Tr    

ભક્તચિંતામણિ

કવિ પરિચય

ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે, “પોતાના ઇષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે.” (વચ. ગ. મ. ૫૮) શ્રીજીમહારાજના આ અભિપ્રાયને પરમહંસોએ યથાર્થરૂપમાં ઝીલ્યો હતો. વર્ષાની હેલી સમાન અઢળક ચરિત્રગ્રંથો તેઓએ રચ્યા છે. આ ચરિત્રગ્રંથોના રચયિતાઓમાં અગ્રગણ્ય છે સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી.

ભક્તોને ચિંતામણિ રૂપ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રનો આ ગ્રંથ શ્રીજીમહારાજના સમકાલીન અને અનુભવી વૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અપૂર્વ ભક્તિપૂર્વક લખ્યો છે. પોતે વૈરાગ્ય મૂર્તિ હતા છતાં શ્રીજીમહારાજ પ્રત્યેના ભક્તિરસનો ભાવ શબ્દે શબ્દે અને પદે પદે આ ગ્રંથમાં દેખાય છે.

નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં મહારાજનાં ચરિત્રો આલેખ્યાં છે, મહારાજના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન પીરસ્યું છે, મહારાજે કરેલા ઉત્સવ અને સમૈયાનું તાદૃશ્ય વર્ણન કર્યું છે અને એ રીતે શ્રીજીમહારાજની ચિંતામણિ તુલ્ય મૂર્તિ ભક્તના અંતરમાંથી એક ક્ષણ માટે પણ વેગળી ન થાય તે ખાસ દૃષ્ટિ રાખી છે.

ગ્રંથ પરિચય

શાંતિને ઇચ્છતા મનુષ્યે પથ્થરના વપરાશથી કોમ્પયુટર સુધીની શોધ કરી પણ શાંતિ ક્યાં કોઈ પામ્યું છે? જેમ જેમ વધુ ને વધુ સંશોધન થાય છે, ભૌતિક જગતનો વિકાસ થાય છે, તેમ તેમ ભગવાન વિના શાંતિનું સ્થાન બીજું કોઈ નથી તે પુરવાર થાય છે. મન સ્થિર કરવા ભગવાનનાં લીલાચરિત્રનું ગાન કે શ્રવણ, સુલભ અને શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી જ આધુનિક યુગમાં શ્રીમદ્ ભાગવત કે રામાયણ જેવા ગ્રંથનો મહિમા જનસમુદાયમાં વધ્યો છે.

ભક્તચિંતામણિ ભગવાન સ્વામિનારાયણનાં લીલાચરિત્રોનો ગ્રંથ છે. પૂર્વે રચાયેલા મહાગ્રંથોમાં ભક્તચિંતામણિ ગ્રંથ જુદી જ ભાત પાડે છે. ભાગવતની શરૂઆત વેદવ્યાસની અશાંતિથી થાય છે. જ્યારે રામાયણમાં ક્રોંચવધનું કરુણ દૃશ્ય જોયા બાદ કવિને પ્રેરણા મળે છે. ભક્તચિંતામણિ ગ્રંથની શરૂઆત જ આનંદથી થાય છે. શોકનું સમાધાન મેળવવા નહીં, પણ ઉમંગને વહાવવા આ ગ્રંથની રચના થઈ છે.

સ્વામીને ઇષ્ટદેવનાં ચરિત્રો સંભળાવવાની એટલી બધી ઉત્કટતા છે કે અન્ય ગ્રંથોની જેમ કાંડ, સર્ગ કે પર્વ જેવા વિભાગ કરવા પણ રોકાયા નથી. સમગ્ર ગ્રંથમાં એક પછી એક પ્રકરણમાં ચરિત્રગાન થયા જ કરે છે. ચોપાઈ, પૂર્વછાયો, સામેરી જેવા રાગો પણ સરળ છે. શબ્દો પણ રોજબરોજના બોલચાલના છે. કેવળ ભક્તિથી આ ગ્રંથની રચના થઈ છે. ભાવપ્રવાહ, આનંદમસ્તી જ આ ગ્રંથમાં મુખ્ય બની રહ્યાં છે.

