ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૭

માન

સત્સંગ નવ છોડીયે શીર કટે સો વાર;

એક શીરકે વાસ્તે ક્યું ડરત હે ગમાર?

કાં તો કોરા તલ ભલા કાં લીજે તેલ કઢાય;

અધકચરી ઘાણી બુરી બેય કોરથી જાય.

મૂળ કપાઈ ગયા ગયા છે પણ ધોરી મૂળ રહ્યાં છે. વિષયના રાગ એ ધોરી મૂળ છે. તે તો એકાંતિકના વિશ્વાસે કપાય, માટે જેને દોષ મૂકવા તેને એકાંતિક આગળ દીન થઈ જાવું, દાસ થઈ જાવું. (૨૧)

પ્રકરણ/વાત: ૮/૨૨૯

દેહ તો મોટો શત્રુ છે, માટે સેવા-ભક્તિ કરીને દેહને કારસો લગાડવો. એક કાઠીએ તેના બે દીકરાને કહ્યું જે, “બાપ થઈને આવજો પણ દીકરા થાશો નહિ.” પછી એક જણે તો ડાયરામાં જઈને હોકા ભરી દેવા માંડ્યા ને જે કામ ચિંધે તે તરત કરે. એટલે તેને સૌ બોલાવે જે, “આપલા, હોકો લાવજે, પાણી લાવજે.” ને બીજો તો ડાયરામાં પગ ઉપર પગ ચડાવીને બેસે, કાં ઢીંચણે ફાળિયું બાંધીને બેસે. ત્યારે ઘરડેરા કહે જે, “જુઓ મારો દીકરો કેવો બેઠો છે?” ત્યારે બીજો કહે જે, “માંગરનો પગ ઉપર પગ ચઢાવીને બેઠો છે.” ક્યારેક ગધનો પણ કહી લે. તેમાં શું કહ્યું જે, એક ગધનો કહેવાણો ને બીજો સેવાએ કરીને આપલો કહેવાણો. (૨૨)

પ્રકરણ/વાત: ૮/૨૭૮

ભગવાન તથા મોટા સંતની એવી દયા છે જે શરણે આવે તેના દોષ સામું જુએ નહિ તેટલું સમદૃષ્ટિપણું છે, કહેતાં પહેલાં દ્રોહ કર્યો હોય પણ પછી દીન આધિન થઈ નિષ્કપટથી શરણે થાય ને માફી માગે અને અનુવૃત્તિ પાળે તો એકાંતિક ભક્તના જેવું કલ્યાણ કરે છે, પણ અવગુણ લીધો હતો તે સામું નથી જોતા. જીવ તો અવળા છે પણ તેમાં ભગવાન પોતાનો સંબંધ થયો તે સામું જોઈ રક્ષા કરે છે. મોટા ગુણ હોય પણ જે માન આવે તો તે ગુણ નજરમાં ન આવે. તે એક જણ પથ્થર ઉપર તપ કરતો હતો. તે દયાથી ભગવાન આવીને કહે જે, “માગ.” ત્યારે માની હતો તેથી કહે જે, “મારા સામું જુઓ!” ત્યારે ભગવાન કહે, “તેથી જ ફળ દેવા આવ્યા છીએ. માટે માગ તે આપું.” તો પણ ત્રણ-ચાર વખત કહ્યું કે, “મારા આવા ઉગ્ર તપ સામું જુઓ!” પછી ભગવાન કહે, “ક્યાં તપ કર્યું?” ત્યારે કહે કે, “આ છીપર ઉપર.” એટલે ભગવાન કહે, “કોના હુકમથી આ છીપરને ભારે મારી? માટે હવે તું હેઠો પડ અને છીપર એટલો વખત તારે માથે ચડે.” એમ માન આવ્યું તે આશીર્વાદને બદલે શ્રાપ મળ્યો. તે ‘મુક્ત પ્રગટકી પ્રીછ બીન વૃક્ષ તુલ્ય વૈરાગ્ય.’ પણ જો ભગવાનને પ્રસન્ન કરવા છે એમ કોઈ સત્પુરુષ થકી સમજ્યો હોય તો ‘સૌથી ઉગ્ર તપ મેં કર્યું છે’ તેવું માન ન રહત અને મોક્ષ માગી કૃતાર્થ થાત. (૨૩)

પ્રકરણ/વાત: ૧૦/૫૮

... એક રાજાને વંશ નહિ તે મરવા ટાણે પોતાના પાસેના રહેનારાને કહ્યું જે, “તમે પાંચ મળી સવારમાં ચાલજો ને જે પહેલા પ્રથમ સામો મળે તેને ગાદીએ બેસાડજો.” પછી તે દિવસે કોઈ ગરીબ માણસ ખડનો ભારો વેચવા વહેલો ઊઠીને આવેલ ને દરવાજો ઊઘડે તેની વાટ જોતો હતો. તે દરવાજો ઊઘડ્યો કે તુરત ગામમાં પેઠો ને ઓલ્યા પાંચને સામો મળ્યો. પછી તે ગરીબને ગાદીએ બેસાડ્યો. પણ તેણે પોતાની પાસેનાં દાતરડું ને બંધિયા એક આળિયામાં રાખ્યાં. પછી તે જ્યારે કચેરીમાં જાય ત્યારે ગોખલામાં દાતરડું ને બંધિયા રાખેલ તેને પગે લાગીને જાય ને એમ સમજે જે, ‘આ રાજ્ય તો ભગવાનની ઇચ્છાએ મળ્યું છે પણ મારું પ્રારબ્ધ તો આ દાતરડું ને બંધિયા છે,’ એટલે રાજાનો મદ આણ્યા વિના દીનતાથી રાજ્ય કરાય. તેમ જે ગુરુથી ગુણ આવ્યા હોય તેના સામા ન થાવું પણ દીનતા રાખવી. ને દાસાનુદાસ છું એમ નિરંતર રહેશે તો ઠીક રહેશે ને એવું સદા રહે ત્યારે એ સાધુ થઈ રહ્યો છે. (૨૪)

પ્રકરણ/વાત: ૧૦/૧૦૧

બીજા વિષય તો મુકાય પણ માન મુકાય તેવું નથી. તે ઉપર સૂકા હાડકાનું દૃષ્ટાંત દીધું કે તેને કીડી પણ ન ચડે, તેમ બ્રહ્મરૂપે વર્તે તો માન ન આવે. ને ગુણ હોય ને નિર્માની રહેવું એ તો બહુ જ કઠણ છે. તે પોલા પાણાના વચનામૃતમાં કહ્યું છે જે, માન ને ક્રોધ આવે ત્યારે બોલવા ન બોલવાનો વિચાર નથી રહેતો ને જે સર્વે કર્યું હોય તે બાળી મૂકે. ને અગીઆર કરોડ રૂદ્રે કામ બાળ્યો પણ ક્રોધે કરીને તો અરધા હોઠ કરડી ખાધા છે. માટે આપણામાં કોઈના ઉપર કરડી નજર ન થાય ને કોઈ ઉપર મત્સર ન આવે ત્યારે જ ભગવાન રાજી થાશે ને સાધુપણું આવશે. માટે અમને તો એમ જણાય છે જે, આવી વાતુમાંથી જીવ વૃદ્ધિ પામશે. તે કહ્યું છે જે, રહેશું દાસના દાસ થઈ, વૃજવાસજી. (૨૫)

૧. વચનામૃત ગઢડા પ્રથમ ૫૬

પ્રકરણ/વાત: ૧૦/૧૯૮

નિર્માની રહેવું બહુ કઠણ છે. તે નિર્માનીપણામાં ધર્મામૃતમાં ત્રણ રાજા કહ્યા છે ને હમણાં ગણોદવાળા અભેસિંહ તથા ગોંડળના ભાણેભાઈ તથા મેંગણીના માનભા એ નિર્માની ખરા. અને આ સંપ્રદાય તો બહુ શુદ્ધ તે જરાક હોય તે દેખાઈ આવે. ને ઘાંચીના લૂગડામાં ડાઘ કળાય છે? પણ આપણામાં જરાક માન આવી જાય કે જરાક દોષ આવી જાય તો જણાઈ જાય. માટે આ સાધુ ને આવી વાતુ છે તે જ દોષમાત્ર ટાળવાનો ઉપાય છે. (૨૬)

પ્રકરણ/વાત: ૧૦/૨૦૦

કોઈ રાજાના, કોઈ ફોજદારના, કોઈ પટેલના ને કોઈ ઘરના ચાકર છે, પણ ભગવાનના અનન્ય દાસ થાવું તે કઠણ છે. તે ભક્ત ભક્તમાં પણ તારતમ્યતા લખી છે. एक भक्तिर्विशिष्यते । એવી રીતના ભક્ત થયા વિના ભગવાનની સેવામાં રહેવાય નહિ. જેવા બાઈના કોદરા, તેવી ભાઈની હીંગ; તેમ જેવું કરશો તેવું પામશો. માટે દુઃખને ટાળવું ને સુખને પામવું. ને મોક્ષના ખપ વિના માન દઈ દઈને તે કેટલાક દિવસ રાખશું? પર્વતભાઈને મહારાજે કહ્યું જે, ઘરના ગોલાને મશારો (મજૂરી) આપવો ન પડે, એમ જે ખરેખરા હોય તે ભગવાન વિના બીજું ઇચ્છે નહિ. માટે ખરેખરું ભગવાનનું થાવું એ ઘણું કઠણ છે. (૨૭)

૧. आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ । तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ॥ (ગીતા: ૭/૧૬-૧૭) અર્થ: અધિકારથી પડી ગયેલો અને ફરી પામવાને ઇચ્છે તે આર્ત, આત્મસ્વરૂપને જાણવાને ઇચ્છે તે જિજ્ઞાસુ, ઐશ્વર્ય પામવાને ઇચ્છે તે અર્થાર્થી, પોતાના આત્માને ત્રિગુણાત્મક માયાથી જુદો બ્રહ્મરૂપ માનીને ભગવાનને પામવાની ઇચ્છા કરનાર જ્ઞાની. આ ચારેયમાં જ્ઞાની પોતાના આત્માને બ્રહ્મસ્વરૂપ માની નિરંતર પરમાત્મામાં જોડાયેલ છે અને એકમાત્ર પરમાત્માની ભક્તિની જ ઇચ્છા રાખે છે, તેથી અધિક છે. - વચનામૃત ગઢડા પ્રથમ ૫૬.

પ્રકરણ/વાત: ૧૧/૪૫

... જેમ વાઢ્યા વિના લોહી નીકળે નહિ તેમ નિર્માની થયા વિના ગુણ આવે નહિ ને ભગવાન રાજી પણ થાય નહિ. જ્ઞાનીને શું ધારો જે, પોતે નિર્માની રહીને બીજાને પણ નિર્માની કરે તેમ બધા ગુણનું જાણવું જોઈએ. (૨૮)

પ્રકરણ/વાત: ૧૧/૨૩૦

કાયાભાઈની વાત કરી જે, દ્વેષીએ ખોરડું પાડી નાખ્યું ને માર્યા તો પણ ક્ષમા કરી ને કહે જે, “મે’માન આવ્યા છે તે નવરાવો ને જમાડો,” એવી વાતો કરતા. માટે ‘બાતનકી બાત તો બડી કરામત હે.’ તે વાતોમાંથી બધું થાય. ગઢડામાં કૂતરાને કાયાભાઈનું ઠેબું વાગ્યું. તે કૂતરે કાઉકારો કર્યો એટલે કાયાભાઈએ વિચાર કર્યો જે, મુક્તના ચરણની રજમાં પડ્યો છે તે બહુ મોટાં ભાગ્યવાળો હશે એમ મહિમા જાણીને દંડવત્ કર્યો. (૨૯)

પ્રકરણ/વાત: ૧૧/૪૦૧

બજરમાં સાત પાંસળી હોય ને જો બધીયે ભાગે તો બજર બહુ આકરી થાય. ને જે બળદ સાતે ઠેકાણે સીધો ચાલે તે સાત સમેલિયો કહેવાય. તેમ જે સૌ કહે તેમ જ કરે તેના ઉપર મોટાનો રાજીપો થાય છે, વૃદ્ધિ પામે છે... (૩૦)

પ્રકરણ/વાત: ૧૨/૧૬૧

Vat Selection


Type: Keywords Exact phrase