અમૃત કળશ: ૩
મહિમા
જેવા ભગવાન છે તેવા જો યથાર્થ ઓળખાય તો બીજા ભગવાન ખોળવા પડે નહિ, તથા જેવા આ સાધુ છે તેવા જો ઓળખાય તો બીજા સાધુ ઓળખવા રહે નહિ, તથા જેવી આ પ્રાપ્તિ થઈ છે તેવી યથાર્થપણે સમજાય તો બીજી પ્રાપ્તિ કરવી રહે નહિ. અને ભગવાન પરોક્ષ મનાય છે, અગોચર મનાય છે, ગયા એમ મનાય છે, મારું કાંઈ જાણતા નથી એમ મનાય છે એ સર્વે અજ્ઞાન છે. અને જ્યારે સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું અતિ દ્રઢ પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન થાય ત્યારે તેને ભગવાન પરોક્ષ મનાય જ નહિ ને ‘ભગવાન તો જેમ હથેળીમાં જળનું ટીપું હોય તેને દેખીએ એમ મારી સામું અખંડ જોઈ રહ્યા છે’ આવી રીતે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું અપરોક્ષ એટલે સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે એને કાંઈએ બીજું જાણવું, પામવું રહેતું નથી, એ તો દેહ છતાં જ પરમપદને પામી રહ્યો છે એમ છેલ્લા પ્રકરણના બીજા વચનામૃતમાં કહ્યું છે. (૧)
પ્રકરણ/વાત: ૮/૧૪
કેટલાક જીવ તંતીમાં બંધાઈ રહ્યા છે. તે મહારાજ બારપટોળીના સુતાર આલા ભક્તને દર્શન દેવા ચાલીને ઘેર ગયા ત્યારે તે જાણે મહારાજ તેડવા આવે છે એટલે તેણે તેની સ્ત્રીને કહ્યું જે, “મહારાજ તેડવા આવે છે તો તું કહેજે જે, ‘ભગત ઘેર નથી’.” ત્યાં મહારાજ આવ્યા ને ભગતને બોલાવ્યા. ત્યારે તે બાઈ કહે, “ભગત ઘરે નથી,” એટલે મહારાજ પાછા ગયા. એમ સંસાર રૂપી તંતીમાં બધા જીવ બંધાઈ રહ્યા છે પણ ભગવાન સારુ તો આગળ કેટલાકે રાજ મેલ્યાં છે. એક રાજા રાજપાટ મૂકીને મોક્ષને અર્થે ચાલી નીકળ્યો તે પંચકેશ વધાર્યા. પછી એક વખત તેના આસન પાસે બીજા રાજાએ પડાવ કર્યો. તેણે તેને કહ્યું જે, “આ દારિદ્ર શું રાખ્યું છે? આ લે દોકડો.” ત્યારે તે કહે, “મારુ દારિદ્ર દોકડે જાય તેવું નથી.” પછી રાજા કહે, “બે દોકડા,” “ચાર દોકડા,” “રૂપિયો,” “સો રૂપિયા” ને છેવટે કહે, “અરધું રાજ આપું પણ તારું દારિદ્ર કાઢ ને મારું વચન રાખ.” પછી તે કહે જે, “તમારે કેટલાં ગામ છે?” ત્યારે તેણે ઉત્તર દીધો એટલે તે કહે જે, “એટલાં તો મારે ઘેર પરગણાં હતાં તે મેલીને પ્રગટ ભગવાનને મળવા આ દારિદ્ર લીધું છે, તે જો તમારી પાસે પ્રગટ ભગવાન હોય તો મારું દારિદ્ર જાય.” તેમ સંસાર મૂકે ને તપ-ત્યાગ રૂપી સાધન કરે તો પણ અક્ષરધામ મળે નહિ. તે તો પ્રગટ ભગવાન કે પ્રગટ સંત મળે ને મનાય ત્યારે જીવનું દારિદ્ર જાય ને અક્ષરધામની પ્રાપ્તિ થાય. માટે આ વાત કહ્યામાં આવે એવી નથી. પણ કોઈનું શરીર સાજું હોય કે રોટલા ખાવા મળતા હોય તો આ સમાગમ કરી લેજો. (૨)
