કળશ ૬

વિશ્રામ ૨૫

પૂર્વછાયો

ઝીંઝાવદર જવા નીસર્યા, સંત પાર્ષદ લૈ સંતનાથ;

અલૈયો ખાચર એ સમે, હતા શ્રીઘનશામની સાથ. ૧

ચોપાઈ

ગિરિધર ગઢપુરથી સિધાવ્યા, ઉગામેડીયે ઈશ્વર આવ્યા;

ગામથી દિશા પશ્ચિમમાંય, એક વાવ્ય છે સુંદર ત્યાંય. ૨

નાથે ત્યાં ઉતરી પીધું નીર, ગયા નિંગાળે શામ શરીર;

ગયા કેરિયે કરુણાનિધાન, દેવા દૈવીને દર્શનદાન. ૩

નારાયણજી પટેલની વાડી, દીઠી ગિરિધર ગામ અગાડી;

દીઠો તે વિષે બાવળ સારો, કૃષ્ણ ત્યાં જઈ કીધો ઉતારો. ૪

ભક્ત ભગુ પટેલ ત્યાં આવ્યા, કાના સોલંકીને સાથે લાવ્યા;

મુક્યું શ્રીફળ શ્રીહરિ પાસે, દંડવત કરીયા બેય દાસે. ૫

વાલે તે તો શ્રીફળ વધેરાવ્યું, ટોપરું તેહમાંથી કઢાવ્યું;

કટકા તો તેના ઘણા કીધા, દાસ સર્વને તે વેં’ચી દીધા. ૬

વેં’ચતાં વેં’ચતાં વધ્યા જેહ, ફેંકી દીધા ખેતર માંહિ તેહ;

કહ્યું કે આ પ્રસાદિને ખાશે, તેહ પ્રાણીનું કલ્યાણ થાશે. ૭

ત્યાંથી ચાલિયા તે જ દહાડે, ગયા ઝીંઝાવદરને સિમાડે;

દીઠો બાવો દિગંબર એક, બેઠો ધ્યાન કરી ધરિ ટેક. ૮

દીસે પગ પદમાસન વાળ્યું, પાસે વસ્ત્ર કે પાત્ર ન ભાળ્યું;

આંખ્યો મીંચીને બેઠેલો એહ, જટાધારી મહાજોગી તેહ. ૯

બીજા સૌ જોઈને ચાલ્યા ગયા, પણ અલૈયો પાછળ રહ્યા;

જોગી સત્ય છે કે ઢોંગધારી, તેની કરવા પરીક્ષા વિચારી. ૧૦

એક મિત્રને સંઘાતે લૈને, જોગીને પગે લાગિયા જૈને;

બાવો બોલાવતાં નવ બોલે, રહે અક્કડ આંખ ન ખોલે. ૧૧

અલૈયે ત્યાં કહ્યું અહો મિત્ર, મોટા જોગી આ પરમ પવિત્ર;

નથી જોતા તે ધ્યાનથી જાગી, અવધૂત1 આ તો મહાત્યાગી. ૧૨

ભાઈ માનતા છે એક મારે, આવા જોગી મળે કોઈ જ્યારે;

રુપૈયા પાંચ તેહને દેવા, મળ્યા આજ મહાજોગી તેવા. ૧૩

હોય તુંબડિ તો ધરું તેમાં, હોય અંચળો2 તો બાંધું એમાં;

હોત ચેલો કે સેવક સાથે, તો હું સોંપત તેહને હાથે. ૧૪

મુકિ આગળ કેમ જવાય, કોણ જાણે કોઈ લઈ જાય;

ખખડાવ્યા રુપૈયા તે જ્યારે, બાવે મુખ પોળું કર્યું ત્યારે. ૧૫

ત્યારે જોગીનો ઢોંગ તે જાણ્યો, પૂરો પાખંડિ કપટિ પ્રમાણ્યો;

ધૂળ લૈ તેના મુખ માંહિ ધારી, વળી ગાલ ઊપર લાત મારી. ૧૬

પછી પંથે પોતે પરવરી, કૃષ્ણ આગળ જૈ વાત કરી;

ત્યારે બોલ્યા મહાપ્રભુ ત્યાંય, સાચા સંત છે સતસંગમાંય. ૧૭

બીજે પાખંડિનો પરિવાર, જુઓ શોધી સકળ સંસાર;

રહે નગ્ન ને ફળ પત્ર ખાય, તોય તૃષ્ણાને પૂરે તણાય. ૧૮

ઉપજાતિવૃત્ત (તૃષ્ણા વિષે)

તૃષ્ણાનદી નીર અગાધ દીસે, પ્રવાહ એનો પ્રબળો અતીશે;

