અમૃત કળશ: ૨૬
સાંખ્યવિચાર
નોતરું તો એક પ્રભુનું જ ખરું છે, તે નોતરું આવશે ત્યારે હજારું નાત્ય જમતી હશે પણ આપણે કામ નહિ આવે. (૧)
પ્રકરણ/વાત: ૮/૬૯
દામોદરને કાંઠે કરોડું માણસ બાળ્યાં પણ વેંત ધરતી ચડી નથી. માટે બે દિવસ જીવવું તેમાં પ્રભુ ભજી લેવા. આ તો ગાડે ઉચાળા છે... (૨)
પ્રકરણ/વાત: ૮/૧૫૯
વિષયનું બળવાનપણું બહુ છે. એક જણ વડની વડવાઈ ઝાલીને મધનાં ઊંચેથી ટીપાં પડતાં હતાં તે મોઢામાં લેતો ને બે ઉંદરડાં તે વડવાઈ કાપતા હતા. પછી એક સાધુએ રસ્તે ચાલતાં કહ્યું જે, “હમણાં કૂવામાં પડીશ,” ત્યારે કહે જે, “આ બે ટીપાં તો લઈ લઉં!” ત્યાં તો પડ્યો કૂવામાં. તેમ મોહે કરીને મધમાં ટીપારૂપી સંસારનાં સુખ લેવા જાય છે ત્યાં રાત દિવસરૂપી ઉંદરડા આવરદા કાપી નાખે છે, એટલે સંસૃતિરૂપી અંધ કૂવામાં પડે છે. (૩)
પ્રકરણ/વાત: ૮/૧૭૭
એક જણને ૩૬૦ કેડિયાં હતાં. લોકની મોટાઈમાં હરિભક્તને તણાવું નહિ. આપણે તો મોટા મોટા આગળ થઈ ગયા તેના મારગમાં ચાલવું. ભગવદી હોય તેને દેહ સામી નજર ન હોય. બીજા તો દેહને જોઈને બેઠા છે પણ દેહ આવું ને આવું ક્યાં સુધી રહેશે? દેહ તો સડી જાશે કાં રોગ થાશે ત્યારે જીવ જાશે. માટે ભગવાન સામું જોઈને ભગવાનને અર્થે આ દેહ કામ આવે એટલું જ કામ આવ્યું ને બીજું તો સર્વે વ્યર્થ ગયું. સાંખ્ય શીખ્યા વિના જીવમાં સુખ આવે નહિ. સાંખ્ય વિના તો છોકરો મરે કે બાયડીનું ટુંટિયું આવે કે વરસાદ ન વરસે તો દુઃખ થાય, પણ દત્તાત્રયની પેઠે ગુરુ કરે તો કાંઈ ન હોય તોય સુખિયો રહે. (૪)
પ્રકરણ/વાત: ૮/૧૯૨
“બુદ્ધિ ઘણી હોય ને સર્વે પ્રકારનું જ્ઞાન હોય પણ દેહમાંથી પ્રીતિ તોડ્યા વિના ભજન થાય નહિ. આ જીવ આંહીં ઘોઘલો કરીને બેઠો છે પણ આંહીં તો નહિ રહેવાય, નહિ રહેવાય,” એમ ઢીંચણે તાળી દઈ ત્રણ વાર કહ્યું. (૫)
પ્રકરણ/વાત: ૯/૧
... ગોંડળવાળા હઠીભાઈએ બંધિયાવાળા ડોસાભાઈને મહારાજને દર્શને જાવા દીધા ને કહ્યું જે, “મારું મહારાજને પૂછજો જે મારે શું કરવું?” પછી મહારાજને પૂછ્યું તો કહે, “હઠીભાઈને કહેજો જે, વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું.” (૬)
પ્રકરણ/વાત: ૯/૩૨
... ફૂલ સાંજે કરમાઈ જાય છે તેમ પદાર્થનાં પરિણામ વિચારે તો તેમાં મન ન તણાય... (૭)
પ્રકરણ/વાત: ૯/૭૨
