અમૃત કળશ: ૨૮
ગુણગ્રાહક દૃષ્ટિ
... ચોરે આખી રાત ખાતર પાડ્યું પણ કાંઈ વળ્યું નહિ તેથી પાછો વળ્યો. ને બીજે ગામ ભક્તને ત્યાં ભક્ત મહેમાન થયેલ તે આખી રાત જાગરણ કરીને ભજન કરેલ તે પણ પાછલી રાતે ચાલી નીકળેલ, તે રસ્તામાં બન્ને સામસામા મળ્યા ત્યારે ચોરે વિચાર્યું જે, “આ મારી પેઠે ફાવ્યો નથી લાગતો એટલે ઠાલો જાય છે.” ને ભક્તે વિચાર્યું જે, “આણે પણ મારી પેઠે જાગરણ કરી રાત આખી ભજન કર્યું લાગે છે તેથી નેત્રમાં ઊંઘ ભરી છે.” એમ પોતે જેવો હોય તેવો બીજાને જાણે. (૧)
પ્રકરણ/વાત: ૧૦/૧૨૭
આ તો મોટાં કારખાનાં છે. તે સમુદ્રમાંથી ઝેર પણ નીકળ્યું ને અમૃત પણ નીકળ્યું, તેમ આમાં કોઈનું પદાર્થ ઉપાડી લે તેવા પણ હોય, માટે ઝાઝું થયું એટલે લક્ષ જોઈએ. બધા તો સરખા હોય નહિ પણ ગુણ લેવાનો લક્ષ રાખવો. (૨)
પ્રકરણ/વાત: ૧૧/૨૨૭
જેને કાંઈ વધુ વરતવું હોય ત્યારે બીજાનું ઉત્કૃષ્ટ વર્તન હોય તે જોવું ત્યારે વધુ વરતાય. તે નિયમ જોવાં, તેનો ધર્મ જોવો, તેનો સ્વભાવ જોવો ત્યારે વરતાયા વિના રહે નહિ. (૩)
પ્રકરણ/વાત: ૧૨/૧૧
આ લોકમાં કોઈ પદાર્થમાં મોહ ન પામવું ને ક્યાંઈ ન લોભાવું. જ્યારે ઉત્કૃષ્ટ દશાને પામવું હોય ત્યારે જે ખરેખરા એવા હોય તેનો વાદ લેવો પણ ખાઈ ખાઈને ઊંઘી રહે તેનો વાદ ન લેવો. આ લોકમાં પણ જેને ધનવાન થવું હોય તે ધનવાનનો વાદ લે છે પણ જેને ખાવા નથી મળતું તેનો વાદ નથી લેતા... (૪)
પ્રકરણ/વાત: ૧૩/૧૯૭