અમૃત કળશ: ૨૯
હેત-સ્નેહ
એક દિવસ બધાને પૂછ્યું જે, “જેને જ્યાં જ્યાં હેત હોય તે કહો.” ત્યારે ઘનશ્યામદાસ કહે, “મારે નાગાજણ સાથે હેત.” ત્યારે મહારાજ કહે, “વસ્તુ કોને આપો છો?” પછી બંધાણા. (૧)
પ્રકરણ/વાત: ૧૩/૮૩
અવળી સમજણ તે શું? જે, ઘરનાં મનુષ્ય સાથે વેર અને પારકાં સાથે હેત. તેનો સિદ્ધાંત જે, મહારાજ અને આ સંત સાથે હેત નહિ અને દેહમાં હેત, એ સમજણ અવળી છે તે મોટા સંત મળે તો સવળી કરે... (૨)
પ્રકરણ/વાત: ૧૩/૧૩૦
સહવાસ થાય તેણે કરીને લગની મોળી પડી જાય છે. સ્વાર્થ વિના હેત રહેવું કઠણ છે. મોટા સંતને સ્વાર્થ વિના હેત રહે છે. તે અપરાધ ગણતા નથી અને ક્ષમા કરે છે. ક્ષમા કરવાને વિષે મોટા સંતને જનની કહ્યા છે. (૩)
પ્રકરણ/વાત: ૧૩/૧૪૭
કોઈનો તિરસ્કાર કરવો કે અહંકાર કરવો તે મહારાજને ન ગમે. લાખ રૂપિયાનું કારજ આદર્યું ને રસોયા સાથે બગાડે તો કારજ સુધરે નહીં, તેમ આ ભગવાન ભજવારૂપ કાર્ય સુધારનારા ભગવદી છે. તે સાથે હેત કરે તો જ કાર્ય સુધરે. (૪)
પ્રકરણ/વાત: ૧૩/૧૯૧
કેટલાક કહે છે જે, પાત્ર જોઈને કહેવું પણ મહારાજ પધાર્યા ત્યારે કોણ પાત્ર હતું? માટે પાત્ર કર્યો થાય ને જ્ઞાન કરે તો જ્ઞાન થાય. જીવ તો બાળક જેવા છે. રસ્તામાં વટેમાર્ગુ છાંયે વિસામો ખાવા બેઠા. ત્યાં છોકરુ કંટાળાની બખોલમાં ગરી ગયું તે નીકળે નહિ ને લેવા જાય તેમ આઘું વહ્યું જાય. પછી માવતર રોવા લાગ્યાં ને છોકરું પણ રાડ્યું નાખે. ત્યારે રસ્તે જતાં એક જણે કહ્યું જે, “ચાર-પાંચ તેના જેવડાં બાળક ગામમાંથી લાવો તો તે બહાર નીકળશે. પછી તેમ કર્યું એટલે નાનાં છોકરાંને રમતાં દેખી રમવા બહાર નીકળ્યું એટલે પકડી લીધું. તે તો દૃષ્ટાંત છે,એનું સિદ્ધાંત તો એ છે જે, માયારૂપી મોટું જાળું છે તેમાં સર્વે જીવપ્રાણીમાત્ર પેસી ગયાં છે તેને બહાર કાઢવા સારુ રામકૃષ્ણાદિક અવતારે કરીને ભગવાને બહુ જ દાખડો કર્યો. તો પણ કોઈ જીવ માયારૂપી જાળામાંથી નીકળ્યા નહિ. પછી મહારાજ પોતાના અક્ષરધામ ને અક્ષરધામના પાર્ષદ સહિત દિવ્ય ભાવ છુપાવીને આ પૃથ્વી ઉપર મનુષ્યદેહ ધરીને પધાર્યા, કહેતાં મનુષ્યને સજાતિ થયા ત્યારે જીવને છોકરાંની પેઠે સજાતિમાં હેત થયું, એટલે માયારૂપી જાળામાંથી જીવ બહાર નીકળ્યા. (૫)
પ્રકરણ/વાત: ૮/૨૬૪
ભગવાનની સ્મૃતિ રાખવી. ક્રિપાનંદ સ્વામી સો સો ક્રિયાયું હોય તો પણ સ્મૃતિ ભૂલે નહિ. આત્માનંદ સ્વામીને વચનનું અંગ તેમ ક્રિપાનંદ સ્વામીને સ્મૃતિ ને વચન એ બે ને વળી ખબરદારી બહું. મહારાજે દેહત્યાગ કર્યો ત્યારે સૌને આજ્ઞા કરેલ જે, “અમારે વાંસે કોઈ દેહત્યાગ કરશો નહિ.” પણ પુંજા ડોડિયાને તો ગળે પાણી ઊતર્યું નહિ તેથી દેહ ન રહ્યો એટલે મહારાજ તેડી ગયા. પણ એવા કેને ઓળખાય? આ સમાગમમાંથી એવું હેત થાય છે તે જે ભણ્યો હોય તે ભણાવે. સ્ત્રીના જેવું હેત પુરુષને પુરુષમાં ન થાય. પણ ક્રિપાનંદ સ્વામીને એવું હેત મહારાજમાં હતું. બીજા નિષ્કુળાનંદ સ્વામી, તેમાં ક્રિપાનંદ સ્વામી અધિક, કાં જે ચિકિત્સા બહુ ને બુદ્ધિ પણ બહુ. સ્વરૂપાનાંદ સ્વામી પણ કોઈને કળાયા નહિ. તે વશરામભાઈનો ઉત્તર કર્યો ત્યારે કળાયા. ભાદરામાં મહારાજ એક મહિના સુધી રહ્યા હતા ત્યારે મહારાજે અમારો મહિમા ઘણો કહ્યો હતો પણ તે અમારાથી અમારું કહેવાય નહિ. (૬)
