અમૃત કળશ: ૫
વ્યવહાર અને સત્સંગ
વ્યવહાર માર્ગમાં નથી ચાલવું તો પણ ચલાય છે ને ભગવાનને માર્ગે ચાલવું છે તો પણ નથી ચલાતું, ને વિચાર વિનાનું તો કાંઈનું કાંઈ થઈ જાય. તે સિયાજીરાવે ત્રણસો રૂપિયાની અત્તરની શીશી ન રાખી ને મશ્કરીમાં કહ્યું જે, “જા, લલુબાદર રાખશે.” ત્યારે અત્તરવાળો લલુબાદરને ત્યાં ગયો ત્યારે લલુબાદર કહે, “લાવ,” લઈને પોતે નહાતા હતા તે માથે ઢોળીને નહાઈ નાખ્યું ને તેને ત્રણસેં રૂપિયા આપ્યા. એમ કરતાં દ્રવ્ય ખૂટી ગયું ને અંતે બાપની મિલકત પણ બધી ઉડાવી દીધી. પછી લલુબાદરના ‘અલુભાઈ’ કહેવાણા. માટે વિચાર રાખવો ને પ્રભુ ભજવા. (૧)
પ્રકરણ/વાત: ૮/૨૨
જોડા છે તે પગમાં જ પહેરાય અને પાઘડી તે માથામાં જ ઘલાય, તેમ વ્યવહાર છે તે જોડાને ઠેકાણે છે ને ભગવાન છે તે પાઘડીને ઠેકાણે છે. રસોડામાં જવું હોય ત્યારે જોડા બહાર મૂકવા પડે, તેમ ભગવાન પાસે જવું હોય ત્યારે વ્યવહારના સંકલ્પ બહાર મૂકી જવા. વ્યવહાર તો બુદ્ધિમાં રહ્યો છે, માટે વ્યવહાર હોય તેટલો કરીને તરત પ્રભુ ભજવા મંડી જાવું પણ ઈંતરડીની પેઠે વ્યવહારમાં વળગી ન જાવું. (૨)
પ્રકરણ/વાત: ૮/૨૮
આપણે ડાહ્યા ડાહ્યા થઈને બેઠા છીએ પણ મોક્ષ બગાડ્યો તે શું કમાણા? માટે મોક્ષ બગડવા દેવો નહિ. એક પટેલ શહેરમાં વિવાહનો સામાન લેવા ગાડું જોડીને ગયો ને ગામના સંપેતરાનો ખરડો ઉતારી સાથે લેતો ગયો. ખરડા પ્રમાણે સામાન લીધો ત્યાં ગાડું ભરાઈ રહ્યું ને દિવસ થોડો રહ્યો એટલે ઘેર આવ્યો. સંપેતરાંવાળાં આવ્યાં તે સૌ સૌનું લઈ ગયાં. વાંસે ગાડું રહ્યું ત્યારે ઘરનું મનુષ્ય કહે, “આપણું ક્યાં?” એટલે કહે જે, “ભૂલી ગયો!” એમ દેહ, લોક, ભોગ ને કુટુંબનું કરવું એ સંપેતરામાં પોતાના મોક્ષનું કરવું રહી ગયું પણ મોક્ષને અર્થે તો મોટે મોટે સમૃદ્ધિનો ત્યાગ કરેલ છે માટે મોક્ષ વિના તો ડહાપણ કેવું છે? તો જેમ એકડા વિનાનાં મીંડાં ને વર વિનાની જાન. માટે એક મહિનો સમાગમ તો જરૂર કરવો ને ‘શિક્ષાપત્રી’ પ્રમાણે વર્તવું. (૩)
પ્રકરણ/વાત: ૮/૨૯
ભાદરામાં બે બ્રાહ્મણ હતા તે બે પહોર જ રળતા ને દશ વાગ્યા સુધી જ સાંતી હાંકે ને પછી બાવળિયા હેઠે સૂઈ રહેતા ને સાંજે ઘરે જાતા. પછી કોઈકે કહ્યું જે, “તમે સાંતી કેમ હાંકતા નથી ને સૂઈ રહો છો?” ત્યારે તે કહે જે, “થોડા કાળ જીવવું તે શા સારુ કૂટીએ?” એમ બે પહોર રળતા તેને ય અન્ન તો મળતું, માટે જોઈએ તેટલું પેદા કરવું. વધુનું શું કામ છે? (૪)
પ્રકરણ/વાત: ૮/૩૦
વ્યવહારમાં કુટાય છે તો પણ મનમાં જાણે જે કેવો વ્યવહાર સુધાર્યો છે! પણ તે તો સુધર્યો તો પણ બગડેલો જ છે. ને આંહીં આવે ત્યાંથી જ દિવસ ગણવા માંડે. તે શું જે, ઘર ઉપર વૃત્તિ તણાઈ જાય છે ને આ માર્ગમાં તો જીવને મૂંઝવણ થાય એવું છે. માટે ધીરે ધીરે એમ ઢાળ પાડવો જે સાધુ ભેળું બેસવું ગમે ને સારા હરિભક્ત ભેળું બેસવું ગમે. પણ આપણે જે ખોરડું માન્યું છે તેમાં નહિ રહેવાય ને આ ખોરડામાં જ રહેવાશે. (૫)
પ્રકરણ/વાત: ૮/૩૩
સમાગમ તો અવશ્યપણે કરવો પણ કેવળ સ્ત્રી-છોકરાંના દાસ થાવું નહિ. તે ઉપર અંબાવીદાસની વાત કરી જે, તેને કોઈકે મંદિરે દર્શને આવવા કહ્યું. ત્યારે તે બોલ્યો જે,
“પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ;
છોકરાં છૈયાં સંત સમાગમ, સેવા કેની કરું?”
ને ઝીણાભાઈએ સમાગમ સારુ ગઢડામાં અધવારું કર્યું. માટે બે ભાઈ હોય કે બાપ દીકરો હોય તો વારાફરતી વ્યવહાર સાચવીને સમાગમ કરી લેવો. સમાગમ કરે તો વ્યવહાર પણ સારો થાય, એ વાતમાં કાંઈ ફેર નથી. (૬)
પ્રકરણ/વાત: ૮/૩૬
પાંચ રૂપિયા હોય ને બેઠાં બેઠાં ખાઈને સત્સંગ કરે તો તે રૂપિયા તેને સુખદાઈ થાય છે ને થોડા જ રૂપિયા હોય તો પણ જો આસક્તિ હોય તો સર્પ થાવું પડે. માટે આપણે રૂપિયા છે તે મોક્ષને અર્થે છે ને બીજાને બંધનને અર્થે છે. કોઈક હજારો રૂપિયા વ્યવહારમાં ખરચી નાખે છે પણ એ જીવના કામમાં કશું નથી. જેટલું સત્સંગના ઉપયોગમાં આવે છે એટલું મોક્ષને અર્થે થાય છે. (૭)
પ્રકરણ/વાત: ૮/૪૦
પોલારપુરના વાણિયા ઘેલા શાહે બરવાળાનો ઈજારો રાખ્યો હતો તેમાં ખોટ ગઈ. પછી તે ચિંતામાં ને ચિંતમાં માંદો પડ્યો ત્યારે છોકરાને કહ્યું જે, “જીવલા, બરવાળાનો અવેજ વળ્યો?” એટલે કહે જે, “હા, બાપા. વળ્યો. પારસનાથ, પારસનાથ કરો.” પછી કોકડાં સમણે તેમ હાથ ચાળા કરે ને વળી બોલે જે, “જીવલા, બરવાળાનો અવેજ વળ્યો?” એમ જીવને ઝંખના થાય છે. (૮)
પ્રકરણ/વાત: ૮/૬૧
આ વહેવાર છે તેમાંથી પાછું વળીને કથાવાર્તા કરવી, માળા ફેરવવી એ સર્વે કરી લેવું. ને સવારમાં ઊઠીને કથા કરવી તે તો સત્સંગમાં જ છે. ને કોઈ વિષયનું પૂરું થાય તેમ નથી, માટે એમાંથી પાછું વળીને પ્રભુ ભજી લેવા. ને વહેવારમાં જેમ કોઈકને રૂપિયાનો ગાંઠડો બંધાય છે તેમ જ આપણે સત્સંગનો ગાંઠડો બાંધવો. (૯)
પ્રકરણ/વાત: ૮/૭૨
કાળજું તૂટ્યાની વાત કરી જે, સાબરમાં ગાડું ખૂંચી ગયું તે નીકળે નહિ. પછી મેમણના બળદ સારા તે મેમણ કહે, “છોડી નાખ તારા બળદ.” પછી મેમણે પોતાના જોડીને બળદને હાકલ્યા તે કાંઠે ગાડું તો કાઢી નાખ્યું પણ કાળજું તૂટી ગયું તે કામના ના રહ્યા. એમ આપણે પારકા માટે કાળજું તોડવું નહિ. (૧૦)
પ્રકરણ/વાત: ૮/૧૧૪