આ ચરિત્રો સામાન્ય નથી. જો કોઈ જાણે-અજાણ્યે સાંભળશે તેનાં જન્મમરણ તાપ ટળશે. અને જો શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજશે તો જરૂર અક્ષરરૂપ થશે. આ લોકના સુખ માટે ફાંફા મારતા મનુષ્યને અક્ષરબ્રહ્મનું અખંડ, અવિનાશી સુખ સુલભ થયું. કારણ કે સર્વોપરી પુરુષોત્તમનારાયણ પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ટાંકેલા શ્રીજીમહારાજના પોતાના જ શબ્દોમાં તેમનો મહિમા સમજીએ:

પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજ્યો સહુ જન;
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ.
અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત;
ભક્ત જક્ત માંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા.
જે જે મૂરતિ જનને ભાવે, તે મૂર્તિ નિજધામ પહોંચાવે;
પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ.
એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય;
સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા.
(પ્રક. ૭૯, ૩૮-૪૧)

પ્રગટની પ્રાપ્તિથી જ કલ્યાણ થાય છે. તે જ માર્ગ નિર્વિઘ્ન છે. પ્રત્યક્ષ ચરિત્ર તે જ નિર્ગુણ કરનારા છે. તે વાત આ ગ્રંથની શરૂઆતથી અંતિમ પ્રકરણ સુધી થઈ છે. પ્રગટ પ્રભુનો મહિમા કઈ રીતે સમજવો? તેનું સુખ કઈ રીતે લેવું? તેમાં જાતને કઈ રીતે જોડવી? કઈ રીતે દોષરહિત થવું? તેની શીખ આ ગ્રંથમાંથી મળી રહે છે. પ્રગટના કાર્યની વાત, પ્રગટના મહિમાની વાત આ ગ્રંથમાં જે રીતે સ્પષ્ટતાથી થઈ છે, તેવું બીજા ગ્રંથમાં નથી.

આશા છે કે આપને ભક્તચિંતામણિ વાંચી અને સાંભળીને આનંદ થાય અને પોતાના મોક્ષનું કાર્ય પણ સિદ્ધ કરવા બળ અને બુદ્ધિ મળે. આ ગ્રંથ ખૂબ જ વિશાળ હોવાથી ‘ચિંતામણિ સાર’નો પણ સંગ્રહ કર્યો છે જેમાં મુખ્ય પ્રચલીત પ્રકરણો ટાંકવામાં આવ્યાં છે.

