ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૮

આજ્ઞા

સુરતથી મુક્તાનંદ સ્વામીએ અમને મહારાજ પાસે મોકલ્યાં ત્યારે જોડ ગોતવા માંડી. ત્યાં તો એક સાધુ બોલ્યા જે, “મારે જાવું છે તે તમે કહેશો તો જાઈશ ને નહિ કહો તોય જાઈશ.” ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, “બહુ સારુ.” પછી તે સાધુ અમારી સાથે આવ્યા. મહારાજને અમે બધા હરિજનનાં નામ લઈને મળ્યા, તે જેટલાં નામ લીધાં એટલી વાર મળ્યા પછી અમને એમ થયું જે, ‘મહારાજ થાકી જશે,’ એમ ધારી નામ બોલતાં વાર લગાડી ત્યારે મહારાજ કહે, “હવે ભૂલ્યા.” પછી ઓલ્યા સાધુ મળવા આવ્યા તેને મહારાજ ન મળ્યા ને કહ્યું જે, “આજ્ઞા લોપીને આંહીં આવ્યા તે દેહ પડ્યો હોત તો તેડવા કોણ આવત?” પછી અમે કહ્યું જે, “અમારી ભેળા આવ્યા છે માટે મળો તો ઠીક.” એટલે મહારાજ મળ્યા ને કહે જે, “તમારા કહેવાથી મળીએ પણ બાવીશ વાર મળતાં કઠણ ન પડ્યું ને આ એક વાર મળવું અમને કઠણ પડે છે.” (૧૧)

પ્રકરણ/વાત: ૮/૨૫૭

... એક બાવો ગિરનારને દંડવત્ કરીને પરિક્રમા કરતો હતો. તેને વિશુદ્ધાત્માનંદ સ્વામીએ પૂછ્યું, “બાવાજી, શું કરો છો?” તો કહે, “આમાં મોટા મોટા સિદ્ધ રહ્યા છે તેમને દંડવત્ કરીને પરિક્રમા કરું છું.” ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કહે, “અમને એક દંડવત્ કર તો તારું કલ્યાણ કરીએ.” ત્યારે તે કહે જે, “સામા ઊભા રહો તો કરું.” સાધુ કહે, “આંહીં આવીને કર,” તો તેણે તેમ ન કર્યું. એમ હઠે કરીને જીવ કરે પણ આજ્ઞાએ કરીને ન કરે. વીઠુબાની બુદ્ધિ ને ગગા ઓઝાની બુદ્ધિ, એનું ફળ તો ધન, સ્ત્રી, માન ને રૂપિયા મળે એ જ છે. (૧૨)

પ્રકરણ/વાત: ૮/૨૭૪

મહારાજે ગઢડાની મહંતાઈ નિષ્કુળાનંદ સ્વામીને આપીએ એમ સભામાં વાત કરી એટલે નિષ્કુળાનંદ સ્વામી રાતમાં ઊઠીને ગઢાળિયે વયા ગયા. સવારે મહારાજે બોલાવ્યા ત્યારે ગોત્યા પણ જડ્યા નહિ, પછી પાછા આવ્યા ત્યારે મહારાજ કહે, “આજ્ઞા વિના ગયા હતા તે દેહ પડી ગયો હોત તો તેડવા કોણ આવત?” ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું, “એ તો ખરું, મહારાજ, પણ તમે મારે માથે સાલેમાળ મૂકો તે મારાથી કેમ ઉપડે?” (૧૩)

પ્રકરણ/વાત: ૮/૨૮૦

સત્સંગ વધી બહુ જાશે, પણ આમાં જેનાથી નહિ પળે તે જાતો રહેશે. એક જણ જવાનો થયો તે એક મહિના સુધી અમારી પાસે પેચુટી કરાવી પછી વયો ગયો, માટે કોઈ જાણીને માંદા થાશો નહિ. ક્રિપાનંદ સ્વામી અને અમે જ્યાં જાતે સત્સંગ કરાવ્યો છે ત્યાં હજી ડાકલું નથી પેઠું, પણ બીજે બધે ડાકલાં ને શાસ્ત્રીપાઠ પેસી ગયાં. તળ વરતાલમાં પણ ડાકલાં પેઠાં છે. (૧૪)

પ્રકરણ/વાત: ૯/૪૩

પરચો એ જે, નિષ્કામી વર્તમાન કોઈ રાખી શકે નહિ. એક વેરાગી ચોરાશી વરસે બગડ્યો. તે અડવાણે પગે બધાં તીર્થ કર્યાં, ઝીંઝરીમાં મારગીના મંદિરમાં રાત રહ્યો. ત્યાં તીર્થનાં વખાણ કર્યાં પછી રાત્રે બે બાવીયું પગ ચાંપવા આવી ને ભ્રષ્ટ થયો. ત્યારે વેરાગી ભણેલો હતો તેથી સૂઝ્યું જે, ‘ભૂંડું થયું!’ પછી તો કહેવા લાગ્યો જે, “જગન્નાથ ડબોયા! બદ્રિનાથ ડબોયા! રામનાથ ડબોયા! ઝીંઝરીમેં સબ ડબોયા! હાય હાય, ઝીંઝરીમાં મેરા સબ છીન લિયા!!” હવે શું થાય? પછી ગામના પટેલને વાત કરી ત્યારે ઊલટા સૌ તેને વઢવા લાગ્યા. માટે ‘પારાવાર જીતે સો દુસરો પરમ હૈ’ એવું તો પશુપક્ષી, દેવ, મનુષ્યમાં ક્યાંઈયે વ્રત નથી. (૧૫)