પ્રકરણ/વાત: ૮/૯૮
ક્રિપાનંદ સ્વામીને મહારાજના વિરહે કરીને રૂંવાડે રૂંવાડે લોહી નીકળ્યું ત્યારે અમે કહ્યું જે, “નાજા જોગિયા સાથે મહારાજને કહેવરાવો તો મહારાજ તમને પાસે રાખે.” ત્યારે ક્રિપાનંદ સ્વામી કહે, “‘મહારાજ કાંઈ જાણતા નથી ને અંતર્યામીયે નથી,’ એમ માનું ને હું કુસંગી થાઉં તો કહેવરાવું ને?” (૩)
પ્રકરણ/વાત: ૮/૨૦૩
આ પ્રગટનાં ઐશ્વર્ય જોયાં એટલે બીજી વાત નજરમાં આવે નહિ. પરમચૈતન્યાનંદ સ્વામીએ ગોપાળ સ્વામીનો મહિમા સમજીને વાતુ ઉતારી. માટે આ જે કારખાનું તે અલૌકિક છે. પ્રભાવાનંદ સ્વામી માંદા પડ્યા ત્યારે તેમની સેવામાં રહ્યા હતા. પછી મૃત્યુ ટાણે તેમને પૂર્વની સ્મૃતિ થઈ એટલે બોલ્યા, “અરે, આ બ્રહ્માંડની ઉત્પત્તિ મેં કરી છે! એવો હું માર્કંડઋષિ! તે મુને આવી રીતે સાધુ કરીને ગોળા ખવરાવ્યા ને જગતમાં અપમાન સહન કરાવ્યાં! હું તો આ બ્રહ્માંડ લઈને ઊડી જાઉં એવો છું!” પછી અમે કહ્યું જે, “તમે તો એક બ્રહ્માંડનું કહો છો પણ આ સત્સંગમાં તો અનંત બ્રહ્માંડને લઈને ઊડી જાય એવા છે માટે ચાલવા માંડો.” એમ કહીને દેહ મુકાવી દીધો. પ્રભુતાનંદ સ્વામીને દેહથી જીવ જુદો પડી ગયો. પછી તે કહે જે, “અરે મડા પાસે બેસીને કેમ જમો છો?” એમ વઢ્યા ને સેજળવાળો મોનો દવે પણ એમ કહેતો જે, “અરે, બ્રાહ્મણ થઈને આ મડું ઘરમાં પડ્યું છે ને કેમ જમો છો?” તે બજર પાલી પાલી સૂંઘતો પણ તેને આત્મા દેહથી નાંખો દેખાતો હતો, તે માણસીઆ ખુમાણને સત્સંગ કરાવવા સારુ મહારાજે એમ કર્યું હતું. પછી મોનો દવે માંદો થયો ત્યારે તેણે કહ્યું જે, “આજથી આઠમે દિવસ મહારાજ મને તેડવા આવશે.” તે આઠમે દિવસે મહારાજ તેડી ગયા. તે જોઈને માણસીઆ ખુમાણને સત્સંગ થયો. (૪)
પ્રકરણ/વાત: ૮/૨૩૨