પ્રકરણ/વાત: ૯/૨૯
આ તો ભેળા રહ્યા છીએ પણ ક્યાં સારા સાધુને જીવ આપ્યો છે? આ તો મળે તે પણ ઉપરથી મળે ને હેત બહુ જણાવે, પણ જેને હેત હોય તેને તો જેમ આખાના બ્રાહ્મણ જેરામ પટેલના દીકરાનો હાથ ભાંગ્યો ને જેરામે ચીસ પાડી તેમ થાય. બે ભાઈબંધ કમાવા ચાલ્યા પણ રસ્તામાં દ્રવ્ય મળ્યું એટલે પાછા વળ્યા ને બપોર વખતે ઝાડ હેઠે વિસામો ખાતા હતા તેમાં એક સૂઈ ગયો હતો તેને સર્પ કરડવા આવ્યો. ત્યારે બીજો તલવાર લઈને આડો ઊભો રહ્યો એટલે સર્પ બોલ્યો જે, “એ મારો શત્રુ છે. મારે એના ગળાનું લોહી પીવું છે.” પછી મિત્ર કહે, “તને એના ગળાનું લોહી આપું તો?” ત્યારે સર્પ કહે, “તો ન કરડું.” પછી તરવારે છરકો કરી ગળું કાપ્યું ત્યાં તે જાગી ગયો ને જોયું તો પોતાનો મિત્ર હતો. એટલે પાછી આંખું વાંચી ગયો ને મિત્રે તો લોહી પાંદડાના પડીયામાં ભરી સર્પને આપ્યું તે સર્પ પીને વયો ગયો. પછી મિત્રે પોતાની પાઘડી ફાડી પાટો બાંધ્યો ને જ્યારે તે ઊઠ્યો ત્યારે ચાલતા થયા. તે બે દિવસ થયા તો પણ પૂછ્યું નહિ. ત્યારે કહ્યું જે, “તારું મેં તરવારે ગળું કાપ્યું તો પણ તું કેમ પૂછતો નથી?” ત્યારે તે કહે જે, “મેં એમ જાણ્યું જે, મારો મિત્ર જે કરતો હશે તે મારું હિત જ કરતો હશે! એમાં શું પછવું?” જેને વિષે હેત હોય તે મર બીજે ગામ રહેતા હોય તો પણ ભેળા થયા વિના રહે જ નહિ. નિષ્કુળાનંદ સ્વામી શેખપાટથી ભાદરે સત્સંગ સારુ આવતા. એમ હેતની વાત છે, પણ આ તો ગરાસિયાના જેવું હેત. તેમાં કાંઈ પાકે નહિ. (૭)
પ્રકરણ/વાત: ૯/૧૪૨
બાયડી રોજ સો ખાસડાં મારે તો પણ અભાવ આવતો નથી. એવી સત્સંગમાં આત્મબુદ્ધિ કરવી. હેત હોય તેનો અવગુણ ન આવે અને કહ્યું મનાય. તે ઉપર વાત કરી જે, એક સાધુને કંપી બાંધતાં આવડે તેથી મોટેરાએ તેને બાંધવા કહ્યું તથા બીજા ઘણાંએ બાંધવા કહ્યું પણ ન બાંધી. પછી અમે શિવાનંદને કહ્યું કે, “તારો ભાઈબંધ કંપી બાંધતો નથી ને બધાને કામ કરતાં ખોટી કરે છે તે તું તેને કહે એટલે બાંધે.” પછી શિવાનંદે તેને કહ્યું જે, “ઊઠ, માળા કોળકા! આવડે છે ને કેમ બાંધતો નથી?” એટલે તુરત ઊઠીને કંપી બાંધી દીધી. (૮)
પ્રકરણ/વાત: ૧૦/૧૦
જગતમાં એક વાર આંટી પડી એટલે ફરી ન બોલે. ને આ તો હંમેશ વઢીએ અને હેત એવું ને એવું, તે શાથી? જે માંહી આંટી નહિ અને મોક્ષ આનાથી જ છે એમ દ્રઢાવ કર્યો છે. (૯)
પ્રકરણ/વાત: ૧૦/૪૮
નેત્ર ઇંદ્રીનું બળ કહ્યું. તે ઉપર એક જણ ભવાયા જોવા ગયો હતો તે મારગ જાય તે સારુ બેસી રહ્યો ને લઘુ કરવા ન ઊઠ્યો ને રાત બધી બેસી રહ્યો ને મૂત્રકચ્છ બંધાઈ ગઈ ને સવારે મરી ગયો. અને દામનગરમાં એક હરિભક્ત બીજા હરિભક્તથી છાનો ઢેઢના તરગાળા જોવા ગયો. તે જોઈને ઘેર આવતાં ચોરે ઝાટકો માર્યો તે ફાંફળ પડી ગયું. તે પછી મોડો મોડો માન્યો. એવું નેત્ર વિષયનું બળ છે. પણ તેવું બળ ભગવાનમાં કરે તો મોક્ષ થાય. તે મહારાજના વિરહથી સચ્ચિદાનંદ સ્વામીને રૂંવાડે રૂંવાડે લોહીના ટશિયા નીકળતા. પણ બ્રહ્મજ્ઞાન નહિ, તે કરતાં પૂંજા ડોડીઆને જ્ઞાને સહિત હેત અને કૃપાનંદ સ્વામીને પણ હેત વધારે ને તેમને જ્યારે મહારાજનાં દર્શન ન થાય ત્યારે હરણને ગોળી વાગે ને પડી જાય તેમ દેહ પડી જાય. તે અમે સતાપરને પાદરે નજરે દીઠું છે. (૧૦)
પ્રકરણ/વાત: ૧૦/૧૦૭