અમૃત કળશ: ૬
સ્વભાવ
આ ‘વચનામૃત’ના ચોપડામાં બ્રહ્મવિદ્યા ભરી છે ને આ ચોપડા રાખીએ તો પણ સ્વભાવ તો ટાળે ત્યારે જ ટળે. ભોળાનંદ પાસે હજાર વચનામૃતનું પુસ્તક હતું તે આંબાવાડિયામાં ખીજડાવાળે ઓટે મૂકીને પ્રદક્ષિણ કરતા હતા ત્યારે અમે પૂછ્યું જે, “આ પુસ્તક શેનું છે?” તો કહે, “વચનામૃત છે.” એટલે અમે પૂછ્યું જે, “તમને સત્સંગમાં રહો એમ કાંઈ ઉપદેશ કરે છે?” ત્યારે કહે, “એકે શબ્દ મને ઉપદેશ કરતો નથી.” એમ આસુરી સંપત્તિના જીવને પુસ્તક કામ ન આવે. (૧)
પ્રકરણ/વાત: ૮/૫૨
મહારાજે ગવૈયા કીડી સખીને કાંડું ઝાલીને કહ્યું જે, “તમે અમને શું સમજો છો?” તો કહે, “ભગવાન.” ત્યારે મહારાજ કહે, “તમે ધાર્યું કરવા જાઓ છો પણ ફળપ્રદાતા તો અમે છીએ તે તમારો સંકલ્પ સિદ્ધ થાવા દેશું તો જ થાશે.” પણ તેના મનમાં ગાયન કરીને રાજાને રીઝવવા એવું તાન તે મહારાજના હાથમાંથી કાંડું છોડાવીને સત્સંગમાંથી વયા ગયા. પછે તો પત નીકળી ને હાથનાં આંગળાં ખવાઈ ગયાં તે વાજું વગાડી શક્યા નહિ, ને પરણવું હતું પણ પતિયલને કોણ પરણે? પછી તો કોઈ પાસે પણ ન આવે. તે ભૂખ્યા ને તરસ્યા મરી ગયા. (૨)
પ્રકરણ/વાત: ૮/૧૦૦
અવળા સ્વભાવમાત્રને ત્યાગ કરીને સરળપણે વર્તવું, કેમ જે, એવા સ્વભાવ મહારાજ તથા મોટા સંતને ગમતા નથી. નાગડકાની ઘોડીને પાટુ મારવાનો સ્વભાવ હતો તે મહારાજ સ્વભાવ મુકાવવા સારુ વાંસડો લઈને ઘોડીના બે પગ વચ્ચે અડાડે ને ઘોડી પાટુ મારે. એમ કરતાં બપોર થયા ને થાળ થયો ત્યારે મહારાજ કહે, “કોઈ અમારા સાટે ઘોડીને ગોદા મારે તો જમીએ.” પછી એમ કર્યું એટલે જમવા ઊઠ્યા ને જમીને આવ્યા પછી એમ સાંજ સુધી કર્યું. પછી તો ઘોડી થાકી ગઈ તે વાંસડાનો ગોદો મારે તો પણ પગ ઉપાડે નહિ. ઘોડાનું ચોકડું મરડે છે તેમ આ સાધુ પણ સ્વભાવ મરડીને વરતાવે છે. (૩)
પ્રકરણ/વાત: ૮/૧૦૩
રામદાસજીભાઈ કહે, “ત્યાગીને એક રોટલાની ભૂખ રાખીને સૂવું,” ને આ તો માથું ન ચડ્યું હોય તોય કહેશે જે, “ચડ્યું છે.” તે અજંપાનંદ તીખાં ચોપડીને બેસે. પછી કોઈ ક્રિયા ચીંધે તો કહેશે જે, “માંદો છું.” વળી ઉમાની વાત કરી જે, તેની મા કહે જે, “ઉમા, આ ઘરમાં બુવારી કાઢ્ય.” તો કહે જે, “મેરી તો કમર દુઃખતી હે.” પછી કહે જે, “ઉમા, પાણીકા મટકા લઈ આવ.” તો કહે જે, “મેરા શીર દુઃખતા હે.” પછી કહે જે, “ઉમા, કુચ્છ ખાયગી?” તો કહે જે, “હા, હા, બડી તગારી મેરી!” એમ ક્રિયા કરવામાં બહાનાં કાઢે ને પત્તર ટાણે સૌ મોરથી તૈયાર થાય એવી જીવમાં નાગડદાઈ ભરી છે. (૪)
પ્રકરણ/વાત: ૮/૧૦૫
