અમૃત કળશ: ૨૪
લોભખંડન
પચીશ હજાર આવ્યા ત્યારે બે હજાર આપ્યા, એ તો સકામપણું કહેવાય. એક નાગરે રૂપિયા સારુ માનતા કરેલ. પછી રૂપિયા મળ્યા એટલે મહાદેવજીને માથે ચડાવ્યા ને માનતા પૂરી કરી. પછી કહે, “આ તમારા સેવકનાં છોકરાં છે તે તમારા પોઠિયા છે તેને આપો.” એમ કહી ઢગલામાંથી ખોબા ભરીભરીને છોકરાંને આપ્યા. પછી કહે, “આ તમારી સેવકાણી છે તેને આપો.” એમ કહી તેની સ્ત્રીના ખોળામાં ખોબા ભરીભરીને નાખ્યા. પછી કહે, “હું તો તમારો સેવક છું તે મનેય તમારી પ્રસાદી જેઈએ ને!” એમ કહી બધા પોતે ઉહરડી લીધા ને માનતા કરીને વયો ગયો, એવું દ્રવ્યનું બળવાનપણું છે. માટે એમાં જ્ઞાનીને૧ આત્મા કહ્યો છે ને ત્યાં ગાડાં છોડવાં છે. માટે સત્શાસ્ત્રનું વ્યસન રાખવું ને ન રાખે તો જાડ્યતા આવી જાય. (૧)
૧. उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतः । आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥
પ્રકરણ/વાત: ૮/૨૦૮
મહંત માત્ર મોતે નથી મુવા. એક વખત અમે ફળિયું વાળતા હતા ત્યાં તરણેતરના બાવાએ આવી પૂછ્યું, “મહંત ક્યાં છે?” અમે કહ્યું, “ધર્મશાળામાં જાઓ, ત્યાં આવશે.” અમે લૂગડાથી શરીર ઝાટકીને ધર્મશાળામાં જઈ આસન ઉપર બેઠા ત્યારે બાવો કહે, “આ તો વાળતા હતા તે!” અમે કહ્યું, “અમારામાં વાળે તે મોટો કહેવાય છે.” પછી ઝોળી ઉતરાવીને અમે તેને અમારી પૂજા દેખાડી તેમાં લાકડાનું તીલકીયું ને ચંદન ઘસવાની કાચલી પણ કાંઈ ધાતુ નીકળી નહિ. ત્યારે અમે કહ્યું, “અમારી પાસે કાંઈ દ્રવ્ય નથી તો ચાળીશ વરસથી ગાદીએ ટક્યા છીએ ને ઘરડા થયા છીએ, પણ દ્રવ્ય રાખતા હઈએ તો ચેલા પાર પાડી દે. તમારા મહંત દ્રવ્ય રાખે છે તો મોતે નથી મુવા. તમેય ત્યાગી ને અમેય ત્યાગી! પણ સુખ તો જે દ્રવ્ય નહિ સંઘરે તેને આવશે.” (૨)
પ્રકરણ/વાત: ૮/૨૧૫
કોઈ જીવને પ્રભુ સાથે વેર નથી. પણ લોભ, કામાદિક શત્રુ છે તે કામ બગાડી દે છે. અક્રૂરને જ્યારે લોભ આવ્યો ત્યારે મણિ લઈને ભાગી ગયો. જબર શેઠને લોભ આવ્યો તેમાંથી ભૂંડું થયું. તે એક દિવસ દર્શને આવ્યો ત્યારે ઊનાના શેઠનો ચંદનહાર ઠાકોરજીને ધરાવેલ તે જોઈ કહ્યું જે, “બ્રહ્મચારી મહારાજ, આ પ્રસાદી દ્યો.” એટલે બ્રહ્મચારીએ ગુલાબનો પ્રસાદીનો હાર દેવા માંડ્યો તો કહે, “નહિ, ઓલ્યો હાર દ્યો.” પછી અમે ગયા ને કહ્યું જે, “તેના ધણી તો આચાર્યજી મહારાજ છે, તેને કાગળ લખી આજ પુછાવશું ને તે કહેશે એટલે આપશું.” ત્યારે કહે, “ઠીક.” એમ કહી ઘરે ગયા ને અમે બ્રહ્મચારીને ઠપકો દીધો જે, “પહેરાવવાની ના પાડી હતી તો પણ તમે આડે દિવસે પહેરાવ્યો તો આ ફળ નીકળ્યું.” પછી રૂપશંકરે કહ્યું જે, “એ તો આંહીંનો દીવાન છે ને જબરો છે તે લીધે રહેશે. કેમ થાશે?” ત્યારે અમે કહ્યું છે, “ત્રીજે દિવસે ફળ મળશે.” પછી ત્રીજે દિવસે તે નવાબના વાંકમાં આવ્યો ને તેના ઘર ઉરપ તોપું મંડાણી. એમ લોભનું ફળ મળ્યું... (૩)
પ્રકરણ/વાત: ૯/૨૦૮
ગૃહસ્થને રૂપિયા જોઈએ છે, તે ઘરમાં બાજરો નથી એમ નથી. નરસી દવેનાં ભાઈ ગુજરી ગયા એટલે નરસી દવેએ તેમની ભોજાઈ રુકમાઈને ભાગ આપ્યો નહિ. પછી રુકમાઈએ મહારાજને કહ્યું જે, “નરસી દવે મારો ભાગ આપતા નથી.” ત્યારે મહારાજ કહે, “ધર્મમાં વાપરો ને બ્રાહ્મણ જમાડી દ્યો તો અમે અપાવીએ.” ત્યારે રુકમાઈ કહે, “બહુ સારું, મહારાજ. નરસી દવે પાસેથી મારો ભાગ તમે લ્યો તો હું તમને અર્પણ કરું છું.” પછી મહારાજે નરસી દવેને કહ્યું જે, “અમારે બ્રાહ્મણ જમાડવા છે તો મોદીખાનું તમારે ત્યાં રાખશો?” ત્યારે કહે, “બહુ સારું, મહારાજ. જેટલું જોઈએ તેટલું મંગાવજો.” પછી મહારાજે સભામાં વાત કરી જે, “અમારે મેઘપરની ચોરાશી કરવી છે પણ બળતણ નથી,” ત્યારે સુતાર સભામાં બેઠો હતો તે કહે, “મહારાજ, બળતણ હું આપીશ.” પછી ચોરાશીનાં નોતરાં દીધાં એટલે સુતાર મોટો જૂનો વડ હતો તે કાપી આવ્યો ને લાકડાં પૂરતો ગયો ને મહારાજે ઉપરાઉપર ચોરાશી કરીને બ્રાહ્મણોને જમાડવા માંડ્યા. ત્યારે નરસી દવે રાજી થયા જે, ‘આપણે ખૂબ કમાણી થાશે,’ પણ જ્યારે બ્રાહ્મણો લાડવા ખાતા આળસ્યા તે રાંધવાની ના પાડી ત્યારે મહારાજે બ્રાહ્મણો પાસે નરસી દવેની જય બોલાવી, એટલે નરસી દવે કહે, “મારી જય શેની? મેં ક્યાં જમાડ્યા છે?” ત્યારે મહારાજ કહે, “તમારા ભાઈનો ભાગ રુકમાઈબાઈએ અમને અર્પણ કરેલ છે તેના ભાગમાંથી આ બ્રાહ્મણોને જમાડ્યા છે તેથી તમારી જય બોલાવી ને તમને ન ગમતું હોય તો રુકમાઈબાઈની જય બોલીએ.” ત્યારે નરસી દવેને મનમાં થયું જે, “કાળો કરસનિયો છેતરી ગયો!”... (૪)
પ્રકરણ/વાત: ૯/૨૩૫
લોભિયાને રૂપિયો ભાંગવો પડે ત્યારે જીવમાં અરરર, અરરર થાય. એક પૂરબિયો રૂપિયો મૂઠીમાં રાખીને બજારે કાંઈક લેવા જતો હતો ત્યાં હાથમાં પરસેવો વળ્યો ત્યારે જાણ્યું જે, “હું બજાર લેવા જાઉં છું તેથી આ રુવે છે, જે મને ક્યાંક દઈ દેશે.” પછી તે પૂરબિયો રૂપિયાને ભીનો જોઈને બોલ્યો જે, “મત રો! મત રો! હમ તુમકો નહિ છોડુંગા!” એમ કહી કાંઈ લીધા વિના પાછો ઘરે વયો ગયો. તેમ લોભિયાથી ચમડી તૂટે પણ દમડી ન છૂટે. (૫)
પ્રકરણ/વાત: ૯/૩૧૮
એક હરિજને ગોંડલના વિઠ્ઠલજી મારફત સાધુને ફરાળ અપાવ્યું તે સાધુને કડવાં કોઠીંબા લાવી આપી રૂપિયા ઘરમાં મૂક્યા તે પાપે ભૂત થાવું પડ્યું. (૬)
પ્રકરણ/વાત: ૧૦/૬૫
ઘરમાં રૂપીઆ હોય ને સુખે વહેવાર ચાલતો હોય તો પણ હૈયું પછાડવું એ અજ્ઞાન ભારે છે. મહારાજ પાસે એક બાઈ બધા રૂપીઆ ન માની ને પાંચ હજાર માની. તે ધાડું પડ્યું ને રૂપીઆ વીશ હજાર ચોર લઈ ગયા ને પાંચ હજાર રહ્યા. એમ મહારાજ પાસે પણ સાચું ન બોલી. એવું રૂપીઆનું પાપ છે. (૭)
પ્રકરણ/વાત: ૧૦/૧૬૧
રૂપીઆમાંથી જીવને ઊખેડવો એ તો કામ ભારે છે. તે ઉપર મોના પંડ્યાની વાત કરી જે, તેણે કુલડામાં રૂપીઆ દાટેલ, પણ માંદો થયો ત્યારે બોલી શકે નહિ એટલે સાન કરી બીજાને બતાવે. પછી તેણે બતાવ્યું ત્યાં ખોદ્યું તો તેમાંથી રૂપીઆના બે કુલડા નીકળ્યા. પછી લાંબા હાથ કરી માગી લીધા અને પડખે એકેકો મૂક્યો ને બોલ્યો જે, “હે મારી માતાજી, મેં તુને ન ખાધી! તેં મને ખાધો!” એમ બે ચાર વખત બોલી દેહ મૂકી દીધો. (૮)
પ્રકરણ/વાત: ૧૦/૧૮૨
... જેને સ્ત્રી, ધનમાં રાગ હોય તે સ્ત્રી, ધનવાળાને સુખી જાણે. તે ત્યાગીમાં ને ગૃહસ્થમાં સર્વ ઠેકાણે જાણવું તે એક જણો બોલ્યો જે સર્વ વાત દ્રવ્યમાં રહી છે.
यस्यास्तिवित्तं स नरः कुलीनः स पंडितः स श्रुतवान्गुणज्ञः ।
स एव वक्ता स च दर्शनीयः सर्वेगुणाः काङ्चनमाश्रयन्ते ॥
માટે ગુણ ન હોય પણ દ્રવ્યવાળાને સહુ ગુણવાન લખે છે. (૯)
પ્રકરણ/વાત: ૧૨/૫૩
... આ ગોદડી છે તે ઓઢીએ તો ટાઢ જાય પણ શાલ હોય તો કોઈ લઈ જાય પણ ગોદડી કોઈ લે નહિ. તેમ ગૃહસ્થને પણ તેમાં દુઃખ જોવું. તે શું જે, ધોળેરામાં ધાડું પડ્યું તે રૂપિયા ઉપર પડ્યું હતું પણ કોળીના કૂબામાં ન પડ્યું. માટે જેને આંખ્યું હોય તે દેખે તેમ જેને જ્ઞાન હોય તે દુઃખ દેખે. (૧૦)
પ્રકરણ/વાત: ૧૨/૧૧૦