જે તત્ત્વવેત્તા પણ તે તણાય, તૃષ્ણા તણું જોર કહ્યું ન જાય. ૧૯

સંસાર છોડી જન થાય ત્યાગી, રુડો દિસે કૃષ્ણપદાનુરાગી;

તથાપિ તેને નડવા ચહાય, તૃષ્ણા તણું જોર કહ્યું ન જાય. ૨૦

મહાઋષી સૌભરિ તેહ ભૂલ્યા, તૃષ્ણા વિષે નારદ તુલ્ય ડૂલ્યા;

તો જીવની શી ગણતી ગણાય, તૃષ્ણા તણું જોર કહ્યું ન જાય. ૨૧

પંચેન્દ્રિયોના વિષયો કહ્યા છે, તે સર્વ તો દ્રવ્ય વિષે રહ્યા છે;

તેથી જ તૃષ્ણા ધનની ધરાય, તૃષ્ણા તણું જોર કહ્યું ન જાય. ૨૨

જોગી જતી પંડિત જે પ્રમાણો, વિશેષ જેને જગમાં વખાણો;

તૃષ્ણા થકી નિર્બળ છે બધાય, તૃષ્ણા તણું જોર કહ્યું ન જાય. ૨૩

બુઢાપણે નિર્બળ દેહ દિસે, આહાર ને જોર ઘટે અતીશે;

જો ચાવતાં અન્ન નહીં ચવાય, તૃષ્ણા તણું જોર કહ્યું ન જાય. ૨૪

ધનેશ3 તુલ્ય ધન કોઈ પામે, તથાપિ તૃષ્ણા નહિ રે વિરામે;

ઘણા ઘણાથી જ ઘણું ચહાય, તૃષ્ણા તણું જોર કહ્યું ન જાય. ૨૫

દેહાદિ જો સર્વ અસત્ય જાણે, આશા સુખો અક્ષયની4 જ આણે;

સંતો તણા સદ્‌ગુણ લૈ સદાય, પ્રભુ પ્રતાપે તૃષણા જિતાય. ૨૬

ચોપાઈ

કહે શ્રીજી સુણો સહુ સંત, સતસંગિ સુણો બુદ્ધિમંત;

મારી મૂર્તિમાં કરિ અનુરાગ, કરજો તમે તૃષ્ણાનો ત્યાગ. ૨૭

એવી વાત કરી સહુ સાથ, ઝીંઝાવદરમાં ગયા નાથ;

અલૈયા તણા દરબારમાંય, બેઠા ઢોલિયા ઉપર ત્યાંય. ૨૮

સભા શામની પાસે ભરાઈ, યથાયોગ્ય બેઠાં બાઈ ભાઈ;

વાલે વાત કરી ભલિ એવી, છેદે સંશય સર્વના તેવી. ૨૯

કર્યો વર્ણિ મુકુંદે ત્યાં થાળ, જમ્યા જુક્તિથી જનપ્રતિપાળ;

પછિ પોઢ્યા પ્રભુજી પલંગે, મુનિવર સેવે ચરણ ઉમંગે. ૩૦

એક દિલ્હીનો પઠાણ હતો, આવ્યો ત્યાં તે જુનેગઢ જતો;

ઝીંઝાવદરની હદ માંય, પેસતાં પામ્યો આનંદ ત્યાંય. ૩૧

દીઠું તેજ અલૌકી અપાર, નોતું દીઠું એવું કોઈ ઠાર;

મટ્યા મનમાંથિ સંકલ્પ ઘાટ, મટ્યા સર્વ પ્રકારે ઉચાટ. ૩૨

જોયું ચિત્તે વિચાર કરીને, જઈ આવ્યો હું મક્કે-મદીને;5

પણ શાંતિ જેવી થઈ આંહીં, એવી તો થઈ શાંતિ ન ક્યાંહી. ૩૩

એથી નિશ્ચય થાય છે આમ, કોઈ ઓલિયા છે એહ ઠામ;

મળ્યો એક પુરુષ એહ ટાણે, તેને પ્રીતથી પૂછ્યું પઠાણે. ૩૪

કોઈ ઓલિયા આ ગામમાં છે? હોય તો કહો તે વળિ ક્યાં છે?

ત્યારે તે કહે ઓલિયા જેવો, એક બાવો ચોરામાં છે એવો. ૩૫

સુણિ રાજિ પઠાણ તે થયો, જોવા બાવાને ચોરામાં ગયો;

મળ્યા અલૈયો ત્યાં ચોરા બા’ર, તેને પુછ્યું પઠાણે તે વાર. ૩૬

આંહીં ઓલિયા છે એક બાવો, કહો ક્યાં છે તે મુજને બતાવો?