Chintamani Sar - ચિંતામણિ સાર

ભક્તચિંતામણિ

પ્રકરણ ૨: કવિએ સ્તુતિ કરી

પૂર્વછાયો સર્વે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય;
આદરું આ ગ્રંથને, જેમાં વિઘન કોઈ ન થાય. ૧
સંત કૃપાએ સુખ ઊપજે, સંત કૃપાથી સરે કામ;
સંત કૃપાથી પામીએ, પૂરણ પુરુષોત્તમ ધામ. ૨
સંત કૃપાએ સદ્‍મતિ જાગે, સંત કૃપાથી સદ્‍ગુણ;
સંત કૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ. ૩
સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન;
ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન. ૪
જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન;
સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન. ૫
એવા સંત શિરોમણિ, ઘણી ઘણી શું કહું વાત;
તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત્. ૬
કામદુઘા કલ્પતરુ, પારસ ચિંતામણિ ચાર;
સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર. ૭
અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ;
સંત સેવ્યે સુખ ઊપજે, રહે અખંડ અટળ એહ. ૮
ચોપાઇ એવા સંત સદા શુભમતિ, જક્ત દોષ નહિ જેમાં રતિ;
સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ. ૯
સદ્‍ગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર;
માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ. ૧૦
અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જિત;
ઇન્દ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ. ૧૧
નિર્ભય બ્રહ્મવિત પુનિત, ક્ષમાવાન ને સરલ ચિત્ત;
સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીષ. ૧૨
તેજે તપે યશે સંત પૂરા, જ્ઞાનવાન શુદ્ધબોધે શૂરા;
શુભ શીલ સુખના દાનેશ, એવા સંતને નામું હું શીષ. ૧૩
કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગિરા સમભાવ અપાર;
નહિ અનર્થ ઈર્ષ્યા કલેશ, એવા સંતને નામું હું શીષ. ૧૪
ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર;
અતિ પવિત્ર રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ. ૧૫
શમ દમાદિ સાધને સંપન, બોલે મળીને મન રંજન;
શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું હું શીષ. ૧૬
આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ;
અશઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામું હું શીષ. ૧૭
સંશયહર્તા ને કલ્યાણકર્તા, વળી વેદ પુરાણના વેત્તા;
કોમળ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું હું શીષ. ૧૮
સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ આત્મા રહે છે;
વળી પરદુઃખ હરે હંમેશ, એવા સંતને નામું હું શીષ. ૧૯
કામ દ્રવ્ય ને માન છે જેહ, તેહ સારુ નથી ધાર્યો દેહ;
જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામું હું શીષ. ૨૦
સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે;
એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું હું શીષ. ૨૧
સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ન જુવે જરા;
મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું હું શીષ. ૨૨
કરે કારજ કળીમળ ધોય, લાભ અલાભે સ્થિરમતિ હોય;
ડાયા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું હું શીષ. ૨૩
સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે;
ઉરે અધર્મનો નહિ પ્રવેશ, એવા સંતને નામું હું શીષ. ૨૪
અચપળતા અચિરકાલી, ધ્રાય નૈ ધ્યાને મૂરતિ ભાળી;
સદાગ્રહમાં રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ. ૨૫
કૃપાળુ ને પરઉપકારી, જ્ઞાન દાનથી ન જાય હારી;
કેની નિંદા દ્રોહ નહિ લેશ, એવા સંતને નામું હું શીષ. ૨૬
સગા સૌના શીતળતા અપાર, નિર્વિકારી ને લઘુ આહાર;
શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું હું શીષ. ૨૭
દગો નહિ સંગ્રહરહિતા, વિવેકી વિચાર ધર્મવંતા;
સદા પવિત્ર ને શુભવેષ, એવા સંતને નામું હું શીષ. ૨૮
રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ, અતિ તજ્યો ત્રિયાનો પ્રસંગ;
પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું હું શીષ. ૨૯
એવા સદ્‍ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર;
અજ્ઞાન તમના છે દિનેશ, એવા સંતને નામું હું શીષ. ૩૦
એવા સદ્‍ગુણે સંપન્ન સંત, કરો કૃપા મું પર્ય અત્યંત;
ગાઉં મહારાજના ગુણ વળી, કરજ્યો સહાય તમે સહુ મળી. ૩૧
વળી વંદુ હરિજન સહુને, આપજ્યો એવી આશિષ મુને;
હેત વાધે હરિ યશ કહેતાં, એવી સૌ રહેજ્યો આશિષ દેતાં. ૩૨
અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પૂરો કરવા સમર્થ;
માટે સ્તુતિ કરું છું તમારી, કરજ્યો સહુ મળી સહાય મારી. ૩૩
કરી વિનંતિ વારમવાર, હવે કરું કથાનો ઉચ્ચાર;
હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રૈયું. ૩૪
ઇતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજું પ્રકરણ. ૨