કોઈ સારામાં જીવ બાંધવો એ પણ મોટું સાધન છે. ને આ ભેળા બેઠા છીએ પણ કોઈક વેણ લાગે નોખું પડી જવાય ને સંબંધ કેવો છે? જે આપણે તોડશું પણ ભગવાન તોડવા નહિ દે. તે ભરતજીને મૃગના દેહમાં સ્મૃતિ રહી. માટે ભગવાનને અર્થે કર્યું તે એળે જાય નહિ. અરે! આપણે તે શું કરીએ છીએ? પણ જગતમાં આપણાથી કરોડગણું કરે છે પણ તેનું કાંઈ ફળ નથી, વેળુમાં રેડે છે. અને આ તો જાણે-અજાણે ગુણ લીધો હશે ને હાથ જોડી પગે લાગી જાશે, સ્વામિનારાયણ કહ્યા હશે તેને અલૌકિક ફળ વહેલું-મોડું જરૂર મળશે. (૫)
પ્રકરણ/વાત: ૧૦/૯૨
જે વાત હોય તેની અવધિ આવ્યા વિના સુખ કેમ આવે? માટે જે વાત હોય તેનો સીમાડો કાઢવો ને સીમાડો કાઢ્યા વિના સુખ ન આવે. તે સત્સંગીને આજ સીમાડો સુલભ છે; કેમ જે, સર્વોપરી ભગવાન ને સર્વોપરી આ સાધુ તમને મળેલ છે ને સામસામા બેઠા છે ને વાતું કરે છે ને મૂળ અજ્ઞાન કાઢે છે. (૬)
પ્રકરણ/વાત: ૧૧/૭૦
આ સભાનું દર્શન કરે તો પંચ મહાપાપ બળી જાય એવું આ દર્શનનું ફળ છે પણ જીવને આ દર્શનનો મહિમા નથી. એક હરિજને સૌ સાધુને પાકનો અકેકો લાડવો આપ્યો ને મહારાજ ઘોડે ચડી બીજે ગામ જવા તૈયાર થયા. ત્યારે અમે એક સાધુને કહ્યું જે, “તમે અમારા ભેળા મહારાજના ઘોડા સાથે દોડો તો લાડવો આપીશ.” એટલે કહે, “બહુ સારું.” પછી મહારાજના ઘોડા સાથે અમે દોડ્યા તે દર્શન કરતા જાઈએ ને મહારાજ મંદમંદ હસતા જાય. ને અમે તો આડે મારગે ખેતરમાં દોડીએ તે જે આડું આવે તે ટપી જાઈએ પણ દર્શનમાં ખામી આવવા ન દઈએ. એમ ઠેઠ સુધી દર્શન કર્યાં ને ઓલ્યા સાધુ પણ લાડુ સારુ ઠેઠ સુધી દોડ્યા. એવો દર્શનનો મહિમા હોય તો શું ખામી રહે? (૭)
પ્રકરણ/વાત: ૯/૪૬
...ભગુ ઠારે૧ પૈડાંના આરા બેસાડેલ હોય તો તે પૈડું બળી જાય ત્યારે ખસે, તેમ મોટાના ઠરાવ જીવમાં બેસાડેલ હોય તો ખસે નહિ. આ દેહ આજ પડો અથવા ગમે ત્યારે પડો પણ જે મળવાના હતા તે જ મળ્યા, જેને પામવા હતા તેને દેહ છતે જ પામ્યા, માટે આ ભગવાન ને આ સાધુ એના સામું જોઈ રહેવું... (૮)
સુથાર
પ્રકરણ/વાત: ૯/૩૦૬
કુસંગી દેહ મૂકવાનો હોય ને પાસે સત્સંગી હોય તો કુસંગીને જમ લઈ શકે નહિ એવો આ સત્સંગનો પ્રતાપ છે. માટે આ સત્સંગ છે તે તો બ્રહ્મરૂપ ને મહાવિષ્ણુરૂપ છે. (૯)
પ્રકરણ/વાત: ૯/૩૧૩
જે કામ કરવા ગયા ને થયું નહિ ત્યારે જાણવું જે ગયા જ નથી, તેમ આ દેહે કરીને તો ભગવાન ભજવા તે ન થયું તો દેહ હારી ગયા જાણજો. કેમ જે સત્સંગ મળ્યો ને તેવા પ્રગટ ભગવાન અને પ્રગટ બ્રહ્મના સમાગમમાં આવ્યા ને ન સમજાણું તેને તો જાદવ જેવા અભાગીઆ જાણવા. (૧૦)
પ્રકરણ/વાત: ૧૦/૨૧૬