પચાસ વરસ ભેળા રહ્યા ને વાતુ કરી કરીને તો ઘાંટો રહી ગયો તોય સ્વભાવ ન મૂકાય તો તે કેવું? કારિયાણીમાં મહારાજ ચોરે બેઠા હતા ત્યાં પટેલનો સાથી નીકળ્યો એટલે પટેલે તેના સાથીને કહ્યું જે, “ખેતરમાં સાંતી જોડો તો બૂડઠૂંઠું છે તે જાળવજો.” એટલે મહારાજે પૂછ્યું જે, “બૂડઠૂંઠું તે શું?” ત્યારે પટેલ કહે, “ખેતરમાં બાવળનું ઝાડ હતું તે કાપી નાખ્યું છે પણ તેનું મૂળ માંહિલી કોરે બૂડ છે, તે જો સાંતી ભરાય તો ભાંગી જાય ને બળદનું કાંધ આવી જાય.” તેમ સ્વભાવ પણ બૂડઠૂંઠાં જેવા છે તે માંહી પડ્યા છે એટલે દેખાતા નથી પણ કોઈ સ્વભાવ ઉપર વાત કરે તો બળી ઊઠે. (૫)
પ્રકરણ/વાત: ૮/૧૪૮
કોથળીમાં રૂપિયા ભર્યા હોય તેમ કારણદેહમાં સર્વે દોષ ભર્યા છે. ભટ ધૂણ્યો ત્યારે બકરું માગ્યું. પછી માણસોએ પૂછ્યું જે, “બ્રાહ્મણ થઈને આ શું માગ્યું?” ત્યારે કહે, “હું તો ખમીહો છું.” તેમ કામ, ક્રોધાદિક ખમીહા જેવા છે તે જ્યારે આવે ત્યારે કાંઈનું કાંઈ કરે! (૬)
પ્રકરણ/વાત: ૮/૧૮૦
આનંદ સ્વામીએ પૂર્વે મણિકર્ણીકાનો ઘાટ બંધાવ્યો હતો ને આ દેહે મહારાજ મળ્યા તો પણ પ્રકૃતિ ન મેલી. તે શું જે, મહારાજ સારુ ભારે ભારે પોશાક ગૃહસ્થ પાસેથી પૈસા માગીને પોતે કરાવી લાવે. તે સાધુના માર્ગમાં શોભે નહિ. બીજું રઘુવીરજી મહારાજની મરજી વગર ભરુચનું મંદિર કરી મૂર્તિયું પધરાવી ને રઘુવીરજી મહારાજ પ્રતિષ્ઠા ઉપર ન ગયા તેથી રિસાઈને અમદાવાદ ગયા ને હરિજન પાસેથી માગી માગીને જેતલપુરનું મંદિર કર્યું. (૭)
પ્રકરણ/વાત: ૮/૨૩૪
રજોગુણી હોય ને તેનું મન ધાર્યું ન થાય ત્યારે તેને મરી ગયાં જેટલું દુઃખ થાય. (૮)
પ્રકરણ/વાત: ૮/૨૩૭
જીવની અવળાઈનો કાંઈ પાર નથી. કુબેરો ખાડા ઉપર ન બેસે ને પડખે બેસે. પછી ઉસરડાવીને માંઈ નખાવે. માંદો પડ્યો ત્યારે પથારીમાં ઝાડે ફરે ને શિષ્ય કહે જે, “મને ખબર તો કરવા હતા,” એટલે તેમાં આળોટે ને કહે જે, “આ ખબર દીધા!” તેનું નામ સુજજ્ઞાનંદ સ્વામી. (૯)
પ્રકરણ/વાત: ૮/૨૫૨
આ જીવ છે તે જોવામાં બંધાય, ખાધામાં બંધાય, આસનમાં બંધાય, ઘરમાં બંધાય એમ બધામાં બંધાય. અનેક જન્મ થયાં જીવે પાછું વાળી જોયું નથી. આ લોક તો બળી રહ્યો છે, તે શું જે, કામ, ક્રોધ, લોભાદિકની હોળિયું બળી રહી છે.
કામ, ક્રોધ ને લોભની લેરી, એ ત્રણથી તોબાં ત્રાય.
કામ થકી તો કલંક લાગે, લોભે લક્ષણ જાય;
લોભે લક્ષણ જાય તે જાશે, ક્રોધ થકી તો કેર જ થાશે.
કહે ગોવિંદરામ એ ત્રણ જીવના વેરી, કામ ક્રોધ ને લોભની લેરી.
એ વાતની જ્ઞાનીને ખબર પડે છે પણ મૂર્ખને તો કાંઈ ખબર નથી. સુરતનો વાણીઓ મહારાજ પાસે તેરે આવતો તેને મહારાજે બ્રાહ્મણને વેશે માગતાં માગતાં તેરે આવવું ને પાછું જવું શીખવ્યું હતું. તે સુરતનો સીમાડો ઊતરી બ્રાહ્મણનાં લૂગડાં પહેરી તુંબડું હાથમાં લઈ માગતો માગતો તેરાના સીમાડા સુધી આવે, પછી તે લૂગડાં ને તુંબડું બાંધી લે ને વાણીઆનાં લૂગડાં પહેરી ગામમાં આવે ને મહારાજ પાસે રહે ને પાછો જાય ત્યારે પણ તેમ જ કરે. તેમ જેને મોક્ષનો ખપ હોય તેનાથી શું ન થાય? (૧૦)
પ્રકરણ/વાત: ૯/૬