અલૈયે તેની આગળ થૈને, ત્યાંનો બાવો બતાવિયો જૈને. ૩૭

બાવો બેઠો હોકો પીતો હતો, ભુંડા શબ્દ મુખેથિ ભાખતો;

અલૈયાને કહ્યું તે પઠાણે, આને ઓલિયો કોણ પ્રમાણે? ૩૮

પછી અલૈયો આપ નિવાસ, તેને તેડિ ગયા પ્રભુ પાસ;

ત્યાં તો તેહને સમાધી થઈ, કેવું દીઠું સમાધિમાં જઈ. ૩૯

દીઠા ઓલિયા અગણિત એણે, ઘણા દીઠા પેગાંબર તેણે;

સર્વ શ્રીહરિની સ્તુતિ કરે, કરે આજ્ઞા તે અંતરે ધરે. ૪૦

જોઈ જાગ્યો સમાધિથી જ્યારે, કરી કૃષ્ણની બંદગી ત્યારે;

પેગાંબરના પેગાંબર6 આપ, એવો જાણ્યો મેં આપ પ્રતાપ. ૪૧

મારે એવી ઉમેદ છે ઊર, હમેશાં રહું આપ હજૂર;

સુણિ બોલ્યા શ્રીજી સાક્ષાત, કરે હરકત તમને નાત્ય. ૪૨

જુનેગઢ જાઓ માનિ અમારું, અમે કલ્યાણ કરશું તમારું;

એવું સાંભળિ તે રાજિ થયો, પગે લાગી જુનેગઢ ગયો. ૪૩

સુણો ભૂપ કહે બ્રહ્મચારી, કરે એવાં ચરિત્ર મુરારી;

કરે ક્યારેક દિવ્ય ચરિત્ર, ક્યારે માનુષી લીલા વિચિત્ર. ૪૪

તે ચરિત્રના ગ્રંથ ગુંથાય, વૈકુંઠાદિક માંહિ વંચાય;

મહા અક્ષરધામના મુક્ત, કહે સાંભળે સ્નેહસંયુક્ત. ૪૫

ઝીંઝાવદરમાં રહિ હરી, લીલા માનુષિ જે એક કરી;

તે હું તમને સુણાવું છું આજ, સુણો સ્નેહે અભેસિંહ રાજ. ૪૬

હતો એહ સમે ઉષ્ણ કાળ, તપે તાપ અતી વિકરાળ;

ત્યારે સર્વે સખા લઈ સાથ, કુવે નાવા પધારિયા નાથ. ૪૭

જાણો ખાચર જે જેઠસૂર, અતિ ભક્તિ ભલી એને ઊર;

ભલો ભક્ત અલૈયોયે એવો, ત્રીજો માતરો ધાધલ તેવો. ૪૮

નાજો જોગિયો જોગિયો રામ, એક ખાચર અમરો નામ;

લાધો ટાંક ને સોલંકી બાવો, ભગા દોશિ ભલા ઉર લાવો. ૪૯

એહ આદિ ઘણા સખા સાથ, લૈને ચાલિયા નટવર નાથ;

ગયા ગામથી ઉત્તરમાંય, કુવો છે તરકોશિયો7 ત્યાંય. ૫૦

મોટો વડ છે કુવાને કિનારે, ચડ્યા તે પર સૌ તેહ વારે;

ખેલ આંબલિ પીંપળી કેરો, ઘનશામ રમ્યા તે ઘણેરો. ૫૧

વડ ડાળ ઝાલી બહુ વાર, માર્યા ધૂબકા કૂપ મોઝાર;

સખા સંગે રમે અવિનાશ, જુવે અમર રહીને આકાશ. ૫૨

કહે મુનિજન જયજયકાર, લીલા નિરખીને હરખે અપાર;

પછી વાજતે ગાજતે વાલો, ગયા ગામમાં ધર્મનો લાલો. ૫૩

કરે એવાં ચરિત્ર અથાગ, જેણે જોયાં તેનાં બડભાગ્ય;

ઝીંઝાવદરમાં અવિનાશ, કેટલાક દિવસ કર્યો વાસ. ૫૪

બીજા ગામોમાં ફરવાનું ધારી, ત્યાંથી ચાલવા કીધી તૈયારી;

તેડી લૈ જવા નિજ નિજ ગામ, ભક્તો તાણ કરે તેહ ઠામ. ૫૫

ભાળે જેહનો ભાવ વિશેષ, પ્રેમે ત્યાં પધારે પરમેશ;

માવનો નિરખી મહિમાય, સતસંગિ ઘણા જન થાય. ૫૬

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજ પદરજ ધારિ મેઘશામ, તિરથ અનેક કર્યાં જ ઠામ ઠામ;

અધરમ તણું થાણું તે ઉઠાવ્યું, કળિજુગનું નહિ કાંઈ જોર ફાવ્યું. ૫૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહપસંવાદે

શ્રીહરિઝીંઝાવદર-વિચરણનામા પંચવિંશો વિશ્રામઃ ॥૨૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે