અમૃત કળશ: ૬
સ્વભાવ
બાર કોશે બોલી બદલે, તરુવર બદલે શાખા;
બુઢાપણમાં કેશ બદલે, પણ લખણ ન બદલે લાખા.
માટે હવે તો સ્વભાવ માત્ર મૂકી દેવા. ‘સ્તુતિ-નિંદા’નું લોયાનું સત્તરનું વચનામૃત વંચાવીને કહ્યું જે, આ બધી વાતું જ્યારે હૈયામાં ઊતરે ત્યારે જેમ દર્પણમાં દેખાય છે તેમ પોતાનું વરતાઈ આવે છે. આવા જોગમાં આળસ કરીને બેસી રહેશું ત્યારે ખોટ ક્યારે ટળશે? મોરે તપ કર્યાં હતાં પણ કોઈને આવો સત્સંગ મળ્યો નથી. આ સત્સંગ યજ્ઞ, વ્રત, તપાદિકે કરીને મળે તેવો નથી. ઉગ્ર તપ કર્યાં, દિવસની રાત્રિ કરી, રાફડો થઈ ગયા તો પણ કહે, “મને પરણાવો!” માટે કરોડ જન્મે કરીને મહારાજનું વચન, મહારાજની ઉપાસના ને મહારાજના સાધુ એ ત્રણમાં જ જીવ જોડી દેવો. દેહ પડી જાશે તો બધું અધૂરું રહેશે. આ ધર્મશાળા પણ અધૂરી રહેશે. જેને સત્સંગનો મમત્વ નહિ તેની તો વાત જ નોખી. ‘વાસુદેવ હરે’ થાય ત્યારે જમી આવે ને પછી બળદ પૂછડાં ઝાટકે તેમ એ લૂગડાના કટકે માખીયું ઝાટક્યા કરે ને આસને બેસી રહે કાં ગોખે સૂઈ રહે તેમાં જીવને શું સમાસ થાય? (૩૩)
પ્રકરણ/વાત: ૧૪/૧૪૦