તે ઠામ;

તેણે પૂજા પ્રભુજીની કીધી, પછી ભેટ ભલી ભલી દીધી. ૩૧

કીનખાબ તણો સુરવાળ, ધરાવી વળી ડગલી વિશાળ;

સારું મંડીલ માથે બંધાવ્યું, હેમમુગટથી અધિક શોભાવ્યું. ૩૨

પછી આરતી કપૂર ઉતારી, સ્તુતિ પણ પ્રભુજીની ઉચ્ચારી;

પછિ સંતોને પૂજિયા પ્રીતે, વસ્ત્ર ઓઢાડિયાં રુડિ રીતે. ૩૩

એવામાં આવ્યાં ગંગામાં ત્યાંય, રહેતાં જે જેતલપુર માંય;

પાણકોરું કર્યું ભેટ આવી, લાંબું આઠ જ હાથનું લાવી. ૩૪

હરિયે ઘણા હેતથી લીધું, માથે મંડીલ પર વિંટી દીધું;

બોલ્યો જન જે પાસે રહેનારો, પાણકોરું પ્રભુજી ઉતારો. ૩૫

ઉચર્યા પછિ શ્રીહરિ એમ, પાણકોરું ઉતારાય કેમ?

સમજો છો તમે તેને સોંઘું, એ છે મંડીલથી બહુ મોંઘું. ૩૬

ગંગામાં હરિજન નથિ છાનાં, રામાનંદ સ્વામીનાં સમાનાં;

તેણે પ્રેમ કરી મુજ માટે, કાંત્યું સૂત્ર ઝિણું નિજ હાથે. ૩૭

તેનું આ પાણકોરું કરાવ્યું, પૂરા પ્રેમથી મુજને ધરાવ્યું;

તેના પ્રેમનું મૂલ અપાર, કોણ માત્ર હિરા તણા હાર. ૩૮

એમ કહિ હરિ નાવાને કાજ, ચાલ્યા લૈ સાથે સંતસમાજ;

થયા માણકીયે અસવાર, વાજાં વાજે ત્યાં વિવિધ પ્રકાર. ૩૯

ગામ બહાર ધોળો કુવો નામ, નાવા ત્યાં ગયા સુંદરશામ;

મહિમા તે કુવાનો છે મોટો, ત્યાં તો હમણાં કરાવ્યો છે ઓટો. ૪૦

હતા પિંપળા બે તેહ ટાણે, પ્રભુ ઉતર્યા એહ ઠેકાણે;

ધાર્યું નાવાનું અંચળ અંગે, ચડ્યા પીપળે નિજસખા સંગે. ૪૧

કુવામાં બહુ ધૂબકા માર્યા, સંતે જય જય શબ્દ ઉચ્ચાર્યા;

જળકેળી કરી ઘણીવાર, પછી વસ્ત્ર ધર્યાં આવિ બહાર. ૪૨

પેઠા વાજતે ગાજતે પુરમાં, ધારે હરિજન એ છબી ઉરમાં;

રહિ સારંગપુરમાં શ્રીહરિ, એવી અદ્‌ભુત લીલાઓ કરી. ૪૩

પછી ત્યાંથી ચાલ્યા જગતાત, રહ્યા બોટાદમાં જઈ રાત;

પછી ગઢપુર શામ સિધાવ્યા, ત્યાંના હરિજનને હરખાવ્યા. ૪૪

સ્થિતિ આપે કરી એહ સ્થાને, ભાગવત સાંભળ્યું ભગવાને;

અન્નકોટ તણો દિન આવ્યો, કોડે ઉત્સવ સારો કરાવ્યો. ૪૫

એમ કરતાં પ્રબોધિની આવી, હરિભક્ત તણે મન ભાવી;

સમૈયો થયો તે અતિ સારો, મળ્યા હરિજન સંત હજારો. ૪૬

ગઈ કાર્તિકી પૂનમ જ્યારે, ગયા સંઘ સ્વદેશમાં ત્યારે;

આસો પૂનમથી એક માસ, વસ્યા શ્રીહરિ ગઢપુર વાસ. ૪૭

ચોમાસાના નિયમનો જેહ, છેલ્લો માસ ગણાય છે તેહ;

ભલા જેથી રીઝે ભગવંત, કામ જપ તપનું સાધે સંત. ૪૮

એક દિન નૃપ અભય વિચારી, મુક્તાનંદની પાસે પધારી;

પુછ્યો પ્રશ્ન કહો મુનિરાય, કેમ પૂર્વનાં ક્ષય પાપ થાય? ૪૯

ઇન્દ્રવજ્રાવૃત્ત (ઉત્તર – ચોકીપ્રબંધ)

જે આપ પાપી પથમાં જ લાજે, જે લાજ માને નહિ આ સમાજે;

જે માસ આમાં ઘનશામ કાજે, જે કામ સાધે ક્ષય પાપ આજે. ૫૦

પુષ્પિતાગ્રાવૃત્ત

અભય નૃપતિ મુક્ત છે જ આપ, નથિ લવ પૂર્વ ભવો તણાં જ પાપ;

પણ પરઉપકાર અર્થ જાણી, કરિ શુભ પ્રશ્ન સુણી મુનિની વાણી. ૫૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિદુર્ગપુરે પ્રબોધિનીઉત્સવકરણનામા એકોનત્રિંશો વિશ્રામઃ ॥૨૯॥

 

॥ ઇતિ શ્રીહરિલીલામૃતે દુર્ગપુરાખ્યઃ ષષ્ઠકલશઃ સમાપ્તઃ ॥૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે