અમૃત કળશ: ૩૩
પ્રકીર્ણ
નૃસિંહાનંદ સ્વામીએ ક્રિપાનંદ સ્વામીને કહ્યું જે, “મને કહેવાનું હોય તે કહેજો.” ત્યારે ક્રિપાનંદ સ્વામી કહે, “ભીષ્મપિતાએ ગંગાજીમાં શ્રાદ્ધ સરાવ્યું ત્યારે બ્રહ્મચર્યવાળા જાણી પિત્રીએ પીંડ લેવા કુંડમાંથી હાથ કાઢ્યા. એટલે ભીષ્મપિતા કહે, ‘હાથોહાથ પીંડ આપવાની શાસ્ત્રમાં ના કહી છે પણ તમારે પીંડ લેવો હોય તો હું ચટ ઉપર મૂકું ત્યાંથી લેજો.’ તેમ હું પણ તમને મોઢામોઢ નહિ કહું ને ઇતિહાસ કથામાં કહી જઈશ, એટલે સમજવું હોય તો સમજી લેજો.” માટે આપણે પણ ઉઘાડું મોઢામોઢ કોઈને કહેવું નહિ, નીકર દુઃખ આવશે. (૧)
પ્રકરણ/વાત: ૮/૧૩૭
પરચો ઇચ્છે તેને પામર જાણવો. નિષ્કામી વર્તમાન પળે છે એ જ મોટો પરચો છે. માટે ત્રણ ગ્રંથ અણિશુદ્ધ પાળવા. ખબર વિના તો દો શેર અત્તર માગ્યું એમ થાય છે. તે એક સાધુએ હરિજનને કહ્યું જે, “મહારાજને દર્શને જાવું છે તે દો શેર અત્તર લાવજો. મહારાજને ભેટ ધરવી છે.” પછી હરિજન અત્તરની શીશી લાવ્યા ને કહ્યું જે, “મહારાજને આ અત્તર પસંદ આવે તો વધારે મંગાવજો.” સાધુએ મહારાજને અત્તરની શીશી આપી તે મહારાજે અત્તરનાં વખાણ કર્યાં. એટલે તે સાધુ બોલ્યા જે, “મેં તો દો શેર અત્તર મંગાવ્યું હતું પણ હરિજન કહે, ‘મહારાજને પસંદ આવે તો મંગાવજો.’” પછી મહારાજ કહે, “સાધુને કાંઈ ખબર છે જે, દો શેર અત્તરના કેટલા રૂપિયા થાય? આટલી શીશીના જ દશ રૂપિયા બેઠા હશે!” ત્યાગી થઈને ગૃહસ્થ પાસે માગી માગીને લાવે છે તે ત્યાગીને દૂષણ છે ને ગૃહસ્થ પાસેથી પરાણે લેવું તે તો તેનું લોહી પીધા જેવું છે ને એ જ હિંસા છે. (૨)
પ્રકરણ/વાત: ૮/૧૪૫
મોટા માણસને સત્સંગ કરાવવાની લાલચ રાખવી નહિ. તેને ચાલે ત્યાં સુધી તો મળવું પણ નહિ, કેમ જે, મળે તો કાંઈક સેવા ચીંધે. માટે મોટા માણસની ભાઈબંધાઈ રાખવી નહિ, તેનાથી આપણું શ્રેય થાય નહિ. એક ડોશીને રાજાના કુંવર સાથે ઓળખાણ થઈ. પછી તેને રાજ આવ્યું ત્યારે તેણે ડોસીને કહ્યું, “ડોસીમા, કાંઈ કામ હોય તો કહેજો.” ત્યારે ડોસી કહે, “આજે સવારમાં કૂતરી ઘરમાં ગરી ગઈ છે તે નીકળતી નથી.” એટલે રાજાએ હુકમ કર્યો કે, “કૂતરીને તોપે ઉડાડી દ્યો.” તેમાં કૂતરી તો મરે પણ ડોસીનો કૂબો ઊડી જાય. ત્યારે તેમાં ડોસીનું શું સારું થયું? માટે મોટા માણસની સોબતમાં આપણને જ નુકસાન છે. (૩)
પ્રકરણ/વાત: ૮/૧૮૪
ભગવદી ન ઓળખાય તે તો કેને ઓળખાય. તો જેને એવી રીતની બુદ્ધિ હોય અથવા પૂર્વનો સંસ્કાર હોય તેને ઓળખાય. માંદાની સેવા કરી ઝાઝા પદાર્થ સંગ્રહ કરવા નહિ. પદાર્થ સાચવીએ ત્યારે પ્રભુને ક્યારે સંભારીએ? મુનિબાવાને જ્યારે અતિ દુઃખ થયું ત્યારે હોકો પીધો. એમ વખત આવ્યે કળાય. જેટલું સુહૃદપણું હોય તેટલો જ હૈયામાં સત્સંગ જાણવો. આત્મબુદ્ધિ શીખવી. જેટલી સત્સંગમાં આત્મબુદ્ધિ તેટલો જ સત્સંગ જાણવો. આ તો શું કરીએ, મંદિરનો વહેવાર ઠર્યો એટલે શામ, દામ, દંડ અને ભેદે કરીને ચલાવીએ છીએ. કોઈની છાયામાં દબાઈએ તો જેમ હોય તેમ કહેવાય નહિ, ત્યારે રોગ પણ જાય નહિ. માટે દબાઈને રહેવું તે ઠીક નહિ. ગોપાળાનંદ સ્વામી ને નિષ્કુળાનંદ સ્વામી ન દબાય. (૪)
પ્રકરણ/વાત: ૮/૨૬૬
અતિ દેહ વધી જાય તે ઠીક નહિ. પોરબંદરનો રાજા ને રાજકોટનાં રાણીબાઈનો ધણી એ બહું જાડા હતા ને જેતપરનો ગની મેમણ તોલમાં અઢાર મણ હતો. નારણદાસ ખાવા માંડે તો ખાધા જ કરે ને ઉપવાસ કરે તો ઉપરાઉપર કરે. જોડા પહેરે નહિ ને પહેરવાનું કહ્યું તો લોહી નીકળ્યું ને જોડા લોહીથી ભરાઈ રહ્યા તોય કાઢ્યા નહિ. એક વાર અમે જમનાવડ તેડી ગયા હતા. હરિજને જેટલું સીધું આપ્યું તેટલું બધું રાધ્યું ને મીઠું પણ દાળખીચડીમાં હતું તેટલું નાખ્યું. અમે જમવા બેઠા તે લાડવો તો ખાવો નહોતો પણ દાળ ચાટી ત્યાં ખારી ઝેર લાગી. પછી ખીચડી ચાખી તો તે પણ અગર જેવી. પછી બધી પ્રસાદી નારણદાસને આપી તે ખાઈ ગયા. અમે જાણ્યું જે આને ઝાડો થશે એટલે પાણીનું તુંબડું ભરાવી લીધું. તે આખી વાટે ઝાડે જતા આવ્યા. પછી મજેવડીને નાકે વાવ આવે છે ત્યાં નવરાવીને મંદિર ગયા. માટે કોઈ વાતમાં અતિક્રમણ ન કરવું. (૫)
પ્રકરણ/વાત: ૯/૧૬
જૂનાગઢવાળા હેમતરાય નાગરે વરતાલમાં છાપું લીધી. ત્યારે ગુંસાઈએ ઉપાધિ કરી જે, “છાપવાળાને નાતબહાર કરો, કાં છાપ માથે ડામ દીઓ કાં થોર ચોપડો.” પછી અમને વાત કરી જે, “આમ કહે છે તો શું કરવું?” ત્યારે અમે કહ્યું જે, “તેને છાપ વંચાવો ને કહેજો જે, ‘શ્રીકૃષ્ણને ડામ દેવો હોય તો ડામ દીઓ ને થોર દેવો હોય તો થોર દીઓ.’” પછી છાપ વંચાવી એટલે કૃષ્ણનું નામ જોઈ ગુંસાઈ કહે, “ડામ કેમ દેવાય? આ તો આપણે જેને માનીએ છીએ તેની છાપ છે,” પછી કાંઈ ન કર્યું માટે આ કળા અચરજકારી છે. (૬)
પ્રકરણ/વાત: ૯/૫૩
બીજાનું ભૂંડું ઇચ્છે તો જરૂર પોતાનું ભૂંડું થાય, તે શું જે, ભગવાન ગર્વગંજન છે તે ઉથલાવી પાડે... (૭)
પ્રકરણ/વાત: ૯/૬૦
એક શાહુકારે તીર્થવાસી માટે રસ્તામાં સદાવ્રત બાંધ્યું હતું ત્યાં મહારાજ ગયા ને માંદા થઈ સૂતા સૂતા જોતા હતા. તે કોઈકને જારનો લોટ આપે ને કોઈકને ગાળું દઈ કાઢી મૂકે. પછી સાંજે મહારાજને કહે, “સાધુરામ, નીકળો.” ત્યારે મહારાજ કહે, “હમ તો માંદે પડે હૈ.” પછી તેમણે ઉપાડવા માંડ્યા તો ઊપડ્યા નહિ. ત્યારે એક કહે, “મર પડ્યો.” ત્યાં તો રાતના દશ વાગ્યા ને ભરવાડણ્યું દૂધ લાવિયું, તે દૂધપાક પૂરી કરી સૌ જમ્યા ને વધ્યું એટલે કહે, “ઓલ્યા માંદાને આપો.” એક જણે મહારાજને પૂછ્યું જે, “સાધુરામ, જમશો?” તો કહે, “હા.” પછી તાંસળીમાં દૂધપાક આપ્યો ત્યારે મહારાજ કહે, “એ ક્યા કીડા પાવે?” પછી તો સૌએ દૂધપાકમાં કીડા દીઠા ને કડાયું ધગતી હતી તેમાં જોયું તો તેમાં પણ કીડા ખદબદે. ત્યારે મહારાજ કહે જે, “તમે નિમકહરામી છો ને સદાવ્રતનું ખાઓ છો તે કીડા ખાઓ છો.” પછી માફી માગી ને કહ્યું જે, “હવે નહિ કરીએ,” ત્યારે સારું થયું. (૮)
પ્રકરણ/વાત: ૯/૧૦૫
ઘર સળગ્યું ને જૂનાગઢનો કૂવો ખોદવો, તેમ જરા અવસ્થા આવી ને પછી ભગવાનનું ધ્યાન કરવું તે એવું છે. માટે દેહ સાજો છે ત્યાં જ પ્રભુ ભજી લેવા એ જ પાધરું. માટે સર્વમાં ભય૧ જોઈને ભગવાન ભજી લેવા. (૯)
૧. भोगे रोग भयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं माने दैन्यभयं बले रिपुभयं रुपे जरायाद् भयं । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृताताद् भयं सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं ॥
પ્રકરણ/વાત: ૯/૧૧૮
... વાણી નિયમમાં ન હોય તો પણ દુઃખ આવે. તે સીતાજીએ લક્ષ્મણજીને વચન માર્યાં જે, “રામ મરે તો હું દેરવટું નહિ વાળું, એ સારું બેઠા છો ને વાંસે જાતા નથી, પણ દેરવટું નહિ વાળું ને જીભ કરડીને મરીશ.” તે લક્ષ્મણજીએ તો રૂપેય જોયું નહોતું ને કાંઈ ઘાટ પણ નહોતો. વળી રામચંદ્રજીની આજ્ઞાથી સીતાજીની રક્ષા માટે બેઠા હતા, એવા જતીને વેણ માર્યાં તો હરાણાં ને વનવાસ ભોગવવો પડ્યો ને મહાકષ્ટ ભોગવવું પડ્યું. (૧૦)
પ્રકરણ/વાત: ૯/૧૫૨