Prakaran 2: Kavie Stuti Karī

Pūrvachhāyo Sarve sant sujāṇne, hu pratham lāgī pāy;
Ādaru ā granthne, jemā vighan koī na thāy. 1
Sant kṛupāe sukh ūpaje, sant kṛupāthī sare kām;
Sant kṛupāthī pāmīe, Pūraṇ Puruṣhottam Dhām. 2
Sant kṛupāe sadmati jāge, sant kṛupāthī sadguṇ;
Sant kṛupā vinā sādhutā, kahone pāmyā kuṇ. 3
Sant sevyā teṇe sarva sevyā, sevyā Shrī Hari Bhagwān;
Ṛuṣhi muni sevyā devatā, jeṇe sant karyā rājī man. 4
Jap tap tīrth vrat vaḷī, teṇe karyā yog yagan;
Sarve kāraj sāriyu, jeṇe sant karyā prasanna. 5
Evā sant shiromaṇi, ghaṇī ghaṇī shu kahu vāt;
Tevu nathī Trilokmā, sant sam tulya sākṣhāt. 6
Kāmdughā kalpataru, pāras chintāmaṇi chār;
Sant samān e eke nahi, me manmā karyo vichār. 7
Alp sukh emā rahyu, maḷī ṭaḷī jāy chhe eh;
Sant sevye sukh ūpaje, rahe akhanḍ aṭaḷ eh. 8
Chopāi Evā sant sadā shubhmati, jakta doṣh nahi jemā rati;
Saune āpe hit updesh, evā santne nāmu hu shīṣh. 9
Sadguṇnā sindhu gambhīr, sthirmati atishay dhīr;
Mān abhimān nahi lesh, evā santne nāmu hu shīṣh. 10
Ahankār nahi abhed chitta, kām krodh lobh moh jit;
Indriya jītī bhaje Jagdīsh, evā santne nāmu hu shīṣh. 11
Nirbhay brahmavit punit, kṣhamāvān ne saral chitta;
Samarth satyavādī saresh, evā santne nāmu hu shīṣh. 12
Teje tape yashe sant pūrā, gnānvān shuddhabodhe shūrā;
Shubh shīl sukhnā dānesh, evā santne nāmu hu shīṣh. 13
Kare pavitra anna joī āhār, sārī girā sambhāv apār;
Nahi anarth īrṣhyā kalesh, evā santne nāmu hu shīṣh. 14
Bhakti vinay draḍh vichār, āpe bījāne mān apār;
Ati pavitra rahe ahonish, evā santne nāmu hu shīṣh. 15
Sham damādi sādhane sampan, bole maḷīne man ranjan;
Shrutvānmā sauthī saresh, evā santne nāmu hu shīṣh. 16
Ānandit ātmā chhe āp, nirlep nirdoṣh niṣhpāp;
Ashaṭh asangī kṣhamādhīsh, evā santne nāmu hu shīṣh. 17
Sanshayhartā ne kalyāṇkartā, vaḷī Ved Purāṇnā vettā;
Komaḷ vāṇī vāchāḷ visheṣh, evā santne nāmu hu shīṣh. 18
Sārī sundar kathā kahe chhe, alubdhādi ātmā rahe chhe;
Vaḷī paradukh hare hammesh, evā santne nāmu hu shīṣh. 19
Kām dravya ne mān chhe jeh, teh sāru nathī dhāryo deh;
Gnān vairāgya ure asheṣh, evā santne nāmu hu shīṣh. 20
Sadā smaraṇ bhajan kare, vaḷī dhyān Mahārājnu dhare;
Eve guṇe moṭā je munīsh, evā santne nāmu hu shīṣh. 21
Sāvadhān lajjāvān kharā, lok ācharaṇ na juve jarā;
Moṭī buddhi shuddhi chhe visheṣh, evā santne nāmu hu shīṣh. 22
Kare kāraj kaḷīmaḷ dhoy, lābh alābhe sthirmati hoy;
Ḍāyā jāṇe kāḷ vaḷī desh, evā santne nāmu hu shīṣh. 23
Suṇī pārakā doṣhne dāṭe, te jīvnā rūḍā thavā māṭe;
Ure adharmano nahi pravesh, evā santne nāmu hu shīṣh. 24
Achapaḷatā achirkālī, dhrāya nai dhyāne mūrti bhāḷī;
Sadāgrahamā rahe ahonish, evā santne nāmu hu shīṣh. 25
Kṛupāḷu ne par-upakārī, gnān dānthī na jāy hārī;
Kenī nindā droh nahi lesh, evā santne nāmu hu shīṣh. 26
Sagā saunā shītaḷatā apār, nirvikārī ne laghu āhār;
Sharaṇāgatnā dātā hammesh, evā santne nāmu hu shīṣh. 27
Dago nahi sangrah-rahitā, vivekī vichār dharmavantā;
Sadā pavitra ne shubhveṣh, evā santne nāmu hu shīṣh. 28
Rākhyu brahmacharya aṣhṭ ang, ati tajyo triyāno prasang;
Panch viṣhay shu rākhyo chhe dveṣh, evā santne nāmu hu shīṣh. 29
Evā sadguṇnā chhe bhanḍār, sarve jannā sukhdātār;
Agnān tamnā chhe dinesh, evā santne nāmu hu shīṣh. 30
Evā sadguṇe sampanna sant, karo kṛupā mu parya atyant;
Gāu Mahārājnā guṇ vaḷī, karajyo sahāy tame sahu maḷī. 31
Vaḷī vandu harijan sahune, āpajyo evī āshiṣh mune;
Het vādhe hari yash kahetā, evī sau rahejyo āshiṣh detā. 32
Alp buddhie ādaryo granth, nathī pūro karavā samarth;
Māṭe stuti karu chhu tamārī, karajyo sahu maḷī sahāy mārī. 33
Karī vinanti vāramvār, have karu kathāno uchchār;
Hariyash kahevā harakhyu chhe haiyu, kahyā vinā jātu nathī raiyu. 34
Iti Shrīmad Ekāntik Dharma-Pravartak Shrī Sahajānand Swāmī shiṣhya Niṣhkuḷānand Muni virachite Bhaktachintāmaṇi madhye "Kavie Stuti Karī" e nāme bīju prakaraṇ. 2

Prakaran Selection

Prakaran: Go

Chintamani Sar

Prakarans

loading