અમૃત કળશ: ૭
માન
આ જીવને ‘હું કરું છું,’ એ જ અજ્ઞાન છે. માટે ભગવાન કર્તા છે એમ સમજીને બધું કરવું. કેમ જે ભગવાન કોઈનો ગર્વ રહેવા દેતા નથી તે દુર્વાસા પણ વીશ હજાર વરસે પરણ્યા ને બીજા ઋષિનું પણ એમ જ છે. માટે આ તો મહારાજે હેડ્યમાં રાખીને પળાવ્યું છે. (૧)
પ્રકરણ/વાત: ૮/૫૩
ત્રણ ઠેકાણે માન વધે છે, તે એક તો ગુણે કરીને વધે છે, બીજું ક્રિયા કરવાનું માન ને ત્રીજું મૂર્ખપણાનું માન જે અમે જૂના છીએ. તે જૂના તો ભાલના ખીજડા હોય છે પણ તેમાં સાંગરિયું થાય ને ગુજરાતમાં પાંચ વરસનો આંબો હોય તેમાં કેરીયું થાય. માટે કોઈ પ્રકારે માન આવવા દેવું નહિ. મોટા જેમ કહે તેમ કરે તે ડાહ્યો કહેવાય. (૨)
પ્રકરણ/વાત: ૮/૮૩
સુજજ્ઞાનંદની વાત કરી જે, મંદવાડ થયો તે મરાય પણ નહિ ને ખમાય પણ નહિ. પછી અમારી પાસે મોઢામાં તરણાં લઈને પગે લાગ્યો ને કહ્યું જે, “દેહ મુકાવો.” પછી અમે કહ્યું જે, “તમે જેનો જેનો દ્રોહ કર્યો છે તેની પાસે આસને જઈને પગે લાગીને દીન થાઓ તો દેહ પડે.” પછી તેમ કર્યું એટલે દેહ પડ્યો. માટે ભગવાનના ભક્ત આગળ દીન થાવું ને ધર્મ પાળવામાં માન રાખવું ને કોઈ વાતની આંટી આવે તો નમી દેવું એમ સાધુનો માર્ગ આપણે શીખવો. (૩)
પ્રકરણ/વાત: ૮/૧૧૨
જે માન દે તે સાથે સહેજે હેત થાય ને અપમાન કરે તે ઉપર દ્વેષ બંધાય પણ સ્વભાવ તો અપમાન કર્યે જાશે. (૪)
પ્રકરણ/વાત: ૧૧/૧૭૪
હરિપ્રસાદદાસને સમૈયે જતાં જોડ બાંધવાનું કહ્યું, ત્યારે તે કહે જે, “જોડનું શું કામ?” એટલે અમે કહ્યું, “તાવ આવે તો જોડિયો હોય તે રોકાય.” ત્યારે હરિપ્રસાદદાસ કહે, “મને તાવ આવે નહિ.” અમે કહ્યું જે, “આવે તો?” ત્યારે કહે, “ન જ આવે.” પછી તો ગઢડે ગયા ત્યાં તાવ આવ્યો એટલે મનાણું. ગઢડામાં એક જણે કહ્યું જે, “એવી જોડ બાંધી છે જે કોઈ દી’ માંદા જ ન થાઈએ.” તે ધણી ત્રીજે દહાડે માંદો પડ્યો. માટે કોઈ વાતનો અહંકાર ન કરવો. (૫)
પ્રકરણ/વાત: ૯/૧૪૩
સ્વામીએ બપોરે વાત કરી જે, લોભનો કીડો, કામનો કીડો, ને માનનો કીડો તે ક્યાંથી પ્રભુ ભજે? પોતાના ડહાપણનો ડોડ ભારે છે. ભૂજમાં આનંદ સ્વામી રહેતા તેને અમારે વિષે બહું હેત હતું. તે એક વાર મહારાજે દર્શન દઈ પૂછ્યું જે, “અમારા ભેળા આવશો?” એટલે કહે, “હા, મહારાજ.” પછી મહારાજ તેમનો હાથ ઝાલી ચાલ્યા તે માયાનું તમ જે અંધારું તે સોંસરા ચાલ્યા, પછી પ્રકાશ આવ્યો એટલે હાથ મૂકી દીધો. ત્યાં એક જણ સાંતીએ બળદ જોડતો હતો તે એકને જોડે ત્યાં બીજો નીકળી જાય એવું દેખાડ્યું. એટલે આનંદ સ્વામી કહે, “લાવ્ય જોડી દઉં.” એમ કહી જોડી દીધું ત્યાં મહારાજ વયા ગયા એટલે મુંઝાણા. પછી તો ચાલવા માંડ્યું તે અંધારામાં પ્રથમ જેમ પ્રકાશ થતો ગયો હતો તેમ આગળ પ્રકાશ થતો ગયો. એમ કરતાં દેહમાં આવ્યા. પણ પછી મહારાજનાં દર્શન ન થયાં. તેમાં મહારાજે આનંદ સ્વામીને ડહાપણનો ડોડ હતો તે ઉઘાડો કર્યો. માટે મહારાજ કે મોટા સંત તેડવા આવે તો દયાની ખાતર પણ ક્યાંઈ ડહાપણ કરવું નહિ. જો ડહાપણ વાપર્યું તો રહી જવાશે. (૬)