પ્રકરણ/વાત: ૯/૪૪

ડોડા ચોરવામાંથી બાવાને ઝાટકો લાગ્યો. નાઘેરમાં પહર ચારવા ગયા ત્યાં સૌને ડોડા ખાવાનો મનસૂબો થયો. ત્યારે બાવો કહે, “લ્યો લઈ આવું.” પછી બાવો વાડ ઠેકીને વાડામાં પડ્યો ત્યારે વાડાના ધણીએ જાણ્યું જે, ‘ચોર છે,’ એમ ધારી બાવાને ઝાટકો માર્યો તે ફાંફળ પડી ગયું માટે ચોર માર્ગે કરીને પેસવું નહિ ને નીસરવું પણ નહિ. ખડ, ફળ તથા ધૂળ સોતની ના પાડી છે. માટે એ લોપાશે તેટલું જરૂર દુઃખ આવશે. (૧૬)

૧. तृणं वा यद् वा काष्टं पुष्पं वा यद् वा फलम् । अनापृच्छन्न हि गृहणीयात् हस्तछेदनमर्हति ॥

પ્રકરણ/વાત: ૯/૪૯

આજ્ઞામાં કુશળ હોય તેનાથી વાતુ થાય, બીજાથી ન થાય. આજ્ઞા લોપતલ વાત કરવા જાય તો મુખ્ય તેને જ માથે આવે. માટે સત્સંગમાં જે ધર્મવાળા હોય તેનાથી વાતુ થાય ને તેને મોઢે વર્તન બોલે ને તેની વાતથી સમાસ થાય, પણ જે ધર્મમાં ન હોય તેનું મોઢું વાત કરતાં સુકાય ને તેની વાતે સમાસ પણ ન થાય, તે જો વાત કરે તો તેને જ માથે આવે. એક જણનું દ્રવ્ય બીજે ચોરી લીધું તેનો કજિયો રાજા પાસે આવ્યો. ત્યારે રાજા કહે, “ક્યાંથી તમારું દ્રવ્ય ચોરાણું?” તો કહે, “અમે સાલેવડના ઝાડ હેઠે બેઠા હતા ત્યાંથી.” ત્યારે ચોર કહે, “મેં તો વડ નથી દીઠો ને ત્યાં ગયો પણ નથી.” પછી રાજાએ હુકમ કર્યો જે, “સાલેવડના બે પાંદડાં લઈ આવો તો ચોરને ઓળખાવીએ. પછી જેમ હશે તેમ પાંદડાં બોલશે.” એક જણ સાલેવડના પાંદડાં લેવા ગયો ને ચોર ત્યાં રહ્યો. પછી થોડી વાર લાગી ત્યારે રાજા કહે, “કેમ હજી ન આવ્યો?” ત્યારે તે ચોર બોલ્યો જે, “હજી પહોંચ્યો નહિ હોય. સાલેવડ આંહીંથી છેટો છે.” ત્યારે રાજા કહે, “પાંદડાં બોલ્યાં જે, ‘તું જ ચોર છે,’ કારણ કે પ્રથમ કહેતો હતો જે, ‘વડ દીઠો નથી,’ ને હવે કહે છે જે, ‘છેટો છે.’ માટે તું ત્યાં હતો ને તું જ ચોર છે.” એમ વર્તન ન હોય ને છાનું રાખવા વાત કરે તો ઊલટું ઉઘાડું થાય છે. (૧૭)

પ્રકરણ/વાત: ૯/૬૫

નિષ્કામી વર્તમાનમાં કરોડ વાનાં જોઈએ પણ નિષ્કામી વર્તમાનના જ કજિયા છે. આચાર્યજી મહારાજ ને મોટા સંત ધર્મવાળા છે એટલે તેમને અધર્મ ગમતો નથી. માટે નિષ્કામી વર્તમાનની અતિશે ખબરદારી રાખજો! નિષ્કામી વર્તમાન છે એ ગળું છે, તે કપાય તો જીવે નહિ. એમાં ખબરદારી રાખશું તો ભગવાનની ને મોટા સંતની દૃષ્ટિ રહેશે. (૧૮)

પ્રકરણ/વાત: ૯/૬૬

... લખમણ સુતાર નિષ્કામી વર્તમાનથી પડ્યો. તેને મહારાજે બીજે ગામ ધાડું પડવાનું હતું તેના ખબર દેવા મોકલ્યો. વળતાં રસ્તામાં સર્પે ઊલળીને તેની છાતીમાં ફેણ મારી એટલે તે પડી ગયો. પછી સર્પે તેને કરડવા મોઢું ફાડ્યું. ત્યારે કહે જે, “મને કરડ તો તને સ્વામિનારાયણના સમ છે!” ત્યારે સર્પ બોલ્યો જે, “હું તો કાળ છું તે મારે સ્વામિનારાયણના સમ પાળ્યા જોશે પણ તેં કેમ આજ્ઞા લોપી? માટે જા મહારાજ પાસે અને આ વાત કહેજે ને હવે આજ્ઞા લોપીશ તો ફરી કરડીશ.” પછી તેણે મહારાજને વાત કરી. ત્યારે મહારાજ કહે જે, “વર્તમાન નહિ પાળે તેને સર્પ કરડશે.” જેને સત્સંગમાં રહેવું હોય તે રહેજો પણ સત્સંગને બટો લગાડશો નહિ. કોઈ વિના અટકે એમ નથી. (૧૯)

પ્રકરણ/વાત: ૯/૬૭

સાધુ અને ભગવાન કહે એમાં જ મોક્ષ છે, તે શું જે, અર્જુનની પાસે ઘાણ કઢાવ્યો ને ઋષિને કહ્યું જે પાંદડું તોડવું નહિ. માટે ભગવાન તો ગમે એમ કરે. (૨૦)

પ્રકરણ/વાત: ૯/૭૮

Vat Selection


Type: Keywords Exact phrase