અમૃત કળશ: ૨૭
સકામ-નિષ્કામ
... પણ જીવ તો ભગવાન પાસે ય સેવા કરાવે એવા છે. પ્રાર્થના કરે તો પણ એવી જે,
તારી વાડી તું ધણી લીલી રાખે નાથ;
બળતામાંથી ઉગારજે ને આડા દેજે હાથ!
એમ પ્રભુ રાજી ન થાય. (૧)
પ્રકરણ/વાત: ૯/૫૭
જેવું પ્રહ્લાદને માગતાં આવડ્યું એવું ધ્રુવને માગતાં ન આવડ્યું, પણ માલકમ સાહેબને માગતાં આવડ્યું. રાજકોટમાં મહારાજ ચાર બોરડી વચ્ચે તાંબુમાં ઊતર્યા હતા તે વખતે મુંબઈના માલકમ સાહેબ રાજકોટમાં આવ્યા હતા, તેમણે મહારાજને દીઠા એટલે ટોપી ઉતારી પગે પડ્યા. ને વાતચીત કરી ઉતારે પધાર્યા ને મહારાજને પુછાવ્યું જે, “તમને અમારે બંગલે પધરાવવા છે તે સાધુની રીતે તેડાવીએ કે રાજાની રીતે તેડાવીએ?” મહારાજ કહે, “સાધુની રીતે આવશું.” પછી સાહેબે હુકમ કર્યો કે, “સ્વામિનારાયણનાં જેટલાં માણસ હોય તે બધાને આવવા દેજો.” પછી મહારાજ સંત ને હરિજન સહિત પધાર્યા. તે બીજા તો વાટ જોતા હતા જે સ્વામિનારાયણને પકડી રાખશે ને શુંયે કરશે ત્યાં તો સાહેબે સન્માન કર્યું ને મહારાજને પગે લાગી પ્રાર્થના કરી જે, “અમારા ને અમારા શત્રુના અચ્છા કરીઓ.” ત્યારે મહારાજે સાહેબના વખાણ કર્યાં. પછી સાહેબ કહે, “મહારાજ, તમારી કીતાબ આપશો?” એટલે મહારાજે શિક્ષાપત્રી આપી તે સાહેબે ત્રણ વાર માથે ચડાવી. પછી દાદા ખાચરે સાહેબને ઘોડો ભેટ આપવા માંડ્યો ત્યારે સાહેબે દાદા ખાચરને કહ્યું જે, “દાદા ખાચર, તમે સ્વામિનારાયણને તમારે ઘરે રાખ્યા છે તે તમે અમને એવા હજાર ઘોડા આપ્યા એમ અમે માનીએ છીએ. અમારે ઘોડાની જરૂર નથી.” પછી મહારાજ ઉતારે પધાર્યા. આવી રીતે માગતાં પણ કેટલાકને આવડે નહિ. ધ્રુવે અચળ પદવી માગી પણ જ્ઞાન થયું ત્યારે પસ્તાવો થયો. (૨)
પ્રકરણ/વાત: ૯/૧૫૭
સકામ ન થાવું, ખરેખરા નિષ્કામ ભક્ત થાવું. પણ કોઈને છોકરો જોઈએ છે, કોઈને બાયડી જોઈએ છે, કોઈને લાંબી ડોકવાળો સાંઢિયો જોઈએ છે, કોઈને મેડી જોઈએ છે, કોઈને રૂપિયાનો ઢગલો જોઈએ છે, એ સર્વે સકામપણું કહેવાય. (૩)
પ્રકરણ/વાત: ૯/૨૨૮
સત્સંગમાંથી કાંઈ લેવું એવી જેને લાલચુ પ્રકૃતિ છે તેનો તો સત્સંગ રહેવાનો નહિ માટે ખબડદાર રહેવું. (૪)
પ્રકરણ/વાત: ૧૩/૨૯
શામજી ભક્તે પૂછ્યું, “મોટા આવી વાતુ કરવા મંડે તો દેહનું પ્રારબ્ધ કાંઈ ઓછું થાય કે નહિ?” ત્યારે કહે, “વાત તો એમ છે જે, શૂળી લખી હોય તો કાંટેથી મટે છે, તથાપિ દેહ કે માયિક પદાર્થની ઇચ્છા ન રાખવી. એવી ઇચ્છા રાખે તો સકામ કહેવાય. જીવ કેવો છે જે, ભગવાન એક દુઃખ મટાડે તો વળી બીજું દુઃખ મટાડવા ઇચ્છે. અને બધાં દુઃખ મટી જાય તો કહેશે જે, ‘એક સારી અને કહ્યાગરી સ્ત્રી મળે તો સારું!’ એમ ભગવાન પાસે આ દેહની જ સેવા કરાવવી નહિ. પ્રારબ્ધ ભોગવવાનું આ મનુષ્ય દેહરૂપ કેદખાનું છે અને પોતાનું શ્રેય ન કર્યું તે જીવને આત્માના ખૂનની મરણ રૂપ ફાંસી છે. અને જો તેમાં પ્રગટ ભગવાન કે પ્રગટ સંતની ઓળખાણ થાય અને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગે સહિત ભગવાનની ભક્તિ કરે તો જન્મમરણ ટળી જાય...” (૫)
પ્રકરણ/વાત: ૧૩/૫૧
રાજા રાજી થાય ત્યારે રાજા પાસે ડુંગળી માગે તેમ જીવ છે તે ભગવાન અને સંત પાસે વિષય માગે છે. ભગવાનની નજરમાં પ્રકૃતિપુરુષ સુધીના લોક નરક જેવા છે, તે તેવાં સુખ આપવા ભગવાનને પોતાની સેવામાં રખાવે છે એવી જીવની વિપરીત ભાવના છે. (૬)
પ્રકરણ/વાત: ૧૪/૨૦૮