અમૃત કળશ: ૨૫
સ્વાર્થ
સંબંધી સર્વેને કેવળ સ્વાર્થનું હેત છે. તે ઉપર વાત કરી જે, કણબીને છોકરે સાધુને કહ્યું જે, “મારાં માવતરને મારે વિષે મરી મટે એવું હેત છે.” ત્યારે વિજ્યાત્માનંદ સ્વામીએ કહ્યું જે, “સ્વાર્થીયું હેત છે, સાચું ન હોય.” ત્યારે છોકરે કહ્યું જે, “ના મહારાજ, ખરેખરું હેત છે.” ત્યારે વિજયાત્માનંદ સ્વામી કહે જે, “તું ખોટે ખોટે માંદો થાજે, પછી અમે આવશું એટલે જેમ હશે તેમ બતાવી દેશું.” પછી તે છોકરો માંદો થયો એટલે તેના માવતર ઓષડ કરવા લાગ્યાં ને કહે જે, “ભાઈ તને રોગ થયો તે અમને કાં ન થયો?” એમ કરતાં હતાં ત્યાં સાધુ ગયા ને પૂછ્યું જે, “કોણ સૂતું છે?” ત્યારે કહે જે, “અમારા દીકરાને કાંઈક ચોઘડિયું ભજી ગયું તે આવતાં વેંત ભૂટ પડી ગયો ને બોલતો નથી. ઘણા ઉપાય કર્યા, ફકીર તેડાવ્યા, દાણા નખાવ્યા, પણ કાંઈ કારી લાગતી નથી.” પછી સાધુ કહે, “કહો તો અમે સાજો કરીએ.” તો તે કહે જે, “તો તો તમારા જેવા કોઈ નહિ.” પછી સાધુએ દૂધ મંગાવ્યું ને માંહીં સાકર નખાવીને સાત વાર તેને માથેથી ઉતાર્યું. પછી કહે, “આ દૂધમાં મોત આવ્યું છે માટે જે કોઈ આ પીએ તે આને સાટે મરે ને આ છોકરો જીવતો થાય.” પછી તેના બાપને કહ્યું જે, “તમે ખાઈપી ઊતર્યા છો માટે પી જાઓ.” ત્યારે તેના બાપે પીવાની ના પાડી ને કહે, “મેં મરાય નહિ.” પછી તેની માને પુછાવ્યું તો તે કહે જે, “હું તો રેંટિયો કાંતીને પેટ ભરીશ પણ મરાય નહિ, ભાઈ.” પછી તેની સ્ત્રીને પીવા કહ્યું ત્યારે તે કહે જે, “હું તો ઘરઘી જાઈશ. મારે શું કામે પીવું પડે?” પછી તેની બેનને કહ્યું તો કહે, “હું તો મારે સાસરે જાઈશ. મારે એનો કમખો જોઈતો નથી.” એમ રૂડી રીતે સૌએ ના પાડી. ત્યારે વિજયાત્માનંદ સ્વામી કહે, “કહો તો અમે પી જઈએ.” ત્યારે કહે, “અહો! અહો! મહારાજ, તમે તો પ્રભુના ઘર છો. તે તમે પી જાઓ તો તો બહુ ઠીક!” પછી સાધુ તે દૂધ પી ગયા ને છોકરાને કહે, “ઊઠ, થા બેઠો!” એટલે તે તરત બેઠો થયો ને કહ્યું જે, “તમે તો મને મુવો વાંચ્યો હતો ને સાધુએ જીવાડ્યો છે માટે હું તો એના ભેળો જાઈશ.” એમ કહી સાધુ ભેળો ચાલી નીકળ્યો. તે વૈરાગ્યવાનની એવી કળાયું હોય. ને જગતનું સ્વાર્થીયું હેત છે પણ તે ખરે ટાણે ખબર પડે. (૧)
પ્રકરણ/વાત: ૮/૪૩
આપણે હેતે પેટ કૂટીએ છીએ પણ લોકોને તો કેવળ સ્વાર્થની વાત છે. આપણો સંબંધી હોય ને મહેમાન થયો હોય ત્યારે જારનો રોટલો ને મીઠાનો કાંકરો મૂકો તે ખાતાં ખાતાં સો ગાળું દે ને બહાર જઈને વાંકુ બોલે જે, વાંસે છોકરા અકરમી થયા તે આવ્યા ગયાને સાચવતા નથી ને બાપની આબરૂ ખોવે છે. ત્યારે આંબાભક્તે સાહેદી પૂરી જે, “હા સ્વામી, મારે એમ થયું હતું. મેં એક વાર મહેમાનને જારનો રોટલો આપ્યો એટલે ગાળો દીધી.” અખો જેવાં તેવાં લૂગડાં પહેરીને હવેલીએ દર્શને ગયો ત્યારે કોઈએ પેસવા દીધો નહિ. પછી વળતે દિવસે સારાં લૂગડાં પહેરીને ગયો ને સાકરનો પડો, નાળિયેર ને રૂપિયો ઠાકોરજી આગળ મૂક્યો, એટલે સન્માન કર્યું ને પ્રસાદ તથા ઉપણો આપ્યો. એટલે અખો કહે જે, “ઈ બધું ઓલ્યા રૂપિયા પાસે ધરો! હું તો કાલે આવ્યો હતો તે ધકો મારીને કાઢી મેલ્યો હતો. ને આજ તો ઓલ્યા રૂપિયાને સન્માન છે!” એમ સારાં લૂગડાં પહેરીને આવે તેને સૌ આદર આપે, એ લોકની મોટાઈમાં લેવાણા કહેવાય. લૂગડાં સારાં ન હોય પણ ભગવદી હોય તેને કોઈ બોલાવે ય નહિ. તે શું જે ભગવાનનો ખપ નથી પણ દ્રવ્ય સામી નજર છે. (૨)
પ્રકરણ/વાત: ૮/૨૮૧
કોઈ માળા ફેરવ્યાનું કહેતું નથી. પણ લાવો રૂપિયા, ઘડાવો ઘરેણાં ને ચણાવો મેડીયું, એમ ભગવાન ભજવા તેમાં જીવના સંત વિના કોઈ મિત્ર નથી. બીજા તો ભેંસનો વાંસો થાબડે છે તેમ સ્વાર્થમય છે... (૩)
પ્રકરણ/વાત: ૯/૨૧૪
લોકને કેવળ સ્વાર્થની વાત છે. ને એમ ન હોય તો ઘર વચ્ચે ખાટલો ઢાળીને સૂવે ને પછી જો કોઈને હેત રહે તો અમને કહેજો. ને આ તો સૌનું ગમતું રાખીએ છીએ ત્યારે સૌને હેત રહે છે. તે શિવલાલે અમને કહ્યું જે, “મુંબઈ જવું હોય તો ભાતું કરી દે ને સૌ રાજી થાય ને અહીં જૂનાગઢ આવીએ તો સર્વે કચવાય ને ભાતું ન કરી દે.” માટે આપણે એટલો સિદ્ધાંત કરવો જે, થોડોઘણો આળાલુંભો રાખવો ને સિદ્ધાંત તો પરમેશ્વર ભજવાનો રાખવો. ને આવા સાધુ કહેનારા નહિ મળે ને મરી તો જરૂર જવાશે. ને વરઘોડે ચડ્યો હતો, લાખ રૂપીઆનો વરઘોડો શણગાર્યો હતો, પણ પાલખીમાંથી ઊતરીને લઘુ કરવા બેઠો ને સર્પ કરડ્યો તે ત્યાં જ મરી ગયો. તે ગાતાં હતાં તે જ રોવા લાગ્યાં ને રાગ બદલ્યો. પતિવ્રતા શેઠાણી હતી તે તેના ધણીની સેવા કરતી હતી ત્યાં બ્રાહ્મણ માગવા આવ્યો ને બધું જોયું. પછી તે સ્ત્રી બધી સેવા કરી રહ્યા પછી લોટ આપવા ગઈ ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, “આ બધો સામાન આપો તો મારી સ્ત્રી આગળ આવી સેવા કરાવું.” પછી કરાવવા ગયો ત્યાં કળશીઓ ભરેલ માર્યો. “આવા ચાળા ક્યાંથી શીખી લાવ્યો છો?” તે કપાળમાં કળશીઓ વાગ્યો. (૪)
પ્રકરણ/વાત: ૧૦/૧૭૭
... પૈસાનો હિસાબ સૌ લે પણ માનસી પૂજા કરી ન કરી તેનો હિસાબ કોઈ લે નહિ. માટે જગતમાં તો કેવળ સ્વાર્થની સગાઈ છે. (૫)
પ્રકરણ/વાત: ૧૧/૩૫૮
... એક ડોસીએ તેના માંદા દીકરાને પૂછ્યું, “જમ કેવા હોય?” તો કહે, “પાડા જેવા હોય.” પછી રાત્રે બે પાડા ફરતા ફરતા તે ડોસીના ફળિયામાં ઉકરડો હતો ત્યાં આવ્યા ને ખાતર ઉડાડવા લાગ્યા. પછી ડોસી ઓસરીમાં સૂતી હતી તેને ખાટલે પાડો માથું ઘસવા લાગ્યો ત્યાં શીંગડું પાંગતમાં ભરાણું ને ખાટલો ઢરડાણો તે ડોસી જાણે પાડા રૂપે જમ આવ્યા તે બીની એટલે લઘુ ને ઝાડો નીકળી ગયાં ને કહે, “ભાઈ, માંદાનો ખાટલો તો ઘરમાં છે ત્યાં જવું હોય તો જાઓ ને હું તો ઘરડી ડોસી છું. મને શું કરશો? હુંમાં કાંઈ નથી.” એમ સંબંધીનું હેત પણ કપટનું છે, પણ તેની ખરે ટાણે ખબર પડે. માટે એમાં રહીને પ્રભુ ભજી લેવા. (૬)
પ્રકરણ/વાત: ૧૫/૩૨
.... સાધુ સમાગમ કરે કે ભગવાનને માર્ગે ચાલે ત્યારે સંબંધી કહેશે જે ‘બગડ્યો’ ત્યારે એમ વિચારવું જે, ‘આમાં બગડ્યું તે શું?’ પણ તેનો સ્વાર્થ ગયો તે માટે ‘બગડ્યો બગડ્યો’ એમ કહે છે. સૌને પગનું ખાસડું કરવું છે તે ખાસડું થઈને રહો તો કહે જે, “આ સારો” ને ખાસડું મટો તો કહેશે જે, “બગડ્યો.”... (૭)
પ્રકરણ/વાત: ૧૫/૧૨૪