સત્સંગ વિના શું લઈ જાઈએ એવું છે? દેહમાંથી તો જરૂર નીકળવું પડશે, માટે જીવમાં ભગવાન રાખવા. પણ જેટલી આસક્તિ તેટલી સ્વપ્નમાં આવે ને દેહ તો અંગરખા જેવું છે. ધૂળનાં ઘોલકાં કરે, ગારાની ગાય કરીને દોવે ને ધૂળમાં લઘુ નાખી લાડવા કરે ને જેવો આનંદ માને તેવો એકાંતિકની દૃષ્ટિએ આ લોકનો આનંદ છે. ભગવદી હોય તેને એમ વિચાર કરવો જે ધન, જોબન ને આયુષ તે વીજળીના ઝબકારા જેવું છે, તે ન સૂઝે પણ કાળ મેલે એમ નથી. ઉંદરને બિલાડી ઝાલી જાય છે તેમ કાળ પકડી જાશે.૧
કડાં વેઢ વીંટી મોતી પેર કાને, મહા જોર સે મૂછ મરોડતા હે,
ચલે દેખતા આપની છાંયડીકું, ટેડી પાઘ બાંધી તાન તોડતા હે,
તન અત્તર, તેલ ફૂલેલ લગાવત, નેહ ત્રિયાસંગ જોડતા હે;
બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે, દેખ કાલ કીસીકું ન છોડતા હે.
ચહુ દેશ મેં આણ ચલાવતા હે, ઘરું દાણ આવે વાટઘાટકા હે,
અરું બાગ કિલા મહલાત બનાવત, ખેલ ત્રિયા સંગ ખાટકા હે,
ભાત ભાત કે ભોજન થાલહુમેં, તામે વીસ પચીસેક વાટકા હે;
બ્રહ્માનંદ કહે દેખ વિચાર પ્યારે, સબે કાલકી એક થપાટકા હે.૨ (૮)
૧. विद्युच्चलं किं धनयौवनायुर्दानं परं किं च सुपात्रदत्तम् । कंठागतैरप्यसुभिर्नकार्यं किं किं विधेयं मलिनं शिवार्चा ॥
૨. સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી રચિત ‘ઉપદેશકો અંગ’ - કીર્તન મુક્તાવલી ભાગ ૧
પ્રકરણ/વાત: ૯/૭૪
અર્વ ખર્વ વલું ધન હે, ઉદય અસ્ત મેં રાજ;
તુલસી હરિકી ભક્તિ બિના, સબે નર્કકો સાજ.
ગમે એટલું દેહને સાચવે પણ બળીને ભસ્મ થાશે. આ લોકનાં સુખ લેવાં છે એવું ચિંતવન થયા કરે છે પણ ભગવાનના આકારનું ચિંતવન ક્યાં થાય છે? આપણે જમપુરી નહિ પણ માથે જન્મ-મરણ તો રહ્યું ત્યારે શું બાકી રહ્યું? કુંભીપાક જેવો ઘોર નર્ક બીજો એકે નથી,૧ પણ જ્યારે ગર્ભવાસમાં આવ્યો ત્યારે કુંભીપાક ભૂલી ગયો. પણ ગર્ભવાસની આગળ જમપુરી શી ગણતીમાં? માટે ગર્ભવાસમાં ન આવવું પડે એમ વર્તવું. (૯)
૧. कुम्भीपाकं समं घोरं नरकं नैव विद्यते । पतितोऽस्मि पुरा तत्र गर्भवासस्ततोधिकः ॥
પ્રકરણ/વાત: ૯/૯૨
કલ્પે સંપત્ત ન નિપજે કલ્પે વિપત્ત ન જાય;
તુલસી સ્વભાવ જીવનો કલ્પ્યા વિના ન રહેવાય.
ગમે તેટલા રૂપિયા થાય તો પણ કલ્પના મટે નહિ ને જેને અર્થે કલ્પના કરીએ છીએ તે દેહ તો રહેશે જ નહિ. માટે આ દેહે કામ સાધી લેવું. (૧૦)
પ્રકરણ/વાત: ૯/૧૯૫