પ્રકરણ/વાત: ૯/૨૬૪
શિવાનંદ સ્વામીને ચાલવાનો ડોડ બહુ તે કોઈને પહોંચવા ન દે. પછી એક વખત અમારી સાથે માળીઆ આવ્યા. કામ કરી લીધું ને શિવાનંદે રસોઈ કરી, જમતી વખત અમને કહે, “આજ ચાલવું છે કે કેમ?” અમે કહ્યું, “રોકાઈએ તો રોકાઈએ.” પછી દૂધ આવેલ તે અમે તો બધું શિવાનંદને આપ્યું અને તેણે બીજી પ્રસાદી પણ અમારા પત્તરની લીધી. પછી કથા કરી રહ્યા કેડે અમે કહ્યું કે, “કામ નથી ને શું કામ બેસી રહેવું?” પછી જૂનાગઢ તરફ ચાલ્યા તે જમેલ બહુ ને તરસ પણ બહુ લાગે ને અમે તો કડોડાટ ચાલવા માંડ્યું. તે વાંસેથી શિવાનંદ રાડ્યું પાડે ને કહે, “ઊભા રહો,” કેમ કે અમને ન દેખે તો અપવાસ પડે. તે માંડ માંડ દોડતાં દોડતાં પૂરું કર્યું ને જૂનાગઢને પાદર આવી કહે કે, “હરામ ખાય, તમારી સાથે ચાલે તે!” અમે કહ્યું કે, “કાં? ચાલવાના તો બહુ ડોડ છે ને કોઈને પહોંચવા તો દેતો નથી?” (૭)
પ્રકરણ/વાત: ૧૦/૨૬૯
જીવ માત્ર પોતાના ડહાપણમાં ગૂંચાઈ ગયા છે ને ભીંત સોંસરું તો સૂઝતું નથી ને જાણે જે હું જેવા કોઈ નથી. ને અનંત કોટી બ્રહ્માંડને કરતલવત્ દેખે છે, તે તો પૂછે છે જે આ કામ આપણે કેમ કરશું? ને જીવને અહંકાર જે હું જેવો કોઈ નથી. માટે નિર્માની થઈને કેવળ પ્રભુને ભજવા. (૮)
પ્રકરણ/વાત: ૧૧/૧૯
ભગવાનમાં અતિશે સ્નેહ હોય, ત્યાગનું અંગ હોય, વૈરાગ્ય હોય, ગમે એવા ગુણ હોય, પણ અહંકાર ભગવાનના ભગતને ન જોઈએ. એવો સ્વભાવ પર્વતભાઈનો હતો ને તેવા હાલ કલ્યાણભાઈ છે. ને પૂંજો ડોડિયો મહારાજને દર્શને આવ્યા, તે ઘનશ્યામદાસને મહારાજે કહ્યું જે, “એને રોટલા ખવરાવો.” ત્યારે તે કહે, “એવા ચીંથરિયાને રોટલા શું ખવરાવે?” પણ ગરીબ જેવો હોય તે મહાસમર્થ હોય, કોઈને ઓળખાય નહિ. તે ઉપર વાત કરી જે, અખો જેવાં લૂગડાં પહેરીને હવેલીમાં ગયો તો પેસવા ન દીધો ને પછી સારાં લૂગડાં પહેરીને ગયો ત્યારે પેસવા દીધો. (૯)
પ્રકરણ/વાત: ૧૧/૯૪
જોઈએ ત્યારે પૂર્વના મોટા મોટા ઋષિનું પણ કળાઈ ગયું છે. જીવા ખાચરને પ્રથમ એવું જે સાવરણો લઈને સાધુનો ના’વા જાવાનો મારગ વાળે ને કાંકરા વીણી લેતા. પણ પછી પક્ષે કરીને અવગુણ આવ્યો ને દાદાખાચરે અર્ધ શેર ઘી આપ્યું તો એણે શેર શેર ઘી દેવા માંડ્યું. એમ માને કરીને કર્યું. માટે માનમાં ન લેવાય એવો જડે નહિ. તેનું પારખ્યું પણ જે શીખ્યા હોય તેને જ આવડે. (૧૦)
પ્રકરણ/વાત: ૧૧/૧૩૯